HUN ANE AME - 34 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 34

બીજી સાંજે અહમ ગાડી લઈને લલ્લુકાકાના પરિવારને લેવા માટે આવી પહોંચ્યો. પોતાની ઘડિયાર પહેરતા નિરવ બાલ્કનીમાંથી ડોકાયો. નીચે ગાડી આવીને ઉભી રહી અને અહમ બહાર આવ્યો. તેણે ઉપર નીરવ તરફ જોયું, તો તે ઘડિયાર પહેરી પોતાના શર્ટની કોલર સરખી કરતા અંદર જઈ માનલીને સાદ કરવા લાગ્યો, "અરે જલ્દી! કેટલી વાર છે હવે? ક્યારનો કહું છું કે મોડું થાય છે. પણ કોઈ દિવસ સમયસર તૈય્યાર જ નથી થતીને."

તો રૂમમાં પોતાના દીકરાને તૈય્યાર કરી રહેલી મનાલી બોલી, "હું તો ક્યારની તૈય્યાર થઈ ગઈ છું. આ યેશુને તૈયાર કરું છું."

એટલામાં નાનકડો યેશુ પણ પૂછવા લાગ્યો, "મમ્મી, આપણે ક્યાં જવાનું છે?"

"આપણે અંકલના ઘરે જવાનું છે."

"મમ્મી, અંકલ કોણ છે?"

"અંકલ! તારા પપ્પાના નાના ભાઈ. એટલે તારા કાકા."

"કાકાને ઘરે જવાનું છે?"

"હા, કાકાને ઘેર... ને પછી કાકા એના યેશુને આટલા બધા રમકડાં આપશે." હસીને કરેલી મનાલીની વાતે એના દીકરાને ખુશ કરી દીધો. નીરસ મન સાથે લલ્લુ સોફા પર બેસીન આ બધું જોઈ રહ્યો હતો. તેની સામે જોઈ નિરવ તેને પૂછવા લાગ્યો; "શું થયું પપ્પા? આમ કેમ બેઠા છો?"

"કંઈ નહિ, બસ તમે બધા તૈય્યાર થઈ જાવ એટલે નીકળીએ."

તેના પહેરેલાં જુના કપડાં જોઈ તેણે આશ્વર્ય સાથે પૂછ્યું, "તમે તૈય્યાર થઈને બેઠા છો?!"

"હા, હવે મારે વધારે શું સજવા-ધજવાનું હોય? તમારા બધાનું પતે એટલે જઈએ."

નિરવ તરત જ એના ભાવને સમજી ગયો. લલ્લુભાઈનું મન હજુ રાકેશ પાસે જતા ખચકાટ અનુભવી રહ્યું હતું. આજે જો તે જતો હોય તો એનું કારણ પણ અવની હતી, ના કે રાકેશ. માટે જ આજ સુધી આટલો મોટો માણસ બન્યા છતાં લલ્લુભાઈએ રાકેશની કમાઈમાંથી એક પણ રૂપિયો લેવાની મનાઈ કરેલી. નાનકડો ધંધો કરતા નિરવની આવકમાંથી તો ખાલી ઘર જ ચાલતું, વધારાની વસ્તુઓને વસાવવી એટલી આસાન નહોતી. એટલે આજે તેઓને લેવા આવેલી ગાડી પણ લલ્લુભાઈને અકળાવી રહી હતી. માટે જ રાકેશે ડ્રાઇવરની જગ્યાએ અહમને મોકલ્યો, કારણ કે દરેક વ્યક્તિથી પરિચિત હતો.

તેઓની પહેલા હકુકાકા અને વર્ષા, ફઈ અને મહેશની સાથે રાધિકાના ઘેર પહોંચી ગયેલા. તેઓને રાધિકાની કરેલી વાત નહોતી ગમતી. પણ અચાનક જો કોઈ મનગમતું બની જાય, તો એમાં કશું ખોટું નથી. આવા વિચારથી તેને જ્યારે મયુરનો સાથ મળ્યો ત્યારે પોતાની અંદર જેટલી હિંમત હતી એ ભેગી કરી મક્કમ વિચારથી તે બધાની સામે ઉભી રહી.

"ક્યારે જવા માટે કહેલું છે?" ફઈએ પૂછ્યું.

રાધિકાએ જવાબ આપતા કહ્યું, "બસ ફઈ, લલ્લુકાકા અને બીજા બધા આવી જાય એટલે તે આપણને બોલાવશે."

પોતાની રૂમમાં તૈય્યાર થઈ રહેલી અવનીએ બારીમાંથી ગાડીને ઘરમાં પ્રવેશતા જોઈ એટલે દોડ લગાવી અને નીચે બેઠેલા ભાઈ પાસે આવી ગઈ. તેની સામે સ્મિત વેરી રાકેશ પણ વર્ષો બાદ પોતાના પરિવારને મળવા ઉભો થઈ ગયો. ગાડીમાંથી નીચે ઉતરી બધા ઘરની સામે જોતા જ રહી ગયા.

"રાકેશભાઈ તો ખરેખર બહુ મોટા માણસ બની ગયા છેને! પાર્ટી પ્લોટ જેવડું તો ગાર્ડન છે." મનાલી બોલી.

"આટલું મોટું ઘર!" ગીતા પણ પોતાના દીકરાના ઘરને તાકી તાકીને જોતા બોલી કે લલ્લુભાઈના બગડેલા મોંએ એની સામે જોયું અને તે બિચારી ચૂપ થઈ ગઈ. પણ છ વર્ષનો યેશુ બોલ્યા વિના ન રહી શક્યો.

"આ અંકલનું ઘર છે?"

"હા બેટા, આ અંકલનું ઘર છે." માનલીએ કહ્યું.

"અંકલ ક્યાં છે?" તેણે ફરી પૂછ્યું. તો તેને જવાબ આપતા અહમ બોલ્યો, "તે અંદર છે. તારે તારા અંકલ પાસે જવું છેને?"

"...હા!"

"તો ચાલ મારી સાથે."

તે દરેક વ્યક્તિને અંદર લઈ ગયો અને તેઓને જોતા જ રાકેશની આંખ ભીની થઈ ગઈ. પરિસ્થિતિ તો તેઓની પણ એવી જ હતી. તેને જોઈ રાકેશ પોતાના સંસ્કાર નિભાવતા તેના પગમાં પડી ગયો. પણ ગીતા કે લલ્લુએ તેને આશીર્વાદ આપ્યા સિવાય વધારે વાત ન કરી. પાછળ ઉભેલી અવની તેની સામે આવી અને એણે પણ રાકેશનું અનુકરણ કર્યું. પહેલીવાર પોતાની દિકરીના રૂપમાં અવનીને જોઈ બંને ખુશ થયા. તેની સુંદરતાને તેઓ વખાણી ઉઠ્યા. પહેલીવાર અવનીને જોયા પછી લલ્લુભાઈએ પોતાના ખિસ્સ્માંથી થોડા રૂપિયા કાઢી તેના હાથમાં આપ્યા.

"અરે પપ્પા! આ શું કરો છો?" અવનીના કોમળ સ્વરે લલ્લુભાઈને પૂછ્યું.

"હું તારો બાપ છુંને? પહેલીવાર તને રૂબરૂ જોઈ છે. આ શુકનના પૈસા છે, લઈલે. એક બાપે એની દીકરીને આપ્યા છે. ના ન કહેવાય."

તેણે રાકેશ સામે જોયું અને રાકેશની હા કહેતા જ એણે લલ્લુભાઈનું માન રાખી લીધું. માં-બાપ અને મોટા ભાઈ તથા ભાભીને મળીને અવની પણ ગદગદિત થવા લાગી હતી. તેના વાચાળ સ્વભાવે પરિવારનું મન જીતવામાં વાર ન લગાડી. નાનકડા યેશુની પાસે જઈ તે બોલી, "એય યેશુ, મને ઓળખે છો? હું કોણ છું?"

"ફીયા."

હસતા મોઢે તે બોલી, "હા..., અમારો ડાહ્યો યેશુ તો મને પણ ઓળખે છે."

ઘરમાં આ મેળ- મિલાપ ચાલી રહ્યો હતો અને સૌ અવની સાથે વાતો કરી એના વિશે જાણી રહ્યા હતા. એટલામાં નિરવે રાકેશને પૂછ્યું, "રાકેશ! મહેમાન ક્યારે આવવાના છે?"

"એ આવી ગયા છે. સામે મયુરના ઘરમાં છે. તમારી બધાની જ રાહ હતી, હવે આવી ગયા છો એટલે ફોન કરીને બોલાવી લઈએ."

"સર, હું ફોન લાગવું છું." કહેતા અહમે પોતાના ફોન માંથી મયુરને ફોન કરી આવી જવા કહ્યું.

ફોન મૂકી મયુર બધાની સાથે રાકેશના ઘર તરફ આવ્યો. મહેશના પગ અચકાતા ચાલી રહ્યાં હતા. આ બાજુ બધા બેસીને વાતો કરતા હતા. અહમે ફોન લગાવ્યો એટલે અવનીને લઈ મનાલી તેની સાથે તેના રૂમમાં જતી રહી. દરવાજે આવેલા મહેમાન તરફ તેઓની નજર પડી કે તેઓના આશ્વર્યનો પાર ના રહ્યો. આવેલા હકુના પરિવાર અને તેની સાથે તેના ફઈ અને મહેશને જોઈ લલ્લુભાઈ ઊભા થઈ ગયા. માત્ર એટલું કાફી ન્હોતું કે મયુર અને રાધિકા પણ સાથે હતા. તેઓને એ જ ના સમજાયું કે રાધિકા અહીં કેમ આવી છે? તેઓના આ આશ્વર્યમાં વધારો તો એ વાતે કર્યો કે આવતાની સાથે રાધિકા પોતાનું જ ઘર હોય એમ સીધી અંદર અવનીના રૂમમાં જતી રહી.

"હકુ! શાંતાફઈ! તમે?" લલ્લુભાઈએ પૂછ્યું.

રાકેશે જવાબ આપતા કહ્યું, "હા પપ્પા, તેઓ જ અવનીને જોવા માટે આવ્યા છે."

નિરવ બોલ્યો, "રાકેશ! આ બધું છે શું? અને આ હકુકાકા અને એનો પરિવાર!... અવની માટે આવ્યો છે?"

"હા, બેસો એટલે બધી ચોખવટ થઈ જશે." રાકેશે નમ્રતાથી જવાબ આપ્યો અને આવેલા મહેમાનોને આવકારો આપ્યો, "આવો... બેસો."

તેઓ આવીને બેઠા એટલે મોહન બધા માટે પાણી લઈને આવ્યો. તે બધાને પાણી આપી રહ્યો હતો અને નિરવે ફરી રાકેશને પૂછ્યું, "રાકેશ! મને હજુ નથી સમજાતું કે આ બધું કઈ રીતે?"

તે બોલ્યો, "ભાઈ, કાર્તિક અને અવની બંને એકબીજાને પહેલેથી ઓળખે છે. કાર્તિકને અવની પસંદ આવી ગઈ એટલે મયૂરે મને વાત કરી અને મેં અવનીને પૂછ્યું. એણે પણ કાર્તિક માટે હા કહી. પણ મારે વાત તમારા બધા સાથે કરવાની હતી એટલે આજે બધાને સાથે બોલાવ્યા છે. આમેય, વડીલ તરીકે બન્ને પરિવારની ખુશી હશે ત્યારે જ આ કામ શક્ય બનશે. આ બીજું કારણ હતું કે મેં બંને પરિવારને બોલાવ્યા છે."

લલ્લુભાઈ બોલ્યા, "ચાલ એ બધું સમજાયું પણ રાધિકા...?" અચાનક એનું ધ્યાન મયુર સામે ગયું અને પોતાના શબ્દોને તેણે અધૂરા છોડી દીધા. તો મયુર કહેવા લાગ્યો, "એનો જવાબ હું આપું છું કાકા. અમે સામેના ઘરમાં જ રહીયે છીએ અને રાધિકાએ મને બધી વાત કરી દીધી છે. કોઈએ આશ્વર્ય પામવા જેવું નથી. અમે તો અવારનવાર એકબીજાને ઘેર આવ-જા કરીયે છીએ."

એટલામાં અવની પણ તૈય્યાર થઈને આવી. એના નીતરતા રૂપને જોઈ રહેવાંનું મન થાય તેવું હતું. એમાંય ઉપરથી સજેલો શણગાર એટલે મોહક મોરના રૂપમાં કળાના રંગો પૂરાતા હોય એવું લાગતું હતું. પોપટની ડોક જેવી સાડી અવનીના સૌંદર્યમાં વધારો કરી આગંતુક સર્વેમાંથી એને અલગ જ ઓળખ આપી રહી હતી. તેની પાછળ રાધિકા અને મનાલી બંને બહાર આવી સૌની સાથે બેસી ગયા. આવીને સૌને શરબત પીવડાવી અવની રાકેશની બાજુમાં ઉભી રહી. શરબતના ખાલી ગ્લાસ લઈને મોહન ગયો એટલે રાકેશે ઉભા થઈને અવનીના ખભા પાર પોતાનો હાથ મુક્તા બધાને કહેવા લાગ્યો;

"અવની, એ મારી બહેન છે. એક સવાલ કદાચ તમને બધાને મનમાં થાય છે. હું જાણું છું, તમે પણ વિચારી રહ્યા છો કે મારે કોઈ બહેન નથી તો અચાનક આ અવની મારી બહેન બનીને ક્યાંથી આવી? પણ હું તમારા લોકોથી કોઈ વાત છુપાવીને કામ કરવા નથી માંગતો. આજે બંને પરિવારને મારે હકીકત કહેવી છે. અવની એક મરાઠા કલચરની છે. તે મૂળ મહારાષ્ટ્રની છે અને મુંબઈમાં અમે મળ્યા હતા. મારી જેમ એણે પણ એક ભૂલના લીધે તેને ઘરની બહાર કાઢી મુકાય. અમે બંને એકલા હતા અને જ્યારથી અમે મળ્યા, ત્યારથી ડગલે ને પગલે એકબીજાનો સાથ આપતા રહ્યા છીએ. મારી બહેન મને ખુબ વ્હાલી છે. પણ જ્યારે કાર્તિકની વાત આવી ત્યારનો આ નિર્ણય એણે મને સોંપ્યો છે. એ કહે છે કે ભાઈ, તમે જેમ કહેશો, જે કહેશો હું એ જ કરીશ. પણ હું આ નિર્ણય મારા પરિવારને સોંપું છું. એ જે કહેશે, તમે બધા વડીલો જે નિર્ણય લેશો એ અમને મંજુર થશે."

નિરવ લલ્લુભાઈ સામે જોઈને બોલ્યો, "પપ્પા!"

લલ્લુભાઈએ કહ્યું, "એમાં વિચારવાનું શું હોય? જો અવની અને કાર્તિક એકબીજાને પસંદ કરે છે તો પછી ઠીક છે. કાર્તિક પણ એક સારો છોકરો છે."

હકુ કહેવા લાગ્યો, "એક મિનિટ લલ્લુભાઈ, કદાચ તમારા બધાની હા હોય શકે, પણ મારી ના છે."

"કેમ?" મયુર પૂછવા લાગ્યો.

"તમારું શું કહેવું છે ફઈ?" હકુએ શાંતા ફઈને પૂછ્યું. એ તો કશું બોલ્યા જ નહિ. એની ચુપ્પી જોઈ હકુને વધારે જોર આવ્યું અને કહેવા લાગ્યો, " ફઈનો જવાબ પણ મારી સાથે છે."

મયુર કહેવા લાગ્યો, "પણ તમે શું કામ ના પાડો છો? અવની અને કાર્તિક એકબીજાને પસંદ કરે છે, રાકેશની પણ હા છે. તો તમે શું કામ ના કહો છો?"

રાધિકા ઉભી થઈ અને ફઈની બાજુમાં ઢીચણ ભેર નીચે બેસી કહેવા લાગી, "ફઈ! તમે કાકાનો સાથ આપો છો? કેમ? ગઈ કાલ સુધી તમને અવનિમાં કોઈ ખોટ ન્હોતી દેખાતી. જ્યારે હું વાત ના કરી શકી ત્યારે ગુસ્સે થઈ તમે જાતે વાત કરવા નીકળી પડ્યા હતા. અચાનક મનાઈ કરવાનું કારણ શું? આજે અચાનક તમને અવનીમાં ખોટ દેખાવા લાગી?"

"નય રાધિકા, એવી વાત નથી. અવની મરાઠી માણસ અને આપણે ગુજરાતી, કઈ રીતે મેળ થશે?" ફઈના આ વાક્ય સાંભળી કાર્તિક પણ એની બાજુમાં બેસીને કહેવા લાગ્યો, "તો શું થયું? જો તમે હા કહેશો તો પપ્પા ના નહિ પાડી શકે. ફઈ પ્લીઝ, અવની સારી છોકરી છે."

તે ઊભા થઈને બહાર જતા રહ્યા અને હકુ હસતા મોઢે પોતાની જીતનો આનંદ મનાવતો તેની પાછળ ગયો. કાર્તિક રાધિકા અને મયુર ને કહેવા લાગ્યો, " દીદી, જીજાજી તમે બંને એને સમજાવોને. " તે બંને કાર્તિકને લઈને બહાર ગયા. ઘરમાં બીજા કોઈને વચ્ચે બોલવાની અનુમતી નહોતી. એટલે વર્ષા તો જોવા સિવાય કશું ના કરી શકી. લલ્લુભાઈ અને તેનો પરિવાર તેઓના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.

બહાર આવી મયુર તેઓને પૂછવા લાગ્યો, " તમને કોઈ બીજો ઇસ્યૂ છે! અવની કોણ છે એનાથી તમને ફેર નથી પડતો, તો પછી ના કહેવાનું કારણ શું છે?"

ફઈ બોલ્યા, " તમારી વાત સાચી છે. પણ એનો ભૂતકાળ જાણી અમને એનામાં રસ નથી રહ્યો. "

મયુર અને રાધિકા એકબીજાની સામે જોઈ રહ્યા, રાધિકા પાપણ જુકવી તેને ઈશારો કર્યો અને કહેવા લાગી, " કેમ? તમને એ વાતથી તકલીફ છે કે એણે પણ ક્યારેક કોઈકને પ્રેમ કરેલો? ફઈ તમારી પાસેથી આવી આશા નહોતી."

" બસ રાધિકા,..." હકુ એને રોકતા બોલ્યો, "... બોઉં થયું. તમારા બધાના આ નાટક બંધ કરો. ક્યારના પાછળ લાગ્યા છો, આમ કરો, તેમ કરો, ફલાણું ને ધીકડું. તમે મારા કાર્તિકને જબરદસ્તી પેલી અવની સાથે શું કામ પરણાવવા માંગો છો. તને ભાન છે, કાલે સમાજમાં મારું નાક શું રહેશે? લોકો શું કહેશે? હકુએ એના દીકરાના લગ્ન મારવડીની છોકરી સાથે કર્યા!"

રાધિકા બોલી, " કાકા! તમને એવું લાગે છે કે અને કાર્તિક સાથે જબરદસ્તી કરીએ છીએ?"

મહેશ કહેવા લાગ્યો, " રાધિકા, ઈ એનો મામલો છે. કાકાને જેમ કરવું હોય એમ કરવા દે. તારે વચ્ચે બોલવાની જરૂર નથી."

તે કહે, " મને ખબર છે ભાઈ, જ્યારથી પપ્પા ગયા છે ત્યારથી તમે જ અમને પોતાના કરી મોટા કર્યા છે. માન છે અમને તમારા પર. પણ હું મારા માટે નથી કહેતી. એક વખત કાર્તિક સામે જુઓ, તમને એવું નહિ લાગે કે અમે એની સાથે જબરદસ્તી કરીએ છીએ. અવની સાથે જે થયું ત્યારે તે નાદાન હતી. માન્યું એણે પણ ભૂલ કરી છે, પણ શું કામ એ જાણ્યું છે તમે? રાકેશે તમને બધી હકીકત કહી, જો ના કહી હોત તો શું ના પાડેત? ફઈ, કાકા, એણે કશું ખોટું તો નથી કર્યું ને! એ નહોતા આવ્યા આપણી પાસે, આપણે એની પાસે ગયેલા. યાદ છે, જ્યારે મેં વાત નહોતી કરી ત્યારે તમે ધુંવા- પુવા થઈ ગયેલા. હું તમને હાથ જોડીને કહું છું. જેનો ભોગ અમે બન્યા એ કાર્તિક અને અવની સાથે ના કરો. જે સજા મને મળી, રાકેશને મળી, એવી કાર્તિકને ન આપો."

આજે ફરી રાધિકાના જોડેલા હાથે ફઈને પીગળાવી દીધાં. એણે રાધિકાના જોડેલા હાથ પકડી કહ્યું, " તારી વાત સાચી છે બેટા. આપણે જ એની પાસે ગયેલા. પણ હવે અમારું મન નથી માનતું."

" તો મનાવો ફઈ, તમારા મનને મનાવો."

તે પાછળ હકુ સામે ફર્યા અને કહ્યું, " હકુ, જા. અંદર જા અને લલ્લુભાઈ ને કહે, આજથી તમારી દીકરી એ અમારા ઘરની વધુ થઈ."

મહેશ આશ્વર્ય સાથે પૂછ્યું, " એટલે ફઈ તમે હા કહો છો?!"

"હા મહેશ. તે જોયું? કાલે તું રાકેશ વિશે શું શું કહેતો હતો. એ તમારી જેવા નથી. સજ્જન માણસ છે. ને રહી વાત સમાજની, તો લોકોને કહી દેવાનું કે લલ્લુભાઈની દીકરી છે. પારકી નથી."

મયુર અને રાધિકા બંને ખુશ થઈ ગયા. અંદર આવી હકુ ઊભો રહ્યો. તેને જોઈ કાર્તિક અને વર્ષા ઊભા થઈ તેના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. હકુ લલ્લુભાઈ સામે જઈને કહેવા લાગ્યો, " લલ્લુભાઈ, અમારા લીધે તમને બધાને જે તકલીફ પડી એ બદલ માફ કરજો. અમારા કાર્તિક પર તમે જે ભરોસો કર્યો, એને અમે તૂટવા નહિ દઈએ. તમારી દીકરી અમારા ઘેર આવે એ જ અમારા માટે મોટી વાત છે. અમે એને ક્યારેય દુઃખી નહિ થવા દઈએ."

આ સાંભળી બધાની ચિંતા ખુશીમાં ફેરવાઈ ગઈ અને આંખોમાં હરખના આંસુ આવી ગયાં. મોહન એક થાળીમાં મીઠાઈ લઈને આવ્યો અને લલ્લુભાઈ પાસે આવી કહેવા લાગ્યો, " લ્યો. બધું સારું થવા જઈ રહ્યું છે, તો આજથી જ શુભારંભ કરો. માતાજીનો પ્રસાદ છે."

બધા મીઠાઈ ખાઈ રહ્યા હતા અને મોઢું મીઠું કરી લલ્લુભાઈ અને મહેશ, તથા હકુકાકાના પરિવાર એક થવા જઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે રાધિકાની નજર અવની તરફ ગઈ, તો જોયું કે અવનીએ મીઠાઈનો એક ટુકડો લીધો અને પોતાના રાકેશભાઈ તરફ આગળ વધી. તે પોતાના હાથે તેને મીઠાઈ ખવરાવે એ પહેલાં, રાકેશે તેના હથમાંથી ટુકડો લઈને અવનીને જ ખવરાવી દીધો. ભીની આંખે અવની પોતાના ભાઈને ખભે માથું ટેકવી દીધું. એની આંખોમાં ખુશીના આંસુ ન્હોતા, પણ એક ડર હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED