શિવકવચ - 6 Hetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવકવચ - 6

સવારે તાની ઉઠીને તૈયાર થઈને નીચે આવી. આજે તેનો જન્મદિવસ હતો.એનાં દાદી પૂજારૂમમાં પૂજા કરી રહ્યાં હતાં.તાની એમને પગે લાગવા પૂજારૂમમાં ગઈ. દાદીને પગે લાગી.
"જુગ જુગ જીવો મારી લાડલી .ભગવાન તારી સૌ મનોકામના પૂરી કરે." દાદીએ આશીર્વાદ આપતાં એનાં મોઢામાં કૃષ્ણનો પ્રસાદ માખણ મીસીરી ખવડાવી.
" પગે લાગ ભગવાનને ."દાદી બોલ્યાં.
તાની પગે લાગી. એકદમ એ ગણગણી
"કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિ.'
"તાની તને ક્યારથી આ બધામાં રસ પડ્યો ? "
" શેમાં દાદી ?"
"અરે તું હમણાં જે બોલી એ .એટલે કે ગીતામાં "
"ગીતા કોણ ગીતા ? દાદી કંઇ સમજાયુ નહીં ચલો મારે લેટ થાય છે હું જઉં""
"જ્યારે જોઈએ ત્યારે વાવાઝોડાની જેમ જ ફરતી હોય છે .""
તાની બહાર આવી ત્યારે એની મમ્મી અને પપ્પા ડાઇનીંગ ટેબલ પર નાસ્તા માટે રાહ જોતા હતાં.
"હેપી બર્થ ડે બેટા."
"હેપી બર્થ ડે માય પ્રિન્સેસ ."
તાની બન્નેને પગે લાગી. બન્નેએ આશીર્વાદ આપ્યા.
"ચલ નાસ્તો કરવા બેસી જા આજે તારા ભાવતાં મેંદુવડા બનાવ્યા છે." એની મમ્મી બોલી,
બધા નાસ્તો કરવા લાગ્યા.
"દાદીને નાસ્તો નથી કરવાનો મમ્મી?"
"ના આજે ગીતાજંયતી છે એટલે એમને ઉપવાસ છે."
"ગીતાજંયતી એટલે શું?"
"એટલે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધની શરૂઆતમાં સામે પોતાના જ સગાંઓને જોઈને અર્જુન ખૂબ જહતાશ થઈ ગયો. એણે યુદ્ધ કરવાની ના પાડી દીધી. કૃષ્ણએ એને ખૂબ સમજાવ્યો પણ અર્જુન સમજી નહોતો રહ્યો એટલે છેવટે કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને જે બોધપાઠ આપ્યો તેને ગીતા કહેવાય છે અને તેમણે જે દિવસે ગીતા કહી એને ગીતાજંયતિ એટલે કે ગીતાજીનો જન્મદિવસ કહેવાય.'તાનીના પપ્પાએ વિસ્તારથી સમજાવ્યું.
"જે રોજ ગીતાપાઠ કરે એને મોક્ષ મળે. "તાનીના દાદી પણ ટેબલ પર બેસતાં બોલ્યાં,
સાંભળીને તાની અને એની મમ્મી બેઉના મનમાં ઝબકારો થયો.
"અચ્છા દાદી એટલે તમે મને હું બોલી 'કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિ' એમ બોલી ત્યારે ગીતા એમ કહ્યું હેને?"
"હાસ્તો ગીતાજી કૃષ્ણના મુખમાંથી જન્મ્યા છે."
"મળી ગયો ઉકેલ " કહીને તાની દોડી શિવને ફોન કરવા.
"આને શું મળી ગયું ?"તાનીના પપ્પાએ પૂછ્યું.
તાનીની મમ્મીએ એમને બધી વાત કરી.
"એમ નવાઈ લાગે એવી વાત છે હોં પણ છોકરાઓને કે જે ધ્યાન રાખે ક્યાંક કોઈ મુશ્કેલીમાં ફસાઇ ના જાય. એવું હોય તો તું પણ સાથે જા."
"હા હા જુવાન છોકરીને આવી રીતે એકલી ના મોકલાય "" દાદી બોલ્યાં.
થોડો વિચાર કરી તાનીની મમ્મી બોલી.
"ઠીક છે. ચાલો હું પણ સાથે જઇશ."
એણે તાનીને જણાવ્યું કે એ પણ સાથે આવશે.
તાની એ શિવને ફોન લગાવ્યો.
"હાય."
"હાય બોલ તાની '
"શિવ પેલા એક વાક્યનો જવાબ મળી ગયો."
"શું?"
"ગીતા.'
"એટલે મહાભારતની ગીતા."
"હા."
"અચ્છા... '
"અને મારા ગામ જવાનું શું નક્કી કર્યું ."
"મમ્મીએ હા તો પાડી પણ એક પ્રોબલેમ છે શિવુ.""તાની થોડા વહાલથી બોલી,
શિવુ સાંભળીને શિવના શરીરમાં ઝણઝણાટી થઈ. હજુ બન્નેએ એકબીજાને પ્રેમ શબ્દોથી પ્રદર્શિત નહોતો કર્યો પણ અંદર બન્નેનો પ્રેમ પૂરજોશમાં પાંગરી રહ્યો હતો.
" પપ્પાએ ના પાડી?"
"ના ના પપ્પાએ પણ હા જ પાડી પણ એમને લાગે છે કે કદાચ કોઈ મુશ્કેલી આવે તો એટલે એમણે મમ્મીને આપણી સાથે જવાનું કહ્યું."
"હા તો ભલેને આવે મારી મમ્મી પણ છે જે ને. ""
"આંટીને વાંધો નહીં આવે ને ?"
"અરે ના ,ના મારી મમ્મીને તો ગમશે. એને પણ કંપની મળી જશે."
"તોય તું એકવાર આંટીને પૂછીને કહે. "
"આ રહી મારી મમ્મી લે તારી સામે જ પૂછું. મમ્મી તાનીની મમ્મી પણ આપણી સાથે આવવા માંગે છે તો તાની પૂછે છે કે તને વાંધો નથીને?"
ગોપીએ શિવના હાથમાંથી ફોન લઈને તાનીને કહ્યું
"લે મને શું વાંધો હોય દીકરા . નીલમબેન આવશે તો મને પણ કંપની રહેશે. કહેજે ચોક્કસ આવે. એવું હોય તો મારી વાત કરાવજે એમની સાથે. આવુ પૂછવાનું જ ના હોય."
"ઓકે આંટી હું કહી દઈશ.'
"ચલ જય શ્રીકૃષ્ણ."
"જય શ્રીકૃષ્ણ."
ગોપીએ શ્યામને ફોન આપ્યો.
"બાકીનાનું શું સ્ટેટસ છે શિવ ?"
"માનુની અને મોનિલને તો નથી ફાવે એવું .તેજનો હજુ ફોન આવ્યો નથી"
"ઓકે ચલ પાંચ વાગે મળીયે બધા બાય."
"બાય' કહી શિવે ફોન મૂક્યો.
"મમ્મી પેલા વાક્યનો ઉકેલ તાની કે છે ગીતા થાય."
ગોપીએ ફરી આખો કોયડો વિચાર્યો.
"અચ્છા એટલે આખા કોયડાનો ઉકેલ એમ થાય કે દાદાના ગામમાં તેમના ઘરે જે જીવીડોશી રહે છે તે જે ગીતાનું સ્મરણ કરે છે તે ."
"હમ્મ એટલે કે એ જીવીબા જે ગીતા વાંચે છે એમાંથી આગળ શું કરવાનું એ ખબર પડશે બરાબર. "
"હા બરાબર."
" લાગે છે કે એમાંય પાછો કંઈક નવો કોયડો હશે. "
"હા ચલો હવે તો મને પણ જાણવાની ચટપટી થઈ છે. કાલે જ નીકળીયે."
"હા આજે સાંજે નક્કી કરી લઈએ કે કોણ કોણ આવાનું છે અને શેમાં જઈશું"
"હા ચાલ હવે હું રસોઈ કરવા જઉં "
નક્કી કર્યા પ્રમાણે સાંજે પાંચેય જણા કેફેમાં ભેગા થયા. માનુનીના ઘરમાં કથા હતી અને મોનિલના મામાના દીકરાના લગ્ન હતાં એટલે એ બે નહી આવી શકે એમ જણાવ્યું.
"તેજ તારો શું પ્લાન છે ?" શિવે પૂછ્યું
"હું આવીશ."
"ઓકે એટલે આપણે પાંચ થયાં."
"પાંચ કોણ ?" તેજે પૂછ્યું.
"મારી મમ્મી પણ આવાની છે." તાની બોલી.
"હવે આપણે શેમાં જવું એ નક્કી કરી લઈએ. ટ્રેન બસ કે ગાડી ભાડે કરી લઈએ. "શિવ બોલ્યો.
"અરે ના મારા પપ્પાએ અમારી ઇનોવા કાર અને ડ્રાઇવર લઇ જવાનું કહ્યું છે." તાની બોલી
" એમ '" શિવ બોલ્યો.
"હા એમણે મને રાતે જ કહી દીધું કે આપણી કાર અને ડ્રાઇવર લઈને જ જો. "
" ચલો એ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. તો આપણે પાંચ સવારે વહેલા નીકળી જઈએ તો બપોર થતાં પહોંચી જવાય."
"ડન'"
"યાર મને બહુ અફસોસ થાય છે કે હું નહીં આવી શકું.' માનુનીએ નિરાશ થતાં કહ્યું.
"મને પણ બહુ ઇચ્છા હતી આવવાની પણ આ તો ભાઈના લગ્ન છે એટલે હાજરી જરૂરી છે બાકી તો હું ના પાડી દેત મમ્મીને. કંઈ નહીં ચલો પણ તમે લોકો અમને બધુ જણાવતા રહેજો અને ફોન કરતાં રહેજો." મોનિલ બોલ્યો.
"હા હા ચોક્કસ. "શિવે જવાબ આપ્યો.
બધા કોફી પીને છૂટા પડ્યા.
શિવ ઘરે આવ્યો ત્યારે ગોપીએ ખાસ્સાં નાસ્તા બનાવી દીધા હતા. શિવે તેને બધો પ્લાન જણાવ્યો. કાલે આઠ વાગે નીકળવાન નક્કી કર્યું. ગોપીએ થોડી જરૂરિયાતની વસ્તુઓ પણ ભરી લીધી. શ્યામ માટે ટીફીનની વ્યવસ્થા પણ કરી દીધી.
સવારે આઠ વાગે તાની અને નીલમ કારમાં શિવના ઘરે પહોંચ્યા. બધો સામાન ડીકીમાં ગોઠવ્યો. બધા નીકળ્યા.તેજનું ઘર રસ્તામાં જ હતું ત્યાંથી એને લીધો. નીલમ અને ગોપી એમની વાતોમાં મશગૂલ હતાં ને છોકરાઓ એમની મસ્તીમાં હતાં. ક્યાં પાંચ કલાકનો રસ્તો કપાઇ ગયો ખબર જ ના પડી.
સવા વાગે શિવના દાદાના ઘરે પહોંચ્યાં. એમના ઘરની બહાર ખુલ્લું ચોગાન હતું એટલે ગાડી આસાનીથી અંદર લઇ જઇ શકાઈ.તાની અને નીલમનો ગામ જોવાનો આ પહેલો અનુભવ હતો. બધા નીચે ઉતર્યા.
ગોળ ફરતે એકબીજાને અડીને નાના મોટા ઘરો બંધાયેલા હતાં.પગથિયાં ચઢીને નાનકડા બારણામાંથી બધા અંદર પ્રવેશ્યા. બહારથી એમ લાગે કે ઘર નાનું હશે પણ અંદર પગ મૂકતાં જ એક મોટો ખૂલ્લો ચોક હતો. ડાબી બાજુ બે રૂમ જમણી બાજુ બે રૂમ અને વચ્ચે રસોડુ હતું. બધા રૂમોને જોડતી એક પડાળી હતી. વચ્ચે વચ્ચે કલાત્મક ગોળ થાંભલા પર નળીયાનું છજજુ કાઢેલું હતું. પડાળીમાં વચ્ચેના રૂમના બારણાની સામસામે સળીયા પર બે હીંચકા લટકાવેલા હતા. જમણી બાજુના એક રૂમમાં મંદિર બનાવેલું હતું. ડાબી બાજુનો રૂમ જીવીબાને રહેવા આપેલો હતો.તાની તો ખુશ થઈ ગઈ. દોડીને હીંચકા પર બેસી ગઈ. શિવ અને તેજ બધો સામાન અદર લઇ આવ્યા. ગોપી અને નીલમ બધું ગોઠવવા લાગ્યા. ગોપીને એમ હતું કે ઘર બહુ જ ગંદુ હશે પણ જીવીબાએ ઘર ચકચકાટ રાખ્યું હતું. ખાવાનો સામાન રસોડામાં ગોઠવ્યો.
થોડીવારમાં કેડેથી વાંકા વળી ગયેલાં જીવીબા લાકડીના ટેકે ઘરમાં આવ્યા. બધાને જોઈને ખુશ થઈ ગયા.'
"ઓહો માર ગોપીવઉ બહુ વર્સ આવ્યા તમ તો. "
"હા બા આ છોકરાઓને ગામડુ જોવું'તુ એટલે અહીં લઇ આવી. શિવ બાને પગે લાગ."
શિવ જીવીબાને પગે લાગ્યા.
"ખમ્માં માર દિકરા.ભલ ભલ બવ હારૂ કર્યું હોં. આ માર શિવ તો કટલો મોટો થી ગ્યો હેં ."
"હા બા. પણ તમે ઘર બહુ ચોકખું રાખ્યું છે હોં "
"તે રાખવું જ પડન .જ્યાં રઈય તાં સફઇ રાખવી પડ.મારથી અવ બવ નથી થતું હોં અટલે એક છોડીને કયું છ ક અઠવાડિયામ બેવાર ઘર સાફ કરી જવાનું. મન ખબર હોત તો હું કોંક ખાબાનું બનાઈ રાખત . મેં તો માર માટ બે જ રોટાં બનાયા છ. "
"ના ના હું બધું બનાવીને લાવી છું. તમે ચિંતા ના કરશો.તમેય આવો અમારી જોડે જમવા ."
"ના હું તો ખઈ લઈસ રોટા નકર એ પડી રે સે."
"અરે ના તમે લેતા આવો અહીં જ બધા જોડે જ જમીયે."
"હાર તાર તમ બઉ કોસ તો લઈ આબુ ."
ગોપીએ પડાળીમાં ગડી વાળીને આસનની જેમ બે ચાદર પાથરી.તાનીએ પેપર ડીશો ગોઠવી. ગોપીએ બટાકાની સૂકીભાજી, લોચા પુરી, શ્રીખંડ, મરચાં બધું કાઢ્યું. નીલમે બધાની ડીશો પીરસી. જીવીબા રોટલા લઈ આવ્યા. બધું જોઇને શિવ ખુશ થતાં બોલ્યો
"વાહ મમ્મી તેં તો જોરદાર તૈયારી કરી. પિકનિક જેવું લાગે છે."
"એટલે જ તો હું કહેતી હતી કે હું આવીશ."
"મજા આવી ગઈ આંટી. "તાની બોલી.
"ખરેખર ગોપીબેન ખૂબ જ સરસ છે બધું "
તેજે બે ત્રણ ફોટા પાડી ગ્રુપમાં મૂક્યાં. બધાને જમવાની મજા આવી. ગોપી જીવબાને આગ્રહ કરી કરી ને જમાડતી હતી.
શિવ સમજી ગયો કે આમ તો મમ્મીને જીવીબા સહેજેય ગમતા નથી પણ અત્યારે એમને હાથમાં લેવા મમ્મી આગ્રહ કરી કરીને ખવડાવે છે. ગોપીએ શિવની સામું જોયું બન્ને હસી પડ્યા.