શિવકવચ - 3 Hetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવકવચ - 3

બીજા દિવસે સાંજે બધા મંદિરની પાછળ ભેગા થયાં. બધાએ પોતપોતાના વિચારો લખેલાં કાગળ કાઢ્યાં. ઢંગધડા વગરનાં વિચારો હતાં. કોઈકે લખ્યું કોઈક મંદિરના કોટ વિશે લખ્યું છે. કોઈક કે આમાં ચતુર નામના માણસ વિશે વાત કરી છે આપડે ચતુર નામના માણસને શોધવો પડે. બધાં વિચારી વિચારીને થાક્યાં પણ કંઈ પરિણામ આવ્યું નહીં. છેવટે બધાએ આ પડતું મૂકવાનું નિર્ણય કર્યો કારણ આવતાં અઠવાડીયેથી પરીક્ષા ચાલુ થતી હતી. ભણવામાં ધ્યાન આપવું પડશે એટલે આ મગજમારી કરવાનું હમણાં મુલતવી રાખ્યું. માનુનીએ બધાને થર્મસમાંથી કોફી આપી. કોફી પીને બધા છૂટાં પડ્યા.
સાંજે જમવાના ટેબલ પર તાની ને ઉંડા વિચારમાં પડેલી જોઇ એની મમ્મી બોલી
"તાની શું વાત છે? બે ત્રણ દિવસથી તું બહું ટેન્શનમાં લાગે છે શું વિચાર્યા કરે છે? કંઈ પ્રોબ્લેમ થયો છે?"
"અરે ના,ના મમા કંઈ નથી."
"અચ્છા."
" મમા તને પઝલ સોલ્વ કરતાં આવડે ? "
"લે, તને આ બધું મારે કારણે તો આવડે છે. હું તો નાની હતી ત્યારથી આમાં એક્ષ્પર્ટ છું. કેમ કોઈ પઝલ સોલ્વ કરવાની છે ? "
"હા."
" ચલ જમી લે પછી સોલ્વ કરીયે.'
બન્ને જમીને બહાર ગાર્ડનમાં બેઠાં.
" બોલ તાની કઈ પઝલ છે ?"
તાનીએ કાગળ આપ્યો. એની મમ્મીએ ત્રણ ચાર વાર વાંચ્યું.તાની તું આની થોડી ડીટેઈલ આપ તો જલ્દી ઉકલે.તાની થોડી મૂંઝવણમાં પડી કારણકે શિવે કોઈને કહેવાની ના પાડી હતી પણ પછી વિચાર્યું કે અમને તો આવડ્યું નહીં તો કોકની મદદ લેવી જ પડશે તો મમ્મીને કહેવામાં વાંધો નહીં.
"મમ્મીનું કોઈને કહે નહીં તો તને કહું ."
"લે એવું પાછું છૂપુ છૂપુ છે ?"
"હા."
" ઓકે ચલ કહે હવે મને પણ હવે તો જાણવાની તાલાવેલી છે. "
તાનીએ બધી વાત કરી. પછી કાગળ આપ્યો.
"આ તો કોઈ રહસ્યમય મૂવીની સ્ટોરી જેવું લાગે છે." કહી એની મમ્મી ફરી કોયડો ઉકેલવામાં મગજ કસવા લાગી.
"મમ્મી કોટે એટલે શું?"
"કોટે એટલે અસલ ગુજરાતીમાં ગળાથી છાતી સુધીનો ભાગ ."
"લે અમે તો કોટ એટલે દિવાલ એવું સમજતાં હતા."
"શિવ કોટે એટલે શિવના ગળામાં ."
"અચ્છા" તાની વિચારવા લાગી.
"હવે આ લઘુ ચોખંડી એટલે શું ?"
એની મમ્મી વિચારવા લાગી.
"લઘુ એટલે?"તાનીએ પૂછ્યું.
"લઘુ એટલે નાનું. "
"હમ્મ નાનું ચોખંડી .ચોખંડી એટલે ચાર ખંડવાળું ."
"ચોખંડી એટલે ચોરસ . "
"નાનું ચોરસ રાઇટ?"
"હા શિવના ગળામાં નાનું ચોરસ ."
તાની એકદમ ચમકી
"શિવના ગળામાં નાનું ચોરસ, મમા શિવે ગળામાં નાનું ચોરસ પેડન્ટ પહેર્યું છે."
"અરે હા એના ગળામાં મેં પણ જોયું છે માદળીયું."
તાની ખુશ થઇને તાળીઓ પાડવા લાગી મળી ગયો ઉકેલ. મમા આગળનું પણ વાંચ. "
" કરશે દિશા ચિંધાણ. એટલે કે એ દિશા બતાવશે."
"ઓકે."
"હર દોરશે ચતુર જણ . હર એટલે મહાદેવ દોરશે એટલે બતાવશે ચતુર જણ હોંશિયાર માણસ અને જે ચતુર હશે એટલે કે હોંશિયાર હશે એ આ કોયડો ઉકેલશે."
"અચ્છા એટલે શિવના ગળામાં જે પેડન્ટ છે એમાં આગળનું હશે અને જે હોંશિયાર માણસ આ ઉકેલશે એ મહાદેવે નક્કી કર્યો હશે. વાહ મમા તેં તો એક મિનિટમાં સોલ્વ કરી દીધું. "તાની મમ્મીને ભેટીને આનંદથી બોલી.
"હજુ તો આપણે આપણી રીતે અર્થ કાઢ્યો પણ ખરું તો શિવના માદળીયું જોઈએ પછી નક્કી થાય કે આપણો ઉકેલ સાચો છે કે નહી."
"હા હું શિવને કોલ કરીને બોલાવું" કહી તાનીએ શિવને ફોન જોડ્યો.
" હલ્લો બોલ."
"શિવ તું હમણાંને હમણાં અહીં આવી જા."
"કેમ?"
"તું આવ પછી કહું.'
"અરે પણ એવું શું અર્જન્ટ છે તે આટલાં મોડા આવાનું કાલે મળીયે ને ."
"ના અત્યારે જ પેલાં ત્રણને પણ બોલાવું છું."
"પણ કારણ તો કહે. બધાને પાર્ટી આપે છે?"
"હા ચલ આવ જલ્દી."
"ઓ કે બાપા આવું છું તું એટલી જીદ્દી છે ને."
"હા છું ચલ બાય' કહી તાનીએ ફોન મૂક્યો. બાકીના ત્રણેયને ફોન કરી આવવાનું કહી દીધું.
થોડીવારમાં બેલ વાગ્યો. તાની દોડી. દરવાજો ખોલ્યો સામે માનુની અને મોનિલ ઉભાં હતા.
" આવો.'
બધાં અંદર ગયા.
"શું વાત છે તાની ? તેં તાત્કાલિક બોલાવ્યા."
"શિવને આવે એટલે કહું. "
એટલામાં બેલ વાગ્યો તાનીએ દરવાજો ખોલ્યો. સામે શિવ અને તેજ ઉભાં હતા. શિવના ડોકમાં માદળીયું જોઇને એની આંખો ચમકી.
બધા ડ્રોઇંગરૂમમાં બેઠાં.
"બોલ હવે તાની કેમ બધાને દોડાવ્યા.''
તાની અને એની મમ્મી બેઠાં.તાનીએ એની મમ્મીએ કેવી રીતે કોયડો ઉકેલ્યો તે બધાને કહ્યું. બધાં આશ્ચર્યથી સાંભળી રહ્યાં. શિવ માદળીયાને હાથથી પંપાળવા લાગ્યો.
"શિવ આ માદળીયું તને કોણે પહેરાવ્યું હતું ?''
" મમ્મીએ કહ્યું હતું કે આ માદળીયું મારા દાદાએ જ્યારે એમનાં છેલ્લાં શ્વાસ ચાલતા હતાં તે વખતે આપ્યું હતું અને કહ્યું હતું કે આ માદળીયું કદીયે કાઢતાં નહીં. આ શિવની રક્ષા માટે છે.એટલે એક વાર મેં કાઢવાનું કહ્યું તો મમ્મીએ ના પાડી કે ક્યારેય કાઢતો નહીં દાદાએ ચેતવણી આપી છે કે કાઢશો તો શિવ માંદો પડી જશે એટલે મમ્મી ડરે છે."
"હમ્મ કોઈના હાથમાં આવી જાય એટલે દાદાએ ડરાવ્યા હશે."
"એમ જ હશે."
"તારે માદળીયું કાઢવું પડશે તો જ ભેદ ઉકેલાશે તને ડર તો નહીં લાગે ને."
"ના ભાઈ હું તો આવા કશામાં માનતો નથી ." કહીને શિવે માદળીયું કાઢયું.
તાનીએ હાથમાં લઈ આમતેમ ફેરવ્યું. એક નાની ડબ્બી જેવું લાગતું હતું. ધ્યાનથી જોતાં વચ્ચે એક લાઇન દેખાઈ.તાનીએ એ લાઇનથી ખોલવાનો પ્રયત્ન કર્યો. ખૂબ જ સજજડ રીતે બંધ હતું.
"લાવ હું ટ્રાય કરી જોઉં ." શિવ બોલ્યો.
તાનીએ માદળીયું એને આપ્યું. શિવે બે હાથ વડે એને ખોલવાનો પ્રયત્ન કર્યો. સહેજ વધારે જોર અજમાવ્યું પણ ખૂલ્યું નહીં. બધાએ વારાફરતી પ્રયત્નો કર્યા પણ કોઈથી ખુલ્યું નહીં.
એટલામાં તાનીનો કામવાળો જીવો બધાં માટે પાણી લઈને આવ્યો. બધાને માદળીયું ખોલવાની મહેનત કરતાં જોઇને બોલ્યો
"લાવો હું ખોલી દઉં ?"
પહેલાં તો બધા વિચારમાં પડ્યાં પછી શિવે એના હાથમાં આપ્યું. જીવાએ માદળીયું હાથમાં લઈ ગોળગોળ ફેરવ્યું પછી એનાં જોઇન્ટમાં નાની પીન હતી તે દબાવી તો ફ્ટ કરતુ સુટકેઈસની માફક ખૂલ્યું. બધા નવાઈથી જોઈ રહ્યાં..
" અમારા ગામમાં છોકરાઓને બહુ પહેરાવે એટલે ખોલતાં આવડે ." કહી જીવાએ શિવને પાછું આપ્યું.જીવો ખાલી ગ્લાસ લઈને ગયો.
શિવે ધીમેથી માદળીયું ખોલ્યું અંદર નાની ચબરખી ચોરસ ગડી કરીને મૂકેલી હતી . શિવે ખૂબ જ નજાકતથી ચબરખી કાઢી. કાગળ ખોલ્યો . બધાએ જોયું કે અંદર પાછું કંઈક લખેલું હતું.તાનીએ કાગળ હાથમાં લીધો. મોટેથી વાંચ્યો..
પાષાણ ગગડે બહુ તેજ ગતિ ,
લટકે અધવચાળે સુણી રાણી હુંકાર.
કૃષ્ણમુખે જે અવતર્યાં કરે મોક્ષગતિ,
બેઠી ભલાનિવાસે જીવી કરે સ્મરણ.