સ્વાતંત્ર્યવીર સાવરકર Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાતંત્ર્યવીર સાવરકર

સ્વાતંત્ર્યવીર સાવરકર

- રાકેશ ઠક્કર

આઝાદીની લડાઈમાં રસ હોય અને સ્વાતંત્ર્યવીરો વિશે જાણવું હોય તો અભિનેતા રણદીપ ફિલ્મ સ્વાતંત્ર્યવીર સાવરકર લઈને આવ્યો છે. એણે નિર્માણ અને નિર્દેશન સાથે 3 કલાક લાંબી અને ક્યાંક પ્રોપેગેન્ડા લાગે એવી ફિલ્મ બનાવી છે પણ પોતાના અભિનયથી આશ્ચર્યચકિત કરી દીધા છે.

વીર સાવરકરના જીવનના અનેક પડાવોના અલગ રૂપમાં એણે વાર્તાને કેટલો ન્યાય આપ્યો છે એ તો જાણકારો જ કહી શકે પણ એમના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે અને એવોર્ડ વિનિંગ અભિનય કર્યો છે. તેણે એટલી મહેનત કરી છે કે પડદા પર સાવરકર જ લાગે છે. કાળાપાણીની સજાનું દ્રશ્ય બહુ લાંબુ છે પણ એમાં એનો અભિનય શ્રેષ્ઠ લાગશે. રણદીપનું ટ્રાન્સફોર્મેશન ગજબનું છે. એના સિવાય બીજા કોઈ અભિનેતાને વિચારી શકાય એમ નથી. પોતાના પાત્રમાં ડૂબી જવા માટે એ જાણીતો રહ્યો છે. આ ફિલ્મના શુટિંગ માટે એ મોતના મુખ સુધી પહોંચી ગયો હતો એ વાત જાણ્યા પછી એક અભિનેતા તરીકે એના માટે માન વધી જશે. ફિલ્મના પહેલા નિર્દેશક મહેશ માંજરેકર ન્યાય આપી શકે એમ ન હોવાથી છોડી ગયા હતા એ જાણ્યા પછી રણદીપના નિર્દેશનના સાહસ માટે આદર ઊભો થશે.

અંકિતા લોખંડે સહિત બીજા કેટલાક કલાકારોનો અભિનય સારો છે. અંકિતા પહેલી વખત વૃધ્ધ સ્ત્રીના પાત્રને ન્યાય આપી ગઈ છે. સાવરકરના ભાઈ તરીકે અમિત સિયાલ પ્રભાવિત કરી જાય છે. પરંતુ ગાંધીજી સહિતની કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ માટે કાસ્ટિંગ બરાબર લાગતું નથી.

સાવરકરના જીવન વિષે ના જાણતા હોય એ પણ ફિલ્મની કેટલીક બાબતો અંગે શંકા જરૂર વ્યક્ત કરશે. મોટાભાગનું શુટિંગ સેટ પર કરવામાં આવ્યું છે છતાં વાસ્તવિક લાગે છે. એકસો વર્ષ જૂના જમાનાને પડદા પર સાકાર કરવાનું કામ સરળ ન હતું. પાત્રોની ડ્રેસ ડિઝાઇનિંગથી એ સમયને સફળતાથી બતાવ્યો છે. એ કારણે ફિલ્મમાં અંધારાના ડાર્ક દ્રશ્યો છે. એ વધુ પડતા છે. સિનેમેટોગ્રાફી સારી છે પણ દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય એવું હોવું જોઈતું હતું. ફિલ્મનો પહેલો ભાગ ઠીક છે. ઇન્ટરવલ એક રસપ્રદ જગ્યાએ આવે છે. એ પછી ફિલ્મ લાંબી અને ભારેખમ લાગે છે. ફિલ્મની વધુ પડતી લંબાઈ સૌથી મોટી ખામી બની જાય છે. પણ જો ફિલ્મને બદલે વેબસિરીઝના રૂપમાં હોત તો વધારે કમાલ કરી શકી હોત. કેટલાક દ્રશ્યો તો અગાઉથી ઇતિહાસ ના જાણતા હોય તો સમજમાં આવે એવા નથી. કેટલીક ઘટનાઓ એવી છે કે જે ઈતિહાસમાં છુપાવવામાં આવી હતી કે સિનેમાની સ્વતંત્રતા છે એનો ખ્યાલ આવતો નથી. જેમકે ગાંધીજી અને શહીદ ભગતસિંહ વચ્ચેની મુલાકાત.

કેટલાક દ્રશ્યોની જરૂર ન હોવા છતાં છે અને લાંબા ખેચવામાં આવ્યા છે. જેમકે જેલમાંથી બ્રિટિશ સરકાર માટે સાવરકર દ્વારા લખવામાં આવેલી પિટિશન. જેલના દ્રશ્યોને વધારે પડતાં ખેંચીને બતાવાયા છે. રણદીપ કેટલાક મોનોલોગ ઓછા રાખી શક્યો હોત. કેટલાક મોનોલોગ ફિલ્મને કંટાળાજનક બનાવે છે. શરૂઆતમાં સાવરકરના પરિવારને બતાવવામાં આવે છે પણ પછી એમના પર જ કેન્દ્રિત થઈ જાય છે. વાર્તાની ગતિ બહુ ધીમી થઈ જાય છે. આઝાદ અને બોઝના જીવન વિષે કશું બતાવવામાં આવ્યું નથી. ફિલ્મને ડોકયુમેન્ટ્રી લાગે એ હદ સુધી લાંબી કરી છે.

રણદીપનું પહેલી વખતનું નિર્દેશન સારું છે. કેટલાક દ્રશ્યો રૂંવાડા ઊભા કરી દે એવા છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. દેશભક્તિની ફિલ્મ છે છતાં ગીત-સંગીત જોશ ભરી દે એવું નથી. એક ગીત તો એવું હોવું જ જોઈતું હતું જે દેશભક્તિની ભાવનાને વધારે જગાવી શકે. ઘણી જગ્યાએ ફિલ્મ બાયોપિક ને બદલે સુપરહીરો જેવી લાગે છે. ફિલ્મ સ્વાતંત્ર્યવીર સાવરકર માં સાચું-ખોટું શું છે એવો વિચાર કરવા કરતાં જેને ઈતિહાસમાં રસ હોય અને લાંબી ફિલ્મ જોવાની સહનશીલતા ધરાવતા હોય એમણે માત્ર એક ફિલ્મ તરીકે જોવા જેવી છે.