Agnisanskar - 50 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 50



" હવે બસ પ્રિશાની રાહ છે, જોઈએ એને અંશ વિશે શું માહિતી મળે છે?" વિજયે કહ્યું.

પ્રિશા એ કોઈ પણ પ્રકારના સવાલ જવાબ કર્યા વિના સૌ પ્રથમ અંશના મમ્મીનો ખ્યાલ લીધો. અંશની યાદદાસ્ત જવાથી લક્ષ્મી પૂરી રીતે હિંમત હારી ગયા હતા. એમાં પણ ખૂનનો આરોપ પણ એના દીકરા માથે જ હતો. પ્રિશા એ લક્ષ્મી માટે જમવાનું બનાવ્યું અને સાથે મળીને ભોજન પણ ગ્રહણ કર્યું.

જમવાનું પત્યા બાદ પ્રિશા એ આરામથી લક્ષ્મીને પૂછ્યું.

" મા જી હું અહીંયા અંશ વિશે જાણવા આવી હતી?"

" કેમ? મારા અંશ વિશે જાણીને તમે શું કરશો?" ગુસ્સામાં લક્ષ્મી એ કહ્યું.

બહાનું આપતા પ્રિશા એ કહ્યું. " આ બઘું હું અંશ માટે તો કરી રહી છું..."

" અંશ માટે?"

" હા, મા જી..જોવો અત્યારે અંશ પોતાની યાદદાસ્ત ગુમાવી ચુક્યો છે તો તમે જે અંશ વિશે માહિતી આપશો એનો ઉપયોગ કરીને અમે એની યાદદાસ્ત પાછી લાવી શકીશું ને..."

" જો મારા અંશને ઠીક કરવાની વાત હોય તો હું તમને બધું જણાવવા તૈયાર છું..."

" તો અંશના બાળપણ વિશે જણાવશો? "

" અંશ બાળપણથી જ ચતુર હતો... મેં એને જે પણ કામ સોંપ્યું હોય એ તુરંત ભૂલ કર્યા વિના કરી નાખતો...અને મને હજુ પણ યાદ છે જ્યારે સ્કૂલના માસ્ટર દોડીને મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમારો દીકરો તો જીનીયસ છે જીનીયસ! ખરેખર એ સમયે મને થયું હું કેટલી ભાગ્યશાળી મા છું કે મને અંશ જેવો દીકરો મળ્યો.."

" મા જી એ તો હું સમજી ગઈ પણ નવમા ધોરણથી એવું તે શું થયું કે એનું ભણવામાંથી ધ્યાન જ હટી ગયું!"

" એ તો મને પણ નથી ખબર કે મારા દીકરા સાથે શું બન્યું પણ હા એણે મને એક દિવસ કહ્યું હતું કે એણે જીવનમાં શું કરવું એનું લક્ષ્ય એમને મળી ગયું છે.."

" કેવું લક્ષ્ય?"

" હવેના દીકરા ક્યાં કોઈ પૂરી વાત જણાવે છે.."

" આ સિવાય એવી કોઈ એની આદત કે જે માત્ર તમને જ ખબર હોય.."

" હા એક આદત છે એની સિગારેટ પીવાની... મેં બે ત્રણ વખત એમને ટોક્યો પણ હતો પણ મને ખબર હતી એ પોતાનું મનનું ધાર્યું જ કરશે..."

" આ સિવાય બીજી કોઈ આદત?"

લક્ષ્મી એ યાદ કરવાની કોશિશ કરી અને કહ્યું.
" હા મારા દીકરાને એક્ટિંગ કરવાનો નાનપણથી ખૂબ શોખ છે! એક દિવસ તો એ ઘરે આવ્યો અને દારૂડિયાની એક્ટિંગ કરવા લાગ્યો અહીંયાથી ત્યાંથી ત્યાંથી અહીંયા પડવા લાગ્યો.. હું તો ખૂબ ફરી ગઈ અને રડવા લાગી. અને ત્યાં જ એણે પોતાનુ નાટક બંધ કર્યું અને કહ્યું કે મા હું એક્ટિંગ કરતો હતો...! સાચે જ મારો દીકરો ખૂબ ખુશ અને મસ્તીખોર હતો..પણ જેમ એ મોટો થતો ગયો એમ એ વધારેને વધારે ગંભીર થતો ગયો..."

પ્રિશા એ લક્ષ્મી પાસેથી અંશ વિશેની બધી માહિતી એકઠી કરી લીધી. લક્ષ્મી એ અંશના જીવનની એ અંગત વાતો પણ જણાવી જે બસ અંશ અને એની મા જ જાણતા હતા પરંતુ હવે પ્રિશા પણ અંશના જીવનમાં ઉતરી ચૂકી હતી.

આખો દિવસ પ્રિશા એ લક્ષ્મી સાથે વિતાવ્યો. દિવસ દરમિયાન પ્રિશા બસ અંશ વિશે જ જાણકારી મેળવતી જતી હતી. ક્યારેક અંશ વિશેની વાત સાંભળી એમને હસવું આવતું તો ક્યારેક અંશ વિશે વાત સાંભળીને પ્રિશાની આંખો ભરાઈ આવતી. ગરીબી દૂર કરવા માટે અંશે જે ત્યાગ અને બલિદાન આપ્યું હતું. એ સાંભળીને પ્રિશાનું એક પ્રકારે હદય પરિવર્તન થઈ ગયું.

" આ છે મારા દીકરાની કહાની...દુનિયા ભલે મારા દીકરાને ખૂની, ગુનહેગાર સમજે પણ મારા માટે તો મારો દીકરો હીરો છે હીરો..એણે જે પણ કંઈ કર્યું એ ઠીક કર્યું છે...મને ગર્વ છે કે અંશ મારો દીકરો છે..." ભાવુક થતાં લક્ષ્મી એ કહ્યું.

અંશ વિશેની માહિતી મેળવીને પ્રિશા ત્યાંથી જતી રહી. જ્યાં વિજય અને એની ટીમ પ્રિશાના આવવાની રાહ જોઇને બેઠા હતા ત્યાં પ્રિશા અંશને મળવા હોસ્પિટલ પહોંચી ગઈ.

દિવસના સમયે અંશ હોશમાં ન હતો. પરંતુ મોડી રાતે જ્યારે અંશને હોશ આવ્યો તો ડોક્ટરની પરવાનગી લઈને પ્રિશા અંશને મળવા પહોંચી ગઈ.

અંશના માથા પર પટ્ટી બાંધેલી હતી. હાથ અને પગમાં પણ થોડીઘણી ખરોચ આવી ગઈ હતી. પ્રિશા આવીને તુરંત અંશનો ખ્યાલ લીધો અને ત્યાર બાદ એમણે કહ્યું.
" અંશ મને ખબર છે તું યાદદાસ્ત ગુમાવવાની એક્ટિંગ કરી રહ્યો છે..."

અંશના ચહેરા ના હાવભાવ જ બદલી ગયા.

સ્મિત સાથે પ્રિશા એ ફરી કહ્યું. " તું આ ડોકટર ને બેવકૂફ બનાવી શકે, પોલીસ ને પણ બેવકૂફ બનાવી શકે પણ મને બેવકૂફ સમજવાની ભૂલ ન કરતો..તારી ભલાઈ એમાં જ છે કે તું આ નાટક બંધ કરી દે અને ખાસ કરીને મારી સામે તો આ નાટક નહિ જ ચાલે.."

અંશ હજુ પણ ચૂપચાપ બેઠો પ્રિશા ને જોઈ રહ્યો હતો.

" મારી પાસે તારા માટે એક ઑફર છે...હું તને અહીંયાથી ભગાડવામાં મદદ કરીશ..એના બદલામાં તારે બસ મારું એક કામ કરવાનું છે.....ચિંતા ન કરતો કામ ખૂબ સરળ છે, તારા લાયક જ છે...એટલે વિચાર કરી લેજે તને કાલ રાત સુધીનો સમય આપુ છું....આ નાટક બંધ કરીને મારી સાથે ભાગવું છે કે પછી પોલીસના હાથે ગીરફતાર થવું છે... ચોઈસ તારી છે..." પ્રિશા એ ગોગલ્સ આંખો પર ચડાવી અને ત્યાંથી જતી રહી.
અંશ ચૂપચાપ પ્રિશાને જતા જોઈ રહ્યો.


*********

બલરાજ સિંહ ચૌહાણનો એક માત્ર દીકરો રણજીત સિંહ પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને વિદેશથી નંદેશ્વર ગામ પહોંચી ગયો હતો. બળવાન શરીર અને આંખોમાં જાણે ખૂન સવાર હોય એ રીતે તેમણે ઘરે પહોંચીને તોડફોડ શરૂ કરી દીધી હતી.રણજીત સિંહની ઉંમર માત્ર વીસ વર્ષની જ હતી. આખા શરીરમાં જાણે યુવાનીનું ખૂન દોડતું હતું. પિતાના ખૂનનો બદલો વાળવા માટે રણજીતસિંહ દરેક મર્યાદા તોડવા માટે તૈયાર હતો.

" કોની હિંમત થઈ મારા પપ્l
પાને જીવતા સળગાવવાની??" બલરાજના ખાસ દસ આદમીઓની સામે રણજીત સિંહે ગર્જના કરી.

" શાંત થઈ જા દીકરા...પોલીસે એમને ગિરફતાર કરી લીધો છે..."

" મારા પિતાના ખૂનનો બદલો હું લઈશ....જીવતા સળગાવ્યો હતો ને મારા પિતાને હવે જો હું aએના આખા ખાનદાનને ખતમ ન કરી દવ ને તો મારું નામ પણ રણજીતસિંહ ચૌહાણ નહિ....!!"

શું અંશ ખરેખર યાદદાસ્ત ગુમાવવાનું નાટક કરી રહ્યો છે? શું અંશ પ્રિશાના જાળમાં ફસાઈને પોતાના નાટકને કબૂલ કરશે? અને શું રણજીતસિંહ ચૌહાણ પોતાના પિતાનો બદલો લઈ શકશે?? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

વાર્તા કેવી લાગી રહી છે? એ વિશે પ્રતિભાવ આપવાનું ન ચૂકતા અને શું અંશે જે કર્યું એ યોગ્ય છે કે નહિ એ વિશે પણ તમે પોતાના વિચારો જણાવી શકો છો..અને જો વાર્તા તમને આનંદિત રહી હોય તો સ્ટીકર આપીને પ્રોત્સાહન કરવાનું ન ભૂલતા.

ક્રમશઃ





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED