અગ્નિસંસ્કાર - 51 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 51



વહેલી સવારે વિજય અને સંજીવ અંશને મળવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા.

" હેલો ડોકટર સાહેબ..." વિજય બોલ્યો.

" જી બોલો..."

" અમે અંશને થોડાક સમય માટે મળવા માંગીએ છીએ શું અમે મળી શકીએ?" વિજયે પૂછ્યું.

" શું મઝાક કરો છો સાહેબ, અંશ તો કાલ રાતથી તમારી પાસે જ છે ને...હું તો સામેથી તમને પૂછવા આવી રહ્યો હતો કે અંશ ક્યાં છે એને જલ્દી મોકલો એટલે અમે એની સારવાર કરી શકીએ...." ડોકટરે કહ્યું.

વિજય અચંભિત થઈ ગયો અને બોલ્યો. " અંશ અમારી પાસે છે?? કોણ લઈ ગયું એને?"

" શું નામ છે એમનું? હા, પ્રિશા મેમ... એ જ કાલે મારી પાસે આવ્યા અને અંશને થોડાક સમય માટે કહીને લઈ ગયા..."

" પ્રિશા અંશને ક્યાં લઇ ગઈ હશે? અને એ પણ અમને પૂછ્યા વગર?" વિજયે સંજીવ તરફ જોઈને કહ્યું.

સંજીવે તુરંત પ્રિશાને કોલ કરી જોયો પણ નંબર જ બંધ આવી રહ્યો હતો.

" સર ફોન તો બંધ આવી રહ્યો છે..."

થોડાક સમયમાં વિજયની બાકી ટીમ પણ ત્યાં પહોંચી ગઈ.

" આરોહી, તારી પ્રિશા સાથે કોઈ વાત થઈ?" વિજયે પૂછ્યું.

" ના સર.."

" આર્યન તને તો ખબર જ હશે ને પ્રિશા ક્યાં છે?"

" સોરી સર પણ લાસ્ટ બે દિવસથી મારી પણ પ્રિશા સાથે કોઈ વાતચીત નથી થઈ..." આર્યને કહ્યું.

" સર મને લાગે છે કે... પ્રિશા અંશને ભગાડીને લઈ ગઈ છે..." આરોહી એ પોતાના વિચાર રજૂ કર્યા.

" શું વાત કરે છે આરોહી?? પ્રિશા અંશને ભગાડી! ઈમ્પોસિબલ! .."

ત્યાં જ સંજીવ થોડીક જાણકારી લાવીને બોલ્યો.
" સર...અંશના મમ્મી લક્ષ્મી બેન અને કેશવના મમ્મી રસીલા બેન પણ ગાયબ છે..."

" મારો શક સાચો પડ્યો પ્રિશા દગાબાજ નીકળી જ ગઈ!!" આરોહી એ ગુસ્સામાં કહ્યું.

વિજય અને એની આખી ટીમ સદમામાં હતી કે એની સાથે જ કામ કરતી પ્રિશા એ એક ક્રિમીનલને ભગાડીને પોતાની સાથે લઈ ગઈ!.

સાંજના સમયે કમિશનર સાહેબ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને વિજય અને એની ટીમને કેસની નિષ્ફળતા બાબતે કડવા વેણ કહેવા લાગ્યા.

" આઈ એમ સોરી સર...આઈ પ્રોમિસ કે આજ પછી આવું કયારેય નહિ બને..." વિજયે કહ્યું.

" માફી માંગવાની હવે કોઈ જરૂર નથી..., કારણ કે હું તમારી આખી ટીમને ટેમ્પરરી માટે સસ્પેન્ડ કરું છું..."

" સર...આ તમે શું બોલો છો?? અમારીથી મિસ્ટેક જરૂર થઈ છે પણ..."

" પણ શું હે વિજય? પહેલા તો બે ક્રિમીનલમાંથી એક ક્રિમીનલ તમારી આંખો સમક્ષથી ભાગી જાય છે....અને જ્યારે એક ક્રિમીનલ તમારા હાથે લાગે છે તો તમારી જ ટીમનો મેમ્બર એમને ભગાડીને લઈ જાય છે! આ છે તમારી ટીમની તાકાત?? પ્રિશા તમારી સાથે જ રહેતી હતી ને? એના મનમાં શું ચાલતું હતું એ પણ તમે જાણી ન શક્યા?...વિજય તારી પાસેથી તો મને આ ઉમ્મીદ ન હતી..."

કમિશનર સાહેબે એક કલાક સુધી ઠપકો આપ્યો. વિજય અને એની ટીમે માફી પણ માંગી જોઈ પરંતુ કમિશનર એક ના બે ન થયા અને ટેમ્પરરી માટે વિજયની આખી ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી.

કમિશનર સાહેબના જતા જ બધા નીચું મોં કરીને ઉદાસ થઈને બેસી ગયા. વિજયના જીવનમાં પહેલો એવો કેસ હતો કે જેમાં એમને નિષ્ફળતા મળી હતી અને એની સાથે સસ્પેન્ડ થવાનું દુઃખ તો ખરું જ.

" તો હવે શું કરીશું સર?" સંજીવે વિજયના ખભા પર હાથ મૂકીને કહ્યું.

વિજય સરની આંખોમાં પાણી આવી ગયા. કઠોર મન રાખીને આંસુઓને કાબુમાં રાખીને કહ્યું. " હવે શું? કમિશનર સાહેબનો આદેશનો પાલન કરીશું....તમે બધા બેગ પેક કરી લો ઘરે જવાનો સમય આવી ગયો છે...અને હા, મારા લીધે તમારે પણ જે ખરીખોટી સાંભળવી પડી અને સસ્પેન્ડ થવું પડ્યું એ બદલ હું દિલથી તમને બધાને માફી માંગુ છું..."

" ના સર..તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી...આ તો આપણી જ ટીમની મેમ્બર ગદ્દાર નીકળી તો એમાં આપણે શું કરી શકીએ સર.." આરોહી બોલી ઉઠી.

" તમે બધા પોતપોતાના ઘરે જવા રવાના થાવ એ પહેલા હું તમને બધાને અંતિમ વખત મળવા માંગુ છું..તો આજ રાતે દસ વાગ્યે આપણે મારા ઘરે મળીએ ઓકે?"

" ઓકે સર." બધા ઉદાસ ચહેરે પોતાના ઘરે જવા માટે બેગ તૈયાર કરવા માટે નીકળી ગયા.

પ્રિશા અંશને ભગાડીને આખરે ક્યાં લઇ ગઈ? શું પ્લાન છે પ્રિશાનો? શું વિજય અને એની ટીમનો કિસ્સો અહીંયા જ ખતમ થઈ જશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ