સ્વાતંત્ર્યદિનની સૌને હાર્દિક શુભકામનાઓ..💐💐
અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયે આજ 75 વર્ષ થઈ ગયાં. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઠેરઠેર શાળાઓમાં, ઓફિસોમાં તથા સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરી આઝાદીનો જશ્ન મનાવવામાં આવે છે. આજના દિને સૌના દિલો દિમાગમાં દેશ પ્રત્યે જાણે પ્રેમ ઉભરાઈ જાય છે. આઝાદીના ગુણગાન ગાવામાં આવે છે.
સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે હું શાળામાં ગઈ. ત્યાં સરસ મજાના દેશભક્તિના ગીતો વાગતાં હતા.આ ગીતો એટલા સરસ હતાં કે આવા ગીતો સાંભળતાં જ સૌમાં રાષ્ટ્રપ્રેમ ઉભરાઈ જાય.અમે ઘણા ઉત્સાહથી ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કર્યો. સૌએ ધ્વજને સલામી આપી. હું પણ તેમાં જોડાઈ હતી. મારી નજર લહેરાતા ધ્વજ પર હતી. મારો હાથ સલામી આપી રહ્યો હતો. પણ કેમ જાણે મારું મન..મારું મન ગૂંચવાયેલું હતું. કેટલાંક બનાવો એક પછી એક મારી નજર સમક્ષ તરવરવા લાગ્યાં. મારા મનમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો. ખરેખર શું આપણે આઝાદ દેશના આઝાદ નાગરિકો છીએ ? શું ખરેખર આપણે આઝાદ છીએ..? આ પ્રશ્નએ મને હચમચાવી દીધી.
મને કેમ એવું લાગે છે કે હજુ આપણે ગુલામ છીએ..? અંગ્રેજો કે બીજી વિદેશી પ્રજાના ગુલામ ભલે નથી રહ્યાં પણ હજુ આપણે....
ગુલામ છીએ આપણી સંકુચિત વિચારસરણીના.
ગુલામ છીએ આપણે ઊંચ-નીચના જાતિભેદના.
ગુલામ છીએ દીકરા દીકરી વચ્ચેની ભેદભાવની નીતિના.
ગુલામ છીએ ધાર્મિક અને સામાજિક અંધશ્રદ્ધાના.
ગુલામ છીએ આપણે આપણી ખોખલી સામાજિકતાના.
ગુલામ છીએ દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારના.
હા,ગુલામ છીએ તથ્ય વિનાની રૂઢિચુસ્ત માન્યતાઓના.
આમ હું એમ જ નથી કહેતી. આ દરેક બાબતોને મેં હકીકતમાં જોઈ છે, જાણી છે, અનુભવી છે.જો તમે પણ ઊંડાણપૂર્વક વિચાર કરશો તો તમને પણ મારી વાત સત્ય લાગશે.
સંકુચિત વિચારસરણીના કારણે આપણે કંઈ નવું નથી વિચારી શકતાં. કોઈ સાહસ નથી ખેડી શકતાં. કંઈ પણ નિર્ણય લેતાં પહેલાં લોકો શું કહેશે..? તેનો પહેલા વિચાર કરશું. અરે જિંદગી તમારી છે તો નિર્ણય પણ તમારે તમારું હિત ઇચ્છીને જ લેવો જોઈએ ને..! એમાં લોકો શું કહેશે તે ક્યાં વિચારવાનું છે ? આપણે સૌએ પોતાના વિકાસ અને ખુશી માટે આપણી સંકુચિત વિચારસરણીમાંથી આઝાદ થવું પડશે.
ઊંચ નીચેના જાતિભેદના કારણે ઘણા લોકો સાથે અન્યાય થાય છે. બંધારણીય રીતે તો ભારતનો દરેક નાગરિક એકસમાન છે. પણ વાસ્તવિકતા તો આપણે સૌ જાણીએ જ છીએ. શિક્ષિત વર્ગમાં તો મહદઅંશે આ ભેદભાવ ઓછો થયો છે પણ ગામડાઓમાં અને નિરક્ષર લોકોમાં હજુ આ ઊંચ નીચનો જાતિભેદ પ્રવર્તે છે. આપણે સૌએ જાતિભેદની ગુલામીમાંથી આઝાદ થવાનું છે.
દિકરા દીકરી વચ્ચેનાં ભેદભાવના આજે પણ આપણે સૌ ગુલામ છીએ. પુરુષ પ્રધાન આપણાં દેશમાં વર્ષોથી દીકરીઓને સાપનો ભારો..,પારકી થાપણ જેવી ગણના થાય છે. વર્ષો પહેલાં દીકરીઓને દુધપીતી કરવાની પ્રથાએ આધુનિક સમયમાં ભૃણહત્યાનું નવું સ્વરૂપ લીધું છે. બંને સમયમાં દીકરીઓ પ્રત્યેની માન્યતા અને માનસિકતા તો એક જ છે બસ દીકરીને મારવાની રીત બદલાઈ છે.અમથો જ ગર્ભ પરીક્ષણ ન કરવાનો નિયમ નથી બનાવ્યો. દીકરીઓને આમ, ગર્ભમાં જ મારી નાખશો તો તમારા દીકરા સાથે પરણશે કોણ ? અરે સ્ત્રી તો કુદરતનું એ સુંદર સ્વરૂપ છે કે જેનાથી આ દુનિયા આગળ વધે છે. પરિવારનો વંશવેલો આગળ વધે છે.મને તો એ નથી સમજાતું કે આ તુચ્છ માનવી કુદરતની વ્યવસ્થા કેમ બગાડી રહ્યો છે..? ભ્રુણ હત્યાના કારણે જ આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને આ જ કારણે સ્ત્રીઓને છેડતી,બળાત્કાર ને અપહરણ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી જ આપણે સૌએ મળીને આ દીકરા દીકરીના ભેદભાવને દૂર કરી ખરાં અર્થમાં આઝાદ થવાનું છે.
ધાર્મિક અને સામાજિક અંધશ્રદ્ધા એ તો હદ કરી છે. ધર્મના નામે લોકો ભગવાનને છેતરે છે. બાધાઓ માનીને ભગવાનને બાંધે છે. કેટલાક ડરથી તો કેટલાક બીજાના કહેવાથી જે તે ભગવાનમાં માને છે. હું કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી માંગતી.પણ ધર્મના નામે ધતિંગ કરી ભોળા લોકોને જે છેતરે છે તેનો મને વિરોધ છે. આપણામાં પ્રવર્તમાન અંધશ્રદ્ધામાંથી આપણે સૌએ આઝાદી મેળવવાની છે.
કહેવાય છે કે ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના અન્ય દેશો કરતા વિશિષ્ટ છે. આ બાબતે મને ભારતીય સમાજ પ્રત્યે ગર્વ છે. હા, એ વાત પણ સાવ સાચી છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને નોકરી ધંધાર્થે કુટુંબો વિભક્ત થયા છે. તેમ છતાં ભારતમાં પોતાના કુટુંબ પ્રત્યેની ભાવના તો જોવા મળે જ છે. હવે મુળ વાત પર આવીએ. ભારતીય સમાજમાં પ્રવર્તમાન કેટલીક સામાજિક નીતિઓના આપણે સૌ ગુલામ થઈ ગયાં છીએ.એક ઉદાહરણ આપું - દહેજપ્રથા. દહેજ લેવું અને દહેજ આપવું બન્ને બાબતો દહેજપ્રથાને પોશે છે. આ દહેજ પ્રથાનો ભોગ ભારતની દીકરીઓ બને છે. દહેજ ન લેવાનો નિર્ણય લેનાર વ્યક્તિ જ પોતાની દીકરીને લાગણીવશ થઈ લાખોનું દહેજ આપે છે. જે દહેજપ્રથાને જ ઉત્તેજન આપે છે. આપણે સમાજની આવી પ્રથાઓમાંથી આઝાદી મેળવવાની છે.
ભ્રષ્ટાચારની સંકલ્પના તો તમે સૌ જાણતાં જ હશો. લાંચ લેવી અને લાંચ આપવી બન્ને ગુનો છે. આપણે સૌ જાણીએ છીએ. મેં મારી અત્યાર સુધીના જીવનમાં ક્યારેય લાંચ લીધી નથી કે લાંચ આપી ક્યારેય કામ કરાવ્યું નથી. આથી મને આ બાબતે થોડું ઓછું જ્ઞાન હતું. મને તો એમ કે આપણા સરકારી ખાતાં સારા છે કે જલ્દીથી કામ થઈ જાય છે. પણ મને હમણાં જ તાજો તાજો અનુભવ થયો. મારા સ્ટાફના એક બેન એકત્રીસ ઓગસ્ટના રોજ રિટાયર્ડ થવાનાં છે.તેઓની ફાઈલો તૈયાર કરવામાં તે બેને ઓફીસનાં ઘણાં ધક્કા ખાધાં પણ તેઓનું કામ કમ્પ્લિટ થાય નહિ. થોડા દિવસ ધક્કા ખાધાં પછી તે ઓફિસરે કહ્યું કે, બેન આટલા ધક્કા ખાધાં વગર વજન મૂકી દો. તો તમારું કામ ચપટી વગાડતાં થઈ જશે. તે બેન પણ રિટાયર્ડ થવાની ઉંમરે ધક્કા ખાઈ એટલાં કંટાળી ગયાં હતાં કે ઓફિસરે કહ્યું તેટલું વજન મૂકી દીધું. હવે તમે જ કહો, કે આપણે કેટલા આઝાદ છીએ..? આપણા જ હકનું મેળવવા માટે લાંચ આપવી પડે છે. મને લાંચ લેનારાંઓ પર બહુ ગુસ્સો આવે. હું તો તેઓને પૈસાવાળા ભિખારી જ કહું છું. લાંચ આપવાવાળા તો બિચારા કંટાળીને પોતાનું કામ કરાવતાં હશે. પણ લાંચ લેનારને ઉપરવાળાનો પણ ડર નહીં હોય..? આપણે સૌએ ભ્રષ્ટાચારની ગુલામીમાંથી આઝાદ થવાનું છે.
કેટલીક રૂઢિચુસ્ત માન્યતાઓ આપણાં સમાજમાં જાણે ઘર કરી ગઈ છે. બિલાડી રસ્તામાંથી પસાર થાય તો અપશુકન કહેવાય, વિધવાઓ પ્રત્યેનો લોકોનો વ્યવહાર, સ્ત્રીઓને જ ઘરના કામ કરવાની ફરજ પાડવી. રજસ્વલા સ્ત્રીઓ પ્રત્યે અણગમો અથવા દુર્વ્યવહાર, વગેરે જેવી રૂઢિચુસ્તતાઓ આપણા દિલો દિમાગમાં ઘર કરી ગઈ છે. આપણે સૌએ આવી રૂઢિચુસ્તતામાંથી આઝાદી મેળવવાની છે.
આવો, આપણે સાથે મળીને સમાજમાં પ્રવર્તમાન રીતિઓ- નીતિઓની ગુલામીમાંથી,ખરાં અર્થમાં આઝાદ થઈએ. આપણી માનસિકતા બદલીએ, આપણા વિચારોને ઉચ્ચ બનાવીએ અને સર્વ શક્તિમાન એવા ઈશ્વરના આશીર્વાદ લઈ નિડર બની ખરેખર આઝાદ થઈએ.