ગોપી કાગળ હાથમાં લઇ બોલી
"જો આમાં છેલ્લું વાક્ય તો સમજાઇ જ ગયું. ભલાનિવાસ એટલે તારા દાદાનું ઘર અને જીવી એટલે તારા દાદાના ઘરમાં જે ડોશી રહે છે એનું નામ . સ્મરણ એટલે એ કંઈક ભક્તિનું પઠન કરતી હશે."
"એમ ?'
"હા હવે પાષાણ એટલે પત્થર , ગગડે તેજ ગતિ , એટલે ઝડપથી પડે છે. લટકે અધવચાળ સુણી રાણી હુંકાર. એટલે કે રાણીનો અવાજ સાંભળી ગબડી રહેલાં પત્થરો અધવચ્ચે લટકી ગયાં." ગોપી થોડીવારમાં વિચારમાં પડી પછી એકદમ બોલી
"અરે હા શિવલા સમજાઈ ગયું આ તો તારા દાદાના ગામનું જ વર્ણન છે ."
" એટલે?"
"તારા દાદાનું ઘર છે ને ત્યાં પાછળ એક પહાડ છે એ તને ખબર છે ને ?"
"હા."
"તો એ ગઢની એક એવી લોકવાયકાછે કે ગઢ ના પથ્થરને રાણીએ દુશ્મન રાજાના સૈન્ય પર પડવાનો હુકમ કર્યો અને પછી જોખમ દૂર થતાં પથ્થરો ને ' રુક જાવ' એવો આદેશ કર્યો તો જે પથ્થરો જ્યાં હતા ત્યાં રોકાઈ ગયા એટલે અમુક પથ્થરો લટકતાં પણ છે તે પહાડ ઉપર. "
"અચ્છા એટલે દાદાએ એમનાં ઘરનું એડ્રેસ આપ્યું છે."
"હવે આ એક વાક્ય કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિમાં ખાલી સમજણ નથી પડતી.'
શિવ આશ્ચર્યથી સાંભળી રહ્યો.
" એટલે આ બધા પરથી એમ કહેવાય કે દાદા એમ કહેવા માંગે છે કે જીવી પાસે આગળનું કંઈક જાણવા મળે."
"બરાબર વાહ મમ્મી તેં તો અડધો કોયડો સોલ્વ કરી દીધો."
"અમે ઇડરીયો ગઢ જીત્યાંરે આનંદ ભયો." ગોપી તાળી પાડીને ગાવા લાગી.
"શ શ..... મા ચૂપ થા પપ્પા જાગી જશે."
"તારા દાદા આવા રહસ્યમય હશે એવી મને ખબર નહીં હોં પણ હવે તારા પપ્પાને વાત કરવી પડે શિવ "
"હા કરીશું સવારે.હેં મમ્મી તને શું લાગે છે? આ દાદા આપણને શું કહેવા માંગે છે ?'
"એ તો કેમ ખબર પડે? એ તો ક્યારેય આપણને કંઈ કહેતા જ નહીં. કદાચ તારા પપ્પાને કંઈક કહ્યું હોય તો પૂછી જોઈશું"
"કદાચ મોટો ખજાનો મળે તો? "
"કપાળ તારૂં. એ કયાંથી ખજાનો લાવવાના ? મને તો ડર લાગે છે કે ક્યાંક કોકને ચૂકવવાનાં બાકી ના હોય."
"ના ના એવું તો દાદા ના જ કરે."
"સારૂ સારૂ દાદાના લાડકા ચાલ સુઇ જઇએ હવે સવારે તારા પપ્પાને વાત કરીયે પછી વાત."
બન્ને પોતાના રૂમમાં સુવા ગયા. શિવે બધાને મેસેજ કર્યો કે એની મમ્મીએ મોટાભાગનો કોયડો ઉકેલ્યો છે તો કાલે બધા મળીયે.
બીજા દિવસે સવારે શ્યામ ચા પીતો હતો ત્યારે ગોપીએ બધી વાતો કરી. સાંભળીને શ્યામ તો આશ્ચર્યમાં જ પડી ગયો.એના માટે આ બધું
ખૂબ જ નવું હતું.
"તમને કંઈ ખ્યાલ છે ? તમને કંઈ કહ્યું છે બાપુજીએ ? કંઈ અણસાર આપ્યો છે ?"
"ગોપી આ બધું મારી તો કંઈ સમજમાં આવતું નથી. બાપુજીએ મને તો આવી કોઈ વાત જણાવી નથી.મને તો સહેજ પણ અણસાર નથી.ઉલ્ટાનું હું તો અસમંજસમાં છું કે આ બધું શું થઈ રહ્યું છે?'
આમ તો ગોપીને ખબર જ હતી કે શ્યામને કંઈ ખબર નહીં હોય કેમકે નહીં તો એ ગોપીને જણાવ્યા વગર ના રહેત.
શિવની મમ્મીને હવે બધી ખબર હતી એટલે બપોરે પાછા બધાં શિવના ઘર ભેગા થયા.
"હવે આગળ શું કરવું છે ?"તાની બોલી.
"આગળનું જાણવા અમારા ગામ જવું પડે." શિવે જવાબ આપ્યો.
"હમ્મ આમ પણ વેકેશન જ છે તો જતા આવીયે હવે હાથમાં લીધું જ છે તે પુરુ તો કરવું પડશેને."
"અહીંથી કેટલે દૂર છે શિવ તમારૂ ગામ.' તેજ બોલ્યો.
"ગૂગલ પર જોઈ લઉં "
"પાંચ કલાક , ગૂગલીયા મને પૂછને " ગોપી બધા માટે કોફી અને નાસ્તો લઈને આવી.
"તો તો રાત રોકાવું પડે" માનુની બોલી.
"હા બે દિવસ તો ખરાં જ." શિવે જવાબ આપ્યો.
" અને આગળ શું મળે અને શું કરવું કેટલા વધારે દિવસ થાય એ તો ત્યાં જઈનેજ ખબર પડે અને હજુ પેલું એક વાક્ય તો સોલ્વ કરવાનું બાકી છે ." તાની બોલી.
"હા એ પણ છે." શિવે કહ્યું.
"પહેલાં ઘરે બધા પૂછી લઈએ 'મોનિલે કહ્યું
"હા પણ બધા ઘરે કહેશો શું?" શિવે ચિંતા કરતાં કહ્યું.
"અરે તું ચિંતા ના કર અમે એટલું જ કહીશું કે શિવના ગામે ચારપાંચ દિવસ માટે ફરવા જઈએ છીયે.'તેજ બોલ્યો.
"હા હા છોકરાઓ એમ પણ કહેજો કે હું સાથે છું એટલે તમારા મમ્મી પપ્પા ચિંતા ના કરે ખાસ તો માનુની તું તારી મમ્મીને મારી સાથે વાત કરાવજે.હું કહીશ એટલે એમને તારૂ ટેન્શન ના રહે."
"એટલે મમ્મી તું અમારી સાથે આવાની?"
"હાસ્તો ત્યાં રહેવા ખાવાપીવાની બધી વ્યવસ્થા કોણ કરશે તમારી ?"
"એ તો ત્યાં કોઈ હોટલ કે એવું કંઈક હશે ત્યાં અમે એરેન્જમેન્ટ કરી લઈશું."
" કપાળ તારૂં. એ કંઈ એવડું મોટું ગામ નથી કે તને ત્યાં સારી સગવડ મળી રહે."
"તો પછી?"
"દાદાનું ઘર છે ને ત્યાં જ રહીશું એટલે તો કહું છું કે હું આવું એટલે તમને અગવડ ન પડે. ઘર સાફ પણ કરવું પડશે.'
"અચ્છા."
"હા આંટી સાથે આવે તો સારૂ જ છે ને શિવ. એ ત્યાં બધાને ઓળખે પણ છે એટલે આપણે કદાચ કંઈક ક્લુ મળે ને કશુંક શોધતાં હોઈએ તો ગામવાળા મગજમારી ના કરે. અજાણ્યા જોઈને બધા પૂછપરછ કરશે. આંટી સાથે હશે તો આપણને ઘણી સરળતા રહેશે."
તાની બોલી.
"આ મારી દિકરી ખૂબ જ સમજું છે." કહી ગોપીએ એના માથા પર હાથ ફેરવ્યો.
જોઈને શિવની આંખો ચમકી.તાની મનોમન ખૂબ જ ખુશ થઈ.
ઘરે બધા વાત કરે પછી રાતે ચાની કીટલી પર ફાયનલ પ્લાન બનાવીયે એમ નક્કી કરી બધા છૂટા પડ્યા.
તાની પાસે વાહન ન હોવાથી શિવ એના બાઈક પર એને મૂકવા નીકળ્યો. અગાશીમાંથી બન્નેને બાઈક પર જતાં જોઈ ગોપીને ઘડીક વિચાર આવી ગયો કે બન્નેની જોડી જામે છે. પછી પોતાના વિચાર પર પોતે જ હસી પડી.
શિવે રસ્તામાં આવતી નદીના કિનારે બાઈક સાઇડમાં પાર્ક કરી.બન્ને પાળી પર બેઠાં.
"તાની શું લાગે છે તારી મમ્મી તને આવા દેશે?"
" યસ અફકોર્સ. મારી મમ્મી ખૂબ જ આઝાદ વિચારોવાળી છે અને એને મારા પર પૂરો ભરોસો છે કે હું ક્યારેય એને પૂછ્યા વગર કોઈ ખોટું પગલું નહીં ભરૂ. એણે હમેંશા મને ખૂબ જ આઝાદી આપી છે. મારી સાથે મારી ફ્રેન્ડની જેમ જ એ રહે છે. અમે બન્ને એકબીજા સાથે અમારી બધી જ વાતો શેર કરીએ છીયે.એ હમેંશા મને એમ જ કહે છે કે કંઈ પણ હોય ક્યારેય એનાથી છૂપું નહીં રાખવાનું. કોઈપણ સમસ્યાનો હલ હોય જ છે એટલે હમેંશા બધી જ વાત હું એને ખૂલીને કહું છું. મેં એને પ્રોમિસ આપ્યું છે કે જીવનમાં નાનામાં નાનો નિર્ણય પણ હું એને પૂછયાં વગર નહીં કરું . એની મંજૂરી હશે તો જ હું આગળ વધીશ. એટલે એ મારા તરફથી નચિંત છે. હું મારી જાતનું સ્વરક્ષણ કરી શકું એટલે તો એણે ઘરના નો વિરોધ છંતા મને નાનપણથી જ કરાટે શિખવાડયું. મારા દાદી કહેતા કે આવું બધું શિખવાથી એ છોકરી જેવી કોમળ નહીં રહે તો એના જવાબમાં મમ્મી હમેંશા કહેતી કે કોમળ નહીં રહે તો ચાલશે પણ છોકરી જ ના રહે એ મને મંજૂર નથી."
શિવ સાંભળી રહ્યો.એટલામાં એક નાની છોકરી સીંગની પુડીયાં વેચવા આવી. એને જોઈને શિવને દયા આવી ગઈ. એણે સીંગ ખરીદી .બન્ને જણાએ ખાધી.પછી શિવે ઉભા થઈ બાઈક ચાલુ કરી.તાની પાછળ ગોઠવાઈ. શિવનું બાઈક હવા સાથે વાત કરવા લાગ્યું.
ઘરે આવીને તાનીએ એની મમ્મીને બધી વાત કરી. એની મમ્મીએ તરત જ જવાની મંજૂરી આપી દીધી.
પલંગમાં આડા પડ્યા પછી તાનીના મનમાં પેલું એક વણઉકલ્યું વાક્ય રમતું હતું..
કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિ.