Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 15

બેટી બચાવો..


અર્પિતા સ્કૂલેથી આવી સીધી તેની છ વર્ષની ઢીંગલી આર્યા સાથે રમવા લાગી. તે રોજ આર્યા માટે કંઇક ને કંઇક લાવતી. આર્યા મમ્મીની રાહ જોઇને જ બેઠી હોય. અર્પિતાને જોઈને તો તે ખુશ થઈ જતી. આમ રોજ અર્પિતા સ્કૂલેથી આવી અડધો કલાક તો રમતી જ હતી.આ તેનો રોજનો ક્રમ.


"આરુને છ વરસ થઈ ગયા. હવે તો કંઈક વિચારો વહુ બેટા..! ભગવાન એક દીકરો આપી દે તો તેનું મોઢું જોઈ ઉપર જઉં.." અર્પિતા ને આરુ સાથે રમતી જોઈ ખાટલામાં માળા ફેરવતા વડસાસુ ( સાસુ ના સાસુ ) બોલ્યા.


" બા..! મારી આરુ મારો દીકરો જ છે.. પછી બીજા દીકરાની શી જરૂર..?" અર્પિતાએ આર્યા સાથે રમતા રમતા જવાબ આપ્યો.


" ના બાપ..! આ તો દીકરી કહેવાય..! પારકા ઘરની થાપણ..મોટી થશે એટલે એના ઘેર જતી રહેશે..! દીકરો તો જોઈએ જ હો..! ઘરનો વારસદાર તો હોવો જોઈએ વહુ બેટા..!" વડસાસુએ ઉતાવળે માળા ફેરવતા કહ્યું.


" પણ બા..! બીજો દીકરો જ આવશે તેની શું ગેરન્ટી..? અને મારે જોબ અને ઘર સાથે આરુને જ હું જોઈએ તેટલો સમય નથી આપી શકતી તો બીજા બચ્ચા ને કેવી રીતે સમય આપી શકું..? અને આજના જમાનામાં દિકરો દીકરી એક સમાન છે." અર્પિતા એ દલીલ કરતા કહ્યું.


" અમે નવ નવ છોકરાં મોટા કર્યા છે..! એમનેમ થયાં હશે..? ખેતર..ઢોર ઢાંખર.. અને ઘર..આ બધું સંભાળતા.. એક સાથે..કોઈ દિવસ હુંકારોએ નથી કર્યો અને તમેં એક છોકરામાં થાકી જાઓ છો.. વહુ બેટા..!" વડસાસુએ પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું.


એવામાં અર્પિતાના સાસુ, બા અને અર્પિતાની વાતો સાંભળી તેમની પાસે આવ્યા અને બોલ્યા, "બાની વાતથી હું પણ એકદમ સહેમત છું. ઘરનો વારસદાર તો જોઈએ ને..તું બીજું બાળક લાવવાનો વિચાર તો કર.. પછી હું તને દીકરો થાય તેની દવા પણ લઈ આપીશ..! અને ત્રણ મહિને આપણે ચેકઅપ કરાવી દઈશું "


" દિકરો દીકરીનું અવતરવું એ કુદરતી હોય..તેમાં કોઈ દવા કામ ન કરે અને મારા માટે તો આરુ મારો દીકરો જ છે." આટલું કહી અર્પિતા ફ્રેશ થવા બાથરૂમમાં ચાલી ગઈ.


" આજની આ ભણેલી ગણેલી પેઢી આપણી વાત ક્યારેય નહીં સમજે.." વડસાસુએ આટલું કહીને પોતાની દલીલનો અંત લાવ્યા.


અર્પિતા અંદરોઅંદર મુંજાયે જતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું..? સમાજની આ વરવી હકીકત સૌ કોઇ જાણતા હતા. બસ લોકો બહારથી જ દીકરા દીકરીને સમાન સમજતા. પણ સૌ કોઈને દીકરાની લાલસા રહેતી.


" એવું તો શું છે જે દીકરો કરી શકે દીકરી નહીં..? આજના આધુનિક સમયમાં પણ કેમ આ ભેદભાવ દૂર થતો નથી..? હું આ લોકોના તાબે થવાની નથી..! બીજું બાળક પણ દીકરી આવે તો ફરી મને દીકરો લાવવા ફોર્સ કરે.. અને દીકરા દીકરી નો ભેદભાવ હું ક્યારેય સહન નહીં કરી શકું...!" એકીટશે અર્પિતા બોલવા લાગી. શ્રેયસ બસ તેને સાંભળી રહ્યો હતો. તેને પણ અર્પિતાની વાત સાચી લાગતી. પણ આ રૂઢિચુસ્ત સમાજને ક્યાં પહોંચી વળાય..? અરે સમાજ તો દુરની વાત થઈ. આ રૂઢિચુસ્તતા તો તેના ઘરમાં ઘર કરી ગયેલી.


" તું મન પર ન લે. મમ્મી-પપ્પા અને બા થોડા રૂઢિચુસ્ત છે. તે બોલે તો બોલવા દેવાનું. એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી દેવાનું. આપણે ન વિચારીએ ત્યાં સુધી કંઈ થવાનું નથી. અને જો તારે બીજું બાળક નથી જોઈતું તો કંઈ નહીં, આપણે બીજું સંતાન નહીં લાવીએ.ઓકે..!" શ્રેયસ એ અર્પિતાને સમજાવતા કહ્યું.


" શ્રેયસ તમે નથી જાણતા. આ બાબતે મને રોજ કહેવામાં આવે છે. અને બીજું સંતાન લાવવાનો મને વાંધો નથી. પણ જો બીજી પણ દીકરી આવી તો આ લોકો મને ફરી ત્રીજી વખત સંતાન લાવવાનું કહેશે..! હું તમારા ઘરે સંતાન પેદા કરવા નથી આવી..!"


ગુસ્સાથી અર્પિતાએ કહ્યું.


" અરે કુલ ડાઉન બેબી..! ગુસ્સે કેમ થાય છે..? તું કહે એમ જ કરશું બસ..!"


" તમને કોઈ નહીં કહેતું..જે હોય તે મને જ સંભળાવે જાય છે. દીકરો તો જોઈએ જ..દીકરો તો જોઈએ જ..અને એક વાત કહું શ્રેયસ.. જો મારે દીકરો પણ આવે ને તો તેઓ દીકરા અને મારી આરુ વચ્ચે ભેદભાવ રાખે જ ...એમાં કોઈ શક નથી."


" અરે મારી સ્વીટ હાર્ટ...હું ને તું તો ક્યારેય ન રાખીએ હો..! " આટલું કહી શ્રેયસ હસ્યો.


" શું કરવું જોઈએ શ્રેયસ..! આપણે બીજા સંતાન માટે પ્લાનિંગ કરવું જોઇએ કે નહીં..? મને તો કંઈ સમજાતું નથી." અર્પિતા એ શ્રેયસના વિચારો જાણવા પ્રશ્ન પૂછ્યો.


" જો અર્પિતા..! હું રૂઢિચુસ્ત નથી. પણ મારા મત પ્રમાણે બે સંતાન હોવા જોઈએ. કેમ કે બાળક મોટું થાય પછી બધી વાતો.. સમસ્યા.. કંઈ પણ તે બધું આપણી સાથે શૅર ન કરી શકે. તેનું ભાઈ કે બહેન હોય તો તેઓ એકબીજા સાથે સુખ દુઃખ વહેંચી શકે..! તું તારું જ ઉદાહરણ લે..! તું તારી અંગત વાત કે બધી સમસ્યાઓ મમ્મી પપ્પા ને કહે છે..? નથી કહેતી ને..! અને તારી બહેનને કેવું તરત જણાવી દે છે..! આવું કેમ..?"


" હું મારા પ્રોબ્લેમ્સ મમ્મી પપ્પા ને કહું તો ખોટી ચિંતા કરે અને બીમારી પડે. બહેન ને કહું તો તે મને કોઈ ઉપાય પણ બતાવે અને મને સાંત્વના પણ આપે..!"


" બસ આ જ મેઈન પોઈન્ટ છે. આથી બે સંતાનો હોવા જોઇએ. પછી તે દીકરા હોય કે દીકરીઓ કોઈ ફેર પડતો નથી. આવું મારું માનવું છે."


" પણ બીજી દીકરી આવશે તો..?"


" તો શું..? તે આપણું જ સંતાન છે. આરુ ને આપીએ છીએ તેમ તેને પણ પ્રેમ અને વ્હાલ આપશું ને મોટી કરશું.?"


" તો બીજી દીકરી આવે તો તમને કોઈ પ્રૉબ્લેમ નથી એમ ને..? અરે મને શું પ્રૉબ્લેમ હોય. મેં તને પહેલાં જ કીધું હું રૂઢિચુસ્ત નથી. તારી જેમ હું પણ દીકરા દીકરી ને સમાન માનું છું."


"પણ મમ્મી ચેકઅપ કરવાનું કહેતા હતા. અને એમને ખબર પડે કે દીકરી છે તો..? હું કોઈ પાપ કરવા નથી માંગતી. હું મારા ગર્ભમાં જ મારા સંતાનોને ન મારી શકું..!"


" હું તને પ્રોમિસ આપું છું કે આપણું જે પણ સંતાન હશે તેને હું ખુશી ખુશી સ્વીકારીશ. હું કોઈ પાપ નહીં થવા દઉં."


" થેન્ક્સ યાર..! તમે આટલી હૂંફ આપોછો તો મને બીજું સંતાન લાવવાની હિંમત થાય છે. આમ જ મારી સાથે રહેજો હો..! હંમેશા..!"


" તારી સાથે જ છું..! હું ક્યાં જવાનો..? " આટલું કહી શ્રેયસ મનમાં જ મલકાયો.


થોડા દિવસ પછી...


" મમ્મીજી..! એક વાત કહું..?" અર્પિતાએ ખચકાતા કહ્યું.


" અરે હા.. બોલ ને..વાત કહેવામાં પૂછવાનું હોય..?"


" મમ્મીજી..! આરુ ને ભાઈ કે બહેન આવવાનું છે..!"


" ઓહ.. આરુ ને ભાઈ આવવાનો છે એમ કહે..!" ખુશ થઈ સાસુમાંએ અર્પિતાની સામે જોઈ હસતા હસતા કહ્યું. આટલું કહી તે સીધા બા પાસે ગયા અને કહ્યું, " સાંભળો બા.. દીકરાનું મોઢું જોઈને હવે જજો..!"


" ખાલી મોઢું જ નહીં જોઉં..હું તો તેને મન ભરી રમાડીને જ મરીશ.તને બહુ ઉતાવળ મને મોકલવાની..!" ખુશ થતા બાએ કહ્યું.


અર્પિતાએ આપેલા સમાચાર સાંભળીને સાસુમાં એ તો લાપસી પણ રાંધી. એ જ દિવસથી અર્પિતાનું સૌ કોઈ ધ્યાન રાખવા લાગ્યા. સાસુમાં ક્યાંકથી છોકરો થવાની ગોળી પણ લઈ આવ્યા. છોકરાની આશાએ બધા તેની ખૂબ કાળજી લેતા,આથી અર્પિતા મનમાં ને મનમાં ખૂબ મુંજાતી. તેને ડર હતો કે દીકરી આવશે તો આ બધો પ્રેમ ક્યાંય ગાયબ થઇ જશે...!સાસુમાં અને બા એ તો આરુને પણ કહી દીધું કે તેને નાનો ભાઈ આવવાનો છે. બિચારી અર્પિતા..!રોજેરોજનો ડર તેનું શિરદર્દ બની ગયું હતું.


આમ ને આમ ત્રણ મહિના થઈ ગયા. સાસુમાં એ દીકરો છે કે દીકરી તેનું ચેકઅપ કરાવવાની માંગ કરી. અર્પિતા ગભરાઈ ગઈ.


" શ્રેયસ.. પ્લીઝ યાર મારે ચેકઅપ નથી કરાવવું. મમ્મીને સમજાવો ને યાર..પ્લીઝ..! બીજી દીકરી હશે તો તેઓ કાંતો એબોશન કરવાનું કહેશે કાંતો તેમનો મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ થશે..!"


" અર્પિતા તું આટલી કેમ ડરે છે..? તને કેમ એવું લાગે છે કે બીજી દીકરી જ હશે..? "


" ખબર નહીં પણ હું એવું ફિલ કરું છું કે મારી અંદર ઢીંગલી મોટી થઈ રહી હોય..! અને આર્યા વખત જે સિન્ટોમ્સ હતા તે જ આ વખતે દેખાઈ રહ્યા છે..! શ્રેયસ હું મારી દીકરીને મારા ગર્ભમાં નહીં મારું..!"


" ઓકે... આપણે ટેસ્ટ નહીં કરાવીએ ખુશ..! અને આમ પણ ગર્ભમાં દીકરો છે કે દીકરી તેનો ટેસ્ટ કરાવવો કાનૂની અપરાધ છે."


" તમે તમારા મમ્મીને કહી દેજો...નહીં તો વારંવાર મને કહે જશે..ટેસ્ટ કરવાનું..! તેમના દૂરના સગા ગાયનેક છે તેમની પાસે મને લઈ જવાનું કહેતા હતા."


" એ તો હું તેમને વાત કરી દઈશ..તું ચિંતા ના કર. હવે સાંભળ..!કંપનીના કામથી બે દિવસ પછી મારે બોમ્બે જવાનું છે. બે દિવસ ત્યાં રોકાવાનું થશે. તું તારું ધ્યાન રાખીશ ને..?"


" હા.. મારુ પણ રાખીશ અને આપણા બચ્ચાનું પણ ધ્યાન રાખીશ..!" આટલું કહી અર્પિતા સ્માઈલ આપી બુક વાંચવા લાગી.


શ્રેયસે તેની મમ્મીને ટેસ્ટ ન કરાવવાની વાત કરેલી પણ શ્રેયસ બોમ્બે ગયો તેની તક ઝડપી તેની મમ્મી અર્પિતાને તેના સગા થતા ગાયનેક પાસે લઈ ગયા. અર્પિતા એટલી પણ નાસમજ ન હતી કે તેને તેના સાસુમાંની યુક્તિ ન સમજાય. પણ અર્પિતાએ હિંમત રાખી. બંને હોસ્પિટલ પહોંચ્યા.


" મમ્મીજી ટેસ્ટ ન કરાવીએ તો ના ચાલે..?"


" તો ખબર કેવીરીતે પડે કે બેબી છે કે બાબો..! બે બે છોકરીઓ ભેગી કરી ને શું કરવું છે..? " સાસુમાંએ કહ્યું.


" શું વાંધો છે..? બીજી દીકરી આવે તો..? મને અને શ્રેયસને તો છોકરીઓ ગમે છે." અર્પિતાએ દલીલ કરતા કહ્યું.


" તને ખબર ના પડે.. જમાનો કેટલો ખરાબ છે..? છોકરીઓને સાચવવી જ મુસીબત છે. એમને મોટી કરવાની..,ભણાવવાની.., પરણાવાની.. કેટલો ખર્ચો થાય..મોટી થઈ ને તો તેના સાસરે જતી રહે..! છોકરીઓ પાછળ ખર્ચા કરી મારા શ્રેયસને માથે ટાલ પડી જાય..! દીકરો હોય તો મોટો થઈ બાપનો ટેકો બને. ઘરને વારસદાર મળે..! તું આટલી ભણેલી છે તો પણ આટલું નથી સમજતી..!"


અર્પિતા કોઈપણ રીતે તેના સાસુને દલીલ કરવામાં પહોંચી શકે તેમ ન હતી. આથી તે ચૂપ થઈ ગઈ. પણ કોણ જાણે કેમ તેનું મન કહેતું હતું કે તેને બીજી દીકરી જ છે. આથી તેણે મનમાં જ નક્કી કરી દીધેલું કે કંઈ પણ થાય હું મારી દીકરીને મારીશ નહીં.


" હે પ્રભુ..! મને શક્તિ અને યુક્તિ બંને આપજે જેથી કરીને હું મારા સંતાનનું કંઈપણ કરીને રક્ષણ કરી શકું..!" અર્પિતા મનમાં જ ભગવાનને યાદ કરી પ્રાર્થના કરવા લાગી.


હોસ્પિટલમાં હવે કોઈ પેશન્ટ રહ્યું ન હતું. આથી ડોક્ટરએ તેમને અંદર બોલાવ્યા. ડોક્ટર પણ એક સ્ત્રી જ હતા. સાસુમાંએ અગાઉથી જ ફોન પર વાત કરી દીધી હતી.


" આપણી ફોન પર વાત થઈ ગઈ છે એમ જે હોય તે..આજે જ કામ પતાવી દેજો..વારેઘડીએ આવવું નહીં..!" સાસુમાંએ ડોક્ટરને કીધું.


સાસુમાંની વાત સાંભળીને અર્પિતા તો અવાક રહી ગઈ. ડોક્ટર તેને ચેકઅપ રૂમમાં લઇ ગયા. અર્પિતાના તો ડરના માર્યા ધબકારા વધી ગયા. તેની આંખોના ખૂણા ભીના થવા લાગ્યા. ડોક્ટર ચેકઅપની તૈયારી કરતા હતાં. અર્પિતા તેના પેટ પર હાથ મૂકી મનમાં જ બોલવા લાગી, " બેટા તું ગભરાતી નહીં. હું તને કંઈ જ નહીં થવા દઉં..! હે પ્રભુ મને હિંમત આપો..મને કોઇ રસ્તો સુઝાડો પ્રભુ...! જેથી હું મારા અંશને મરતા બચાવી શકું."


ડૉક્ટરએ ચેકઅપ ચાલુ કર્યું. ઘણી મથામણ બાદ તેમણે તેમના હથિયાર હેઠા મુક્યા. હવે તેઓ બીજી તૈયારી કરવા જઈ રહ્યા હતા ત્યાં જ અર્પિતાએ તે ડોક્ટરનો હાથ પકડી લીધો.


" મૅમ..! મારી વાત સાંભળો ને..પ્લીઝ..!"


" હા બોલો..શું થયું..?"


" મારે બીજી દીકરી છે ને..?"


" હા, અફસોસ..! તમારા સાસુના કહેવા મુજબ એબોર્શન કરવું પડશે.!"


" મારે એબોર્શન નથી કરાવવું..મારે મારી ઢીંગલીને જનમવા દેવી છે. મારી મદદ કરો..પ્લીઝ..! તમે પણ એક સ્ત્રી જ છો ને..! એક સ્ત્રી સ્ત્રીને નહીં સમજે તો કોણ સમજશે..? પ્લીઝ.. પ્લીઝ.. મૅમ કોઈપણ બહાનું કાઢીને મને આમાંથી બચાવો ને..!" રોતા રોતા હાથ જોડી અર્પિતા ડોક્ટરને કરગરવા લાગી.


" ઓકે.. તમે રડવાનું બંધ કરો..! મને વિચારવા દો કે એવું શું બહાનું કાઢીએ જેથી તેઓને ખબર પણ ન પડે કે ગર્ભમાં દીકરી છે અને એબોર્શન પણ ન કરાવવું પડે..!"


" ટેસ્ટીંગ માટેનું મશીન બગડ્યું છે. ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ સ્પષ્ટ દેખતાતુ નથી...આવું બહાનું કાઢો તો ના ચાલે..?" અર્પિતા એ ઉપાય સુઝાવ્યો.


" હા, એમ કહી દઉં..પણ તેઓ તમને લઈ ને ફરી અહીં આવશે તો..? અથવા તમને બીજી કોઈ હોસ્પિટલમાં લઇ જશે તો..?"


" તમે એમના ઓળખીતા છો એટલે જ તેઓ મને અહીં લાવ્યા છે. તેઓ મને બીજી હોસ્પિટલમાં તો નહીં જ લઈ જાય.. એ મને ખબર છે. બીજીવાર આવવાનું થશે તો તમને ફોન કરશે જ. ત્યારે તમે કોઈ બહાનું...!"


" મને પણ ખબર છે કે આ કાયદાકીય રીતે ગેરકાનૂની છે. પણ મારા સાસુ તમારા સાસુના સગા છે. આથી મારે આમ કરવું પડે છે. .."


ડોક્ટરએ અર્પિતાના કહ્યા પ્રમાણે બહાનું કાઢી તેમને રવાના કર્યા. આ બાજુ અર્પિતાના જીવમાં જીવ આવ્યો. હવે સાસુમાં તેને બીજે ક્યાંય ચેકઅપ માટે નહીં લઈ જાય. તે દિવસે રાતે શ્રેયસનો ફોન આવ્યો. અર્પિતાને થયું કે બધું તેને જણાવી દે પણ પછી થયું હું બધું જણાવીશ તો માં દીકરા વચ્ચેના સંબંધમાં તિરાડ પડશે. આથી તેણે આ વાત શ્રેયસને ન કરી.


બીજા દિવસે અર્પિતા સ્કૂલે ગઈ. તે ઘરે આવે તે પહેલાં તો સાસુમાં એ જુગાડ કરી બીજો ઓળખીતો ગાયનેક શોધી દીધો. હજુ તો અર્પિતા સ્કૂલેથી આવી જ છે ત્યાંજ તેના સાસુમાંએ હોસ્પિટલ જવાનું કહી દીધું. અર્પિતા તો ચોંકી ઊઠી. માંડ કાલે પોતાની દીકરીને બચાવી હતી ત્યાં જ આજ સાસુમાં બીજી મુસીબત તૈયાર રાખીને બેઠા હતા. સાસુમાં પણ શ્રેયસની ગેરહાજરીમાં કામ પતાવવા માંગતા હતા.


બંને હોસ્પિટલ પહોંચ્યા. આજ પણ તેઓ છેલ્લે રહ્યા હતા. બધા પેશન્ટ રવાના થયા પછી ડોક્ટરએ તેમને બોલાવ્યા. અર્પિતા કાલની જેમ આજ પણ ભગવાનને પ્રાર્થના કરતી હતી. અંદરથી તે ખૂબ ગભરાતી હતી. શું કરવું સમજાતું ન હતું. સાસુમાંના કહ્યા મુજબ ડોક્ટર અર્પિતાને ચેકઅપ રૂમમાં લઇ ગયા. ગઈ કાલે તો ડોક્ટર બહેન હતા તો તે સમજાવી શકી. આજ તો ભાઈ હતા. કેવીરીતે સમજાવીશ..? તે વિમાસણમાં અર્પિતા હતી.


ડૉક્ટર ચેકઅપ કરે તે પહેલા જ અર્પિતાએ ડોક્ટરને કહી દીધું, " છોકરો છે કે છોકરી તેનો ટેસ્ટ કરવો અને કરાવવો ગેરકાનૂની છે. મારે બીજી દીકરી હશે તો તમે તેને મારી નાખશો.. મારે મારી ઢીંગલીને મારવી નથી..પ્લીઝ..મારી તો મજબૂરી હતી, મારા સાસુમાં જબરદસ્તી લઈ આવ્યા છે તો આવવું પડ્યું.પણ તમે..? તમે તો રૂપિયા મેળવવા જ આ બધું કરો છો ને..? પાપ લાગશે પાપ.. આવું ન કરો..જો તમે ચેકઅપ કરશો અને મારા સાસુને જણાવશો તો હું તમારો ભાંડો ફોડી દઈશ..! પછી કહેતા નહીં કે આવું કેમ કર્યું..?" હિંમત કરી અર્પિતા એકી સામટે બધું બોલી ગઈ.


અર્પિતાની વાતો સાંભળીને ડૉક્ટર તો ગભરાઈ ગયો. જો આ મારો ભાંડો ફોડશે તો મારો તો કામ ધંધો હાથથી જશે.આટલા વર્ષોથી તે ચેકઅપ કરતો અને એબોર્શન કરતો ક્યારેય તે કોઇથી ડર્યો ન હતો અને ક્યારેય કોઈએ આમ ધમકી આપી ન હતી.પણ આ પહેલી નારી હતી જેની ધમકીથી તે હચમચી ગયો. તે કંઈ પણ બોલ્યા વગર હથિયાર હેઠાં મૂકી બહાર આવી ગયો અને કહ્યું, " માફ કરશો માસી..! પણ એક ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે ભ્રુણ હત્યા ન થાય તે માટેની ગર્વમેન્ટની ટીમ ફરે છે. આ જ એરિયામાં છે ગમે ત્યારે અહીં આવી શકે છે. બને તેટલું જલ્દી તમે અહીંથી રવાના થાઓ...ચેકઅપ નહીં થાય..."


આ સાંભળીને અર્પિતાને હાશ થઈ..સાસુ વહુ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા. નીકળતા નીકળતા અર્પિતાએ પાછળ વળી જોયું. ડોક્ટર તેની સામે જોઈ રહ્યા હતા. અર્પિતાએ સ્માઈલ આપી તેમનો આભાર વ્યક્ત કર્યો. ડોક્ટરને પણ સમજાયું કે ચેકઅપ કરવા આવવાવાળી દરેક સ્ત્રી પોતાની મરજીથી નથી આવતી..તેની પણ મજબૂરી રહેતી હશે. આજ પહેલી વખત કંઈ સારું કર્યાનો અહેસાસ ડોક્ટરને થયો. આજ તેનું હૃદય પરિવર્તન થતા તેણે આજ પછી ક્યારેય દીકરા દીકરીનો ટેસ્ટ ન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.


આમ સાસુમાંની બીજી ચાલ પણ વ્યર્થ ગઈ. અર્પિતાએ દિલથી ભગવાનનો આભાર માન્યો. કેમ કે પોતાની દીકરીને બચાવવા કોઈ સામે અવાજ ઉઠાવવાની હીંમત ભગવાને જ તેને આપી હતી. આજ રાતે તો શ્રેયસ પણ આવી જવાનો હતો. પછી સાસુમાં કંઈ નહીં કરી શકે. પણ હવે પછી જો સાસુમાં કોઈ ચાલ ચાલશે તો હું આ બધું શ્રેયસને જણાવી દઈશ.


અર્પિતા રોજ સારા સારા પુસ્તકો વાંચતી. ગર્ભમાં જ દીકરીને સચ્ચાઈ અને ઈમાનદારીના પાઠ શીખવતી. બહાદુરી અને હિંમત મળે તેવી વાર્તાઓ વાંચતી. અને રોજ તેના ગર્ભમાં રહેલી ઢીંગલી સાથે વાતો કરતી.આમને આમ છ મહિના થઈ ગયા.


સાંજનો સમય હતો. ઓફિસથી શ્રેયસ આવી સીધો અર્પિતા પાસે ગયો..ને તેના મોઢામાં તેને ભાવતી મીઠાઈ ખવડાવી. ખૂબ ખુશ હતો. તેને આમ ખુશ ખુશાલ જોઈ અર્પિતાએ પૂછ્યું," આજ બહુ ખુશ લાગો છો..! શુ નવીનતા છે..?"


" અરે મારી સ્વીટ હાર્ટ..! ખુશીની વાત તો એ છે કે મને કંપનીમાં પ્રમોશન મળી ગયું છે. હવે મારી સેલેરી ડબલ થઈ જશે. અને એ સિવાય પણ બીજા ઘણા બધા લાભો પણ મળશે.."


"ઓહ..! ગ્રેટ..કેટલી ખુશીની વાત છે.. પણ આ બધું અચાનક..!"


" અરે પગલી..આ બધું અચાનક કંઈ નથી..તને ખબર છે ને હું બોમ્બે ગયેલો..!"


" હા, સારી રીતે યાદ છે..!તે દિવસ તો કેમનો ભુલાય..?" મનમાં જ પોતાનો ભૂતકાળ યાદ કરી અર્પિતા બોલી.


" બસ તે જ સમયે મેઈન બોસને મારુ પ્રેઝન્ટેશન ખૂબ ગમેલું. અને અત્યાર સુધી મેં કરેલા કામનો પણ તેમને રેકોર્ડ જોયો. નિષ્ઠાથી કરેલા કામનું ભગવાને ફળ હવે આપ્યું છે. અર્પિતા તું નહીં માને આજ હું કેટલો ખુશ છું...આપણું આવનાર ઢીંગલું ખૂબ નસીબદાર છે.. એના નસીબનો જ આ પ્રતાપ છે.." આટલું કહી શ્રેયસે અર્પિતાના પેટે હાથ ફેરવી ચૂમી લીધું.


" હા ખૂબ નસીબદાર છે. આપણે તેને ખૂબ સારા સંસ્કાર અને શિક્ષણ આપીશું." શ્રેયસના માથે હાથ ફેરવતા અર્પિતાએ કહ્યું.


આમ ને આમ નવમો મહિનો બેસી ગયો. અર્પિતા રાતે જમીને આંટા મારતી હતી. તે પોતાના બંને હાથ પેટ પર મૂકી, "હેય...ગુડિયા..! કેમ છે બેટા..? " આટલું કહેતી ને તેની ગુડિયા અંદરથી લાત મારતી. આ જોઈ અર્પિતા ખૂબ ખુશ થતી. તે આ અનુભવ શ્રેયસને પણ કરાવતી. અને પછી તો માં દીકરીનો સંવાદ ચાલુ થઈ જતી. ગર્ભાવસ્થાના દિવસો એક મા માટે અલગ જ અનુભવ પૂરો પાડે છે.


" બેટુ.. એક વાત કહું...? તારા આવવાથી ઘણા બધા નાખુશ થશે. પણ તું ચિંતા ના કરતી. હું અને તારા ડૅડી તો બહુ જ ખુશ થઈશું. બેટા..! જેમ તને મારા ગર્ભમાં સાચવી છે ને તેમ તને બહાર પણ સાચવીશ. તું બહુ ડાહી અને હોશિયાર દીકરી થાજે હોને..! તારા બા ને દીકરો જોઈતો હતો. પણ તું એવા કામ કરજે કે દીકરી ને નફરત કરનારને પણ દીકરી પ્રત્યે પ્રેમ ઉમટે. મારા માટે તો તું દીકરા કરતા પણ સવાઈ છે. બેટા મોટી થઈ એવી બહાદુર, હોશિયાર, સમજદાર બનજે અને એવા એવા ઉમદા કાર્યો કરજે કે બે બે દીકરા ના માબાપને પણ ઈર્ષ્યા થાય, અને એ પણ કહે કે અમારે પણ દીકરી હોત તો સારું હતું. મારુ પ્યારું બેટુ..I LOVE YOU SO MUCH.." અર્પિતા રોજ આમ પેટે હાથ મૂકી તેની ઢીંગલી સાથે વાતો કરતી.


એક દિવસ જમીને રાતે તેના નિત્યક્રમ પ્રમાણે ચાલતી હતી ને અચાનક તેને દુખાવો ઊપડ્યો. તેણે તરત જ શ્રેયસને જણાવ્યું. તેઓ તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયા. પાણી બહુ પડી ગયું હોવાથી ગર્ભાશયમાં બાળક કોરું પડી ગયું હતું. અને બીજી સમસ્યા એ હતી કે બાળક ગર્ભમાં ઊંધું હતું. મતલબ માથું ઉપર અને પગ નીચે. અત્યારના ડૉક્ટર તો કોઈ રિસ્ક લેવા તૈયાર જ ન હોય. શ્રેયસની મંજૂરી બાદ ઓપરેશનની તૈયારી થવા લાગી. અર્પિતા બસ રાહ જ જોઈ રહી હતી કે તે ક્યારે તેની ઢીંગલીનું મોઢું જોવે. તેના નવ મહિનાનો ઇન્તજાર આજ ખતમ થવાનો હતો. જેના માટે તે દુનિયા સાથે લડીને જેની પોતાના ગર્ભમાં રક્ષા કરી તે દીકરી આજ તેના ગર્ભમાંથી તેના હાથમાં.. તેની બાહોમાં આવવાની હતી.


ડૉક્ટરએ ઓપરેશન શરૂ કર્યું ને પાંચ જ મિનિટમાં ઉંઆ.. ઉંઆ.. કરતો અવાજ આવવા લાગ્યા. અર્પિતાની મમતા તેના અશ્રુ બની વહેવા લાગી. તેનો અવાજ સાંભળી અર્પિતા ખુશીની મારી રડવા જ લાગી. એક મા માટે તો તેનું સંતાન પહેલે છે.. પછી તે દીકરો કે દીકરી છે..! અર્પિતાએ સંતોષનો શ્વાસ લીધો અને બોલી, બેટા આ દુનિયામાં તારું ભાવભીનું સ્વાગત છે. અને પછી તો તેને ભાન જ ન રહ્યું. સવારે તેની આંખ ખૂલી તો તે હોસ્પિટલ ના એક રૂમમાં હતી. બાજુમાં શ્રેયસ તેની ઢીંગલીને બે હાથમાં સાચવીને બેઠો હતો.


અર્પિતાએ શ્રેયસની સામે જોયું. શ્રેયસે કહ્યું, "એકદમ તારા જેવી છે. આપણી ઢીંગલી..! " આટલું કહીને તેણે ઢીંગલીને ચૂમી લીધી. અર્પિતાએ ઢીંગલી સામે જોઈ તેને ચૂમી લીધી. હંમેશા હું તારી રક્ષા કરીશ . આટલું કહી તેણે તેના સાસુ સામે જોયું.તો સાસુમાં બોલ્યા," કંઈ નહીં ભગવાન દીકરો પણ આપશે." આ સાંભળી અર્પિતા લાલચોળ થઈ ગઈ.


( આ વાર્તા કાલ્પનિક છે. પણ હકીકતમાં પણ આવા ઘણા કિસ્સા બનતા હોય છે. અર્પિતા જેવી કેટલીએ સ્ત્રીઓ મજબુર હશે. અને આજ પણ કેટલાક ડૉક્ટર પૈસાની લાલચમાં પાપ કરતા ખચકાતા નથી. મને પ્રશ્ન થાય છે કે એવા કયાં કામ છે જે દીકરો કરી શકે ને દીકરી નહીં..? અને વંશજ જોઈએ.. વારસદાર જોઈએ...આપણે કયા કોઈ રાજગાદી સાંભળીએ છીએ કે વારસદાર જોઈએ..? મિત્રો દિવસે ને દિવસે દીકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે. જો દીકરીઓને ગર્ભમાં જ મારી નાંખશું તો દીકરા સાથે પરણશે કોણ..? દીકરાને વહુ નહીં મળે તો વંશજ આવશે કયાંથી..? પછી કોને કહેવા જાશો..? ડૉક્ટરોએ પણ થોડા પૈસા ની લાલચમાં આવું પાપ ન કરવું જોઇએ. પ્લીઝ બેટી બચાવો.. બેટી પઢાવો.. એ જ બેટી તમારું નામ રોશન કરશે. આપ સૌ નો દિલથી આભાર..🙏🏻 ખૂબ રહો, હસતા રહો, હસાવતા રહો 😊)


🤗 મૌસમ 🤗