મડગાંવ એક્સપ્રેસ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મડગાંવ એક્સપ્રેસ

મડગાંવ એક્સપ્રેસ

- રાકેશ ઠક્કર

નિર્દેશકના રૂપમાં પહેલી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ માં કુણાલ ખેમુએ મહેમાન ભૂમિકા નિભાવી છે. ગોલમાલ માં કામ કરનાર અને ગો ગોવા ગોન ના સંવાદ લખનાર કુણાલ મડગાંવ એક્સપ્રેસ માં ગાયક-સંગીતકાર તરીકે ચમકતો હોવા છતાં બધાને ન્યાય આપ્યો છે. એમ પણ કહી શકાય કે એની પ્રતિભાની અવગણના કરનાર બોલિવૂડને એણે જવાબ આપ્યો છે. આમ જોવા જોઈએ તો લાંબા સમય પછી થિયેટરમાં જૂની સ્ટાઇલની એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ આવી છે.

ફિલ્મ જોતી વખતે ક્યારેક એવું લાગે છે કે એને ધક્કા મારીને આગળ વધારવામાં આવી રહી છે પણ એ દર્શકોને મનોરંજનના છેલ્લા મુકામ પર જરૂર પહોંચાડી શકી છે. કેટલીક હોલિવૂડની ફિલ્મોમાંથી દ્રશ્યો પોતાની રીતે ઉધાર લીધા હોવાથી નકલ કરી હોય એવા લાગતા નથી.

ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો પ્રતીક, દિવ્યેન્દુ અને અવિનાશની છે. ત્રણેય લાંબા સમય પછી મળે છે અને પોતાનું બાળપણનું ગોવા જવાનું જૂનું સપનું ઓછા ખર્ચે પૂરું કરવા નીકળી પડે છે. તેઓ મડગાંવ એક્સપ્રેસ મારફત નીકળે છે ત્યારે મોટો લોચો થાય છે. ટ્રેનમાં ચઢતા પહેલાં પ્રતીકની બેગ બદલાઈ જાય છે. એવું બને છે કે એમની યાત્રાની દિશા બદલાઈ જાય છે. પહેલાં ત્રણેય ગોવા જઈ શકતા ન હતા અને પછી ગોવાથી ભાગી શકે એમ નથી.

ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈ કે જિંદગી ના મિલેગી દોબારા ની યાદ અપાવતી આ ફિલ્મ જોતી વખતે એટલું હસાવે છે કે દર્શક એટલા સમય માટે એના દુ:ખ- દર્દ ભૂલી શકે છે. આમપણ એમાં બોલિવૂડની ફિલ્મ તરીકે નવું કંઇ નથી છતાં જકડી રાખે છે. દિલ ચાહતા હૈ દિલ અને દિમાગથી વિચારતા કરી મૂકે એવી હતી જ્યારે મડગાંવ એક્સપ્રેસની વાર્તા એવી ભાગે છે કે વિચાર કરવાનો સમય આપતી નથી. થોડા વર્ષ પછી આ ફિલ્મ ગમે ત્યાંથી શરૂ કરીને જોઈ શકાય એવી છે.

આ ફિલ્મ કોઈ સંદેશ આપતી નથી કે કશું શીખવતી નથી. માત્ર મનોરંજન પૂરું પાડવાની ફરજ પૂરી કરે છે. એમાં શારિરીક કોમેડી સાથે અબ સિર્ફ હમારી મૌત કા લકી ડ્રૉ નિકાલના બાકી હૈ જેવા સંવાદ મજેદાર છે. વધુ સારી વાત એ છે કે એમાં સ્વચ્છ કોમેડી છે અને દ્વિઅર્થી સંવાદનો ઉપયોગ થયો નથી.

કુણાલને નિર્દેશક તરીકે કલાકારોનો સારો સાથ મળ્યો છે. એક ગંભીર થિયેટર અભિનેતા તરીકે સ્કેમ થી જાણીતા રહેલા પ્રતીક ગાંધીએ બહુમુખી પ્રતિભા ધરાવતો હોવાની સાબિતી આપી છે. જ્યારે તે વધુ કોકિનનું સેવન કરે છે અને પોતાનું વ્યક્તિત્વ આખું બદલી નાખે છે કે પછી પોતાની એક આંગળી ગુમાવે છે જેવા દ્રશ્યોમાં તો કમાલ કરી જાય છે. એને બે ભૂમિકા મળી હોવાથી વધારે હસાવે છે.

નોરા ફતેહી પોતાનો ગ્લેમરનો તડકો નાખવાનું કામ કરવા સાથે ભૂમિકાને ન્યાય આપી જાય છે. દિવ્યેન્દુએ ડોડો ના રૂપમાં કોમેડીના પંચ સાથે ધમાલ મચાવી દીધી છે. રેમો ડિસૂઝાની ભૂમિકા બહુ મહત્વની ના રહી. ઉપેન્દ્ર લિમયે અને છાયા કદમ પોતાના અજીબોગરીબ પાત્રોમાં હસાવી જાય છે. અવિનાશ તિવારી પોતાની ભૂમિકામાં સરળતાથી ઉતરી ગયો છે.

ફિલ્મમાં અનેક ટ્વીસ્ટ અને ટર્ન્સ છે જે ક્લાઇમેક્સને વધારે મજેદાર બનાવે છે. એમ થશે કે આ બહુ સારી કોમેડી ફિલ્મ નથી પણ સાથે એમ થશે કે ખરાબ પણ નથી. લોકોનું મનોરંજન થવું જોઈએ એવા એકમાત્ર આશયવાળી ફુકરે જેવી જ ફિલ્મ છે. કોમેડીમાં હેરાફેરી કે ભૂલ ભુલૈયા ની સીકવલોને ટક્કર આપી શકે એવી છે. આમ તો યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે પણ જેને કોમેડી ગમતી હોય અને કુણાલને પ્રોત્સાહન આપવું હોય એ કોમેડી ટ્રેન મડગાંવ એક્સપ્રેસ ની મુસાફરી કરી શકે છે. કેમકે કેટલાક મોટા નિર્દેશકો પોતાની કોમેડી ફિલ્મોની ફ્રેન્ચાઇઝીને બરબાદ કરી રહ્યા છે ત્યારે અભિનેતા કુણાલે એ બતાવ્યું છે કે ચોખ્ખી કોમેડી ફિલ્મ કેવી રીતે બનાવી શકાય.