"મને નહીં આવડે.' કહી તેજે કાગળ પાછો આપ્યો.
"સાંભળને શિવ હું આજે ફોટા પાડતો હતો ત્યારે એક કાકા મળ્યા હતા. એ આયુર્વેદના ડોકટર હતા. કંઈક જડીબુટ્ટી શોધવા આવ્યા હતા. મને ફોટા પાડતા જોઈ એમણે મને કહ્યું કે અહીંથી થોડે દૂર જંગલની અંદર ઘણા મંદિર છે તને ત્યાં ફોટા પાડવાની મજા આવશે. મેં કહ્યું કે મને ક્યાંથી રસ્તો મળે? તો તેમણે કહ્યું તમારે જવું હોય ત્યારે કહેજો મારો નાનો દિકરો આવશે જોડે. એમણે મારી જોડે બહુ વાતો કરી. આયુર્વેદમાં કેવી કેવી દવા છે અને ક્યા રોગમાં કઈ જડીબુટ્ટી વપરાય. એમનું કહેવું તો એવું છે કે કોઈ પણ ભયંકર રોગ હોય એની દવા આયુર્વેદમાં છે.અરે હા તાની તને પગમાં દુ:ખે છે તો આપણે એમને જ પૂછીયે તો?"
"પણ તેં એમને સરનામુ પૂછયું એ ક્યાં રહે છે ?"' શિવે પૂછ્યું
"હા અહીં નજીકમાં જ એક વડનું મોટું ઝાડ છે જેની નીચે એક નાનું મંદિર છે. એની પાછળ એમનું ઘર છે એવું કહ્યું તું એમણે .
"પણ તાનીને તો પગમાં દુ:ખે છે એ કેવી રીતે ચાલે?"
"ચાલ આપણે બે જ એમને મળતાં આવીયે. એ અહીં આવતા હોય તો લેતાં આવીયે , નહીં તો દવા લેતા આવીયે."
"હા એ બરાબર જાવ તમે બેઉ મળતા આવો એમને." ગોપીએ ટાપશી પૂરી.
" અરે મને કંઈ એટલી તકલીફ નથી." એમ કહી તાની ઉભી થવા ગઈ પણ પગમાં જોરથી સણકો આવતાં "ઓહ શીટ ." કરીને પાછી બેસી ગઈ.
શિવના ચહેરા પર વેદના તરી આવી.
"તાની તું બેસ અમે ડોક્ટરને જ લેતા આવીયે."
"હા તાની ડોક્ટરને બતાવું જ પડશે." નીલમ ચિંતાભર્યા સ્વરે બોલી.
શિવ અને તેજ ડોક્ટરને લેવા ગયા. ડોકટરના દવાખાનેથી ખબર પડી કે એ બાજુના ગામમાં વિઝીટ કરવા ગયા છે. રાતે આવશે.
"ઓહ હવે શું કરીશું તેજ.તાનીને બિચારીને બહુ દુ:ખે છે." શિવનો લાગણી ભર્યો અવાજ સાંભળીને તેજે એની સામે જોયું. શિવની આંખોમાં તેજને તાની પ્રત્યેનો પ્રેમ છલકાતો જોવા મળ્યો.
"ચલ આપણે પેલા આયુર્વેદના ડોક્ટરને મળીને વાત તો કરીયે શિવ.''
"હા હા ચલ એમને જ કહીયે કંઈ થાય એવું હોય તો. "
બન્ને જણા પૂછતાં પૂછતાં વૈદ્યના ઘરે પહોંચ્યા.તેમને બધી વાત કરી.
"ચાલો હું આવીને જ જોઇ લઉં. "
બધા ઘરે પહોંચ્યા. વૈદ્યે તાનીનો પગ તપાસ્યો. એમનાં થેલામાંથી એક પડીકું કાઢયું જેમાં પીળા રંગનો પાવડર હતો.
"આમાંથી અડધો પાવડર લઈ સહેજ ગરમ પાણીમાં પલાળી પગ પર લગાવી દેજો અને ઉપર કપડું બાંધી દેજો." કહી તેમણે ગોપીના હાથમાં પડીકું આપ્યું
"જો સવારે ના મટે તો પગ ધોઈને ફરીથી બાકીનો પાવડર લગાવી દેજો."
થોડી નાની પપૈયાના બીયાં જેવડી ગોળીઓ કાઢીને આપી.
" અત્યારે, રાતે અને સવારે ત્રણ ગોળી હળદરવાળા દુધ સાથે આપી દેજો."
"મટી તો જશે ને દાદા. કંઈ ચિંતા જેવું નથીને?" નીલમ ટેન્શન સાથે બોલી.
"અને ના ના કંઈ બહુ નથી વાગ્યું પણ દુ:ખાવો છે એટલે દવા આપી બસ. ચાલો હું નીકળું ."
"કેટલી તમારી ફી દાદા ? " શિવે પૂછ્યું.
"અરે ભલાદાદાના ઘરેથી મારે ફી લેવાતી હશે ? ભલાદાદા તો નામ પ્રમાણે ખૂબ જ ભલાં હતા. ભક્તિવાળા પણ એટલા જ અને નિયમિત પણ એટલા જ . સવારે ચાર વાગે ઉઠી પૂજાપાઠ પતાવી સોમેશ્વર મંદિરમાં પહોંચે એટલે ઘડીયાળ જોવાની જરૂર નહીં. ભલાભાઈ મંદિરમાં પગ મૂકે એટલે છ વાગ્યા જ હોય. એ હતા ત્યાં સુધી મંદિરમાં રોનક હતી. ભલાભાઈ મોટેથી મંત્રો બોલે એટલે જાણે મંદિરમાં ભગવાન ભૂતનાથ સાક્ષાત હાજર હોય એવું લાગે. તમે લોકો જઈ આવ્યા એ મંદિરે ?"
"ના ક્યાં આવ્યું એ મંદિર દાદા ?" ગોપીએ પૂછ્યું
"અરે અહીંથી થોડે અંદર જંગલમાં છે પણ ખૂબ જ રળીયામણું છે. ગામના લોકો અમુક તહેવારના દાડે ખાવાનું લઇને ત્યાં ઉજાણી કરવા જાય છે. મેં આ ભાઈને પણ કહ્યું હતું કે ત્યાં ફોટા સારા આવશે.તમારે તો ગાડી છે ને તો જલ્દી પહોંચી જવાશે.'
"તો તો આજે જ જઈએ.'' ગોપી બોલી
"આજે નહીં મમ્મી કાલે જઈશું.તાનીને કાલ સુધીમાં સારૂ થઈ જાય પછી." શિવના અવાજમાં તાની માટેની ચિંતા જણાતી હતી.
"ચાલો ત્યારે હું નીકળું કંઈ તકલીફ હોય તો જણાવજો. જય ભૂતનાથ."
"દાદા એક વાત પૂછું ?' "
"હા, હા, પૂછને બેટાં ."
"આ તમે ભૂતનાથ કેમ બોલે છો? "
"અહીં ગામડાંમાં ભૂત બહુ હોય એટલે એને દૂર રાખવા અમે ભૂતનાથ એટલે કે શિવજીનું નામ લેતાં રહીયે જેથી ભૂતો દૂર રહે. ભગવાન શંકર ભૂતોનો નાથ છે.'
"અચ્છાઆઆઆઆ એમ વાત છે. ચાલો ત્યારે જય ભૂતનાથ"
દાદા ગયા પછી થોડીવારે શિવ બોલ્યો.
"તાની કંઈ મગજમાં આવ્યું ?"
"હા હું પણ એ જ વિચારતી હતી."
"શું વિચારતા હતા તમે બેઉ ?"
"મમ્મીએ જ કે દાદા જંગલમાં જે મંદિરમાં જતા હતા તે શિવજી મંદિર અને આ લોકો ભૂતનાથ બોલે છે એટલે પેલા કોયડા સાથે આ બધું થોડું મેળ ખાય છે. અરે હા, પેલી નાની ચોપડી જેમાંથી પહેલો કાગળ મળ્યો હતો તેની ઉપર સોમેશ્વર મહાદેવ લખેલું હતું. ઉભા રહો હું લેતો જ આવું '"કહી શિવ અંદર દોડ્યો.