પ્રારંભ.... ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ....

 

પ્રારંભ.... 

 

નીરજ આજે માનસી ને ઍરપોર્ટ મૂકીને ઘેર આવ્યો હતો 

એને જરાયે ગમતું જ નહોતું 

ઘેર આવ્યા પછી એકલતા એને કોરી ખાતી હતી... 

કોઈક ની હૂંફ ની એને આજે ખુબ જ જરૂર હતી.. 

 

કંપની ના કામ સાથે અઠવાડિયાની પર્સનલ લીવ ઉપર દુબઇ થી આવેલી માનસીને પાછા મુકવા જવાની હતી.. 

 

છેલ્લા 3 વર્ષથી માનસી એના મનમાં વસી ગઈ હતી .. પોતાના બાળપણ ના ફ્રેન્ડ મનીષની બહેન હોવા છતાં એને ધારીને પહેલી વાર એણે 3 વર્ષ પહેલા જ જોઈ હતી.. અને એ પણ મનીષ ને દુઃખી જોઈને... 

 

માનસીના દુબઇ ની જૉબને સ્વીકાર્યા પછી પહેલી વાર ભાઈ બહેનની દુરી મનીષથી સહન થઇ શકતી નહોતી... જેને સાંત્વન આપવાનું કામ નીરજ કરતો હતો... અને ત્યારેજ માનસી સાથે નીરજની પહેલી વાર ખુલી ને વાતો થઇ હતી.. 

 

માનસી સાથે ની બધી જ મુલાકાતો નીરજને આજે પણ એટલી જ તાજી હતી, ખાસ  પહેલી મુલાકાત. 

 

કોઈ દિવસ નીરજ સાથે વાત ના કરતી અને એને ભાવ ના આપતી માનસીને એટલી તો ખબર હતી જ કે નીરજ ની એના ભાઈ  સાથેની યારી ગજબ ની છે.. અને એટલે જ એને ભાઈને સમજાવવા નીરજ ની મદદ લેવી વ્યાજબી લાગી હતી.. જો કે એ વખતે માનસીને એનો ઈગો બાજુમાં મૂકીને નીરજ ની મદદ માંગવામાં અઘરું ઘણું જ લાગ્યું હતું, પરંતુ એ વખતે એની પાસે સૌથી સરળ રસ્તો એ જ હતો એવું પણ એ જાણતી હતી.. 

 

ત્રણેય જણા રિવર ફ્રન્ટ ના વૉક-વૅ ઉપર લટાર મારી રહ્યા હતા.. મનીષ ફ્રેશ થાય અને હસતે મોઢે પોતાને દુબઇ  મોકલે એવો માનસી નો આગ્રહ હોવાથી એણે જ નીરજ ને રિવરફ્ન્ટ ઉપર પોતાના ભાઈને સમજાવવા બોલાવ્યો હતો...  

 

"યાર માનસી,.. હજીયે વિચાર કર... જોબ સ્વીકારતા પહેલા... આપણે ક્યારેય છૂટા પડીને જીવ્યા જ નથી.. " મનીષ થી રહેવાતું નહોતું.. એ માનસીને રોકવાની નાકામ કોશિશ કરતો હતો.. 

 

"ભાઈ, તું સમજ, હું સાસરે નથી જતી... કમાવા જાઉં છું... "

 

"તો શું થયું ?" 

 

"જો તું હસીને હા નહિ કહે તો મને જોબ કરવામાં યે મન નહિ લાગે"

 

"તો ના જા - આપણે અહિયાં કશુંક કરીશું" 

 

"ના,... મારે મારા દમ પર કમાવું છે ... બસ તું નારાજ ના થઈશ... " 

 

"તું કર તારે જે કરવું હોય તે... " 

મનીષ ત્યારે પણ માનસીએ શું કરવું એ નક્કી નહોતો કરી શકતો... 

 

ક્યારની થઇ રહેલી બન્ને ભાઈબહેનની માથાકૂટ નીરજ મૂંગે મોઢે સાંભળી રહ્યો હતો... 

એકાદ કલાક ની રકઝક પછી માનસી નીરજ ઉપર ચિઢાઈ ગઈ 

 

"યાર તું કઈ બોલીશ ? તને અહીંયા કોલ કરીને શું કામ બોલાવ્યો મેં ? તારું મોઢું જોવા ? હું ક્યારની બોલ બોલ કરું છું .. તારે મોઢું ખોલીને આના ભેજામાં કશું નાખવું છે ? ક્યારનો મૂંઢની જેમ જોઈ રહ્યો છું અમને ... કશુંક તો સમજાય તારા આ ડફોળ દોસ્તારને... !! " માનસીએ નીરજ ને લગભગ ખખડાવી નાખ્યો હતો  

 

"એ શું સમજાવે મને .... " નીરજ કઈ બોલે એ પહેલા જ મનીષ બોલી ઉઠ્યો હતો 

 

"એવુંય નથી, શું કામ ના બોલું ?...  પણ એનું મગજ ઠેકાણે આવે એની રાહ જોતો હતો" નીરજે ધીમેથી કહ્યું... 

 

"મારું તો ઠેકાણે જ છે આનું ચસકી ગયું છે " મનીષે માનસી સામે હાથ કરતા કહ્યું 

 

"Then give me one good & concrete reason to stop her" નીરજ ની વાત સાંભળીને મનીષ ચૂપ થઇ ગયો... ત્યાર બાદ નીરજે એને ઘણું સમજાવ્યો.. "એના કરિયર સામે તું જો,.. એવી જિંદગી બનાવશે કે એણે કોઈની સામે હાથ લાંબો નહિ કરવો પડે... તારા બ્રધરલી ઈમોશન સાઈડ માં મૂકીશ તો જ એની પ્રગતિ જોઈ શકીશ નહીંતર પસ્તાઈશ પાંચ વર્ષ પછી.. અને એ ક્યાં ચાંદ ઉપર જવાની વાત કરે છે ? પથરો ફેંકો તોય દુબઇ માં પડે એટલું તો નજીક છે... જવા દે યાર... "     

 

એ સિવાય ઘણું બધું કહ્યું... અને જે રીતે નીરજે મનીષ ને સમજાવ્યો હતો એને જોઈને જ માનસીને ખુબ ગમ્યું.. એ લગભગ ઈમ્પ્રેસ થઇ ગઈ હતી... કે આ જ તો હું સમજાવતી હતી... થોડી ઈર્ષ્યા પણ થઇ એને, પરંતુ એણે આંખ આડા કાન કર્યા,.. કામ તો થઇ ગયું ને.. !.. 

 

કોઈ દિવસ કોઈનું કહ્યું ના કરનાર મનીષ આજે ધાર્યું કરવાનું છોડી રહ્યો હતો.. 

 

બધું પત્યા બાદ માનસીએ આંખ માં આંખ નાખી માત્ર હોઠ ફફડાવી જે રીતે મનીષની નજરોથી બચતા બચતા ઈશારામાં નીરજને "થૅન્ક-યુ" કહ્યું હતું ત્યારે જ નીરજ ફ્લૅટ થઇ ગયો હતો... 

 

એને એક ક્ષણ માટે કશુંક પોતાની જ છાતીમાં ખૂંચી ગયું ...  મનીષને તો સમજાવી દીધો પણ માનસી ની આંખો માં જોયા પછી એ તરીજ ના શક્યો અને એટલો તો ઊંડો ડૂબી ગયો કે ક્યારેય બહાર જ ના નીકળી શક્યો. 

 

પહેલી વાર માનસીને સરદાર વલ્લભભાઈ એરપૉર્ટ ઉપર મૂકતા જ નીરજને લાગ્યું કે એણે માનસી ને દુબઇ મોકલીને પોતે જ પોતાનું નુકશાન કરી નાખ્યું છે જાણે.. !

માનસીની એ બે રાખોડી આંખો માં એનું બધું જ તણાવા લાગ્યું... 

પોતાના શરીર ના બધા જ અંગો એની મેળે શરીર ની બહાર નીકળી ને જાણે પાણી માં અડધી ડૂબેલી માનસી ની આસપાસ થઈને તરતા તરતા એને અથડાઈને આગળ વધી જતા હતા અને માત્ર પોતાનું હૃદય જાણે બે હાથે માનસીએ પકડી રાખ્યું હોય એવું એને ખૂલ્લી આંખે દેખાઈ આવ્યું... 

 

ત્યારથી લઈને આજ સુધી નિરજ માનસીમય  જ રહ્યો હતો એ બધાજ જાણતા હતા... 

 

પોતાના ડિવોર્સી પેરેન્ટ્સ ના પડછાયા થી દૂર એણે પોતાની અને માનસી માટે દુનિયા બનાવવાનું શરુ કરી દીધું હતું... 

 

મેસેજ, ઇમેઇલ, કૉલ, અને ક્યારેક અવર-જ્વર કરતા કરતા પર્સનલ મિટિંગો ક્યારે પ્રણય માં બદલાઈ ગઈ એ બે માંથી કોઈને સમજાયું જ નહિ... 

  

લોન્ગ ડિસ્ટન્સ રિલેશન સ્વીકારીને પણ એ બંને એકબીજાની ખુબ જ  નજીક હતા... 

પોતાના માં-બાપના ભાંગેલા લગ્ન જીવન જોયા બાદ પણ માનસી વિના નહિ જીવી શકાય એટલું તો નિરજ માટે નક્કી હતું.. 

 

2000 ના ધરતીકંપ માં માં-બાપ વિનાના બની ગયેલા મનીષ માટે એની બહેન માનસી જ એની દુનિયા હતી... અને માનસી માટે એનો ભાઈ સર્વસ્વ... કદાચ એટલે જ નીરજ ના પેરેન્ટ્સ ના ડિવોર્સ પછી એકલા પડી ગયેલા નીરજને આ બન્ને ભાઈ બહેન બરાબર સમજતા હતા...   

 

નીરજનો કરોડપતિ બાપ ગિરીશ ઈશ્વરલાલ ઠક્કર આમ તો બધું જ જાણતો હતો પણ દીકરાને સ્પેસ આપવાના બહાને પોતાના ઈગોને પંપાળ્યા કરતો.. લશ્કરી છાવણી જેવું ઘર નું વાતાવરણ જેને તેઓએ ડિસિપ્લિન નું નામ આપ્યું હતું... 

 

તમારા લગ્ન જોયા પછી હું ક્યારેય લગ્ન નહિ કરું એવું બોલનાર દીકરાને કલાકો સુધી ચૅટ અને ઇમેઇલ ઉપર જોયા કરાનાર ગિરશે ક્યારેય નીરજની બદલાયેલી લાઈફ વિષે પૂછ્યું નહોતું.. દીકરાને વરસ માં ચાર વાર દુબઈના આંટા મારતા જોઈને પણ એમને કોઈ ઈન્કવાયરી કરવાનું મન નહોતું થતું... દીકરા ને એની પર્સનલ લાઈફ પૂછવામાં એમનો ઘમન્ડ ફેણ ઉઠાવી બેઠો થઇ જતો...

 

નીરજને જયારે જયારે એની માં એને છોડીને જતી યાદ આવતી ત્યારે ત્યારે એ માનસી ની યાદો વાગોળવા લાગતો... માં બાપ સાથે હોય એવું બચપણ એને યાદ જ નહોતું આવતું... કદાચ હતું જ નહિ... પિતા તરીકે પોતાના એકના એક દીકરાની લવ-લાઈફ માં રસ ના ધરાવનાર પિતા ની ફરિયાદ એ એની માં ને કર્યા કરતો... એની માં રોહિણી પણ જયારે જયારે કૅનૅડા થી ફૉન કરતી નીરજને હંમેશા સમજાવતી  કે "એ નહિ પૂછે... તારે જ સામેથી જઈને કહેવું પડશે... એનો ઈગો એને ઝૂકવા નહિ દે... નહીંતર મારે જ શું કામ છોડવો પડે એને ? મારા બાપ નું ઘર છોડ્યું ત્યારથી જોયો છે મેં એને" 

 

અને નીરજ પણ જવાબ આપતો, 

"એમનો જ દીકરો છું હું...  પૂછશે તો બધું જ કહી દઈશ માઁ,.. જે નથી પૂછ્યું એ પણ કહીશ,.. પરંતુ એ જ લોહી છે મારામાં પણ,.. નહિ પૂછે તો કશું જ નહિ જ કહું માં,.. એટલું યાદ રાખજે.. " 

 

બાપના પ્રેમ માટે ઝંખતો નીરજ માનસી વિષે જી આઈ ને વાત કરવા બેહદ તરસતો... અને એની આ અકળામણ એની ઈચ્છા વિરુદ્ધ ગુસ્સો થઇ ને બહાર આવતી...  

 

છેલ્લા એક વર્ષથી માનસી ની તરક્કી ડબલ થઇ ગઈ હતી.. 

 

યુ એસ એ અને કૅનેડા ના તમામ ક્લાયન્ટો ને એણે જ સંભાળવા માંડયા હતા... 

અત્યારે પણ કૅનેડિયન ક્લાયન્ટ ને બે દિવસ ના પ્રોજેક્ટ સાથે ઇન્ડિયામાં મળવાનો પ્રોગ્રામ હતો .. 

 

ઇન્ડિયા ની એમની ટીમ ને મળવા જયારે જયારે માનસી ઇન્ડિયા આવી મિટિંગો કરતી ત્યારે ત્યારે એ વધારાના બે ચાર દિવસ પર્સનલ લીવ લઇ લેતી જેથી એ નિરજની સાથે ટાઈમ સ્પૅન્ડ કરી શકે. અને એવી જ રીતે એ લોન્ગ ડિસ્ટન્સ રિલેશન ને વધારે ને વધારે ક્લોઝ લઇ આવતી.. 

 

ચાર દિવસ સુંદર રીતે સાથે ગાળ્યા બાદ કોણ જાણે કેમ આ વખતે નીરજને માનસીથી દૂર જવાનું કે એને છોડવાનું મન થતું જ નહોતું... 

 

માનસી સાથે ડિનર કરીને એ ઘેર ગયો.... 

ઘેર આવ્યા પછી એકલતા એને કોરી ખાતી હતી...

એને સમજાતું નહોતું બધું જ હોવા છતાં શું ખૂટતું હતું... 

સમજ પડતી નહોતી કે આ કઈ જાતના ઈમોશન છે એના..  

કોઈક ની હૂંફ ની એને આજે ખુબ જ જરૂર હતી.. 

 

કમ્પાઉન્ડનો ગેટ ખુલતા જ જી આઈને ખબર પડી ગઈ હતી કે નીરજ આવી ગયો છે 

પણ એ ઉભા થઇ ને ગયા નહિ, અને રાહ જોતા રહ્યા કે દીકરો એમની પાસે આવે.. 

 

નીરજે ડ્રોઈંગ રૂમમાંથી જ ઉપર જોયું કે જી  આઈ ના રૂમ ની લાઈટ હજી ચાલુ જ હતી.. 

એક ક્ષણ માટે એને મન થઇ આવ્યું કે એક નજર કરી આવે, કદાચ ને ડૅડ પોતાના હાલચાલ પૂછી લે તો માનસી વિષે કહેવું ઇઝી થઇ જાય,.. પણ નિયમિત રીતે એક-એક પગલું દૂર થતા જતા એ બન્ને બાપ-દીકરો એકબીજાથી એટલા દૂર થઇ ગયા હતા કે એ એમના રૂમની દિશામાં પગ ભરી જ ના શક્યો.. 

 

જીઆઇ આમ તેમ આંટા મારતા વિન્ડોની પાસે પડેલા સિંગલ રિક્લાઈનર ઉપર બેસી ગયા... 

ગુસ્સામાં એમનું મગજ ફાટતું હતું.. કે .. કૅનેડા માં બેઠેલી માં સાથે વાત થઇ શકે છે અને હું સામે જ છું તોયે મને આવીને કશું જ કહેવામાં એ નાનો થઇ જાય છે... 

 

નીચે નીરજ ને પણ  એમ જ થતું કે સામે છે તોયે મને પૂછતા નથી અને માં દિવસ ઉગતાની સાથે રોજ ફોન કરતી હોય છે.. થોડી ક્ષણો એમનેમ કાઢયા પછી એને થયું... ગૂંગળાઈ જવાશે .. એણે ફરીથી બહાર નીકળી જવાનું મન થઇ આવ્યું...  એણે બહાર જઈને ગાડીને સેલ્ફ માર્યો... સીધો રિવર ફ્રન્ટ,... કોલ કરીને મનીષને બોલાવી લીધો.. 

 

હંમેશાની જગ્યાએ જયારે નિરજે ગાડી ને પાર્ક કરી ત્યારે મનીષ ઑલરેડી ત્યાં પહોંચી જ ગયો હતો.. 

મનીષે નીરજની ગાડી દૂરથી જ ઓળખી કાઢી.. એણે જોરથી એક સીટી મારીને પોતાનો હાથ હલાવ્યો,.. નીરજ એની બાજુમાં આવીને બેસી ગયો.. ખિસ્સામાંથી એક સિગરેટ કાઢી ને એણે બે જ મિનિટ માં ફૂંકી મારી..

 

કાંઈ સમજણ ના પડે અને વધારે પડતું લાગણીવશ થઇ જવાતું હોય ત્યારે કે પછી ટેંશન નું પ્રમાણ વધારે પડતું થઇ જાય ત્યારે એ આમ એકાદ સિગરેટ ફૂંકી મારતો એવું મનીષ સારી રીતે જાણતો હતો.. 

 

થોડી વાર બન્ને ચૂપ હતા... 

પછી અચાનક ચૂપ્પી તોડતા મનીષે પૂછ્યું - "શું થયું ?" 

 

"કઈ નહિ,.. " 

 

"તો ?" 

 

"બસ, એમ જ બોલાવ્યો હતો... ગમતું નહોતું,..તારી બહેન જાય છે એટલે... " 

 

"હવે સમજાય છે ?? ... ત્રણ વર્ષ પહેલા મને આવું જ થતું હતું,.. એટલે જ હું ના પાડતો હતો,..એને મોકલવાની " 

 

"પણ ત્યારે હું રિલેશમાં નહોતો,.. એટલે તને સમજાવતો હતો,.." 

નિરજે વિચાર્યા વિના જ જવાબ આપ્યો... 

 

બે ચાર ધબ્બા મારી ને મનીષે કહ્યું 

"સાલા, હું તો હતો ને રિલેશનમાં,..  મારે જન્મ નો સબંધ છે,.. બહેન હતી મારી... પણ તને ક્યાં દેખાતું હતું એ વખતે... સારું થયું કે ભગવાને તને પણ એ ફીલ કરાવ્યું જે મને ત્યારે થતું હતું... હું તો એ પણ જાણતો હતો કે આજે તારો કૉલ આવવાનો જ છે ... હું રાહ જ જોતો હતો ક્યારનો ,... "

 

"ચલ ચલ હવે,.. કઈ પણ હા,.. ?"

 

"મને તો એ પણ ખબર છે કે લગ્ન કરવા છે તારે ... પણ તારો બાપ તને માનસી વિષે કઈ પૂછે તો તું વાત શરૂ કરી શકે ને લગ્નની ?"

 

"હેં,.." એ થોથવાયો.. "તને કેમની ખબર ?" 

 

મનીષ હસ્યો,

"લે, મારી બહેન તો કહે ને મને... ? તું સાલા ભલેને ના કહે મને ... "

 

"ઓહ્હ"  નીરજે શરમાઈ ને માથું ખંજવાળ્યું 

 

"કોન્ગ્રેટ્સ,... ચાલ ભેટ હવે,... સાલા વાઘરી જેવા, સમાચારેય કેવી રીતે આપે છે" - મનીષે હસીને કહ્યું 

 

"યાર ડૅડ વાત નથી જ કરવાના મારી સાથે,... વટ નો કટકો છે એ..." 

 

"તો તું કરી લે એમની સાથે વાત,.. એમના છૂટાછેડા એમણે ડિક્લેર કર્યા હતા,... અત્યારે વાત તારા લગ્ન ની છે,.. તો તું કર વાત .. પ્રૉબ્લેમ શું છે ? ." 

 

"તને શું લાગે છે મેં કોશિશ નહિ કરી હોય ? પણ એ તો,... "

 

"ઓયે,... તારો બાપ છે ને,... અનારકલી ની જેમ પોતાની જ દીવાર માં ચણાઇને જીવ્યો છે  આખી જિંદગી,.. એ નહિ સમજે યાર... તું તારી મૉમ ને વાત કર... " 

 

"એને અઠવાડિયાની કોન્ફરન્સ છે એટલે એ આઉટ ઑફ ટાઉન હશે,..  આવતા અઠવાડિયે વાત કરીશ..."

 

"હંમમ.." 

 

ક્યાંય સુધી અકળામણ કાઢયા બાદ મનીષે જોયું કે એ થોડો હળવો થઇ ગયો છે એટલે એને ઉભા થતા કહ્યું , "ચાલ જઈએ,.. કાલે પેલીને ઍરપોર્ટ પણ છોડવાની છે..." 

 

નીરજ પણ ઉભોથયો,... 

ગાડીમાં બેસીને સૌથી પહેલા એણે માનસી ના  બે ચાર પિકચર અને ઍના ફૅમિલી ની માહિતી એણે રોહિણી ને વૉટ્સ-ઍપ કરી દીધી.. અને એક શૉર્ટ મૅસેજ લખ્યો " I am ready for marriage with her mom.. want to talk when you are back..." 

 

પછી ગાડીમાં બેસતા જ એણે બ્લ્યુટૂથ પર માનસીને કૉલ કર્યો 

"યેસ બેબી,... બોલ... ફ્લાઇટ ઑન-ટાઈમ છે.." માનસી એ ફોન ઉઠાવતા જ કહ્યું 

 

"આઈ નો ધેટ,... મેં એટલે કૉલ નથી કર્યો... " 

 

"તો.. ?" 

 

"ડૅડ સાથે કેમની વાત કરું ? તું ઓળખે છે ને મારા ડૅડ ને યાર,.. " એણે માનસી ને જ પૂછી લીધું... 

 

"નિરજ, ... કોઈ પણ બાપ ક્રુઅલ નથી હોતો.. પોતાના એકના એક દીકરા ની ખુશી માટે એ કઈ પણ કરી શકે" 

 

"બહુ જ ગુસ્સો આવે છે યાર ... એમને મારી સામે જોવાનોયે સમય નથી...  " 

 

"તેં એમની સાથે તો ગુસ્સેથી વાત નથી કરી ને  ? " માનસી થી પુછાઈ ગયું 

 

"મેં વાત જ નથી કરી " 

 

"બાપ હંમેશા ઉપરથી કડક અને અંદરથી નરમ જ હોય, એટલું યાદ રાખજે..."

 

"મારી માં ના ગયા પછી કોઈ દિવસ ભેટ્યા નથી મને...  જાણે મેં મૉમ ને કાઢી ના મૂકી હોય એમ..."

 

"બધાને પ્રેમ જતાવતા ના પણ આવડતું હોય,... તને ક્યાં પ્રેમ માંગતા આવડે છે ?" 

 

"બાપ ની પાસે પ્રેમની ભીખ ના માંગવાની હોય.. ? મારી ચિંતા છે મને વ્હાલ કરે છે એટલું જતાવવામાં શું જાય છે એમનું ?" 

 

"કદાચ ભીખ મંગાવી પડે તો એટલું યાદ રાખજે કે કોક ની પાસે નથી માંગતો,.. હક થી પ્રેમ માંગીશ તો એ પ્રેમ ભીખમાં મળ્યો છે એવી ફીલિંગ્સ ક્યારેય નહિ આવે.. તારી મૉમ ને ખોયા બાદ એમના મનમાં શું ઘવાયું છે એ કદાચ આપણને ના પણ સમજાય.. માંગી તો જો,... " પછી થોડું અટકી હસી ને બોલી, "ભીખ,... કદાચ તું જાતે કમાઈ ને મેળવે એના કરતાંયે એ લાગણી વધારે હોય એવું પણ બને.. "

 

"શું વાત કરે છે તું પણ ? મને તો એમની સાથે સબંધ રાખવામાં પણ મન નથી માનતું" 

 

"ખબરદાર જો એવું કઈ કર્યું છે તો ? મારે બાપ જોઈએ છે... લગ્ન કરીને તારા ઘેર આવું ત્યારે મારે એ સુખ પણ માણવું છે... જેને ના હોય એને પૂછી જો... " પોતાના બાપને યાદ કરીને એ લગભગ રડી પડી.. 

 

"ઑકે ઑકે તું રડ નહિ જાન,... "

 

"સબંધ તોડી નાંખવો એ ચોઈસ છે ખરી તારી પાસે ? તારા નામ ની પાછળ લખી શકાય એવું બાપનું નામ આપ્યું છે એમણે.. તારું અસ્તિત્વ એમને લીધે છે... હું મળી જ ના હોત અગર એ તને આ દુનિયામાં લાવ્યા જ ના હોત.. " 

 

થોડી વાર બન્ને તરફ થોડું મૌન તોળાતું રહ્યું   

 

"તું શું એમને છોડીશ નીરજ,... એ પોતે છૂટેલા જ છે તમારા બન્ને થી... એમની એકલતા અને એમની લોન્લીનેસ એમણે વર્ષો પહેલા એમની જાતે નક્કી કરી હતી એમણે,.. અને અત્યારે પણ એ એમાંથી મુક્ત નથી જ થઇ શક્યા... એ એકલતાને એમણે સ્વભાવ બનાવી દીધો છે,.. બસ, માહોલ બનાવવાની દેર છે નીરજ,..સંબંધોની થોડી એવી ઉષ્મા ની જરૂર છે... તમારી બધાની વચ્ચે જે કઈ પણ થીજી ને રહેલું છે એ બધું જ આપોઆપ પીઘળી જશે,... વિશ્વાસ કર મારો..  "

 

"અને એ માહોલ કેવી રીતે બને ?? ... હું એમની આગળ કરગરું તો જ સમજાય એમને ?" 

 

માનસી સમજી શકતી હતી કે આ છોકરો આખી જિંદગી માં અને બાપ ના એક આલિંગન માટે તરસી ગયો હતો.. એને ભીંજાવું હતું એમના સ્પર્શમાં.. રાડો પાડી પાડીને કહેવું હતું એને દુનિયામાં કે જુઓ - આ રહયા મારા માં-બાપ.. 

 

"નીરજ,.. હું માનું છું તે અથાગ કોશિશ કરી હશે.. પણ તું જે કહેવા માંગે છે એ મૂકભાષા કદાચ એમની સમજણ ની બહાર હોય, શબ્દો વિનાની લેંગ્વેજ બધાજ નથી સમજી શકતા.. કદાચ એ પણ નહિ સમજી શક્યા હોય,.. તારે જે કહેવું છે એ એમના સુધી પહોંચતા વાર પણ લાગે... તારા નહિ બોલાયેલા શબ્દો એમને સંભળાઈ જાય એ દૂરાગ્રહ ના જ રખાય...  " 

 

"અગર બોલું તો પણ એ એટલું જ સાંભળે છે જેટલું એમને સાંભળવું હોય છે.. મારી માએ પણ કોર્ટમાં રાડો પાડી ને કહ્યું હતું... કે આ છોકરા સામે જુઓ... અને મેં પણ બૂમો પાડીને કહ્યું હતું કે માં ને નહિ જવા દો,.. પણ એમણે ત્યારેય નહોતું સાંભળ્યું અને આજે પણ નહિ સાંભળે..." આટલું બોલતા બોલતા તો એને બાળપણ માં જોયેલી કોર્ટ નજર સામે તારી આવી.. એની આંખ માં પાણી ઉભરાઈ આવ્યા... 

 

માનસીથી પણ નિશ્વાસ નંખાઈ ગયો... 

 

"નીરજ, હવે પછી સબંધો ને સીંચવાનું શરૂ કર... મારી માટે કર... તૂટવા નહિ દે આ સબંધ ને... દૂર રહેવાથી દૂર થઇ જવાય એ સત્ય હોય તો આપણે આજે ત્રણ વર્ષ પછી પણ આટલા નજીક ના જ હોત.." 

 

"સબંધ એક તરફા પણ ના હોય માનસી.. મને તું જોઈએ છે અને એ વાત એ જાણે છે તોયે  ..... " 

 

"તોય શું નીરજ... કોઈ પણ આશા રાખ્યા વિના... તું આપવાનું ચાલુ કર... જે પ્રેમ તું મને આપે છે એ એમને પણ આપ... એમને પ્રેમ આપતા શીખવાડવાનું તારે શિરે લખાયું હશે... " 

 

"ભગવાન જાણે આ માણસનામાં બુદ્ધિ ક્યારે આવશે ? એ ક્યારે સુધરશે...  ?  મને બહુ જ રેસ્ટલેસ થઇ જવાય છે એમનો વિચાર પણ કરું તો..ક્યાંય શાંતિ નથી... એમનું બેન્ક બેલેન્સ નથી માંગતો હું એમની પાસે... કે એ આટલું અચકાય છે " એણે ફોન કાપી નાખ્યો.... 

 

માનસી ને ચિંતા થઇ આવી... 

 

એણે તરત જ પોતાના કોલ લિસ્ટ માં ગિરીશ ઠક્કર નું નામ સર્ચ કર્યું અને તરત જ ડાયલ કરી દીધું 

 

"હેલો,..." બીજી જ રિંગ માં એમણે ફૉન ઉપાડી લીધો,... 

 

"હેલો અંકલ... હું માનસી... નીરજ ની ..... " 

 

"હા,... ઓળખું છું હું તને... કેમ આટલી રાત્રે ? બધું ઑલરાઇટ ??" 

કોણ જાણે કેમ એમની વાત માં ચિંતા દેખાઈ ગઈ.. 

 

"અંકલ, સૉરી તમને મોડી રાત્રે કૉલ કરીને ડિસ્ટર્બ કરું છું પણ એક વાત કહેવી હતી તમને,... નીરજ બહુ જ પ્રેમ કરે છે તમને... કદાચ આંટી કરતાંયે વધારે... " 

 

"મને ખ્યાલ છે બેટા, ત્યારથી ખબર છે જ્યારે કોર્ટ માં માં સાથે રહેવાનું પસંદવા ને બદલે એણે મને સિલેક્ટ કર્યો હતો... " માનસી ના અવાજ માં શું હતું એની એમને ખબર ના પડી પણ એ દિલ ખોલીને અચકાયા વિના બહુ જ સરળ ભાષામાં એમની જાત ને અભિવ્યક્ત કરી રહયા હતા એવું માનસી અનુભવી રહી.."પણ બેટા એ નથી માનતો કે હું પણ એને એટલો જ ચાહું છું" 

 

"Prove him wrong uncle...બતાવી દો એને કે એને માટે તમે જી આઈ નહિ એના બાપ છો...કહેશો નહિ તો નહિ સમજાય એને... એ ભગવાન તો છે નહિ કે નહિ કહેલું પણ જાણી જાય...   "

 

"શું કરું તો એ માને ?  જે કરું છું એનાથી તદ્દન ઉંધી દિશામાં જ જોયું છે એણે આજ સુધી... " 

 

"તો કઈ કરશો જ નહિ અંકલ,... બસ એ રિવરફ્રન્ટ થી નીકળી ગયો છે પહોંચતો જ હશે... એક વાર તમે એને ભેટો એની એટલી જ ફરિયાદ મને મહત્વની લાગી.. તરસી ગયો છે એ ... એટલું જ કરજો પ્લીઝ...  "

 

બન્ને થોડીવાર માટે મૌન થઇ ગયા... પછી માનસી ધીરેથી બોલી, 

"અંકલ, એને માંગતા નથી આવડતું, .. કદાચ.. "

 

"આઈ થિન્ક, હી ઇઝ ઈન પાર્કિંગ લૉટ ... " એમણે ફોન મૂકી દીધો... 

 

નીરજ દરવાજે આવે એ પહેલા જ એમણે દરવાજો ખોલી નાખ્યો... 

એમની આંખોમાં નીરજને કશુંક એવું દેખાયું જાણે એમણે ઘરના નહિ એમના દિલના દ્વાર ખોલી નાખ્યાં,..  

એ પીઘળી ગયો ... 

"ડૅડ,.. આઈ વૉન્ટ..... " એને શબ્દો મળતા નહોતા  

પરંતુ શબ્દો શોધીને એ આગળ બોલે એ પહેલા જી આઇ એ એને ખેંચી લીધો અને કહ્યું,

"ચાલશે ... માંગતા નહિ શીખે તોયે... હવે મેં વગર માંગે આપવાનું શખવા માંડ્યું છું... " 

 

રોહિણી ના ગયા પછી પહેલી વાર ક્યાંય સુધી એમને ભેટીને ઉભેલા જોઈ ને નોકરો ની આંખો પણ ભરાઈ આવી... 

 

નિરજ ના ફોન ની ઘંટડીથી ઍમની તંદ્રા તૂટી.. 

નીરજે મોબાઈલ જોયો..

"મૉમ,... ઍક્દમ.. શું થયું ?" 

 

"લાવ મને આપ... " ગિરીશે એના હાથમાં થી ફોન ઝૂંટવીને સ્પીકર પર મૂક્યો 

 

"રોહિણી,... માનસીના કૉલ સિવાય પણ વાત કરી જ શકાત આપણાથી..." 

 

"જી આઈ .... તમને પણ... ?" 

 

"હા... એ છોકરીએ ઘરમાં આવતા પહેલા જ ગૃહલક્ષ્મી નું પદ લઇ લીધું છે મને હતું જ કે જો એ મને ફોન કરી શકે તો એ તને પણ કરશે જ... "

 

"જી આઈ, ... એક સ્ત્રી તને હરાવવી ના જોઈએ એ જીદ માં તેં મને એ દિવસે ઘર છોડતા રોકી નહોતી,... આજે એક સ્ત્રી સામે જ હારી ગયો તું,... હવે શું ઈચ્છે છે મારી પાસેથી ?" 

 

"એ જ કે છોડીને ભલે તું ગઈ હોય,... પણ ગૃહ-લક્ષ્મી નું સ્વાગત તો ઘરની લક્ષ્મી જ કરવી જોઈએ... આવી જા પાછી પ્લીઝ... હાર-જીત વિચારવાનું મેં છોડી દીધું છે હવે..   " 

 

"ગિરીશ, તું ક્યારેય નહિ બદલાઈ શકે... મને ખાતરી છે "

 

"હવે એવું નહિ થાય,....એની મને ખાતરી છે .....  "

 

રોહિણીનું મૌન જાણે સવાલ કરી રહ્યું હતું.. 

 

એનું મન વાંચતો હોય એમ ગિરીશ ના મોંમાંથી નીકળી ગયું.. 

"કારણ કે - વર્ષોથી વિખરાયેલા ઘર ને સમેટવું છે મારે... માંગ્યા વગર પણ આપી જ શકાય.. એ સમજાઈ ગયું છે મને... આ છોકરીએ અજાણતા જ મારુ ધ્યાન દોર્યું કે તારા દીકરાને માંગતા નથી આવડતું ... અને મને સમજાઈ ગયું કે - તારી અને મારી વચ્ચે પડેલી આ તિરાડ નું કારણ આટલું જ તો હતું...   "   

 

પળવાર માટે તો કોઈ કાંઈ બોલી જ ના શક્યું ... 

પછી નિરજે હળવેથી કહ્યું, 

"મૉમ, ડૅડ,.... ફરી પ્રારંભ કરીએ ??... " 

 

~~~~~~ XX ~~~~~~~