પાછા બધાં ગોથે ચડ્યા. આ પાછું નવુ આવ્યું.
"આમાં તો કંઈ જ સમજણ પડે એમ નથી.' શિવ નિરાશભર્યા અવાજે બોલ્યો.
"શિવ એકદમ ઉકેલ ના મળે. એને ધીમે ધીમે વિચારવું પડે. કોઈને જલ્દી સમજણ ના પડે એટલે તો આવુ અધરું લખ્યું હોય. જેમ વિચારતાં જઈએ એમ સમજણ પડતી જાય.' તાનીએ શિવને શાંત પાડતાં કહ્યું.
તાનીએ ફરી બધાને કાગળમાં લખીને આપ્યું. આ વખતે એણે પાંચ કાગળ બનાવ્યા. માદળીયા વાળો કાગળ ફરી ગડી વાળીને માદળીયામાં મૂકી ફીટ બંધ કરીને પાછું શિવના ગળામાં પહેરાવી દીધું. તાનીની મમ્મી બધા માટે કોફી બનાવી લાવી. કોફી પીને બધા કાલે મળવાના નિર્ણય સાથે છૂટાં પડ્યા.તાની અને એની મમ્મી પાછા કોયડો વાંચવા લાગ્યા.થોડીવાર પછી થાકીને સૂઈ જવા પોતાનાં બેડરૂમમાં ગયા.
બીજે દિવસે બધા તાનીના ઘરે ભેગાં થયાં. ખૂબ જ મથામણ કરી પણ કંઈ સમજણ ના પડી. છેવટે તાનીની મમ્મી બોલી
"સાંભળો છોકરાઓ હવે પરીક્ષા નજીક આવે છે એટલે હમણાં આ બધુ થોડા દિવસ બાજુમાં મૂકી ભણવામાં ધ્યાન આપો. પરીક્ષા પછી આગળ વધીશું."
બધાને વાત સાચી લાગી. પરીક્ષા આવે છે એટલે પહેલાં એની પર જ ફોકસ કરવું પડે. આ વિષય પર ચર્ચા હવે પરીક્ષા પતે એ દિવસે કરીશું .ત્યાં સુધી કોઈએ આમાં સમય બગાડવો નહીં એવું નક્કી કર્યું. કોફી અને સેન્ડવીચ ખાઈને બધાં છૂટા પડ્યાં.
થોડા દિવસ પરીક્ષાની તડામાર તૈયારી ચાલી. બાકીના ત્રણ કરતાં શિવ અને તાનીના મનમાં કોયડો રમ્યાં જ કરતો. પરીક્ષા પતી ગઈ.તાનીએ મળવાનું નક્કી કરી બધાને પૂછયું માનુનીની તબિયત ખરાબ હતી. તેજને ક્યાંક બહારગામ જવાનું હતું. મોનિલના દાદા એકલાં હતાં એટલે એ ત્રણેય આવી શકે એમ નહતાં.
શિવ એકલો તાનીના ઘરે પહોંચ્યો. શિવ અને તાનીને એકબીજા માટે કૂણી લાગણી હતી. શિવને જોઈને તાનીની આંખો ચમકી. તાનીની મમ્મીને પણ ખ્યાલ હતો કે તાનીને શિવ ગમે છે.
"તમે બન્ને બેસો ત્યાં સુધી હું રસોઈ કરી દઉં .શિવ આજે અહીં જ જમજે."
"ઓ કે આંટી આજે આમેય મારા ઘરે કોઈ નથી એટલે બહાર જ ખાવા જવાનો હતો."
"પહેલાં અમે એના ઘરે જ ભેગા થવાના હતાં પણ બધા કેન્સલ થયાં એટલે શિવે મને ના પાડી કે હું ઘરમાં એકલો હોંઉ ત્યારે તું આવે એ સારું ના લાગે એટલે એ અહીં આવ્યો."તાની બોલી.
તાનીની મમ્મીને શિવ ખૂબ સમજુ અને સંસ્કારી લાગ્યો.
"ઘરે કોઈ ના હોય તો તારે અહીં જ જમવાનું હોયને બહાર થોડું જવાનું હોય. તારે હકથી કહી દેવાનું કે આંટી હું આજે અહીં જમવાનો છું."
"હા હા ચોક્કસ હવે હું કહી જ દઈશ ."
તાનીની મમ્મી રસોઈ બનાવવા ગઈ. બન્ને પાછાં મગજ કસવા લાગ્યાં.
"આમાં તો મમ્મીને પણ ખબર પડતી નથી એવો અઘરો કોયડો છે." તાની બોલી.
"હમ્મ એક તો આપડું ગુજરાતી કાચું ને એમાંય આવા અઘરાં શબ્દો ક્યાંથી ઉકેલ આવડે યાર." શિવ કંટાળીને બોલ્યો.
'તને દરેક વસ્તુમાં ઉતાવળ બહુ હોય. આવશે આનો ય ઉકેલ આવશે." તાનીએ શિવના હાથ પર હાથ મૂકી કહ્યું.
શિવના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ.એ તાનીના ગોરાં ચહેરાને તાકી રહ્યો. ગોળમટોળ ચહેરા પર ઉડતાં તાજા ઘોયેલાં ભૂખરા વાળ આમતેમ ઉડતાં હતાં શિવે નજાકતથી એનાં કપાળ પરની લટને ખસેડીને કાન પાછળ ભરાવી.તાનીના ચહેરા પર મુસ્કુરાટ આવી ગઈ. મમ્મીનાં પગલાંનો અવાજ સાંભળીને બન્ને સર્તક થઈ ગયાં.
"ચાલો જમી લઈએ. મારે પછી થોડું કામ માટે બહાર જવાનું છે." તાનીની મમ્મીએ બન્નેને કહ્યું.
જમીને શિવ ઘરે જવા નીકળ્યો.તાની બેડરૂમમાં આડી પડીને શિવના વિચારોમાં ખોવાઈ ગઈ.
શિવના મગજમાં કોયડો રમ્યા કરતો હતો. એ ગણગણતો હતો. ત્યાં ગોપી બહારથી હાથમાં બે ત્રણ ભારેખમ થેલાં ઉચકીને ઘરમાં આવી. થેલાં નીચે મૂકતાં શિવને કહ્યું
"બેટાં આ થેલાં જરા અંદર મૂકી આવ."
શિવ કોયડો બોલતાં બોલતાં અંદર ગયો. ગોપીએ સાંભળ્યું.
"અલ્યા તને વળી અત્યારે ક્યાંથી ભલાદાદા ને જીવી ડોસી યાદ આવ્યા."
શિવને સમજણ ના પડી.
" શું ? મમ્મી તું ઘણીવાર કોયડાની ભાષામાં વાત કરે છે. "
'લે, તું તારા દાદાનું નામ લેતો હતો એટલે મેં કહ્યું. "
. "દાદા ?"
"હા , તું ભલાદાદા અને જીવી ડોસી એમ ના બોલ્યો ? "
શિવ ચમક્યો. એને થોડો ખ્યાલ આવ્યો. એણે ગોપીનો હાથ પકડીને એને સોફામાં બેસાડી.
"મમ્મી , હું તને એક વાત કહું પણ તુ કોઇને કહેતી નહી."
"હાય હાય શું કર્યું તે પાછુ ?તારા બાપને ખબર પડશે ને તો આવી જ બનશે. તને કેટલીય વાર સમજાવ્યો પણ હખણો રહેતો જ નથી. "
"અરે એવું કંઈ નથી કર્યું મેં "
"તો પરીક્ષા તો બરાબર આપી છે ને. કહું છું ઓછુ રખડ ભણવામાં ધ્યાન આપ પણ સંભળે મારી બલારાત."
"ઓ મારી મા એવું કંઈ જ નથી પહેલા સાંભળ તો ખરી. ""
"જો શિવલા પહેલેથી કહી દઉં છું. તારા પપ્પાથી મેં ક્યારેય કંઈ છાનું રાખ્યું નથી એટલે એમને તો જણાવું જ પડશે. કંઈ પ્રેમ બ્રેમનું લફરું છે ?"
"જા મારે તને વાત જ નથી કરવી. જ્યાં ત્યાં બોલ્યા જ કરે છે બસ.'
"હવે તો ના કહે તો તારું આવી જ બનશે .બોલ ચલ શું હતું?"
"પહેલાં શાંત થા પપ્પાને પણ જણાવાનું જ છે પણ એક વાર કંઈક મળે તો કહીશું ખાલી ખાલી હેરાન નથી કરવા "
"હવે તું બોલીશ બાપા, મારું તો પ્રેશર વધતું જાય છે. મને ટેન્શન થઈ ગયું છે."
"જો સાંભળ " કહીને શિવે પસ્તીવાળાથી લઈને આજ સુધી જે જે બન્યું તે બધી વાત કરી.
ગોપી તો આંખ ફાડીને સાંભળી રહી.
"આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તું મને કહેતોય નથી."
"આ તો તું આ કોયડાના બે શબ્દ બોલી એટલે કહ્યું નહીં તો હજીયે ના કહેત."
ગોપીએ ધડામ કરતો એક ધબ્બો શિવને માર્યોં.
" ના કહેત વાળી તારી મા છું શેનો ના કહેત."
"સારૂ સારૂ ચલ આ જો કોયડો વાંચ કંઈ સમજણ પડે તો કહે.'
" લાય આવા તો કંઈક કોયડા ઉકેલી નાંખ્યા." કહી ગોપીએ કાગળ લીધો.
એટલામાં શ્યામ આવ્યો.
"ઓહો મા દિકરો શુ વાંચો છો ?આજે તો બન્ને કંઈ શાંત બેઠાં છોને !"
ગોપીએ કાગળ વાળીને પર્સમાં મૂકી દીધો.
"કંઈ નહીં એ તો સામાન લાવી હતી એનો હિસાબ ચેક કરાવતી હતી.ચલો તમારા માટે ચા બનાવી લાવું." કહી ગોપી રસોડામાં ગઈ.
"શું વાત છે શિવુ આજે તારી મમ્મી વગર માંગે ચા પીવડાવે છે." શ્યામ હસતાં હસતાં બોલ્યો.
"એ તો આજે એની બહેનપણી જોડે શોપીંગ કરવા ગઇ હતીને એટલે ખુશ છે."
"હા એ બરાબર .બાકી બેટા પરીક્ષા કેવી ગઇ?'
"મસ્ત .બધા પેપર સારા ગયા."
ગોપી ચા લઇને આવી. બન્ને રાહ જોવા લાગ્યા કે ક્યારે શ્યામ બેડરૂમમાં ઊંઘવા જાય. થોડીવાર આમતેમ વાતો કરી પછી શ્યામ બગાસું ખાતાં બોલ્યો '
"ચાલો હું તો સુવા જાઉં છું."
શ્યામને વહેલાં સૂઈ જવાની ટેવ હતી.એનાં ગયા પછી શિવ બોલ્યો
"મા તુ જોરદાર છે હોં. તને તરત જ જવાબ મળી જાય પપ્પાની વાતનો ."
"હા, એ ' તો આટલાં વરસે આવડી જ જાય ને." કહી એણે કાગળ કાઢ્યો.
ગોપીએ ધ્યાનથી વાંચ્યો.જેમ જેમ વાંચતી ગઈ એમ એની આંખો પહોળી થતી ગઈ. શિવ જોઈને બોલ્યો
"કંઇ સમજાય છે મમ્મી ?"
"હા જ તો આમાં છે શું ?"
"તો બોલને. "
"જો સાંભળ. ''