પ્રપોઝલ...
ગળામાં લટકાવેલા કેમેરા માં કેદ કરેલા મહેનૂરના ખુલ્લા શરીર કરતા,
પબ્લિકની સામે ઢંકાયેલા એના શરીર ને વખાણતો પત્રકાર મહેનૂર ને ભીંજવી ગયો..
~~~~~~~~~~~~~
મહેનૂર .... ખુબ જ જાણીતું નામ હતું આ એરિયાનું
એક પત્રકાર એની મુલાકાત લેવા ઇચ્છતો હતો
મહેનૂર,... આ નામ કોણ જાણે કેમનું આ પત્રકાર સુધી પહોંચ્યું હતું કોઈને ખબર જ નહોતી..
પત્રકાર પણ હજી રિસન્ટલી જ જોઈન થયો હતો એટલે એણે પણ પોતાની કાબેલિયત સાબિત કરવાની હતી.
આ પત્રકારને પોતાના મેગેઝિનના કવર પેજ ઉપર એક આમ છોકરીને ચીતરવાની હતી,...
સિનિયર પત્રકારો તો સેલિબ્રેટી ના ફોટા લેતા હોવાથી પોતાનું સ્ટાન્ડર્ડ બનાવી ચૂક્યા હતા. એમની ઉઠબેસ મોટા મોટા આર્ટીસ્ટો સાથે થતી રહેતી હોવાથી કોઈ આમ અથવા નાના કામ કરવામાં બધાજ સિનિયરોને નાનમ લાગતી..
પહેલી જોબ હોવાથી અને જોબ ને કાયમી કરાવવાની હોવાથી આ પત્રકારે મહેનૂરનો સંપર્ક સાધ્યો હતો.
કાંઈક નવું અને મસાલેદાર પીરસવાનું હતું.. મન માનતું નહોતું.. કયારેય આવું કામ કર્યું નહોતું એટલે.. પણ પોતાના પરિવાર ના ભરણ પોષણ નો સવાલ હતો.. ખાસ તો એની આઈ ના ઓપરેશન નો સવાલ હતો...
એને એની નજર સામે એની માં દેખાઈ આવી...
મમતાળુ આંખો અને પ્રેમાળ સ્મિત સાથે પોતાના માથામાં ચંપી કરતો એની માંનો હાથ...
એ મનમાં ને મનમાં સ્વગત બોલ્યો, "ચાલ બેટા પરિમલ,... કામ નહિ કરો તો પેટ નહિ ભરાય.. "
અહીં મહેનૂર પણ,
પોતાની કળા ને સાબિત કરવા માટે નાના મોટા તમામ કામ પૂરા ખંત થી કરતી.
કામ પણ શું ? મૉડેલ હતી તો પોતાના અવનવા ફોટા થી જ હજારોના મન ને આકર્ષવાનું કામ ...
ક્યારેક વસ્ત્રો ની તો ક્યારેક ઘરેણાંની ક્યારેક મેક-અપ તો ક્યારેક મસાલા ની જાહેરાતો માં કામ કરતી..
એમાં પણ ઓછું પડતું હોય એમ છેલ્લા ચાર વર્ષમાં તો એ મામૂલી માંથી મહત્વની બની ગઈ હતી..
એક એવું કામ હાથમાં આવી ગયું હતું, જેણે માર્કેટમાં ધૂમ મચાવી હતી, ... વિના વસ્ત્રે ફોટો આપવાનું..
જો કે સેલિબ્રેટી જેટલી નામના હજી મળી નહોતી. કદાચ ક્યારેય નહિ મળે એવી માનસિક તૈયારી પણ હતી..
કામ બહુ હળવી ગતિએ પણ હવે એ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું,...
શરૂઆત પૂર્ણ વસ્ત્રો માં નાની નાની જાહેરાતો થી થઇ હતી. એક સુશીલ અને સંસ્કારી સ્ત્રી ની છબી સાથે,..
સમય જતા તંગ વસ્ત્રો અને ધીરે ધીરે એ નિર્વસ્ત્ર ફોટા આપતી થઇ ગઈ હતી...
હા,... એની ફેઇમ નિર્વસ્ત્ર ફોટા આપ્યા પછી ખુબ જ વધી ગઈ હતી.. થોડી અમિર પણ થવા લાગી હતી.. પરંતુ એની ફેઈમ અને સેલિબ્રેટી ની ફેઈમ માં આસમાન જમીન નો ફર્ક હતો.. એ વાત એ સારી રીતે જાણતી હતી...
આમ તો એનું બધું સેટ-અપ ગોઠવાયેલું જ હતું, બસ,આ પરિમલ નામના પત્રકારને પહેલી વાર મળવાની હતી...
થોડી કન્ફ્યૂઝ પણ હતી અને થોડી ક્લીઅર પણ હતી..
મહેનૂર ને પણ એનું બાળપણ એની આંખ સામે દેખાઈ આવ્યું,...
બાપ ની લાશ સામે બેઠેલી વિધવા માં, ગુંડા જેવો કાકો જેની ગંદી નજર બાપૂ ની હાજરીમાં પણ હંમેશા પોતાની માં ઉપર જ રહેતી, ડર હોય કે લાચારી પણ પોતાની સાથે થયેલા બધાજ અન્યાયો નો વિરોધ નહિ કરી શકવાની એની માં ની મજબૂરી, કાકા ના વર્તન થી ઉભી થતી માં ની પરિસ્થિતિ વિષે પોતાના મામાને કરેલી ફરિયાદ,... માની યથાવત સ્થિતિ માટે મામાનો અને નાનીનો મૌન સ્વીકાર,.. અને તેમ છતાં મજબુર થઈને એ જ ઘરમાં રહેતી પોતાની જ જાત... ફિલ્મ ની રીલ હોય એમ બધું જ એ ખુલી આંખે જોઈ રહી,...
અને થોડી જ ક્ષણો પછી માથું ખંખેરતી એ પણ મનમાં ને મનમાં સ્વગત બોલી,
"ચાલ બેટા, મહેનૂર... કામ નહિ કરો તો પેટ નહિ ભરાય..."
~~~~~~~~~~~~~
નિર્ધારિત સમયે
પોતાના જ સ્ટુડિયો માં બાથરોબ ની અંદર એણે ઇનર ગારમેન્ટ થી કવર પોતાની જાતને છુપાવી રાખી હતી.. એક સિંગલ સોફા માં પગ ઉપર પગ ચઢાવી ને એ ગોઠવાઈ ગઈ હતી.
દરવાજાની બીજી બાજુ પરિમલ ના મનમાં હજારો સવાલ અથડાતા હતા..
અગર આ મહેનૂર ને બદલે મારી બહેન હોત તો ? એનું માથું ભમવા લાગ્યું..
અગર આ મહેનૂર પાસે સારું વળતર આપતું હોય એવું કોઈ બીજું કામ હોત તો એણે આવી રીતે કોઈ મર્દ પાસે પોતાના આવા ફોટા પડાવ્યા હોત ? એની આંખો સામે બધું જ ગોળ ગોળ ઘુમવા લાગ્યું..
એણે પોતે પણ સ્ત્રીનું આવું રૂપ ક્યારેય જોયું જ નહોતું, એનું મન જયારે જયારે કોઈ સ્ત્રી ની કલ્પના કરતુ, ત્યારે ત્યારે એણે એક શુદ્ધ અને ઢંકાયેલું અથવાતો શણઘરાયેલું જ શરીર જોયું હતું.. કોઈ દેવી ના રૂપ માં, કોઈ માં ના રૂપ માં, તો કોઈ પ્રોફેશનલ રૂપ માં કે પછી કોઈ ઘરેલુ રૂપમાં,.. સ્ત્રી નું આવું રૂપ તો એના વિચારોમાં પણ ક્યારેય આવ્યું નહોતું..
પરિમલને થયું કે સ્ત્રીને આવી રીતે જોવામાં પણ જો મને આટલી લજ્જા આવતી હોય તો એક સ્ત્રી આ અવસ્થામાં અભિનય આપવાની હતી, શું શું વીતતી હશે એના મન ઉપર.. કઈ મજબૂરી નું આટલું વજન ઉઠાવ્યું હશે એણે ? શું એને આ બોજો ફેંકવાનું ક્યારેય મન નહિ થયું હોય ?? આ છોકરી ની શું હાલત થતી હશે, જયારે એણે પોતાના સુંદર સ્મિત પાછળ એના અસ્તિત્વ ને શરીર થી ખુલ્લું કરીને મનથી ઢાંકી રાખવું પડતું હશે..
એને વિચાર આવી ગયો,..
અચકાતા અચકાતા એણે દરવાજો ખટખટાવ્યો..
"યેસ,.. કમ-ઈન,... " એક તીણો અવાજ એને સંભળાયો...
અંદર ઘુસતા સાથે જ કેવી રીતે વર્તવું એ ભુલાઈ ગયું..
એણે ગાળામાં લટકેલો કેમેરો પોતના હાથમાં થી છોડી ને બે હાથ જોડ્યા, અને અચાનક છોડી દીધા,.. પછી પોતાનો જમણો હાથ મહેનૂર તરફ લંબાવતા કહ્યું
"નમસ્તે મેમ,.. હું પરિમલ,... ખબર ગુજરાત થી ..."
"હા, .. મને ખ્યાલ છે,... " મહેનૂરે હાથ મેળવ્યા અને ઉભા થતા થતા કહ્યું, "રેડી,.. ?"
"જી,..???? ... જી.... " પહેલા સવાલ અને પછી જવાબ ના લય સાથે પરિમલ બોલ્યો..
મહેનૂરે પાછળથી બાથરોબ ને થોડો નીચે ઉતાર્યો,... પોતાની પીઠ નો ઉપરનો ભાગ ખુલ્લો કર્યો.. અને પાછું વળીને પોઝ આપ્યો.. અને પરમલે એને કેમેરામાં કેદ કરી...
પછી દીવારને ટેકે,.. લહેરાતા વાળથી પોતાના અંગો ને છુપાવીને,.. ટ્રાન્સપેરેન્ટ દુપટ્ટા સાથે,... આર્મલેસ ખુરશી ઉપર ઊંધા બેસીને,... સોફામાં લંબાવીને,... ટેબલ ઉપર પોતાના બન્ને હાથ ને ટેકવીને,.. અને એવી જ કેટલીયે અદાઓથી એ પરિમલ ના કેમેરા માં બંધ થતી રહી...
પોઝ આપતા આપતા એની નજર સતત પરિમલ ની ધ્રૂજતી આંગળીઓ તરફ મંડરાઈ રહેતી..
એક એક્સટ્રીમ લેવલ ની પ્રોફેશનલ હોવાથી એણે એનો સંપૂર્ણ એપિસોડ અવનવા ફોટાઓ આપીને પૂરો કર્યો, તેમ છતાં એને વિચાર આવી ગયો કે કોઈ જ પ્રસંશા કે એક પણ અંગના ગુણગાન ગાયા વિના જ એકદમ મૌન રહીને કેમનું કોઈ ફોટા લઇ શકે, ??
આજ સુધી એણે આવા ફોટાઓ કેટલીયે વાર લેવડાવ્યા હતા,..
વાઉ,... અમેઝિંગ,... ગોર્જીસ,... એક્સીલેન્ટ,.. જેવા ઉદગારો સાથે જ હંમેશા પોતે જુદી જુદી આંખો આગળ ક્લિક થતી રહી હતી,.. પરિમલ ના મૌન થી થોડીક વાર માટે તો એ અકળાઈ ઉઠી, આવા ઉદગારોએ જાણે એને આદતી બનાવી દીધી ના હોય એમ...
પરિમલનાં મૌન ને ઇગ્નોર કર્યા પછી એક ક્ષણ માટે તો મહેનૂર ને પોતાના સૌંદર્ય માટે પણ શન્કા થઇ આવી, પરંતુ ત્યાં જ એને પરિમલની ધ્રૂજતી આંગળીઓ ફરીથી દેખાઈ આવી,... સુંદર સ્મિત અને માદક અદાઓ સાથે એણે પૂરું શેશન એન્ડ કર્યું.. અને જોતજોતામાં જ પરિમલ ની સામે જ એણે ઉતારીને જમીન ઉપર ફેંકી દીધેલો બાથ-ટોવેલ ઉપાડીને પોતાની આસપાસ લપેટી દીધો..
હાથ જોડી ને ધીમેથી બોલી,
"થેન્ક-યુ... આઈ હોપ એડવાન્સ પેમેન્ટ લઇ ને આવ્યા હશો,.. "
"ઓહ્હ,... હા,.. હા,... " એણે એક એનવલોપ મહેનૂર ના હાથમાં થમાવ્યું...
એ જ જોડાયેલા હાથ સાથે એને સ્માઈલ કરીને આંખો મીંચકારતા જવાબ આપ્યો, -
"સ્ટુડિયો ના કાઉન્ટર ઉપર આપી દેજો,.. એ તમને રીસીટ આપી દેશે... હું ચેઇન્જ કરીને હમણાં જ આવું છું..."
"થેન્ક-યુ મેડમ,.. "
પરિમલ કેમેરા સાથે બહાર નીકળી ગયો...
કાઉન્ટર ઉપર ફોર્માલિટી પુરી કરતા કરતા લગભગ 5-10 મિનિટ થઇ ગઈ..
પાછળથી જ દરવાજાના ખુલવાનો અવાજ આવતા એણે પાછું વાળીને જોયું,...
એ મહેનૂર ને જોઈને સ્થિર થઇ ગયો,..
ભુલાઈ ગયું કે એ જ કાઉન્ટર ઉપર બીજી બે વ્યક્તિઓ એને જોઈ રહી છે..
એના મોંમાંથી હળવી આહ નીકળી ગઈ જે મહેનૂર ના કાન સુધી પહોંચી ગઈ..
કેમનો રિસ્પોન્સ કરવો એ સમજાતું ના હોવાથી બે - ચાર ક્ષણ માં જ મહેનૂરે પોતાના ડાબા હાથે ચપટી મારી..
સફેદ કુર્તામાં બહાર આવેલી મહેનૂરને અપલક જોઈ રહેલો પરિમલ એના ચપટી ના અવાજ થી ભાન માં તો આવી ગયો પણ એનાથી બોલાઈ ગયું,
"બ્યુટીફૂલ... "
મહેનૂર ને નવાઈ લાગી અને હસવું આવી ગયું..
પરિમલનાં કાન ની નજીક જઈને એ બોલી,...
"જે રીતે અંદર જોઈ હતી એ બ્યુટીફૂલ નહોતી લાગી ... ?"
પરિમલ ના આંખમાં થી બે મોટા મોટા આંસુ પડી ગયા
થોડી હિંમત કરી એ પણ મહેનૂર ના કાનની નજીક ગયો અને ધીરેથી કહ્યું,
"મેડમ,.. સફેદ બાથરોબ માંથી બહાર નીકળેલુ રૂપ કેમેરા માટે હતું, પરંતુ આ સફેદ કૂર્તામાં ઢંકાયેલી રૂહ ને જોવા માટે તો કોઈ જિંદગીભર નજરો ને બિછાવી શકે,.. "
આખો હૉલ સ્તબ્ધ થઇ ને સાંભળી રહ્યો..
આટલા વર્ષોમાં આ સ્ટુડિયો માં આવા નિર્દોષ અને પવિત્ર વખાણ ક્યારેય કોઈએ આજ સુધી સાંભળ્યા જ નહોતા... કાઉન્ટર ઉભેલી બન્ને વ્યક્તિઓથી ભીની નજરે એકબીજા સામે જોવાઈ ગયું,...
"આઈ મીન ઈટ,... મેડમ,... " પરિમલ હવે શરમાયા વિના બોલ્યો... "કોઈ પણ ઇન્સાન જિંદગી કુરબાન કરી શકે,... "
"તમે કરી શકો,.. ?" મહેનૂર બોલી...
પરિમલે કાઉન્ટર ઉપર વાઝ માં પડેલું ગુલાબ લઇ લીધું,..
ઘૂંટણિયે એની સામે બેસતા કહ્યું, "આખી જિંદગી કરી શકું, જો તમે સ્વીકારો તો,... આઈ પ્રોમિસ,... "
મહેનૂર અચકાઈ,..
"મિસ્ટર પરિમલ,... આ શું છે ?"
"અમારી ભાષામાં આને પ્રપોઝલ કહેવાય,.... !!" .. સ્માઈલ સાથે પરિમલે કહ્યું અને મહેનૂર લજાઈ ગઈ,
મહેનૂરે પોતાના હાથમાં ગુલાબ લીધું ત્યારે ત્યાં રહેલી તમામ આંખો ભાવવિભોર થઇ ગઈ,
~~~~~~~ XXXX ~~~~~~~