વેદના ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદના

વેદના 

 

લગભગ ચાલીસ મિનિટ થી આમતેમ આંટા મારતી શિખા ગુસ્સામાં લાલ થઇ રહી હતી.. 

ફર્નિચર વગરના ઘરમાં બેસવા માટે પણ કશુંજ નહોતું…  કદાચ એટલે જ એ વરંડા માં એક પાળી ઉપર બેસી ને વારે વારે પોતાનો સમાન લઇ ને આવતી ટ્રક ના ડ્રાઈવરને  ફોન લગાવ્યે જતી હતી. 

 

જો કે થોડી અકળામણ એને સામે ના ઘરમાં ઉભેલા ટકલા કાકા ને જોઈ ને થતી હતી.. 

ક્યારના એ ટકલા અંકલ ટગર ટગર જોઈ ને સ્માઈલ કર્યા કરતા...

"બુઢ્ઢા થઇ ને એક યન્ગ છોકરી ઉપર આંખો સાફ કરે છે,.. શરમ પણ નથી આવતી..” ગુસ્સામાં ને ગુસ્સામાં એ બબડતી હતી.. 

 

થોડી જ ક્ષણોમાં   

વૃંદાવન સોસાયટી માં 41 નંબરના બંગલા સામે એક મૂવર્સ ટ્રક સામાન સાથે આવી ને ઉભી રહી,.. ગુસ્સો થોડો કાબૂમાં કરી શિખાએ કહ્યું, "આટલી બધી વાર ?" 

 

"મેડમ, બહુ ટ્રાફિક હતો.. વળી તમારા સામાન ને સંભાળીને લાવવાનો હતો.. કંઈક તૂટ્યું કર્યું તો કંપની અમારો પગાર કાપે.. એટલે થોડું સેઇફ ડ્રાઇવ કરવું પડે.." ડ્રાઇવર બોલ્યો  

 

"મેડમ તમે ચિંતા નહિ કરો.. હવે અમે બધું ફટાફટ ઉતારી નાખીશું... તમે બસ ગાઈડ કરતા જાવ.. કયું બોક્સ ક્યાં રૂમમાં મૂકવું છે એટલે શું, તમારે પણ ઓછી મહેનત.. " બીજા એક હેલ્પરે સૂર પુરાવ્યો.. 

 

"ઠીક છે ઠીક છે.. ઉતાવળ કરો... "

 

એ આવેલા માણસોને સૂચના આપવામાં મશગૂલ થવા લાગી.. 

 

બે ચાર કલાક સતત માણસોની માથે રહીને એણે બધું જ કામ પૂરું કરાવ્યું... 

 

પૈસા નો વહીવટ તો આમેય એમની સાથે કરવાનો નહોતો કારણ કે બધું જ પેમેન્ટ એડવાન્સમાં કંપની માં કરી દીધું હતું એટલે એણે માણસો માટે પીઝા અને ડ્રિંક્સ મંગાવી આપ્યું.. અને એમને વિદાય કર્યા.. 

 

દરવાજો બંધ કરી એણે એક ખુરશી માં પોતાની જાતને નાખીને પર્સમાંથી ફોન કાઢ્યો.. 

મમ્મીના 8 મિસકોલ જોઈને એને યાદ આવ્યું એ પહોંચીને ઘેર કોલ કરવાનું ભૂલી જ ગઈ હતી..   

 

મમ્મીનો નંબર ડાયલ કરીને એણે પોતાની વોટર બોટલ ખોલી એક જ ઘૂંટમાં આખી બોટલ ગળા નીચે ઉતારી ગઈ.. 

 

"હેલો,... શું કરે છે શિખા, ફોન તો ઉઠાવ... " માં એ ફોન ઉઠાવતા જ એને લઇ નાખી.. 

 

"સૉરી માં,.. ફોન પર્સ માં હતો" 

એ વાતોમાં લાગી ગઈ... 

 

~~~~~~~

 

મહિનો થવા આવ્યો હતો આ નવા ઘરમાં શીખાને... 

રોજ સવારે એ જોબ જવા ઘેર થી નીકળતી  

અને રોજ એ ટકલા અંકલ એને ટગર ટગર જોઈ રહેતા અને એની સામે જોઈ સ્માઈલ કરતા .. 

શિખા ને એમનું આ રોજનું વર્તન થોડું વિઅર્ડ લાગતું પણ એ ઇગ્નોર કર્યા કરતી... 

 

ચાર દિવસ પહેલા તો હદ થઇ ગઈ... 

રોજ ની જેમ નિયમ મુજબ એ ટકલા અંકલે શિખા સામે સવારમાં સ્માઈલ કરી... 

શીખાને લાગ્યું  કે એ આ ટકલા અંકલને થોડું વધારે પડતું ઈન્સલ્ટ ફીલ કરાવવા લાગી છે એટલે એને સ્માઈલ કરવાનું મન થઇ આવ્યું, પણ એ સ્માઈલ કર્યા વિના તરત જ નજર ફેરવી ને નીકળી ગઈ.. 

 

વળી પાછું,.. સાંજે ચાલતી વખતે શિખા દાબેલી ની જે લારી ઉપર દાબેલી લેવા ઉભી રહી, ટકલા અંકલ ત્યાં પણ પ્રગટ થઇ ગયા.. એટલું જ નહિ, શીખાએ જયારે દાબેલી ના પૈસા ચુકવવાની કોશિશ કરી ત્યારે એ ભૈયાજીએ ટકલા અંકલ સામે આંગળી કરી ને શિખા ને કહ્યું, 

"ઉન્હોને આપકે ભી પૈસે દે દીયે હૈ.. .. "  

 

પછી શિખા વિફરી... એણે એ ભૈયાજી નો ઉધડો જ લઇ નાખ્યો... 

"આપકો કિસને બોલા મેરે પૈસે આપ કિસી ઔર સે લે લેના ? ... આપ કો મેં ભિખારી લગતી હું ? ક્યાં મેં અપને ખાને કે પૈસે દે નહિ શકતી ? આઇન્દા મેરે ખાને કે પૈસે કિસી ઔર સે લિયે તો મેં દૂસરી લારી સે આપણા ખાના લે લૂંગી.. " 

 

"સોરી મેડમ, વો તો ઉન્હોને કહા ... " 

 

"વો કુછ ભી કહેંગે, આપ માન  લોગે ? મુજસે પૂછા થા આપને ? મેને બોલા થા આપકો મેરે પૈસે ઉનસે લે લેના ?" 

 

"નહિ મેડમ, સોરી મેડમ,... " 

 

"દોબારા ઐસા મત કરના... મેં બોલ દેતી હું... " 

 

"ઠીક હૈ મેડમ,... સોરી મેડમ,... " 

 

શિખા ઝાટકો મારી પોતાની દાબેલી ઉઠાવી નીકળી ગઈ... 

 

આખી સાંજ એના મગજમાંથી એ વાત જતી જ નહોતી કે એ ટકલા અંકલની હિમ્મત વધી ગઈ હતી,.. 

એને એમની ઉપર ગુસ્સો આવવા લાગ્યો...  

 

"શું કામ આવા પરવર્ડ ની સામે નજર પણ કરી મેં પહેલે દિવસે ? ..  એવી શું મઝા આવતી હશે એમને મને ઘૂરીને .. " એ સ્વગત બોલી.. 

 

અચાનક ઘરના બે ચાર બેલ વાગવાથી એ ટકલા અંકલ ના વિચારો માંથી બહાર આવી... 

દરવાજો ખોલતા એ જ ટકલા અંકલ ફરીથી સામે દેખાયા ... 

 

બિચારા કશું બોલે એ પહેલા જ એમના મોં ઉપર શીખાનો દરવાજો ધડ દઈને બંધ થઇ ગયો ... 

 

~~~~~~

 

બીજે દિવસે ઓફિસમાં,... 

ફાઈલ પછાડતાં નિખિલે કહ્યું 

"શિખા,.... આ શું છે ? " 

 

12 લોકોની ટીમ સામે નિખિલ નું આ રિએક્શન શિખા ને હલાવી ગયું 

એ કશું જ બોલી ના શકી.. 

 

"વી લોસ્ટ અવર કલાયન્ટ વર્થ 50 લેક્સ... બિકોઝ ઓફ યુ... " નિખિલ ફરીથી બરાડ્યો.. 

 

"આઈ એમ સોરી સર.. " 

 

"વોટ સોરી ? તને સમજાય છે તારી કેરલેસનેસ ? તારું ધ્યાન ક્યાં છે ? ફ્રી માં સેલરી લેવાની આદત પડી ગઈ છે લોકોને... " 

 

ક્યાંય સુધી શિખાને ધમકાવી ને સ્વગત બડબડ કરતો નિખિલ ત્યાંથી પોતાની ચેમ્બર માં આવી ગયો.. 

 

મંદા શિખાનો હાથ ખેંચી ને કેન્ટીન માં લઇ ગઈ... 

"યાર કેમ આટલી અપ-સેટ છે ?" મંદા એ ઓફિસ ની કેન્ટીન માં કોફી પીતા પીતા જ પૂછ્યું 

 

"ખબર નહિ, આ ટકલા અંકલ ક્યારે પીછો છોડશે ?" શીખાએ કહ્યું 

 

"ઓહ્હ, મને એમ કે તું નિખિલ ની વાત ને લઈને અપ-સેટ હોઈશ..." 

 

"એ પણ છું.... " 

 

"તેં સ્પષ્ટ શબ્દો માં એ ટકલા અંકલ ની સાથે વાત કરી ને કીધું છે ક્યારેય ? કે - મને આમ તમારું ઘૂરવું અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે.. " 

 

"કમ-ઓન યાર એવું કરવાથી એ વધારે ઘૂરે... "

 

"હું માનું છું ચોખ્ખા શબ્દો માં કહી દે એમને... " 

 

"હંમમમમમ.... "

કોફી કપ હાથમાં લઈને એ પોતાની જગ્યાએ પહોંચી 

 

ક્યાંય સુધી ખુબ જ મનોમંથન કરતી રહી... 

 

સાંજે પર્સ લઈને એ ઓફિસ થી નીકળી પોતાના ઘર તરફ ચાલવા લાગી.. 

જોબ થી ઘર નજીક જ હતું એટલે એ ઘણી વાર ચાલીને પાછી આવતી.. 

એક તો આજે એનું મગજ ખરાબ હતું... 

દિવસ ખુબ જ ખરાબ ગયો હતો... 

અને એમાં પણ આજે એ ટકલા અંકલે પાછા આવતી વખતે શીખાની સાથે ચાલતા આવવાનો પ્રયત્ન કર્યો..

એટલું જ નહિ આજે તો એમણે શિખા ને એક ચોકલેટ નું પેકેટ ગિફ્ટ કરવાની હિમ્મત કરી ... 

 

પછી જે રીતે શિખા વિફરી.... એ એમને ગમ્યું નહોતું.. 

"શું સમજો છો તમે તમારી જાત ને ? હીરો છો કોઈ ફિલ્મ ના ? શું કામ મારી આસપાસ આંટા મારો છો ? કોઈ દિવસ મારી દાબેલી ના પૈસા આપી દો છો .. કોઈ દિવસ ઘર નો બેલ મારો છો.. અને આજે આ ... " એણે ટકલા અંકલના હાથ માંથી એ ચોકલેટ ઝુંટવી ને જમીન ઉપર પછાડી દીધું... 

 

રોડ ઉપર ઘણા બધા લોકો નું ટોળું ભેગું થઇ ગયું.. 

શિખા બસ બોલ્યે જ જતી હતી.. "હું હસું છું તમારી સામે જોઈને ? સમજાતું નથી તમને કે મારી સામે રોજ સ્માઈલ કરવાનો કોઈ મતલબ નથી.. સાફ કહેવું પડે કે ઘુરવાનું બંધ કરો મારી સામે... મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ? પાછળ જ પડી ગયા છો.... " 

 

તમાશા ને તેડું ના હોય એમ આસપાસ ઉભેલા લોકો હવે આ સીન ને પોતાના મોબાઈલ માં કેદ કરવા લાગ્યા ..

 

શિખાએ જોરથી પોતાના બે હાથ પછાડ્યા અને બોલી,

"હાથ જોડું છું, મને કોઈ રસ નથી તમારી સાથે વાત પણ કરવામાં... પ્લીઝ, ફરી કોશિશ પણ ના કરતા મારી સાથે વાત કરવાની... અને પીછો છોડો મારો ... " 

 

પાછળ શું થયું એ જોવાની કદાચ એનામાં હિંમત નહોતી કે પછી એની ઈચ્છા નહોતી.. 

એ સડસડાટ પોતાના ઘર તરફ ભાગી નીકળી ... 

 

~~~~~

 

બીજો દિવસ,.. ત્રીજો દિવસ... ચોથો દિવસ... શાંતિ થી પસાર થયો... 

મન લગાવી કામ પણ થવા લાગ્યું.. 

 

ઓફિસ પુરી કરી એ જવા નીકળી... 

લિફ્ટ નું બટન દબાવ્યું 

પાછળ નિખિલ ને જોયો...

"ગુડ ઇવનિંગ સર... " 

 

"ગુડ ઇવનિંગ શિખા" નિખિલે જવાબ આપ્યો .. અને બન્ને લિફ્ટ માં દાખલ થયા 

 

"સોરી શિખા,... એ દિવસે હું તારી ઉપર બધાની સામે ખુબ ચિલ્લાયો હતો... શું કરું ? ધેટ વોઝ એ બેડ ડે ફોર મી... અને બધો ગુસ્સો તારી ઉપર નીકળ્યો હતો..."

 

"નો સર,.. ઈટ વૉઝ માય મિસ્ટેક ઓલ્સો.. " 

 

"હા પણ એવીયે ગલતી નહોતી કે આપણે એને સુધારી ના શકાય... તે જ એફર્ટ મારી હતી ને - એ ક્લાયન્ટ ને પાછા લઇ આવવામાં ? ... મતલબ કે હું પણ શાંતિ થી વાત કરી જ શક્યો હોત... તારું ઈન્સલ્ટ કરવાની કોઈ જરૂર નહોતી મારે... આઈ એમ સોરી ટુ... " નિખિલે ખુલાસો કર્યો.. 

 

શીખા સ્માઈલ કરીને લિફ્ટ માંથી નીકળી 

નિખિલ ને પાર્કિંગ માં પોતાની કાર તરફ જતા જોઈને શિખાને વિચાર આવી ગયો...

 

"હું પણ ચિલ્લાઈ હતી એ ટકલા અંકલ ઉપર.. એક્ચ્યુલી નિખિલે મારી ઉપર ભડકી ને મારો ડે પણ બેડ ડે બનાવી દીધો હતો,.. અને મેં એ ટકલા અંકલનો.... એટ લિસ્ટ મારે સમજવું જોઈતું હતું કે કોક નો ગુસ્સો કોક ની ઉપર ના જ ઉતારાય... નિખિલ ઉપર આવેલા ગુસ્સાની ભડાસ મેં એ અંકલ ઉપર ઉતારી હતી.. આઈ શૂડ નોટ ડુ ધેટ..." એ સ્વગત બોલી.. 

 

સોસાયટી માં પહોંચ્યા પછી એના પગ અનાયાસ એ ટકલા અંકલ ના ઘર તરફ વળ્યાં .. 

ગિલ્ટ ના લીધે એના પગ ઉપડતા નહોતા, પણ હિમ્મત કરીને એ તોયે આગળ વધી... 

બેલ માર્યો... 

એક સ્ત્રી એ દરવાજો ખોલ્યો... 

બીજા એક ભાઈને પણ શિખાએ સોફામાં બેઠેલા જોયા... 

 

એ સ્ત્રીએ હાથ જોડી ને કહ્યું 

"થેન્ક-યુ ફોર કમિંગ.. " 

 

શિખા ને સમજાયું નહિ... 

પણ તરત જ એની નજર પડી, સામે ની દીવાર ઉપર ...

સુખડ ના હાર ને એ ટકલા અંકલ ની તસ્વીર ઉપર એણે લટકતો જોયો... 

 

એને આ નજારો જોઈને ખૂબ આઘાત લાગ્યો...    

એણે પ્રશ્ન સૂચક નજર એ સ્ત્રી સામે કરી,

એ સ્ત્રીએ જવાબ આપ્યો.. 

"મારા ફાધર-ઈન-લૉ હતા... એકલા રહેતા હતા.. એ અમારી સાથે પુણે રહેવા આવી જાય એને માટે અમે ખુબ જ આગ્રહ કરતા,..  " ડૂસકું ભરતા એ આગળ બોલી, "એમણે અમારી વાત ક્યારેય માની જ નહિ... હાર્ટ-એટેક આવી ગયો,.. એ પણ રસ્તે ચાલતા... આ ચોકલેટ ના પેકેટ ની ગિફ્ટ એમના હાથમાં હતી, ખબર નહિ કોઈએ એમને આપી હતી કે એ કોઈને આપવાના હતા... " બોલતા બોલતા એ સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી... 

 

એ ભાઈએ સોફામાંથી ઉભા થઈને એ સ્ત્રીને એટલે કે પોતાની પત્ની ને સંભાળી એની આસપાસ પોતાના હાથ વીંટતા એમણે શિખાની સામે જોઈને કહ્યું,"એક્ચ્યુલી મારી એક ની એક બહેન ના પ્રેમ નો વિરોધ કર્યો હતો મારા ફાધરે... અને મારી બહેને એ 41 નંબર ના ખાલી ઘરમાં આત્મહત્યા કરી હતી... કદાચ એટલે જ એમણે આ સોસાયટી છોડીને અમારી સાથે આવવું નહોતું... "  

 

અવાચક શિખા ચૂપચાપ એ ઘરમાંથી નીકળી ગઈ.... એક એવી વેદના સાથે જેનો મરહમ કદાચ એને ક્યારેય નહિ મળે... 

 

~~~~~~~  XXX  ~~~~~~~