ફરેબ - ભાગ 16 (છેલ્લો ભાગ) H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 16 (છેલ્લો ભાગ)

( પ્રકરણ : 16 )

ઈશાને કશીશના વાળ પકડીને એની છાતીમાં ચપ્પુ હુલાવી દેવા માટે હાથ અદ્ધર કર્યો, ત્યાં જ તેના કાને પાછળના દરવાજા તરફથી ધમ્‌ એવો અવાજ અફળાયો. તેનો હાથ રોકાઈ ગયો, તેણે પાછું વળીને જોયું તો તેને પગ નીચેની જમીન સરકી જતી લાગી.

બેડરૂમના દરવાજા પાસે સબ ઈન્સ્પેકટર રાવત તેની તરફ રિવૉલ્વરની અણી તાકીને ઊભો હતો.

‘દોસ્ત...! ડાહ્યો થઈને તારા હાથમાંનું ચપ્પુ નીચે ફેંકી દે.’ સબ ઈન્સ્પેકટર રાવતે કહ્યું, એટલે ઈશાને ફરી કશીશ તરફ જોયું, પણ અત્યાર સુધીમાં કશીશ તેનાથી દૂર સરકી ચૂકી હતી.

‘સારું થયું, તમે આવી ગયા !’ ઈશાને સબ ઈન્સ્પેકટર રાવત આમ અચાનક અને અણધાર્યો આવી પહોંચ્યો હતો એના આંચકામાંથી બહાર આવતાં પોતાના બચાવનો પ્રયત્ન કર્યો : ‘આ કશીશે મારા દોસ્ત અભિનવ પર જાણી-જોઈને ગોળી છોડી હતી. એ મારા દોસ્તની મિલકત માટે એનું ખૂન કરવા માંગતી હતી. મને આની ખબર પડી એટલે મને આની પર ગુસ્સો ચઢયો અને એટલે...’

‘....એટલે તું કાયદો-કાનૂન તારા હાથમાં લઈને કશીશને મારી નાખવા માટે તૈયાર થયો, કેમ...? !’ રાવત બોલ્યો, એટલે કશીશ બોલી ઊઠી : ‘સાહેબ..., આ ઈશાન જુઠ્ઠું...’

‘પહેલાં હું ઈશાન સાથે વાત કરી લઉં, પછી હું તમારી સાથે વાત કરું છું.’ રાવતે એ જ રીતના ઈશાન તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં કશીશને કહ્યું અને પછી ઈશાનને હુકમ આપ્યો : ‘પહેલાં ચપ્પુ મારી તરફ ફેંકી દે, પછી વાત કરીએ છીએ.’

ઈશાને પળવાર વિચારીને પછી રાવતના પગ તરફ ચપ્પુ ફેંકયું. ચપ્પુ રાવતના પગ નજીક પહોંચીને રોકાયું.

‘હં....! હવે તું આ રીતના જ કોઈ પૂતળાની જેમ ઊભો રહે.’ ઈશાનને કહીને રાવતે કશીશ તરફ જોયું : ‘હં..., તો બોલો, તમે શું કહેતા હતા ? !’

‘સાહેબ...!’ કશીશ દયામણા અવાજે બોલી : ‘....આ ઈશાન પણ અભિનવ સાથે મને મારી નાખવાના પ્લાનમાં સામેલ હતો. અભિનવ મને ખતમ કરવા ગયો, પણ મારા હાથે જ એને ગોળી વાગી ગઈ અને આણે તમને અહીંથી અભિનવને એમ્બ્યુલન્સમાં લઈ જતાં જોયાં એટલે એ ગુસ્સે થઈને, ધૂંધવાઈને મને મારી નાખવા ધસી આવ્યો.’ અને કશીશે આંખમાં નકલી આંસુ લાવી દીધાં.

‘સાહેબ....!’ ઈશાન બોલી ઊઠયો : ‘આ...આ કશીશ જુઠ્ઠું બોલી કહી છે. એ...એ....!’

‘મને ખબર છે.’ રાવત હસ્યો : ‘કશીશ જુઠ્ઠું બોલી રહી છે અને તું પણ ખોટું બોલી રહ્યો છે.’ અને રાવતે આંખો કરડી કરી : ‘તમે બન્ને આખરે મને શું સમજો છો ? !’

ઈશાન અને કશીશે શું બોલવું એ સૂઝયું નહિ.

‘હું પોલીસવાળો છું.’ અને રાવત હસ્યો : ‘ઈમાનદાર અને સમજદાર પોલીસવાળો ! મને તમારા જેવા બેઈમાનો અને ગુનેગારોની ગંધ તુરત જ આવી જાય છે.’ અને રાવતે કશીશ સામે જોયું : ‘તેં મને અભિનવની લાશ માટે અહીં બોલાવ્યો ત્યારે જ મને ગંધ આવી ગઈ હતી કે, તારી વાતમાં કંઈક ગરબડ છે. અને એટલે અભિનવને એમ્બ્યુલન્સમાં રવાના કરીને હું અહીં જ રોકાઈ ગયો હતો.’ રાવતે કહ્યું : ‘હું છૂપી રીતના અહીં બંગલા પર નજર રાખી રહ્યો હતો, ત્યાં આ ઈશાનની એન્ટ્રી પડી. ઈશાન અહીં તારી પાસે રૂમમાં આવ્યો એટલે હું પણ અહીં આવી ગયો અને દરવાજા પર કાન લગાવીને તમારી વાતો સાંભળવા લાગ્યો.’

‘એટલે...એટલે..., તમે... તમે અમારી બધી વાતો સાંભળી હતી ? !’ અને કશીશ પલંગ પર બેસી પડી.

તો ઈશાનની હાલત પણ ઓર કફોડી થઈ ગઈ.

‘તમારી વાતો સાંભળીને મને થયું કે, સસ્પેન્સ-થ્રીલર ફિલ્મો બનાવનાર હોલીવુડ અને બોલીવુડવાળા પણ તમારી સામે પાણી ભરે છે.’ રાવતે કશીશ સામે જોયું, ‘પણ કશીશ, મને મનમાં થતું હતું કે, તને લગ્ન પહેલાં પ્રેમ કરનારા ઈશાને, અભિનવ સાથે તારા લગ્ન થયા એ પછી ફરી તને પામવા માટે જ કંઈ અભિનવને ખતમ કરવાની આખી બાજી ગોઠવી ન જ હોય. અને એટલે ઈશાનના પેટમાં ધરબાયેલી બાકીની વાત બહાર કઢાવવા માટે મેં એક તુક્કો લડાવ્યો.’ રાવત હસ્યો : ‘મેં તને મોબાઈલ કર્યો અને તને ખોટેખોટું એવું કહ્યું કે અભિનવ મર્યો નથી.’

‘એટલે....એટલે...!’ કશીશ બોલી ઊઠી : ‘અભિનવ જીવતો નથી. એ મરી જ ગયો છે ? !’

‘હા...!’ રાવત બોલ્યો : ‘મેં તારી સામે અભિનવ જીવતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું એમાં તને તો સાપ સૂંઘી જ ગયો, પણ ઈશાનનાય પગ નીચેથી જમીન સરકી ગઈ. અને એ ગુસ્સા અને ધૂંધવાટમાં પોતાના પેટમાંનો ભેદ..., પોતાના પેટમાંનું પાપ તારી સામે ઓકી ગયો.’ વળી રાવત હસ્યો : ‘તમારી બન્ને વચ્ચે એકબીજાને મારી નાખવાની ધમાધમી ચાલી એટલે મારે પણ ધમ્‌ કરતાં દરવાજો ખોલીને ધમાકેદાર એન્ટ્રી મારવી પડી.’

કશીશ અને ઈશાન બન્ને સબ ઈન્સ્પેકટર રાવત સામે જોઈ રહ્યા.

‘હવે તમે બન્ને મારી સાથે પોલીસ ચોકીએ ચાલો.’ રાવતે કહ્યું : ‘તમારા બન્નેની બાકીની જિંદગી હવે જેલમાં જ વિતશે.’

‘તમારી ભૂલ થાય છે, સાહેબ...!’ કહેતાં ઈશાન પાગલની જેમ ડાબી બાજુ આવેલી બારી તરફ દોડયો.

‘એ...ય ! ઊભો રહે નહિતર ગોળી છોડી દઈશ.’ કહેતાં રાવતે ઈશાન તરફ રિવૉલ્વર તાકી.

ઈશાન બારી પાસે પહોંચીને ઊભો રહી ગયો. ‘તમારે ગોળી મારવી હોય તો મારો...’ ઈશાન બેધડક બોલી ગયો : ‘...પણ હું રોકાઈશ નહિ. કાં હું તમારી ગોળીથી મરીશ ને કાં ભાગી છૂટીશ, પણ હું જીવતેજીવ જેલના સળિયા પાછળ તો નહિ જાઉં.’

‘યાર..!’ રાવત નરમ અવાજે બોલ્યો : ‘તેં તો તારી આ થ્રિલર ફિલ્મના કલાઈમેકસમાં મારા જેવા પોલીસવાળાને ઉલઝનમાં નાખી દીધો.’ અને રાવતે મોઢું વિલું કર્યું : ‘મારું માઈન્ડ કહે છે કે, મારે તને ગોળી મારવી જોઈએ નહિ. મારું કામ અપરાધીને પકડીને જેલભેગા કરવાનું છે, એમને ગોળી મારીને સ્મશાનભેગા કરવાનું નહિ.’

સાંભળીને ઈશાન મલકયો. ‘આવજો સાહેબ !’ કહેતાં ઈશાને બારી બહાર છલાંગ લગાવી દીધી.

‘કશીશ !’ રાવતે કશીશ તરફ જોતાં કહ્યું : ‘ઈશાન ગયો, હવે તારે શું કરવું છે ? ! સીધી રીતના મારી સાથે પોલીસ ચોકીએ આવવું છે કે પછી ઈશાનની જેમ ભાગી છૂટવું છે ?’

કશીશ રાવત સામે મૂંઝવણભરી નજરે તાકી રહી.

‘મારી સલાહ છે કે તારે ભાગી છૂટવાને બદલે ચુપચાપ મારી સાથે ચાલવું જોઈએ.’ રાવતે કહ્યું : ‘એમાં જ તારો ફાયદો છે.’

બે પળ કશીશ રાવત સામે જોઈ રહી, પછી એ પોક મૂકતાં રડી પડી.

‘હું સબ ઈન્સ્પેકટર છું, કોઈ સાધુ-સંત નહિ !’ રાવત બોલ્યો : ‘પણ છતાંય સાધુ-સંતવાણી જેવી બે વાતો કહું છું.’ અને રાવત કશીશની નજીક પહોંચીને ઊભો રહ્યો : ‘ભગવાને તને કેટલી સ્વર્ગ જેવી સારી ને સુખી જિંદગી આપી હતી, અને તેં જુવાનીના જોશમાં એને બરબાદ ને નરક જેવી દુઃખી કરી નાખી.’

કશીશે રડતાં-રડતાં વિચાર્યું. સબ ઈન્સ્પેકટર રાવતની વાત સાચી હતી. તેણે ઈશાન સાથેના આંધળા પ્રેમમાં પોતાની જિંદગી બરબાદ કરી નાખી હતી. ‘સાહેબ !’ કશીશે આંસુભીની આંખે રાવત તરફ જોતાં કહ્યું : ‘મને..., મને માફ કરી દો..., મારાથી ભૂલ થઈ ગઈ.’

‘તારું કામ માફીને પાત્ર નથી, અને આમેય માફ કરવાનું કામ ઈશ્વરનું. મારા જેવા માણસનું નહિ.’ રાવત બોલ્યો : ‘મારું કામ તો છે, ગુનેગારોને પકડવાનું અને કોર્ટમાં હાજર કરવાનું !!!’ અને રાવતે કહ્યું : ‘ચાલ...!’

કશીશ ફરી રડવા માંડી.

રાવતે તેને રડવા દીધી. ત્યાં જ હેડ કોન્સ્ટેબલ નિગમ, સાથી કોન્સ્ટેબલ રૂપાજી સાથે અંદર આવ્યો.

‘આપણો વિલન કયાં છે ?!’ રાવતે નિગમને પૂછયું.

‘બહાર જીપમાં સુવડાવ્યો છે.’ નિગમે કહ્યું.

‘સરસ !’ રાવતે કહ્યું : ‘...આને લઈ લો.’

અને રાવત બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.

‘ચાલો !’ નિગમે કશીશને કડક અવાજમાં કહ્યું.

કશીશે ચહેરો અદ્ધર કરીને નિગમ સામે જોયું. નિગમના ચહેરા પરના કરડાકીભર્યા ભાવ જોતાં તે ઊભી થઈ ગઈ. નિગમ આગળ ચાલ્યો એટલે કશીશ ડગમગતા પગલે તેની પાછળ ચાલી. કશીશની પાછળ રૂપાજી આગળ વધ્યો.

કશીશ બંગલાના મુખ્ય દરવાજા સુધી પહોંચતાં તો હાંફવા માંડી.

તે જીપ નજીક ઊભેલા રાવત પાસે પહોંચી, ત્યાં જ તેની નજર જીપમાં પડી ને તે ચોંકી.

જીપમાં ઈશાન લેટેલો હતો. તેનું મોઢું સૂઝેલું હતું.

‘....ઈશાનને એમ હતું કે હું કોઈ ફિલ્મના નકલી પોલીસવાળા જેવો છું કે એને ભાગી જવા દઈ રહ્યો છું.’ રાવત બોલ્યો : ‘આના માઈન્ડમાં એટલુંય ન આવ્યું કે હું કંઈ અહીં એકલો જ નજર રાખતો થોડો ઊભો હોઉં ! મારી નાની-મોટી પલટન પણ તો ઊભી જ હોય ને !’ અને રાવત હસ્યો : ‘ઈશાન બારીની બહાર કૂદયો અને મારા આ કોન્સ્ટેબલોએ એને પકડયો અને થોડોક મેથીપાક ખવડાવીને જીપમાં બેસાડી દીધો.’

કશીશે ઈશાન તરફ જોયું તો ઈશાન તેની તરફ જ જોઈ રહ્યો હતો. ‘કશીશ....!’ હવે ઈશાન ભાંગી પડયો : ‘આ...આ... શું થઈ ગયું. આપણે....આપણે આપણા હાથે જ આપણી જિંદગી બરબાદ કરી નાખી. હવે આપણે જેલના સળિયા પાછળ કેવી રીતના જીવી શકીશું ? !’

સાંભળતાં જ કશીશની નજર સામે જેલના સળિયા તરવરી ઊઠયાં. તે ટકી શકી નહિ. તેની આંખો સામે અંધારાં છવાયાં અને તે બેહોશ થઈને ઢળી પડવા ગઈ, પણ નિગમે તેને પકડી લીધી. નિગમ અને કાળેએ તેને ઈશાનની સામેની સીટ પર સુવડાવી.

ઈન્સ્પેકટર રાવત આગળ જીપમાં બેઠો, એટલે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા કોન્સ્ટેબલ ભુવને રાવત સામે જોયું.

રાવતે એક ઊંડો શ્વાસ હાથનો ઈશારો કર્યો એટલે ભુવને ચોકી તરફ જીપ દોડાવી મૂકી.

કશીશ અને ઈશાન પર કોર્ટમાં કેસ ચાલ્યો. એ બન્નેને એમણે કરેલા ગુનાની સજા થઈ.

કશીશને ઈશાનના આંધળા પ્રેમે બરબાદ કરી હતી, જ્યારે ઈશાનને પૈસા માટેના પાગલ પ્રેમે બરબાદ કર્યો હતો અને અભિનવને મોત આપ્યું હતું.

( સમાપ્ત )