Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 16

વસંત ખીલી ઉઠી ભાગ 1


મુંબઈના પોશ વિસ્તારમાં રહેતો પ્રણવ તેના આખા દિવસના વ્યસ્ત શિડયુલમાંથી માત્ર રવિવારે જ ફ્રી પડતો. રવિવારે જ તે પોતાના મન ગમતાં કામ કરી શકતો.

રવિવારનો દિવસ હતો. ગગનચુંબી ઈમારતમાં તે ચૌદમાં માળે રહેતો હતો. ત્યાંથી તે આખા મુંબઈને એક નજરે પોતાની આંખોમાં સમાવી શકતો.

સવારના સાત વાગ્યા હશે. તે કૉફીનો મગ લઈ બાલ્કનીમાં આવ્યો. આહલાદક વાતાવરણની ખુશ્બુ જાણે પ્રણવના તન અને મન બન્નેમાં તાજગી ભરતાં હોય તેવું પ્રણવ મહેસુસ કરતો. આખા મુંબઈ પર એક મીઠી નજર નાખી તેણે કૉફીની એક ચૂસકી ભરી. ત્યાં જ તેની નજર બિલકુલ તેની બાજુની બાલ્કની પર ગઈ. થોડીવાર માટે જાણે તે સ્તબ્ધ થઈ ગયો.

સાવ, અવાવર રહેતી બાલ્કની..જ્યાં વર્ષોથી કબૂતર અને તેના માળા સિવાય કંઈ જ જોવા નહોતું મળતું. ત્યાં કોઈ સુંદર યુવતી કસરત કરતી જોવા મળી. જીમના આઉટફિટમાં, કાનમાં હેન્ડ્સફ્રી લગાવેલ મ્યુઝિકના તાલે કસરત કરતી હોય એવું લાગ્યું. તે યુવતીના ચહેરા પરથી પ્રણવની નજર હટતી જ નહોતી.

પ્રણવે પોતાનો હાથ ઊંચો કરી કહ્યું, ' Hi...! Good Morning..!"

પણ મ્યૂઝિકના તાલે કસરત કરતી તે યુવતીનું ધ્યાન પ્રણવ પર પડ્યું નહિ. તે તો કસરત કરતી રહી. પ્રણવે ફરી પ્રયત્ન કર્યો.

" Hello..! Have a good day..!"

પ્રણવ બીજા પ્રયત્ને સફળ રહ્યો. તે યુવતીએ મીઠા સ્મિત સાથે હાથ ઊંચો કરી હલાવ્યો અને અંદર ચાલી ગઈ. પહેલી નજરમાં જ જાણે પ્રેમ થઈ ગયો હોય તેમ પ્રણવ તેના બન્ને હાથ હદય પાસે લઈ જઈને પોતાના ધબકારા માપવા લાગ્યો.

ધક..ધક..ધક..ધક..ધક..ધક..! અવાજ સાંભળી શરમાઇને પ્રણવ દોડતો તેના બેડ પર કૂદી પડ્યો.

થોડા દિવસો સુધી જાણે આ નિત્યક્રમ બની ગયો. પ્રણવ હાથ ઊંચો કરી હાય..! નો ઈશારો કરતો ને તે યુવતી પણ તેની સામે મીઠું સ્મિત કરતી. પ્રણવને તે યુવતી સાથે વાત કરવાનું મન થતું. પણ આમ દૂર દૂરથી વાત થવી શક્ય નહોતી. આથી એક દિવસ પ્રણવે એક કાગળમાં પોતાનું નામ અને મોબાઈલ નંબર લખીને ડૂચો વાળીને તે યુવતીની બાલ્કનીમાં નાખ્યો.

તે યુવતીએ પણ તે કાગળ ખોલીને જોયું. પ્રણવે ઈશારાથી કૉલ કે મેસેજ કરવા જણાવ્યું. તે યુવતીએ હસીને અભિવાદન કર્યું.

ચાર દિવસ થઈ ગયા પણ પ્રણવ પર કોઈ કૉલ કે મેસેજ આવ્યો નહિ. જ્યારે પણ મોબાઈલમાં કૉલ કે મેસેજ ટૉન વાગે કે પ્રણવ તરત જ સામેની યુવતીનો કૉલ કે મેસેજ હશે તે આશાએ મોબાઈલ હાથમાં લઈ લેતો. પણ દર વખતે નિરાશ થતો. હવે તો તે બાલ્કનીમાં પણ દેખાતી બંધ થઈ ગઈ. પ્રણવ રોજ બાલ્કનીમાં જોતો. સાંજે પણ તેની નજર બાજુની બાલ્કનીમાં તે યુવતીને જ શોધતી. યુવતીના ઘરના લોકો દેખાતા પણ યુવતી દેખાતી નહોતી. પ્રણવ નિરાશ થઇ જતો અને વિચારતો કે, " પહેલી વખત કોઈને જોઈ આ દિલ ધબકારો ચૂક્યું હતું. પહેલી વાર આમ કોઈને બસ એકીટશે જોઈ રહેવાનું મન થતું હતું..ને પ્રભુ એમાં પણ તમને ઈર્ષ્યા થઈ કે તેને સાવ મારી સામે લાવવાનું જ બંધ કરી દીધું..!"

આમને આમ લગભગ વીસ પચ્ચીસ દિવસ વીતી ગયાં હશે. પણ બાજુની બાલ્કનીમાં રોજ તાકવાનો પ્રણવનો નિત્યક્રમ બદલાયો નહિ. તેને આશા હતી કે એકદિવસ તો તે યુવતી જરૂરથી દેખાશે. બાલ્કની જાણે હવે પ્રણવનો બેઠકરૂમ બની ગયો હતો. રવિવારની સવાર હતી, નિત્યક્રમ મુજબ પ્રણવ બાલ્કનીમાં બેઠો હતો ત્યાં જ બાજુની બાલ્કનીમાં તે યુવતી આવી અને હૅડફોન ભરાવી મ્યુઝિકના તાલે કસરત કરવા લાગી.

" અરે..ક્યાં હતી તું અત્યાર સુધી..! તારા વગર મારુ મન કેટલું વ્યાકુળ બની ગયું હતું." તે યુવતીને જોઈ પ્રણવ મનમાં જ બોલ્યો અને ભાગીને ઘરમાંથી નોટ અને પેન લઈ આવ્યો.

તેણે ફટાફટ કંઈક લખ્યું અને નોટમાંથી કાગળ ફાળીને ડૂચો વાળીને તે યુવતીની બાલ્કનીમાં નાખ્યો. તે યુવતીએ તે કાગળ ખોલી વાંચ્યો, " hi..good morning..! ક્યાં ચાલી ગઈ હતી તું આટલા દિવસ..? દેખાતી નહોતી..? મેં મારો નંબર આપેલો. પણ તે એકપણ વાર કૉલ કે મેસેજ ન કર્યો..! કેમ..? "

તે યુવતીએ ઈશારાથી કંઈક કહ્યું. પણ પ્રણવ સમજી શક્યો નહિ. આથી પ્રણવે ફરી કાગળ પર પોતાનો મોબાઈલ નંબર લખી કૉલ કે મેસેજ કરવા તે યુવતીને જણાવ્યું.

થોડીવાર પછી..

" Hi..good morning" કોઈ નવા નંબર પરથી મેસેજ આવ્યો.

" Hi..good morning..હું તારા જ મેસેજની રાહ જોતો હતો..!" ખુશીથી ઉછળીને પ્રણવે મેસેજ કર્યો.

" oh..થેન્ક યુ સર..તમારી ગાડીના insurance અંગેની ડિટેઇલ તમારે જાણવી હોય તો મારા આ નંબર પર કૉલ કરજો અથવા આપેલ લિંક દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો."

બીજો મેસેજ વાંચી પ્રણવની બધી ખુશી ઓસરી ગઈ. બિચારો બરાબરનો ભોંઠો પડ્યો. તેણે ફરી બાલ્કનીમાં ડોકિયું કર્યુ.

" આ છોકરી મને બહુ તડપાવે છે. હજુ પણ તેનો મેસેજ આવ્યો નથી...મારી પાસે તેનું નામ કે નંબર પણ નથી..કંઈ નહીં..જવાદે પ્રણવ..! કદાચ તેને મારામાં કોઈ રસ જ નહિ હોય..!" આમ વિચારી પ્રણવે મોબાઈલ બેડ પર નાખ્યો અને નાહવા ગયો.

નાહી ધોહી પ્રણવે મોબાઈલ હાથમાં લીધો. કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા.

"Hi..good morning..! હું પ્રતિક્ષા..! Sorry..હું ફોન પર વાત નહીં કરી શકું."