Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 4

કેરોલિ ટાકસ્ક
એક ઓલમ્પિક વિજેતાની સંઘર્ષ ગાથા


જે લોકોને કંઈ કરવું જ નથી તેમની પાસે બધું જ હોવા છતાં હજાર બહાના મળી રહેશે. જેણે નક્કી જ કર્યું છે કે આસમાનને ચૂમવું છે તેમની પાસે ના કરવાના હજાર બહાના હશે,છતાં તેને અવગણી સફળ થવાનું એક બહાનું શોધી દેશે અને એની પાછળ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દેશે. જ્યાં સુધી તેને સફળતા ન મળે ત્યાં સુધી જપતા નથી.

દુનિયામાં એવા ઘણા લોકો જન્મ લે છે જેમનામાં કંઈકને કંઈક ઊણપ હોવા છતાં પોતાની ખામીને પોતાની સફળતાના માર્ગમાં આડે આવવા દેતા નથી. આવા જ લોકો ઇતિહાસ સર્જે છે.

આવા જ એક મહાન વ્યક્તિ હતા જેમનું નામ હતું- કેરોલી ટાકસ્ક. જેમનો જન્મ 21 મી જાન્યુઆરી 1910માં ઓસ્ટ્રીયામાં થયો હતો. કેરોલી હંગરી સેનામાં કામ કરતા હતા. તેમને પિસ્તોલ શૂટિંગનો ખૂબ જ શોખ હતો. તેઓ પોતાના શોખને વધુ પ્રયત્ન કરી તેને વધુ નિખારવા ઇચ્છતા હતા. તેઓ તેમના દેશના સર્વશ્રેષ્ઠ શૂટર બનવા ઇચ્છતા હતા.

ઈસવીસન 1938માં તેમના દેશમાં નેશનલ ગેમ્સનું આયોજન થયું. તેમણે તે પ્રતિયોગીતામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. તેમણે કરેલા પ્રયત્નો અને પ્રબળ ઈચ્છા શક્તિથી પ્રતિયોગીતામાં નંબર વન આવી દેશના સર્વશ્રેષ્ઠ પિસ્તોલ શૂટર બની ગયા. આટલેથી જ તેઓ અટક્યા નહીં. તેમણે તેમનું લક્ષ્ય મોટું કર્યું. હવે તેઓ દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિસ્તોલ શૂટર બનવાનું ઇચ્છતા હતા. તેમણે ઈસવીસન 1940માં વિશ્વ લેવલે થવાવાળી ઓલમ્પિક માટે મહેનત શરૂ કરી દીધી.

કેરોલીનું સ્વપ્ન હજુ પૂર્ણ થયું ન હતું ,ત્યાં જ જિંદગીએ તેમની હિંમત તોડવાનો પ્રયત્ન કર્યો. કેરોલી જે આર્મી ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ લેતા હતા ત્યાં જ ટ્રેનિંગ દરમિયાન એક હાથગોળો ફેંકતી વખતે તે હાથગોળો તેમના હાથમાં જ ફૂટી જાય છે અને અકસ્માતમાં તેમનો જમણો હાથ ફાટી જાય છે. એ જ જમણો હાથ જેનાથી તેઓ પિસ્તોલ શૂટિંગ કરતા હતા.

આ ઘટનાએ કેરોલીને અંદરથી હલાવી નાખ્યા. થોડા દિવસો તો તેમને ન સમજાયું કે હવે હું મારું સ્વપ્ન કેવી રીતે પૂર્ણ કરીશ ? પરંતુ તેઓ હિંમત ન હાર્યા. છેવટે તેમણે નક્કી કર્યું કે, "જમણો હાથ નથી તો શું થયું હું મારા ડાબા હાથથી મારું સ્વપ્ન પૂર્ણ કરીશ." કોઈને પણ કહ્યા વગર કેરોલીએ ડાબા હાથને મજબૂત કર્યો અને ડાબા હાથથી પિસ્તોલ શૂટિંગ કરવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી.

એક વર્ષ પછી ઈસવીસન 1939માં ફરીથી પોતાના દેશમાં યોજાનાર નેશનલ ગેમ્સમાં પહોંચી ગયા. કેરોલી ને જોઈ પ્રતિસ્પર્ધીઓને એમ થયું કે કેરોલી આપણી હિંમત વધારવા માટે અહીં આવ્યા છે. જ્યારે કેરોલિએ કહ્યું કે , "હું અહીં તમારી હિંમત વધારવા નહીં તમારી સામે પિસ્તોલ શૂટિંગનો મુકાબલો કરવા આવ્યો છું." આ વાક્ય સાંભળી પ્રતિસ્પર્ધીઓને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ કેવી રીતે ભાગ લઇ શકશે ? તેનો જમણો હાથ તો નથી. કેરોલી માત્ર પ્રતિસ્પર્ધીઓ સાથે સ્પર્ધામાં નથી ઊતરતા, પરંતુ તેઓ તો વિનર બની પોતાની બહાદુરીની મિશાલ પૂરી પાડે છે. રાતોરાત કેરોલી દેશનો હીરો બની જાય છે.

કેરોલી આટલેથી પણ અટકતા નથી. ઈસવીસન 1940માં થનારી ઓલમ્પિક ગેમ્સ માટે તેઓ ખૂબ જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. પરંતુ બીજા વિશ્વ યુદ્ધના કારણે તે ઓલમ્પિક્સ રદ થાય છે. તેમ છતાં તેઓ હાર માનતા નથી. ત્યારબાદ થનારી ઈસવીસન 1944 ની ઓલિમ્પિક્સ માટે તેઓ તૈયારી શરૂ કરી દે છે. પરંતુ અફસોસ...!! દ્વિતીય વિશ્વયુદ્ધ ના કારણે તે ઓલમ્પિક પણ રદ્દ થાય છે. કેરોલી ની હિંમત તો જુઓ ! આટલીથી પણ તેઓ હાર માનતા નથી. ઇસવી સન 1948માં થનારી ઓલમ્પિક માટે તેઓ તૈયારી શરૂ કરી દે છે.

છેવટે 1948ની ઓલમ્પિક્સ આવી ગઈ. તે સમયે કેરોલી 38 વર્ષના થઇ ગયા હતા. તેમનાથી ઘણી નાની ઉંમરના પિસ્તોલ શૂટર ની સાથે પ્રતિસ્પર્ધામાં ઉતરવુ લગભગ અસંભવ હતું. પરંતુ કેરોલિની ડિક્શનરીમાં અસંભવ જેવો શબ્દ જ ન હતો. તેઓ મનથી મક્કમ રહ્યા અને સ્પર્ધામાં ભાગ લીધો. તમને જાણીને નવાઈ લાગશે કે બધા જ પ્રતિસ્પર્ધીઓ પોતાના બંને હાથનો ઉપયોગ કરતા હતા જ્યારે કેરોલી માત્ર પોતાના ડાબા હાથ નો જ ઉપયોગ કરતો હતો. આમ છતાં તેઓ બધા પ્રતિસ્પર્ધીઓને માત આપી દે છે અને ઈસવીસન 1948ની ઓલિમ્પિક્સમાં જીતી ગોલ્ડ મેડલ મેળવે છે.

આટલી સફળતા મળ્યા બાદ પણ તેઓ બેસી જતા નથી. ઈસવીસન 1952માં થનારી ઓલમ્પિક માટેની તૈયારી શરૂ કરી દીધી. ઈસવીસન 1952 ની ઓલિમ્પિક્સમાં પણ તેઓ ગોલ્ડ મેડલ જીતી લે છે. આમ તેઓ ઓલમ્પિકમાં લગાતાર બે વખત ગોલ્ડ મેડલ જીતવા વાળા કેરોલી વિશ્વના પહેલા ખેલાડી બન્યા.

મિત્રો આપણે પણ કેરોલિની જેમ જિંદગીમાં હાર માનવી જોઈએ નહીં. પોતાના પર વિશ્વાસ રાખો. તમે બધું જ કરી શકો છો. તમારી કમજોરીને તમારી તાકાત બનાવો. કોઈપણ એક સફળતા બાદ અટકી ન જાઓ. તે સફળતા ના ગુણગાન થોડા સમય માટે જ રહેશે. પછી તમને કોઈ યાદ નહી કરે. આથી સતત સફળતા મેળવવાના પ્રયત્નો ચાલુ રાખો.

🤗મૌસમ🤗