મેદાન - Movie Review Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેદાન - Movie Review

મેદાન

- રાકેશ ઠક્કર

છેલ્લા ચાર વર્ષથી અજય દેવગનની ફિલ્મ મેદાન ની રજૂઆતની રાહ જોવાતી હતી. રજૂ થઈ ગઈ છે ત્યારે દેર આયે દુરસ્ત આયે એમ કહેવું પડશે. અજય દેવગન માત્ર અભિનયમાં જ મેદાન મારી ગયો છે. સમીક્ષકોએ એના અભિનયના ભરપૂર વખાણ કર્યા છે. અજયની યાદગાર અને શ્રેષ્ઠ ભૂમિકાવાળી ફિલ્મોમાં આ બાયોપિક ગણાતી રહેશે એ નક્કી છે. સ્પોર્ટ્સ ડ્રામામાં અજયે ખરેખર થિયેટરને સ્ટેડિયમ બનાવી દીધું છે.

અગાઉ ઘણી સ્પોર્ટ્સ ફિલ્મો આવી ચૂકી છે પણ આ રીતે રૂંવાડા ઊભા કરી દે એવી શોધવી મુશ્કેલ છે. ચક દે ઈન્ડિયા ની પણ યાદ આવી જાય એમ છે. જોકે, એક-બે ફિલ્મોને બાદ કરતાં કોઈ અભિનેતાએ ફૂટબોલ પરની ફિલ્મને મહત્વ આપ્યું ન હતું. અજયને આ માટે ખાસ અભિનંદન મળી રહ્યા છે. અજયે એક અજાણ્યા સુપર હીરો ને પડદા પર સાકાર કરી દીધો છે.

અજયને જ્યારે અંદરથી હચમચાવી દે એવી ભૂમિકા મળે છે ત્યારે એ એને ન્યાય આપવામાં કોઈ કસર બાકી રાખતો નથી. અજયે તાનાજી માટે કરી હશે એટલી જ મહેનત મેદાન ના ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના પાત્ર માટે કરી છે. અજય આ ફિલ્મમાં પણ આંખોથી અભિનય કરવાની પોતાની ક્ષમતાનો પરિચય આપે છે.

નિર્દેશક અમિત શર્માએ કલાકારોની પસંદગીમાં કોઈ કમી રહેવા દીધી નથી. બધા જ અસલ પાત્ર જેવા લાગે છે. ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કારોમાં જ નહીં અન્ય તમામ એવોર્ડ સમારંભોમાં સ્થાન મેળવવાની છે. ફિલ્મની વિશેષતા એ છે કે એક કલાક પછી ઇન્ટરવલ આવે છે. અને ત્યાં સુધી ફિલ્મ ધીમી ચાલતી હોવાથી ઘણી જગ્યાએ કંટાળો પણ આપે છે. એમ થશે કે દસ મિનિટની લંબાઈ ઓછી કરવાની જરૂર હતી. ઇન્ટરવલ પછી બે કલાક ચાલે છે. ત્રણ કલાકની ફિલ્મ હોવા છતાં બીજા ભાગ પછી મજબૂત સ્ક્રિનપ્લેને કારણે લાંબી લાગતી નથી. કેમકે એમાં મેચના દ્રશ્યો વધારે છે. સંવાદ પણ દમદાર છે.

આઝાદ ભારતની ફૂટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમ અને તેમની ટીમની આ વાર્તા છે. કલકત્તા સ્પોર્ટ્સ ફેડરેશનના કેટલાક લોકો બંગાળ અને હૈદરાબાદને મહત્વ આપી રહ્યા હતા. એ લોકો પોતાના જ રાજ્યો વચ્ચે ભેદભાવ કરી રહ્યા હતા. ત્યારે રહીમના મનમાં દેશને ફૂટબોલમાં નામ અપાવવાની ઈચ્છા હતી. એમણે કેવી રીતે ભારતને ફૂટબોલમાં ઓળખ અપાવી અને 1952 થી 1962 ને સુવર્ણ કાળ બનાવી દીધો એના સંઘર્ષની વાર્તા છે. એમાં વાર્તા મેદાનની લડાઈની છે પણ ઓળખ માટેની લડાઈ વધુ છે. મેદાનમાં ખેલાડીઓ પોતાના દેશની ઓળખ માટે રમતા હતા પણ હાર કે જીત માટે નહીં.

ઇન્ટરવલ પછી વાર્તા બરાબર વેગ પકડે છે. તેથી પડદા પરથી દર્શક આંખ હટાવી શકતો નથી. દર્શકો ફિલ્મ સાથે એવા જોડાઈ જાય છે કે ખેલાડીને ઇજા થાય છે ત્યારે પરેશાન થાય છે અને જીતે છે ત્યારે તાળીઓથી વધાવી લે છે. ખેલાડીની મજબૂરી દર્શકોની આંખોમાં આંસુ પણ લાવી દે છે.

અજય જેટલું મહત્વ બીજા કલાકારોને મળ્યું નથી. છતાં ચૈતન્ય શર્મા, તેજસ, દવિન્દર, અમર્ત્ય રે વગેરે દરેક કલાકારે પડદા પર ફૂટબોલ રમવા બહુ મહેનત કરી છે. રહીમની પત્ની તરીકે પ્રિયમણી પણ જામે છે. અજય દેવગન શ્રેષ્ઠ સાબિત થાય છે. પહેલા ભાગમાં અજય જોશ અને હિંમત સાથે દેખાય છે તો એ પછી એકદમ અલગ માણસ બની જાય છે. એનામાં ઝનૂન અને હિંમત એવા દેખાય છે કે એ રહીમ જ લાગે છે. સિગારેટ પીવાની અદામાં પણ એના અભિનયનો કમાલ જોવા મળે છે. અજય ક્યાંય લાઉડ થયો નથી.

એક જાણવા જેવી વાત એ છે કે બાયોપિક હોવા છતાં મેકઅપથી લુક આપવામાં આવ્યો નથી. કેમકે રહીમનો લુક એકદમ અલગ હતો. તેથી કમાલનો અભિનેતા અજય પસંદ કર્યો હતો. ફિલ્મ દ્વારા રહીમની વાર્તાને બહુ સરસ રીતે સમજાવવામાં આવી છે. એમણે ભારતીય ફૂટબોલને કેવી રીતે ઊંચો મુકામ અપાવ્યો હતો એ જાણવા મળે છે. મેદાન ભારતની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ફિલ્મનો ખિતાબ મેળવી શકે એવી છે. ઈમોશનલ દ્રશ્યોમાં એ લાજવાબ કામ કરી ગયો છે. છેલ્લે તે દર્શકોને રડાવી જાય છે.

નિર્દેશક અમિત શર્માએ બધાઈ હો જેવી ફિલ્મથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા. મેદાન માં એ ઇમોશન સાથે રડાવી જાય છે. ટીમ ઈન્ડિયાની ફૂટબોલ મેચના દ્રશ્યોને નિર્દેશકે ગજબ રીતે ફિલ્માવ્યા છે. અત્યાર સુધી હસાવતા આવેલા ગજરાજ રાવ નકારાત્મક ભૂમિકામાં પોતાની છાપ છોડી જાય છે. એના માટે નફરત થઈ જાય એ હદે પાત્રને નિભાવ્યું છે. તો એક અભિનેતા તરીકે પ્રેમ મેળવી જાય છે.

એ.આર. રહેમાનનું સંગીત એમના નામ પ્રમાણે નથી. મિર્ઝા અને જાને દો થોડી અસર છોડી જાય છે. પરંતુ ફિલ્મ જોયા પછી યાદ રહી જાય એવા ગીત નથી. ટીમ ઈન્ડિયા હૈ હમ જોશ ભરી દે એવું છે. રહેમાને ફિલ્મની જરૂરિયાત પ્રમાણે સંગીત જરૂર આપ્યું છે. એમાં વિશેષતા નથી. બેકગ્રાઉન્ડ સંગીત હજુ વધુ દમદાર જોઈતું હતું. જે વધારે રોમાંચ ઊભો કરી શકે.

લાંબા સમય પછી એક સારી બાયોપિક આવી છે. ફૂટબોલના સુવર્ણ કાળને નિર્દેશકે જીવંત કર્યો છે. 1950-60 ના દાયકાના કલકત્તાને બતાવવાનું મુશ્કેલ કામ કર્યું છે. દ્રશ્યોને વિશ્વસનીય બનાવવા અસલ ફૂટેજનો ઉપયોગ કર્યો છે. પહેલાં એમ થશે કે આવી વાર્તા તો ફિલ્મોમાં આવતી રહે છે પણ એની રજૂઆત છે એવી ક્યારેય જોઈ નથી.

ફિલ્મ સૌથી વધુ ક્લાઇમેક્સમાં ચોંકાવી દે છે. એક તબક્કે એવું લાગે છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા છે. ફૂટબોલના ચાહકોએ આ ફિલ્મ ખાસ જોવા જેવી છે. એમાંની મેચ રોમાંચક છે. ફિલ્મનો વિષય એવો હતો કે નિર્દેશક દેશભક્તિના મુદ્દાને વટાવી શકે એમ હતા. પરંતુ તેઓ એ વાતથી દૂર રહ્યા છે. ભારતની વાહ વાહ સાથે બીજા દેશને નીચો પણ બતાવવામાં આવ્યો નથી. દરેક ફિલ્મમાં ખૂબી અને ખામી હોવાની જ. એ દર્શકની નજરનો પ્રશ્ન હોય છે. સૌથી મોટી વાત એ છે કે પરિવાર સાથે જોઈ શકાય એવી સાફસુથરી ફિલ્મ છે.