Featured Books
  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

  • નવજીવન

    નવજીવન                            (લઘુકથા)ગૌતમનાં હાથ કામ કર...

  • મનુષ્ય ગૌરવ

    મનુષ્ય ગૌરવએક નાના ગામમાં હરિરામ નામનો એક સમજદાર બાવો રહેતો...

શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 8

લાગણીઓનાં મોલ..


મારો એક અનુભવ શૅર કરવા માગું છું, જેમાંથી હું કંઇક શીખી છું, પરિવર્તિત થઈ છું.

વ્યવસાયે શિક્ષક છું. એમાં પણ અમદાવાદની શિક્ષક..હાલની સ્થિતિ જોતા કોરોનાની મહામારીએ સૌને હચમચાવી દીધા છે. સરકાર પણ તેમનાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે. તમને સૌને ખબર જ હશે કે શરદી-ખાંસી-તાવનો સર્વે , ફ્રીમાં કોરોના ટેસ્ટીંગ કરવામાં, હોસ્પિટલમાં રહેલ સુવિધાઓની માહિતી એકઠી કરવામાં ને હવે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સર્વે કે જેઓને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. - આ દરેક કામમાં શિક્ષકો જોડાયેલા છે.એમાં પણ મોટાભાગે બહેનો છે.

પાંચના ટકોરે ઉઠવાનું...ફટાફટ ઘરકામ પતાવી ખાધું ના ખાધું કરી , છોકરાં સુતા મૂકીને જોબ પર ચાલ્યું જવાનું. આખા દિવસની દોડધામ અને અમદાવાદના ટ્રાફિકના ઘોઘાટથી કંટાળીને થાકીને ઘેર આવી પહેલા તો ક્યાંય પણ અડ્યા વગર સીધા બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ચેન્જ કરવાનું પછી પાણી પી ને રાહતનો શ્વાસ લેવાનો..રોજનો આ નિત્યક્રમ બની ગયો છે.

હવે મેઈન પોઇન્ટ પર આવીએ. મારે બે દીકરીઓ છે. મોટી છે તે તો સમજે છે કે મમ્મી જોબ કરે છે તો થાકી જાય, અને ક્યારેક હું આવું તો મને પાણી પણ આપી જાય. બીજી ઢીંગલી હજુ દોઢેક વર્ષની છે. તો સ્વાભાવિક છે તેનો મમ્મી સાથે લગાવ વધુ જ હોય. હું હાજર હોઉં તો જલ્દી બીજા કોઈ પાસે ના જાય. એટલો એને મારી સાથે લગાવ છે.

હું જ્યારે પણ ઘરે આવું મારી નાની ઢીંગલી મને જોઈ ખુશ થઇ જાય અને હસતી હસતી દોડતી મારી પાસે આવી જાય. પણ અફસોસ કોરોનાની સ્થિતિને જોતાં હું તરત તેને મારી ગોદીમાં ના લઈ શકુ. તે મારી પાસે આવવા હાથ ઊંચા કરે..જાણે કહેતી ના હોય, " મમ્મી..તું ક્યાં ગઈ હતી મને સૂતી મૂકીને...હવે મને મૂકીને ક્યાંય ના જતી..મને તું હાલ જ તેડી લે.." અને હું તેને તેડ્યા વગર જ તેને રડતી મૂકીને બાથરૂમમાં ચાલી જાઉં.. થોડીવાર તેની સાથે રમીને હું મારા ઘરના કામમાં પરોવાઈ જાઉં..

થોડા દિવસ પહેલાં હું જ્યારે ઘરે આવતી હતી ત્યારે મને મારી બંને દિકરીઓનો વિચાર આવ્યો કે "તેઓ રોજ મારી રાહ જોતા હોય છે. મમ્મી આવેને અમારી સાથે રમે..અમને રમાડે..પણ હું તો તેઓને એટલો સમય જ નથી આપતી. મારે મારી ઢીંગલીઓ ને સમય આપવો જોઇએ.." આમ, પણ બંને બચ્ચાઓને મારી સાથે સૌથી વધુ લગાવ. તો થયું આજ તેઓ સાથે હું ખૂબ રમીશ. મેં મારુ જયુપીટર એક પાર્લર પાસે ઊભું રાખ્યું અને બંને માટે તેમને ભાવતી બે ચોકલેટ લીધી. મને એમ કે ઘરે જઇશ એટલે મારી રાહ જોતી મારી દીકરીઓ દોડતી મારી પાસે આવશે. ત્યારે હું તમને ચોકલેટ આપીશ તો ખુશ થઇ જશે.

હું ઘરે પહોંચી. મોટી કંઇક લખતી અને નાની રમકડાં રમતી હતી. બંનેએ એકવાર મારી સામે જોયું અને પોતાના કામમાં મશગૂલ થઈ ગયા. આ તો મેં વિચાર્યું હતું તેનાથી સાવ ઉલ્ટું જ થયું. હું ફ્રેશ થઈ હાથમાં ચોકલેટ સંતાડીને સોફા પર બેઠી. પણ આ શું..? મોટી તો ભણતી હતી પણ નાની ઢીંગલી પણ મારી સામે જોઈ તેના રમકડાં રમવા લાગી. મને જાણે આઘાત જેવું લાગ્યું. મારી આંખોમાં પાણી ભરાઈ આવ્યું. મેં તરત નાનીને તેડીને ચૂમી લીધી..એ પણ જાણે ખુશ થઈ ગઈ હોય એમ તેના નાના નાના હાથથી વ્હાલ કરવા લાગી. ત્યાં મોટી દોડતી આવી..મારી સામે ગાલ ધરીને બોલી, " મને પણ કિસ્સી કર મમ્મી..!" તેને પણ ચૂમીને ભેટી લીધી. ત્યારે આંખોમાંથી તો પાણી ના વહેવા દીધા પણ તે દિવસે મારુ હૈયું હીબકાં ભરી રોયું. મારો મારી દીકરીઓ પ્રત્યેનો અને મારી દીકરીઓનો મારા પ્રત્યેનો લગાવ..પ્રેમ..એક ટકો પણ ઓછો થાય તેમ હું ઇચ્છતી નથી. બસ તે દિવસથી નક્કી કર્યું ગમે તેટલી થાકેલી હોઉં..ગમે તેટલી કંટાળીને આવી હોઉં.. પણ મારા સંતાનો માટે તો જરૂરથી સમય કાઢીશ. વ્યવસાયથી લાગેલ થાક અને કંટાળાને લીધે હું મારા અને મારા સંતાનો વચ્ચે અંતર ક્યારેય વધવા નહિ દઉં.

મિત્રો, આપણે સૌ આગળ વધવા, આપણી સુખસુવિધાઓ વધારવા કામની પાછળ ભાગીએ છીએ. પણ મિત્રો એ વાતનું ધ્યાન રાખજો કે આપણી સમૃદ્ધિ વધારવાની આ ભાગદોડમાં આપણું આપણા સંતાનો..આપણા પરિવાર જનો વચ્ચેનું અંતર વધી ના જાય..!

લાગણીઓના મોલ સુખસુવિધાઓ અને રૂપિયા કરતા ઊંચા છે..જો પરિવારમાં માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી અને પ્રેમ હશે તો બધી સુખ સુવિધાઓ ભોગવવી ગમશે. કરોડો રૂપિયા હશે પણ જો પરિવારમાં પ્રેમભાવ નહિ હોય..એકબીજા પ્રત્યે લાગણી નહિ હોય તો બધું નકામું છે.

ખુશ રહો..ખુશહાલ રહો..🙏😊

🤗 મૌસમ 🤗