Shir Kavach - 7 books and stories free download online pdf in Gujarati

શિવકવચ - 7

જમીને બધાં થોડીવાર આરામ કરવા વચ્ચેના રૂમમાં ગયા. નીચે જ ગાદલાં પાથરી બધાં આડા પડ્યાં.
"અહીં એ.સી નથી તોય કેટલી ઠંડક છે નહીં મમ્મી. " શિવ બોલ્યો.
"હા અહીં ગામડામાં પ્રદુષણ ઓછું હોય અને ઝાડપાન વધારે હોય એટલે કુદરતી ઠંડક રહે."
ગામમાં બધાને ખબર પડી કે ભલાભાઈનો પરિવાર આવ્યો છે એટલે સાંજે પાંચ વાગ્યા પછી ધીરે ધીરે ગામનાં લોકો મળવા આવવા લાગ્યા. ભલાભાઈનો ગામમાં ખૂબ જ આદર હતો એટલે ગામના લોકો એમના પરિવારના સભ્યોને પણ એટલાં જ આદરથી મળતાં હતાં. બધાાંએ જમવાનું આમંત્રણ આપ્યું .અમુક લોકો શાક તો અમુક દૂધ માખણ ને ઘી લાવ્યા હતા. ગોપી તો બધું આશ્ચર્યથી જોઈ જ રહી. સસરાનું ખરુ મૂલ્ય આજે તેને સમજાયું.
ઘણી ના પાડવા છતાં ગામવાળા એ ભાર દઇને જણાવી દીધું કે જ્યાં સુધી બધા રહે ત્યાં સુધી એ લોકો જ જમવાનું મોકલશે.ગોપી તો બધાનો પ્રેમ અહોભાવથી જોઈ જ રહી.
રાતે જમી પરવારીને ગોપીએ ધીમેથી જીવીબાને પૂછ્યું
"બા તમારી પાસે ગીતા છે?'
"હા છ ન. તમાર જોય છ વઉ?'
"હા આ તો શું કે અહીં કંઈ કામ તો છે નહીં તો ગીતાના પાઠ કરું."
"હા હું લઈ આબુ .'
"પણ તમારી પાસે એક જ હશેને પછી તમારેય પાઠ કરવાના હોયને."
"ના બે છ એક ભલાદાદાએ આપી તી."
સાંભળીને ગોપીની આંખો ચમકી ,બધાનાં કાન સરવા થયા.
"તો બા, દાદાવાળી મને આપો એમની યાદગીરી રહે મારી પાસે જો તમારે ના જોઈતી હોય તો. "શિવ બોલ્યો.
"હા હા એ તો પડી જ છ .મીં પણ એન હાચવી જ રાખી છ .દાદાએ ક્યુ તું ક જો શિવ આવન ત આ ગીતા એન આલજો. પાસુ એમ ય કયું તું ક માંગન તો જ આલજો. ભલાદાદાન બધી પેલેથી ખબર પડી જતીતી હોં. "
બધાં નવાઈ પામી ગયા. ભલાદાદાને એટલો વિશ્વાસ હતો કે શિવ આવશે જ અને ગીતા માંગશે.
"મું લઇ આબુ ." કહીને જીવીબા ગીતા લેવા ગયા.
બધાં ઉત્સુકતાથી એમની રાહ જોઈ રહ્યા. જીવીબા ગીતા લઇ આવ્યાં. લાલ કપડાંમાં સરસ રીતે વીંટાળેલી હતી. જીવીબા શિવને આપતાં બોલ્યાં
"હાશ આજ માર કામ પત્યું.દાદાએ મન આ અમોનત આપીતીં તારનું મન ઇમ થતુંતું ક મુ ધામમાં જબુ એ પેલા આ આપી દેબાય તીં હારૂ. નકર મુ પાપમ પડુ ન ક જીવીએ કોકની અમોનત ઘર મો રાખી."
બધાં આ ભોળાં ડોસીને જોઈ રહ્યાં.
"હાર હેડો તાણ આ જ મન નિરોંતે ઊંઘ આવસે. જેસીક્રસ્ન'"
" જય શ્રીકૃષ્ણ બા" ગોપીએ ગદગદીત અવાજે કહ્યું. આજ સુધી એનાં મનમાં પડેલો પૂર્વગ્રહ ઓગળી ગયો.
બધાં અંદર રૂમમાં ગયા. બધાાંને ગીતામાં શું લખ્યું છે એ જાણવાની ઉતાવળ હતી. ગોળ ફરતે ગોઠવાયાં.
"શિવ ખોલાતાં પહેલાં ગીતાજીને માથે લગાડી પગે લાગ. "ગોપી બોલી,
શિવે ગીતાને કપાળે લગાડી.. પછી ધીમે રહીને ઉપરનું લાલ કપડું ખોલ્યું અંદરથી ગીતા બહાર કાઢી. ખૂબ જ પુરાણુ પુસ્તક લાગતું હતું. ઉપર શિવાભાઈ દામોદરભાઈ ભટ્ટ લખેલું હતું.
"આ શિવાભાઈ કોણ મમ્મી ."શિવ બોલ્યો.
"એ તારા દાદાના પપ્પા એમના નામ પરથી જ દાદાએ તારું નામ શિવ પાડ્યું હતું."
"અચ્છા એટલે આ તો દાદાનાય પપ્પા વખતની છે."
"હા ખોલ હવે જોતો અંદર શું છે ? "
શિવે ધીમે રહીને પુસ્તક ખોલ્યું. પાના ખૂબ જ જર્જરિત થઈ ગયા હતાં. શિવ એક પછી એક પાનાં ફેરવતો રહ્યો. છેલ્લા પાના સુધી આખું પુસ્તક જોઈ કાઢ્યું પણ કંઈ મળ્યું નહીં. બધા હતાશ થઈ ગયા.
"દાદાએ ખાસ શિવને આ ગીતા આપવાનું કહ્યું છે એટલે કંઈક તો ચોક્કસ હશે જ આમાં. અત્યારે આપણે સૂઈ જઈએ સવારે ફ્રેશ મૂડમાં જોઈશું કંઈક તો ચોક્કસ મળશે જ. " તાની બોલી.
બધા આ વાત સાથે સહમત થયા. સવારે ફરી જોઈશું એમ નક્કી કરીને બધાં સૂઈ ગયા.
સુંદર સવાર હતી. મોરલા ગહેકતા હતાં. પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. દૂર મંદિરમાં ઘંટારવ અને ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓનો અવાજ વાતાવરણને જીવંત બનાવી રહ્યો હતો. ગોપી ઉઠીને તૈયાર થઈ. તેણે બધા માટે ચા અને દૂધ તૈયાર કર્યું. બધાંને જગાડ્યા.એણે મંદિરરૂમમાંથી જીવીબાને બોલાવી લાવવાનું શિવને કહ્યું.દાદાના ગયા પછી જીવીબા જ વહેલા ઉઠી સેવા પૂજા કરે છે તેવી તેને ખબર હતી.
શિવ જઈને પાછો આવ્યો.
"મમ્મી જીવીબા અંદર નથી"
"ના હોય એ તો વહેલા ઉઠવાવાળા છે."
"કાલે કહેતા હતા કે નિરાંતે ઉંઘ આવશે એટલે વહેલા નહીં ઉઠ્યા હોય."શિવ હસતાં હસતાં બોલ્યો.
'એમ જ હશે. ઊંઘવા દો બાપડાને આજે હું પૂજા કરી દઉં. " કહી ગોપી પૂજા કરવા ગઈ.
બધાં ચા નાસ્તો કરી તૈયાર થયા. ગોપી પૂજા કરી પાછી આવી હજુ જીવીબા નથી આવ્યા વિચારી એને ચિંતા થઈ.
"જીવીબા ઓ જીવીબા" ગોપીએ કમાડ ખખડાવી બૂમ પાડી.
અંદરથી કંઈ અવાજ આવ્યો નહીં.
"ઓ જીવીબા ક્યાં ગયા?' કહેતાં એ કમાડને ધક્કો મારી અંદર ગઈ.
"શિઇઇઇઇઇઇઇઇઇવ" ગોપીએ રાડ પાડી

બીજા રસપ્રદ વિકલ્પો