હાશકારો!
જ્યારથી માનવી જન્મે છે ત્યારથી સામાજિક, આર્થિક અને શારીરિક સંઘર્ષો ઉપજે છે. ઘણી વખતે આવા સંઘર્ષોના લીધે હસવાનું કે ખુલ્લાં દિલથી ખુશી વ્યક્ત કરવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી.
મારી આંખ ઉઘડી ત્યારે ઘરમાં મરશિયાનો અવાજ જોરજોરથી આવતો હતો. હું ત્યારે સમજી નહોતો શક્યો કે શું થઈ રહ્યું છે એમ! મારી ઉંમર આઠેક વર્ષની હોવાથી એટલી સમજણ પણ વિકસી નહોતી શકી. ઘર માણસોથી ખચોખચ ભરેલું હતું એટલે હું મુંજાયો અને હચમચી પણ ગયો. જેથી મારી માંના પાલવમાં છુપાઈ જવા માટે માંને શોધવા ચારેબાજુ નજર ફેરવી લીધી. ઘણી સ્ત્રીઓ ઘૂંઘટા તાણીને પોક મૂકી રહી હતી, પણ માં કયાંય નજર નહોતી આવી રહી. મેં મારા મોટા ભાઈને પૂછ્યું, " ભઈ, માં કયો જઈસ ?" આટલું સાંભળતા જ ભાઈએ મને બાથમાં ભરીને રડવા લાગ્યો. એક તરફ બેન અને બીજી તરફ હું બંને જણા ભાઈને બાથભરી સઘરું જોઈ રહ્યા હતા. તે દૃશ્ય આજે પણ નજર સામે આવતા જ મારા શરીરમાં કમકમાટી પેદા કરી દે છે, કેમ કે ત્યારે અમે અનાથ થઈ ગયા હતા. પેહલાં બાપા બીમારીથી પીડાયને વહી ગયા અને હવે માં!
એમ તો અમે મોટાભાઈ રસિકભાઈ , ગંગા બેન અને હું એટલે કેશવ એમ ત્રણ ભાઈ-બહેન. તેમાં સૌથી નાનો હું. એટલે બધાનો લાડકવાયો પણ ખરો! પણ લાડ લડાવવાવાળા મા-બાપ નાની ઉંમરમાં દેવને પામ્યા હતા, પણ ભાઈનો પ્રેમ મા- બાપથી ઓછો ઉતરે તેમ નહોતો. મારી માં અંતિમ શ્વાસ લેતી હતી ત્યારે મોટાભાઈ રસિકભાઈને અમારી જવાબદારી સોંપતી ગઈ. ત્યાર પછી રસિકભાઈએ ક્યારે પણ અમને આંચ આવવા દીધી નથી કે કોઈપણ ચીજની ખપ પણ વર્તાવા દીધી નથી. ચૌદ વર્ષની ઉંમરે ઘરની જવાબદારી તળે દબાઈને આખું આયખું સંઘર્ષમય રીતે પસાર કર્યું. પણ ક્યારેય અમને એ વાતની જાણ થવા દીધી નહીં. હજુ મને યાદ છે એ દિવસો જ્યારે તેઓ જાતે ભૂખ્યાં રહીને પેટ ભરી અમને જમાડ્યા છે. તેઓએ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ચલાઈ લેતા હતા અને અમને એશો આરામથી રાખતા હતા. દિવાળી ટાણે ક્યારેય નવા કપડાં પહેર્યા નથી. બસ ઘસાય ને જ જિંદગી ખર્ચી નાખી. મને દુઃખ એ વાતનું રહી ગયું કે ક્યારેય મેં પણ એમને પૂછ્યું નહીં કે, " ભાઈ, તમારે શુ જોઈએ છે?" એતો ઠીક છે પણ ખાધું કે નહીં એની પણ કદર ન કરી.
માં-બાપના ગયા પછી કુમળી ઉંમરે હળ હાંકયું. અમને ભણાવવા માટે ખુદ ભણતર છોડી દીધું. પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરી છતાં એ વાતનો કયારેય જસ લીધો નહીં. એ હંમેશા કહેતા કે , " નાનકાઓ , તમે ભણીગણી ને મોટા થઈ જાઓ એટલે મને હાશકારો થાય." હું ખુદને ભાગ્યવાન માનું છું કે આવા ભાઈ માબાપના છાંયડા સમાન મળ્યા.તેઓ એ ડરથી જ લગન ન કર્યું કે આવનારી ભાભી અમને સારી રીતે પાળશે કે નહીં.હંમેશા અમારી ખુશી ખાતર શેર લોહી તેમણું ઓછું કરતા હતા. ક્યારેય ખુલ્લાં મનથી પ્રસન્ન જોયા નથી. હંમેશા ગમગીન અને શાંત રહેતા. એમ લાગતું હતું કે સર્વ ભાવનાઓને ઓગાળીને સંઘર્ષને ગ્રહી લીધો હોઈ! પણ એકવાર હું ભણીગણીને સરકારી દફતરમાં નોકરી મળી ત્યારે એમના ચહેરા પર પહેલીવાર ખુશીની લાગણી હતી. પણ એ ખુશી જાજું ટકી નહિ. બેન ગંગા પરણીને સાસરામાં ચાર દિન પણ નહીં કાઢ્યા હોઈને હાથમાંથી ચૂડી તૂટી ગઈ. આ વાત ભાઈ સહી શક્યાં નહીં. બેનના વિધવા થવાની વેદનામાં ડૂબી ગયા.અંદર ને અંદર આંસુના ઘૂંટડા પી ગયા. બેનની વેદનાનો આઘાત મને પણ હતો, પણ ભાઈ જેટલો નહીં. કેમ કે હું ભાઈની છત્રછાયામાં જ શ્વાસ લેતો હતો. એટલે હંમેશ એમનો હાથ મારા માથે રહ્યો હતો. જેથી એ દુઃખમાંથી મને બેઠાં થતાં વાર ન લાગી. મને પરણાવ્યો , શહેરમાં મારું જીવન સુખમય રીતે વસાવ્યું. મને ખુશ રાખવા માટે ઉપર છલ્લી ખુશી મને બતાવતા રહ્યા. પણ ક્યારેય મને ઓરતાં ન વર્તાવા દીધા.
સમાજની વિરુદ્ધમાં જઈને ફરી બેનને બીજે સાસરે વળાવી. તેઓ સમાજની વિરુદ્ધ ગયા એટલે સમાજે અને ગામે નાત બહાર કરી દીધા.કોઈ પડખે આવીને તો નહીં પણ વાત પણ ન કરે એવા અઘરાં નિયમો લાદી દીધા. આ બધું ભાઈએ એકલા હાથે સહન કર્યું. મને એ વાતની જાણ જરાસુદ્ધાં પણ ન થવા દીધી. બેનની વિદાય પછી હાશકારો ભર્યો. પણ ભીતરથી તો એકલાં જ હતા. મારા લગ્ન જીવન પર અસર ન થાય એટલે મારે જોડે શહેરમાં પણ ન આવ્યા. ગામની અંદર , સમાજની અંદર નાત બહાર રહીને જીવન જીવવું કેટલું કપરું છે! એ વાતના વિચાર કરવાથી જ રૂંવાટા ઉભા થઇ જાય છે. તેમને માબાપની ફરજ અદા કરી, મને અને બેનને સુખી જીવન આપ્યું પણ ક્યારેય ખુદ માટે એક સુખને પણ ન ખરીદ્યું.
માબાપ ગયા પછી એમના જીવનમાં ક્યારેય હાશકારો આવ્યો નથી. સતત જીવનના સંઘર્ષમાં એકલા હાથે ઘસાતાં રહ્યા અને એની સુવાસ અમને આપતા રહ્યા. હું પણ કેટલો સ્વાર્થી હતો કે ભાઈની એકલતા, પીડા અને સંઘર્ષને સમજી ન શક્યો,તેમને સાથ ન આપી શક્યો. હું મારી જિંદગીમાં જે હાશકારો અનુભવું છું તે ભાઈની દેણ છે અને એ દેણનું ઋણ પણ અદા કરવાનો સમય ન મળ્યો.
ભાઈ જ્યારે જ્યારે સંઘર્ષોમાંથી હાશકારો અનુભવ્યો ત્યારે ત્યારે નવા નવા દુઃખ સામે આવીને બારણે ઉભા રહી જતા. ક્યારેય તેમને ખુલ્લા મનથી જિંદગીને માણી નથી. મને અને બેનના ઘરસંસાર વસાવ્યાં પછી હાશકારો અનુભવી રહ્યા હતાં. તે સમાજ અને ગામમાં એકલા હતા, નાત બહાર હતા તેમ છતાં અડીખમ હતા. પણ નાની વયથી સંઘર્ષમાં જીવન જીવ્યું અને કપરો સમય વેઠયો, એ સમયની મારમાં તનની બીમારીમાં સપડાય ગયાં. તેમની સેવાનો પણ અવસર ન પ્રાપ્ત થવા દીધો.
આજે મને ભાઈનું દુઃખ અને એકલતા સમજાય છે. કેમ કે મારી ધર્મપત્નિને ગયા પછી હું એકલો પડી ગયો. મારા સંતાનના લગ્નજીવનના સુખ ખાતર એમનાથી વિખૂટો રહુ છું. મને મારી જાત પર ધૃતકાળ થઈ રહ્યો છે ભાઈના એ સંઘર્ષ અને ત્યાગથી! તેમને ક્યારેય જિંદગીમાં હાશકારો નહીં મળ્યો.