શિવકવચ - 1 Hetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવકવચ - 1

" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી
સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
"શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી જોરથી બૂમ પાડી.
" શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.'
"હા હું જ બધાનું લોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી.
"મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.'
"બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. "
"ઓહ નો મા તું શંકરભાઈની જોડે કરાવી લે ને. ""
"હા એ પણ કરાવશે.થોડા કામ પતાવીને આવે છે ત્યાં સુધી આપડે આ બધો સામાન નીચે ઉતારી દઈએ એટલે એ આવીને માળીયું સાફ કરીને પાછું ગોઠવશે."
" મા બહું ગંદુ હશે ઉપર તો. મારા વાળ અને કપડાં ગંદા થશે.'
"હજુ ન્હાવાનું બાકી જ છે ને તારે. ચલ બકા ચઢી જા મારાથી હવે નથી ચઢાતું નહીં તો તને ના કહેત. ચલ તને આજે શીરો ખવડાવીશ બસ."
શિવને શીરો ખૂબ જ પ્રિય હતો. શિવ , ગોપી અને શ્યામનું એકમાત્ર સંતાન હતો. મધ્યમવર્ગના પરિવારમાં ગોપી પોતાની કરકસરથી થોડાં રૂપિયા બચાવી લેતી. શ્યામ એક કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો. શ્યામની માતા તેને અને તેની નાની બહેન સુલોચનાને નાના મૂકીને ગુજરી ગઇ હતી. શ્યામના પિતા ભલાભાઈ પ્રખર કર્મકાંડી પંડિત હતાં.તેમણે શ્યામને કર્મકાંડ શિખવા ઘણું સમજાવ્યો પણ શ્યામને એમાં જરાય રસ નહતો. ભલાભાઇના નામ પ્રમાણે જ ગુણ હતાં. રૂપિયાનો તેમનો મોહ ન હતો. યજમાન, વિધિના બદલામાં જે આપે તે ચૂપચાપ લઈ લેતાં. ક્યારેય કોઈ પાસે માંગતા નહીં. આને કારણે ઘરમાં હમેંશા રૂપિયાની ખેંચ રહેતી.
બબડતો બબડતો શિવ ઘોડા પરથી માળીયામાં ચઢ્યો.એક એક કરીને બધો સામાન નીચે આપવા લાગ્યો. જૂના વાસણો, બધી જૂની તૂટેલી વસ્તુઓ, વાયરો ,ખોખાં ને એવી કઈ કેટલીએ વસ્તુઓ જોઈને શિવ ચિડાઈને બોલ્યો.
"મમ્મી આ બધો કચરો કેમ ભરી રાખ્યો છે? નકરી ગંદકી છે."
"કોક દિવસ કામમાં આવે. "
" કશું કામમાં આવે એવું લાગતું નથી."
"તને શું ખબર સંઘરેલો સાપે ય કામમાં આવે ."
"આ માળીયા ઘરમાં હોવા જ ના જોઈએ. હોય તો તમે સંઘરોને ."
"હારૂ હવે ભાષણ બંધ કરીને હાથ ચલાવ. વરસમાં એકવાર ચઢાયો એમાંય બબડાટ કરે છે તે."
શિવે બધો જ સામાન ફટાફટ નીચે આપ્યો.ખૂણામાં એક લીલા રંગની પતરાંની મોટી બેગ પડી હતી. દેખાવામાં ભારે લાગતી હતી.
"મમ્મી આ લીલાં રંગની બેગ ઉતારવાની છે? ભારે લાગે છે હોં."
" એ તારા પેલાં ભલાડોહાની છે. જીંદગીભર મફતમાં ગોરપદું કર્યું ને કમાયા એમાંથી થોથાં ખરીદ્યાં. લાય આજ તારા પપ્પા નથી બધું પસ્તીમાં આપી દઉં. એ હોય તો બાપુજીની નિશાની કહીને બધું પાછું મૂકાવી દે છે. હરામ બરાબર જો ટ્રંક ખોલીને જોયું જ હોય તો. ઉતાર નીચે આજ તો એનો ફેંસલો કરી જ દઉં."
શિવે લોખંડનો પટારો ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ ખૂબ જ ભારે હતો. એણે ત્યાં ને ત્યાં જ ખોલીને અંદરથી થોડાં પુસ્તકો બહાર કાઢયાં. એક દળદાર પુસ્તક હાથમાં લીધું.
"તત તત તત."
" અલ્યાં શિવ શું તત તત કરે છે ?"
"મમ્મી આ બુકનું નામ વાંચુ છું. "
" અંગ્રેજીની ઓલાદ તને નહીં આવડે. લાય નીચે ."
શિવે ભારેખમ ચોપડી નીચે આપી.
"તત્વાર્થ રામાયણ લખ્યું છે તું આખા જન્મારામાં નહીં વાંચી શકે."
શિવે એક એક કરીને ચોપડીઓ આપી.પછી બેગ ઉતારી.
"હવે હું ઉતરી જાઉ?"
"હા ઉતર મારા બિટ્ટુ થેંક્યું હોં ."
" લુખ્ખુ થેંક્યું નહીં ચાલે હોં શીરો બનાવજે."
"હા હા હમણાં જમવાના સમયે બનાવું છું .તું જાને ખાલી આગળવાળા શિલ્પામાસીને કહી આવને કે પસ્તીવાળો આવે તો અહીં મોકલે."
"મમ્મી પપ્પાને એકવાર પૂછી તો લે આમાંથી એમને કંઈ કામનું હોય તો."
"કશુંય કામનું નથી. કામનું હોત તો દાદાને ગુજરે દસ વરસ થઈ ગયાં એકેય વાર કાઢયું કે જોયું ય નથી. "
"તો પણ એકવાર પૂછવામાં તારૂ શું જાય છે?"
"સારૂ સારૂ બાપડીયા પુછી લઈશ હમણાં આવે એટલે .તું જા કહી આવ શિલ્પા માસીને ."
શિવને એને પપ્પા ખૂબ જ વ્હાલાં હતાં. એ કહે તેમ જ શિવ કરતો એટલે ગોપી કાયમ એને માવડીયાની જગ્યાયે બાપડીયા કહેતી.
શિવ ધૂળ ખંચેરતો ઉપડ્યો.
થોડીવારમાં શ્યામ આવ્યો. ઘરની હાલત જોઈને સમજી ગયો દિવાળીકામ ચાલુ થયું છે. બોલવામાં મજા નથી. ક્યાંક ગોપીના હડફેટમાં આવ્યા તો આવી બન્યું જ સમજો.એ ચૂપચાપ છાપું લઈને ખૂણાના સોફામાં વાંચવા બેસી ગયો.થોડીવારમાં ગોપી બહાર આવી.
"હાય હાય તમે ક્યારનાં આવ્યા? મને તો ખબર જ ના પડી."
"હમણાં જ આવ્યો જોયું કે દિવાળી કામ ચાલું થયું છે એટલે વચ્ચે આવવામાં કંઈ માલ નહીં એટલે અહીં બેસી ગયો. ક્યાંક તું મને પણ ભંગાર સમજીને પસ્તીવાળાને આપી દે તો!"
"હા હું તો મૂરખ છું ને હું જ ખરાબ છું આ ઘરમાં એમને?"
"અરે મજાક કરું છું ."
"હા એ સિવાય તમને બીજું આવડે છે શું ?"
"સારૂ સારૂ એક કપ ચા મળે તો મજા આવે જો તને તકલીફ ના પડે તો."
"ઓહો જાણે આખી જીંદગી મારો કેટલોય ખ્યાલ રાખ્યો હોય!"
"નથી રાખ્યો ?"
"તમારા દીલને જ પૂછોને !"
"લે એ તો તારી જોડે છે જાનેમન ."
" શરમાવ હવે છોકરો ય મોટો થયો ."
"તે હું ક્યાં કોઈ પારકી સ્ત્રીને કહું છું .હું તો મારી પ્રિયતમાને કહું છું."
"સવાર સવારમાં કોઈ પિકચર જોઈ આવ્યા કે શું ફિલ્મી ડાયલોગ ચાલુ કર્યા છે તે. "
"ગોપી આપણે કેવા કોલેજમાં પાળી પર બેસીને એકબીજાના હાથમાં હાથ નાંખીને બેસતાં હતાં. તું મારા ખભા પર માથું મૂકીને કેટલાંય ગીતો ગાતી હતી. તારો અવાજ એટલો મધુરો હતો કે લોકો થોડીવાર ઉભા રહીને તને ગાતી સાંભળતાં યાદ છે?"
"હા બધુંય યાદ છે પણ ત્યારે ખબર ન હતી કે જીવન જીવવું કેટલું અઘરું છે. ત્યારે તો અલ્લડ હતાં બાપાના પૈસે લહેર કરતાં હતાં.".
"ખરેખર મને પરણીને તેં ખૂબ જ દુઃખ ઉઠાવ્યા છે. તારા પિતા કેટલાં પૈસાવાળા .તેં કદી પાણીનો ગ્લાસ પણ હાથે ભર્યો ન હતો. હું તને કદી એટલું સુખ આપી ના શક્યો."
"લો હવે પાછું આ શું નવું લઇને બેઠાં, તમે થોડી મારી જોડે જબરદસ્તી કરી હતી. મને જ તમારી ઉપર પ્રેમ આવી ગયો હતો. તમે તો મને એ વખતે પણ સમજાવી હતી કે તમે મને પિતાના ઘરની જેમ નહીં રાખી શકો પણ મારી તો જીદ હતી. મારા મમ્મી પપ્પાની ઇચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા. હું અહીં તમારી સાથે ખૂબ જ ખુશ છું પૈસા હોય પણ તમારા જેવો સાલસ સ્વભાવના હોય તો શું કરવાના એ પૈસા. તમે વળી અત્યારે ક્યાં આ ચર્ચા કરવામાં મારો ટાઇમ બગાડો છો. હું ચા મુકુ ત્યાં સુધી તમે મારી ઉપર એક ઉપકાર કરો."
"ફરમાવો જાનેજીગર . "
"પાછા ચાલું થયા ભઈસા'બ. "
એટલામાં શિવ પણ આવ્યો.
"આજ તો પપ્પા બહુ મૂડમાં લાગે છે હોં મમ્મી. "
"હા રસ્તામાં કોઈ ફટાકડી જોઈને આવ્યા લાગે છે."
"ના ભાઈ ના હવે શું ફટાકડી ને શું ફૂલઝડી. બોલ ગોપી શું કરવાનું કહેતી હતી.'
"આ તમારા પિતાશ્રીનો ખજાનો છે એનું શું કરવાનું છે ?જરા જોઇ લો. ના કામનું કાઢી નાંખો અંદર પડી પડી ચોપડીઓ ખરાબ થાય છે એના કરતાં કોઈકને વાંચવી હોય તો આપી દો."
સાંભળીને શ્યામ થોડો ઉદાસ થઈ ગયો. એને એના પિતા યાદ આવી ગયા. એ જીવતા હતાં ત્યારે ગામમાં પોતાનું મોટું ઘર હતું. વચ્ચે ચોકમાં સવારે સફેદ અબોટ્યું પહેરીને ઉભેલાં પિતા નજર સમક્ષ આવ્યાં. એકદમ ગોરો વર્ણ . લાલાશ પડતી ચામડી ,ગોળ મુખ પર મોટું ચમકતું કપાળ જેમાં ચોવીસ કલાક ત્રિપુંડ રચાયેલું રહેતું. ચમકતી પાણીદાર આંખો .માથે શિખા અને ખભે પહેરેલી જનોઈ બધું મળીને એક અદમ્ય પ્રતિભાશાળી વ્યક્તિ હતા. એમને જોઈને બધાનાં મસ્તક નમી જતાં.
દરરોજ સવારે ચાર વાગે નાહી ધોઈને બુલંદ સ્વરે ભગવાન શિવની પૂજા કરતાં - પૂજા પત્યા પછી બન્ને ભાઈ બહેનને જાતે નવડાવી તૈયાર કરી સ્કૂલે ભણવા મોકલતાં. કોઈની અડેલી રસોઈ ખાતા નહિ તેથી જાતે જ રસોઈ કરતાં. ઘરનું બીજુ કામ તેમનાં જ ઘરમાં એક રૂમમાં ભાડે રહેતી જીવી ડોશી કરી આપતી.બધું કામ પતાવી કોઈના ત્યાં પૂજા હોય, કથા હોય , માંગલિક પ્રસંગ હોય કે મરણ પાછળની વિધિ હોય ત્યાં જવા નીકળી જતાં. મરણોત્તરક્રિયાના એ પૈસા લેતાં નહિ. શ્યામ અને સુલોચનાને એમણે ખૂબ મહેનતથી ભણાવીને મોટાં કર્યાં. એમની પ્રસિદ્ધિને કારણે સુલોચના માટે સામેથી સારા માંગા આવ્યા. સારૂં ઘર અને વર જોઇને સુલોચનાને પરણાવી.
શ્યામને ભણવા શહેરમાં મોકલ્યો.ત્યાં એને ગોપી સાથે મુલાકાત થઈ. પહેલાં તો તેમને ગમ્યું નહીં પણ પછી તેમણે સ્વીકારી લીધું. શ્યામે શહેરમાં ઘર લેવાનું વિચાર્યું. ભલાભાઈએ રહેવા આવવાની ના પાડી. શ્યામ અને ગોપી ભાડાના મકાનમાં રહેવા આવ્યા. બે વરસ પછી શિવનો જન્મ થયો. શિવ નામ પણ ભલાભાઈએ જ પાડ્યું. તેમને શિવ ખૂબ જ વ્હાલો હતો.સમયાતંરે શ્યામ અને ગોપી એમની જોડે રહેવા જતાં.
એક દિવસ સવારે ભલાભાઇના પડોશી મનુકાકાનો ફોન આવ્યો કે ભલાભાઈ બાથરૂમમાં પડી ગયા છે તો એમને હોસ્પિટલ લઈ જઈએ છીયે તમે જલ્દી આવો હાલત ગંભીર છે. શ્યામ અને ગોપી શિવને લઈને દોડ્યાં.હોસ્પિટલમાં ભલાભાઈના છેલ્લાં શ્વાસ ચાલી રહ્યાં હતાં. શિવને જોઈને એમનો ચહેરો ચમક્યો. શિવના માથે હાથ ફેરવતાં બોલ્યાં
" શોક ના કરશો. શિવ અને જીવનું મિલન થઈ રહ્યું છે. તમને વારસામાં તો હું કશું આપી ના શક્યો . આપણાં ઘરમાં જે જીવી ડોશી રહે છે તે જીવે છે ત્યાં સુધી રહેવા દેજો પછી ઘરનુ જે કરવું હોય તે કરજો અને હા ઘરે મારા રૂમમાં એક લીલાં રંગનો પટારો છે. એ લઇ જજો એને જ વારસો સમજજો."
આટલું કહીને એમણે દેહત્યાગ કર્યો.
શ્યામ ખૂબ જ રડ્યો. અંતિમ સંસ્કાર કરીને તેર દિવસ ત્યાં જ રહી બધી ધાર્મિકવિધિઓ વિધિસર પતાવીને ઘરે જવા નીકળ્યાં. સાથે પેલો લીલા રંગનો પટારો લીધો. ગોપીએ તો પહેલેથી જ ખોલીને જોઈ લીધું હતું. મનોમન ડોસાને કોસતી રહી.
" થોથાં આપ્યાં એકલાં વારસામાં આનું શું અથાણું નાખવાનું ?'
એણે શ્યામને નારાજ સ્વરે કહ્યું.
"જે હોય તે મારા બાપુની અંતિમ નિશાની મારી સાથે જ રહેશે. "
શ્યામ થોડા રોષભર્યા અવાજે કહ્યું. ગોપી વધારે ખિજાઈ
" ઘરમાં ય ડોશીને ઘાલી છે હવે એ જીવે ત્યાં સુધી વેચાય નહીં'
"ગોપી ડોશી ના હોત તો તારે અહીં કામ કરવા રહેવું પડત એ તો સમજ. "હવે શ્યામે ખૂબજ કડક સ્વરે કહયું.
ગોપી સમસમી ગઈ મનમાં બબડી આમેય આ ભંગાર મકાનનું શું આવત.
"ક્યાં ખોવાઈ ગયા? " શ્યામ વર્તમાનમાં આવ્યો.
"આ પટારો ખોલીને જરા જુઓ તો ખરાં શું છે ?"
શ્યામે પટારો ખોલ્યો.એક એક ચોપડીઓ બહાર કાઢી. બધા દળદાર ધાર્મિક પુસ્તકો હતાં. જૂના થવાને કારણે પીળા પડી ગયાં હતાં અને અમુક ફાટવા લાગ્યાં હતાં. અમુક ભેજના કારણે લીલાં રંગનાં થઈ ગયાં હતાં.
શ્યામે ધીરે ધીરે એક એક પુસ્તક કાઢી સારાસારા એક બાજુ કર્યાં અને બહુ જ ખરાબ થઈ ગયા હતાં તે એક બાજુ કર્યાં.
"આ સારા પુસ્તકો હું જ્યાં બગીચામાં ચાલવા જાઉં છું ત્યા ઘણા વડીલે ઝાડ નીચે બેસવા આવે છે એમને આપી દઈશ વાંચવા. આ જૂના થઇ ગયા છે એનું તારે જે કરવું હોય તે કર."
ગોપીએ મોટી થેલી શ્યામને આપી.
" આમાં ભરી લો."
શ્યામે ભારે હૈયે પુસ્તકો ભર્યાં.બાકીના જૂના બધા ગોપીએ એક બાજુ કર્યાં. એટલામાં પસ્તીવાળો આવ્યો.
ગોપીએ નાનો મોટો જૂનો સામાન અને બધા જૂનાં પુસ્તક લઇ લેવાનું કહ્યું અને શિવને હુકમ કર્યો
"આ કાકા બધું વજન કરે અને રૂપિયા કહે એ પ્રમાણે ગણીને બરાબર હિસાબ લઇ લે જે."
શિવને કંટાળો આવતો હતો પણ એને ખબર હતી ના પાડશે તો આવી જ બનશે. મને કમને એ ઉભો રહ્યો. પસ્તીવાળાએ બધું વજન કરવા માંડ્યું. પુસ્તકો ઉપાડીને વજનકાંટા પર મુક્યા. કોથળામાં ભરવા જતો ત્યાં એક મોટાં પુસ્તકમાંથી નાની ડાયરી જેવું પુસ્તક શિવના પગ પાસે આવીને પડ્યું. શિવે નીચા નમીને ઉપાડ્યું. ઉપર શંકરભગવાનનો ફોટો હતો. શિવે ચોપડી માથે લગાવી. ઉપર લખ્યું હતું સોમેશ્વર મહાદેવ.
ચોપડી હાથમાં લેતાં એને કંઈક અલગ લાગણી થઈ. એણે એ ચોપડી રાખી લીધી. વજન અને રૂપિયા ગણી લઈને ગોપીને આપી દીધાં. ચોપડી લઈને એના રૂમમાં ગયો. પલંગમાં આડો પડી ચોપડી ખોલી જોવા માંડ્યો.
શ્યામ થોડો ઉદાસ હતો. ગોપીએ શીરો બનાવીને શિવને બૂમ પાડી.
"શિવ......'
શિવ એકદમ ચમક્યો એના હાથમાંથી ચોપડી પડી ગઇ એના કવર અંદરથી એક નાનકડા કાગળ જેવું બહાર નીકળ્યું શિવે જલ્દી જલ્દી કાગળ પાછું નાંખીને ચોપડી ઓશિકા નીચે મૂકી જમવા દોડયો.



ક્રમશઃ