શેતાન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેતાન

શેતાન

- રાકેશ ઠક્કર

દર્શકો ભલે અજય દેવગનની ફિલ્મ તરીકે શેતાન ને જોવા ગયા હોય પણ આર. માધવન અને જાનકીની ફિલ્મ હતી એ વાત સમીક્ષકોની જેમ સ્વીકારી રહ્યા છે. માધવનનો ચહેરો માસૂમ હોવાથી એ વિશ્વસનીય લાગે છે. જાનકી વશ ની ભૂમિકામાં આવો કમાલ કરી ચૂકી હોવાથી વધુ સારી રીતે ન્યાય આપ્યો છે. બંનેના અભિનયમાં કોઈ ખામી કાઢી શકાય એમ નથી.

નવોદિત જાનકી અને આર. માધવનની અલગ ભૂમિકા અને એમના અભિનયને કારણે જ કાળા જાદૂ પરની ગુજરાતી ફિલ્મ વશ ની રિમેક શેતાન હિન્દી ભાષાના દર્શકો પર જાદૂ કરવામાં સફળ રહી છે. બંને કલાકારો દર્શકોમાં ભય, તણાવ અને ધ્રુજારી લાવે છે. આર. માધવને સાબિત કર્યું છે કે તેની અભિનય ક્ષમતાનો આ રીતે કોઈએ ઉપયોગ કર્યો ન હતો.

અજય દેવગનની રિમેક બીજા કરતા ફરી સારી સાબિત થઈ છે. લેખકોએ હજુ મહેનત કરી હોત તો દ્રશ્યમ જેટલો આવકાર મેળવી શકી હોત. ફિલ્મના સંવાદ પર ઓછી મહેનત થઈ છે અને વન લાઇનર્સ ઓછા છે. સિનેમાની સ્વતંત્રતા વધુ પડતી લેવામાં આવી છે. ફિલ્મનું લેખન એવું છે કે દર્શકો વાર્તા સાથે જોડાઈ શકતા નથી. લેખનમાં ઘણું કાચું કાપવામાં આવ્યું છે.

એક વિસ્તારમાંથી ઘણી બધી છોકરીઓ ગાયબ થઈ હોવા છતાં ખળભળાટ કેમ મચતો નથી? એવો પ્રશ્ન થશે. પાત્રોને મારીને અધમૂઆ કરવામાં આવે છતાં એ ફરી સક્રિય થાય અને લડાઈ કરે એ બાબત વાસ્તવિક લાગતી નથી.

ફિલ્મમાં સસ્પેન્સ, થ્રિલ, ડ્રામા વગેરે બધું જ છે પણ એમાં કોઈ હેતુ દેખાતો નથી. આર. માધવન કોણ છે અને એ અજયના પરિવાર પાછળ કેમ પડ્યો છે એનો સાચો જવાબ મળતો નથી. માનવામાં આવે એવું નથી કે વનરાજ (આર. માધવન) પોતાની યોજનાનો અમલ કરી રહ્યો હોય છે છતાં એની કોઈને ખબર પડતી નથી. એના વિશેના ઘણા પ્રશ્નોનાં ક્યાંય જવાબ જ નથી.

એ તો બતાવવું જ જોઈતું હતું કે એ જહાનવીને કેમ લઈ જવા માગે છે. અને એ માટે એના માતા- પિતાની પરવાનગી કેમ જરૂરી હતી? એણે જેટલી પણ છોકરીઓ પકડી હતી એના માતા-પિતાની સંમતિ લીધી હશે? વળી એ અમીર છોકરીઓને જ કેમ ફસાવે છે એનો પણ જવાબ નથી. તાંત્રિક તરીકે આર. માધવનનું પાત્ર ખાસ જામતું નથી. પાત્રની માંગ મુજબ એ એટલો ભયાનક લાગતો નથી. પાત્રની સૌથી મોટી નબળી કડી એ છે કે આર. માધવન શેતાન કેમ બન્યો અને કેવી રીતે બન્યો એ બતાવવામાં આવ્યું નથી.

વાર્તા માત્ર એક દિવસની છે અને એક જ મુદ્દા પર સમય ગુમાવ્યા વગર ઝડપથી આગળ વધે છે. બીજા ભાગમાં થોડી ઉતાવળ કરવામાં આવી છે. બહુ ઝડપથી બધું પતાવી દેવામાં આવે છે. બે કલાકની જ ફિલ્મ હોવાથી નિર્દેશક વિકાસ બહલ હજુ વધુ સમય લઈ શકે એમ હતા.

ક્લાઇમેક્સ સારો છે અને વશ થી થોડો અલગ છે છતાં એમ થશે કે હજુ વધુ સારો બનાવી શકાયો હોત. ક્લાઇમેક્સમાં બહુ લૉજિક નથી અને તકનીકી વાતો વધુ છે. અજય દેવગન ક્લાઇમેક્સમાં વધુ તાળીઓ મેળવી જાય છે.

ફિલ્મમાં અનેક ખામીઓ છતાં લાંબા સમય પછી એવી કોઈ હોરર ફિલ્મ આવી છે જે મનોરંજક સાબિત થઈ છે. ટ્રેલર આવ્યું ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે અજયની ભૂમિકા દ્રશ્યમ જેવી છે. જે કામ એણે અગાઉ કર્યું હતું એ જ કર્યું છે. ફરક એટલો છે કે શેતાન માં એ લાચાર પિતા છે એને પુત્રી તરફથી સહયોગ મળતો નથી. એની ભૂમિકા કે અભિનયમાં કોઈ નવીનતા નથી પણ સારો ન્યાય આપ્યો છે.

અજયની પત્નીની ભૂમિકામાં જ્યોતિકાએ વર્ષો પછી હિન્દી ફિલ્મમાં સફળ પુનરાગમન કર્યું છે. ગુસ્સા અને ઇમોશનના દ્રશ્યોમાં એનો અભિનય કમાલનો છે. આર. માધવન સાથેની લડાઈમાં પણ જામે છે. અજયના પુત્ર ધ્રુવ તરીકે અંગદ રાજ છાપ છોડી શક્યો છે.

આ એક બોલિવૂડ સ્ટાઇલની થ્રિલર ફિલ્મથી વધુ નથી. ટ્રેલર પરથી આશા હતી એવી ડરથી રૂંવાડા ઊભા કરી દે એવી ડરામણી બની શકી નથી. બહુ ડર ઊભો કરી શકી નથી. તેથી કટાક્ષમાં એમ કહેવામાં આવ્યું છે કે જિસકા ડર થા વહી હુઆ!

એક પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે શું હિન્દી ફિલ્મોના લેખકોને ડર ફેલાવી શકાય એવો વિષય મળી રહ્યો નથી? કે બીજી ભાષામાંથી ખરીદવો પડે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સંગીત, એડિટિંગ, કલાકારોનો અભિનય વગેરે બધુ જ સારું છે પણ લેખનમાં સમસ્યા છે.

ફિલ્મમાં જે થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે એનો કોઇની પાસે જવાબ નથી. સામાન્ય રીતે વશીકરણ કે કાળા જાદૂની મુક્તિ માટે હનુમાન ચાલીસા કે તાવીજ વગેરેની મદદ લેવામાં આવે છે પણ શેતાન માં એવું કંઇ નથી. બોલિવૂડની અન્ય ફિલ્મોની જેમ શેતાન માં પોલીસને લાચાર જ બતાવવામાં આવી છે.