હું અને અમે - પ્રકરણ 28 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 28

મુખેથી નમણી અને વાણીથી મીઠ્ઠી એવી અવની સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચતી હતી. સૌ તેનાથી વાતો કરવા અને તેના વિશે વધારેમાં વધારે જાણવા ઈચ્છા કરતા હતા. અવનીના હાથનું જમ્યા પછી પલ્લવી તો તેનો છેડો મુકવા તૈય્યાર જ ન હતી. ડિનર પછી બધા રાકેશના ગાર્ડનમાં પોત-પોતાની રીતે ટહેલતા હતા. રાકેશે સૌને કહી દીધું કે અવની કોણ છે? પણ તેણે અર્ધસત્ય જ કહ્યું. તેનો ભૂતકાળ તેણે ન જણાવ્યો.

હકીકતમાં અવની એક પછતાયેલી કે પછી તરછોડાયેલી છોકરી હતી. એક નાનકડાં ગામમાં રહેતી અવનીને કોઈ સાથે મન મેળ થયો અને તેણે તેના પર બંધ આંખે વિશ્વાસ કર્યો. લગભગ એકાદ વર્ષ પહેલા અવની એક પુરુષના પ્રેમમાં પડી. તેનું નામ વિનોદ માંડકે હતું. અવની તેને રૂબરુ ક્યારેય ન્હોતી મળી. તેની ઈચ્છા પણ એટલી વધારે ન્હોતી. પરંતુ ઓનલાઈનના ચક્કરમાં ક્યારે 'હાઈ અને હેલ્લો' થી 'આઈ મિસ યુ અને આઈ લવ યુ' થવા લાગ્યું તે તેને ખબર જ ના રહી. આવું ઘણા સમય સુધી ચાલ્યું. એકવાર તેને વિનોદને મળવાની ઈચ્છા થઈ. પણ તે મળવા તૈય્યાર જ ન્હોતો.

આટલું બધું થાય અને ઘરમાં કોઈને ખબર ના પડે એ શક્ય નથી. અવની સંતાય સંતાય ને વિનોદ સાથે વાતો કરવા લાગી. તેની વાતો માં પણ કોઈ સીમા કે મર્યાદા ન હતી. એકવાર એની મમ્મીએ તેને વાતો કરતા સાંભળી. તેની માંએ એકાંતમાં કોઈને કહેવું કે પછી તેને આગળ વધતા રોકવી એવો વિચાર કરતા અવનીને બોલાવી. આમ તો તેના ઘરમાં અવની સૌથી મોટી હતી. તેને એક નાની બહેન સોનાલિકા અને એનાથી પણ નાનો ભાઈ કૃણાલ. તેની માં હીરાબાઈ અને બાપ વિનાયક શિંદે. એમ પાંચનો પરિવાર હતો. બધાનો અંદરનો પ્રેમ-ભાવ એટલો ઊંડો હતો કે તૂટવો અધરો લાગે. તે દિવસે એકાંતમાં માએ અવનીને બધી ચોખવટ કરવા કહી દીધું અને અવનીએ જે સાચું હતું તે જણાવી દીધું. તેની માએ પહેલાથી જ નક્કી કરી રાખેલું કે અવનીને એની ઈચ્છા પ્રમાણે કરવા દઈશ. તેણે ઘરમાં કોઈને જાણ ના કરી અને જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું.

વારે વારે ઈચ્છા પ્રગટ કરી અવની થાકી ચુકેલી અને વિનોદ તેની મળવાની ઈચ્છાના બદલામાં વધારેમાં વધારે વાતો કરાવતો જે વાતોની કોઈ મર્યાદા ન હોય. એક દિવસ તેણે મનમાં ધારી લીધું કે તે વિનોદને મળીને જ રહેશે. તેના માટે તે કંઈ પણ કરવા તૈય્યાર હતી. ઘરના લોકોનો પ્રેમ કે ઘરની મર્યાદા ઓળંગી છેવટે તેના ચક્કરમાં તે પોતાનું ઘર અને પરિવાર ને છોડી તેની પાસે આવતી રહી. તેણે કોઈ આડી અવળી રીતે તેનું સરનામું ગોત્યું અને ત્યાં જઈ ચડી. જઈને જોયું તો ખબર પડી કે વિનોદ લગભગ પાંત્રીસ વર્ષનો છે જેના લgn થઈ ચુક્યા છે અને એક સંતાન પણ છે. બિચારી અવની જેની કાયામાં હજુ યુવાનીના બીજ ફૂટતા હતા તે એટલા મોટા ચક્કરમાં ફસાઈ ગઈ કે તેને ખબર જ ન રહી. તેને પોતાના ઘરમાં પાછા જવાની હિમ્મત ન્હોતી ચાલતી. તેણે ફરી વિનોદ પાસે જઈને આજીજી કરી પણ કોઈ અર્થ ના નીકળ્યો.

આવા મોટા આઘાતથી એનું મન વિચારોમાં ચડી ગયું. આજુ બાજુ શું ચાલે છે તેની તેને ભાન ના રહી. આવડા મોટા મુંબઈમાં તે કોઈને ઓળખતી પણ ન હતી. હવે શું કરીશ અને કેવી રીતે જીવીશ? આવા વિચારોમાં તે ગુમ થઈ ગઈ અને રસ્તા પર ચાલતા તે એક દારૂ પીને ગાડી ચલાવતા માણસ સાથે અથડાય ગઈ. તે તો ભાગી ગયો પણ મોડી રાતે સુમસાન રોડ પર અવની માટે કોઈ ન હતું. એક્સીડેન્ટમાં તે બેભાન થઈ ગઈ. એવામાં કોઈ ભલા માણસે તેને જોઈ અને રસ્તા પર જતા એક ગાડીવાળા પાસે મદદ માંગી. તે ગાડીમાં રાકેશ હતો અને તે માણસના કહેવા પર અવની તરફ તેની નજર ગઈ અને તે તેને હોસ્પિટલ લઈ ગયો.

બીજા દિવસે સવારે મોડેથી અવની ભાનમાં આવી અને રાકેશે તેના વિશે પૂછ્યું. પણ તે કશું ના બોલી. અંતે પોતાના પ્રયાસોથી રાકેશે તેને વિશ્વાસમાં લીધી અને અવનીએ તેને હકીકત જણાવી. તેણે અવનીને કહ્યું કે તે તેના ઘરે જાણ કરે અને તે વિનોદ સામે પોલીસ ફરિયાદ કરે પણ તે ન માની. રાકેશ તેને પોતાની સાથે ઘરે લઈ ગયો. તે કેટલો મોટો માણસ છે તેની તેને ખબર ન હતી. રાકેશે પોતાના ઘેર ઈન્સ્પેક્ટરને બોલાવ્યા અને તેને પૂછ્યું કે શું કરવું? અંદર રૂમમાં અવની સૂતી છે એમ જોઈ ઈન્સ્પેક્ટર અને રાકેશ બહાર આવ્યા. તેણે રાકેશને કહ્યું:

"સી, રાકેશ ભાઈ આ તમે ખુબ સારું કામ કર્યું કે તેને અહીં લઈને આવતા રહ્યા. પણ તમે કશું કરો એનો કોઈ અર્થ નથી નીકળવાનો. એ માટે તો જો અવની પોતે ફરિયાદ નોંધાવે તો જ અમે કંઈક એક્શન લઈ શકીયે."

"હા પણ તે બોલવા માટે તૈય્યાર જ નથી. મેં તેને ઘણી સમજાવી. મને નથી લાગતું કે તે માનશે!"

"એક રસ્તો બીજો છે. જો તે પીડિતા પોતે કશું બોલવા તૈય્યાર ના હોય તો તેનો પરિવાર આ અંગે વિચારી શકે છે."

રાકેશ બોલ્યો: "જુઓ ઇન્સ્પેક્ટર, અવનીએ મને જે રીતે વાત કરી એ પ્રમાણે, મને લાગે છે કે એના પરિવારથી એ ડરે છે."

"તો પછી એક કામ કરો. તેને તેના ઘર સુધી પહોંચાડી દો. એકવાર પોતાના પરિવારને મળશે પછી ખ્યાલ આવશે કે આગળ શું કરવું. આઈ હોપ શી વીલ અન્ડરસ્ટેન્ડ?"

"યા...યા, બસ આશા રાખું છું કે એ પોતાના ઘરે જવા માટે માની જાય."

ઈન્સ્પેક્ટરના કહ્યા પ્રમાણે રાકેશે નક્કી કર્યું કે તે અવનીને પોતાના ઘેર પાછી જવા અને પોલીસ ફરિયાદ કરવા માટે મનાવે. તે પોતાના રૂમમાં સુતેલી હતી. રાકેશ ત્યાં ગયો તો તેને જોઈ તે બેઠી થઈ ગઈ. રાકેશે તેને તકિયાનો ટેકો આપ્યો અને આરામથી બેસવા કહ્યું. ધીમેથી તેણે અવની સાથે બેસી આ મુદ્દે ફરી વાત કરી તો તે કહેવા લાગી:

"જો ભાઈ, તમે મને તમારા ઘેર લાવ્યા પછી એમ વિચારતા હોય કે હું તમને માથે પડીશ, તો હું જતી રહું છું. બાકી આ વિશે મને વાત ના કરો."

"પણ કેમ? તારી આ ચુપ્પી એને વધારે મજબૂત બનાવશે અને તે તારી સાથે કર્યું એવું બીજી કોઈ સાથે કરશે."

વિચાર કર્યા પછી તે અચાનક બોલી: "ના, એ મને ખબર નથી."

"ઠીક છે, તારે કોઈ પોલીસ કેસ નથી કરવો તો નય કર. પણ તારા પરિવાર પાસે તો જઈશને?"

"ભાઈ! તમે મને ગમે તેમ કહો પણ હું ઘેર તો પાછી જવાની જ નથી."

રાકેશે પોતાના હાથમાં તેનો હાથ પકડતા હિંમત આપવા પૂછ્યું, "શું વાત છે અવની? તું કેમ ડરે છે?"

"બસ એમ જ."

"એમ જ!"

"હા"

એક ઊંડો શ્વાસ લેતા તે એક ક્ષણ પછી બોલ્યો, "તું આ રીતે તારા ઘેરથી નીકળી ગઈ એટલે ડરે છે?" પણ અવની કશું ના બોલી. તેણે ફરી કહ્યું, "તારા પપ્પાનો ડર લાગે છે તને?"

અવની આંખમાંથી આંસુ સારતા બોલી, "હા. મને નથી ખબર જો હું ઘેર જઈશ તો મારી શું હાલત થશે. મારા પર મારી માએ અને બાપે એટલો વિશ્વાસ કર્યો અને હું એને સમજ્યા વિના એને છોડીને ચાલતી થઈ ગઈ."

"બસ અવની..." એના આંસુ લૂછતાં તેણે કહ્યું, "...બસ. હું આવીશ તારી સાથે અને પ્રયત્ન કરીશ તારા મમ્મી પપ્પાને સમજાવવાનો."

"અને જો નય માને તો?"

"તો પણ હું તો છું ને? હં.."

અવનીના ચેહરા પર એક નાનકડી હસી આવી ગઈ અને વિશ્વાસ થયો કે કોઈ એવું છે જે મારે માટે ઉભું છે. અત્યાર સુધી એને એના આ ભાઈ પર આશરો આપવા સુધીનો સંબંધ હતો પણ હવે એનો આ સંબંધ ભાઈ બહેનના અતૂટ વિશ્વાસમાં બદલાઈ ગયો. તેની ઈજા હજુ પુરી રીતે સારી ન્હોતી થઈ. માથા પર પટ્ટી બાંધેલી હતી અને હાથ પર લાગેલા ઘાને મલમ દ્વારા છુપાવેલા હતા. છતાં તે થોડી સ્વસ્થ થઈ એટલે પોતાના ઘર તરફ જવા બંને નીકળી ગયા. રાકેશની ગાડી અવનીના ગામ તરફ ચાલવા લાગી. લોકોને રસ્તો પૂછવા તેના ડ્રાઈવરે ક્યારેક અધવચ્ચે ગાડી રોકી, તો ક્યારેક કોઈ ખૂણામાં રહેલ દુકાનો પર પૂછતો. ક્યારેક રસ્તામાં આવતા બોર્ડ વાંચતો, તો ક્યારેક વટેમાર્ગુને રોકી દિશાનું ભાન લેતો.

ચોમાસાની સીઝન હતી અને વરસાદ પણ એવો શરુ થયો કે બંધ થવાનું નામ ન લે. મહારાષ્ટ્રની સડ઼કોને તાકી તાકી તેણે ગાડીને ક્યારેક સાહસ કરી જવા દીધી તો ક્યારેક પાણી ભરેલા બંધ રસ્તા પરથી પાછા ફરી બીજી દિશાથી તે આગળ ચાલતા રહ્યા. આ બાજુ અવનીના ઘરની દશા પણ વધારે સારી ન હતી. મધ્યમ વર્ગના લોકો હતા વધારે કરી પણ શું શકે? તેના પિતાએ અવનીને શોધવાના અનેક પ્રયત્ન કર્યા પણ કોઈ અર્થ અત્યાર સુધી ન નીકળ્યો. આજ દિન લગી ન કોઈ સંપર્ક કે ન તો કોઈ સમાચાર. વરસતા વરસાદમાં તેના પિતા ઘરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરતા હતા. એવાંમાં એક ગાડી એના આંગણામાં આવીને ઉભી રહી. વિનાયકે જોયું તો પહેલા રાકેશ નીચે ઉતાર્યો અને તેના પછી અવની નીચે ઉતરી. તેના હાથમાં રહેલ પાવડો નીચે પડી ગયો. પાછળ ઉભેલા તેના નાના દીકરાએ બૂમ પાડી.

"મમ્મી, મમ્મી જો દીદી આવી ગઈ."

તેના ઘરમાંથી તેની મા હીરાબાઈ અને બહેન સોનાલિકા બહાર આવ્યા. તે તેના તરફ ચાલવા લાગ્યા પણ જેવું જ તેના પિતાએ તેના તરફ જોયું કે તેના પગ ત્યાંજ થંભી ગયા. દિકરા કૃણાલના મોઢા પર દીદીને જોઈને આવેલી ખુશીનું સ્થાન ગમગીનીએ લઈ લીધું. તેના પિતાએ અવની તરફ જોયું પણ નહિ અને રાકેશને જઈને પૂછ્યું: "બોલો કોનું કામ છે?"

રાકેશ થોડો ખચકાયો કે તેણે અવની સાથે વાત કરવાને બદલે તેના સામે જોયું પણ નહિ. તે બોલ્યોઃ "કાકા, આ ... તમારી દીકરી અવની." તેઓની નજર અવની તરફ ગઈ તો ઇજાના નિશાન અને માથા પર પટ્ટી બાંધેલી હતી.

"તમે કોણ છો?"

"જી, મારું નામ રાકેશ છે."

"અને મારું વિનાયક શિંદે. ઠીક આહે!"

"કાકા હું મુંબઈમાં રહું છું. અવનીનો અકસ્માત થયો હતો અને એ પછી એ મારી સાથે જ રહેતી હતી."

"સારું તો તમારી સાથે જ રાખો."

"અહો..." હીરાબાઈ તેના રોકવા લાગી પણ તે પહેલા તેણે એને હાથ ઊંચો કરી ત્યાં જ રોકાઈ જવા કહ્યું.

રાકેશે તેને સમજાવાનો પ્રયત્ન કરતા કહેવા લાગ્યો, "કાકા, તમારી વિશે મને વધારે તો ખબર નથી. પણ જે થયું તેના માટે અવનીની ભૂલ નથી. તમે એકવાર તેને સાંભળો."

વિનાયક થોડો ગુસ્સો કરતા બોલ્યો; " હોય ભાઉ, ધન્યવાદ તમને કે તમે આ પ્રયત્ન કર્યો. તુલા કાંઈ વાટત? (શું લાગે છે તમને?) અમે કંઈ કર્યું જ નહિ હોય. અરે એની આ મા અડધી થઈ ગઈ રોતા રોતા. દિન- રાત જોયા વગર જ્યાં સુધી પહોંચાયું અમે એને શોધી. તસેચ, અમને એની માહિતી ના આહેત. છેલ્લે અમને ખબર પડી કે કોઈ સાથે તેને મન મેળ છે અને તેને મળવા અમને કહ્યા વગર મુંબઈ જતી રહી છે. એણે એક વખત પણ ના વિચાર્યું કે અમારું શું થાત?"

રાકેશ બોલ્યો; "કાકા એ તો નાની છે અને આ ઉંમરે આવી ભૂલ કરી બેસે. પણ તમે તો નાના નથીને! તમારે સમજવું જોઈએ."

"અચ્છા. તો હવે તમે મોટા થવા આવ્યા છો?"

"ના કાકા. હું બસ તમને કહેવા આવ્યો છું કે અવનીને માફ કરી દ્યો. હું માનુ છું એણે ભૂલ કરી. પણ જરાક જુઓ કે વાંક એનો પણ નથીને."

"હા. અમને દેખાય છે. એણે આ વાત અમને કરવી જોઈએ પણ બધું છુપાવી એ તમારી પાસે આવતી રહી."

રાકેશે ફરી કહ્યું, "હવે તો એ તમારી પાસે આવી છેને."

એટલામાં બાજુમાં રહેતા તેના પાડોશી શિવા ગેહલોત, સફેદ કફની પર કાળી બંડી અને હાથમાં વરસાદથી બચવા રાકેલી છત્રી. તે અવનીને જોઈને પોતાની છત્રી ખોલતા ત્યાં આવી પહોંચ્યા.

"શું થયું ભાઉ? આ અવની આ હાલતમાં અને આ માણસ કોણ છે?" તેણે આવતાની સાથે કહ્યું.

"શિવા ભાઉ, આ માણસ આપણી અવનીને લઈને આવ્યો છે. કે' છે એની ભૂલ થઈ છે, માફ કરી દ્યો. તમને ખબર છે અવની ક્યાંક ચાલી ગઈ છે એમ જાણી અમે એને બૌ શોધી. પણ અંતે ખબર પડી કે કોઈ છોકરાના ચક્કરમાં ચાલી ગઈ છે. અને જ્યારે હકીકત સામે આવી ત્યારે અમને ખબર પડી કે એ કોઈ છોકરો નથી, આધેડ છે અને પરણેલો છે."

શિવાભાઈએ કહ્યું, "આ માણસ શું કહે છે."

વિનાયક બોલ્યો, "બસ એમ કે અવનીને રાખી લ્યો. તમને ખબર પણ છે! જયારે હકીકત સામે આવી તો ગામમાં અમારી વાતો થવા લાગી. લોકો કહેવા લાગ્યા કે વિનાયક ભાઉની મુલગી આધેડ સાથે ભાગી ગઈ. અમારી ઈજ્જત એણે આમ ધૂળની જેમ ઉડાડી દીધી. હવે જો હું એને આ ઘરમાં પાછી આવવા દઈશ તો લોકો મને ગાંડો ગણશે. જાઓ અને આને તમારી સાથે લઈ જાઓ."

"વિનાયક ભાઉ!" શીવાભાઈ એના ખભા પર હાથ રાખતા બોલ્યા.

"નહિ ભાઉ, હું એને નહિ રાખી શકું. એક તો અમારી ઇજ્જત ઓછી થઇ છે અને જો આ કરીશ તો અમે ક્યાંય ના નૈ રહીયે."

રાકેશે અવની સામે જોતા કહ્યું, "તમે એ તો જાણો છોને કે અવની સાથે જે થયું એમાં અવનીનો પણ દોષ નથી. તે પણ અત્યારે પછતાય છે. કમ સે કમ એના માટે થઈને પણ તમે એને ન્યાય આપવાની એક કોશિશ તો કરો."

"રાકેશ ભાઉ! અમે તમારા આભારી છીએ કે તમે અમારી દીકરીની મદદ કરી. તમે એને તમારી સાથે લઈ જવી હોય તો સાથે લઈ જાવ કે પછી તમારે જે કરવું હોય તે કરો. પણ જ્યારે એની હકીકત અમને ખબર પડી અમે એજ સમયે એના નામનું નાય નાખ્યું છે. હવે અમને એ નથી ખબર કે અવની કોણ છે?"

આ સાંભળી અવનીને આઘાત તો લાગ્યો અને રાકેશ પણ સમજી ગયો કે અહીં કોઈ પણ વાત કહેવાનો કોઈ અર્થ નથી. તે બંને વરસાદમાં પલળી રહ્યા હતા. બધા સામે જોતા રાકેશે નમસ્કાર કર્યા અને અવનીને ગાડીમાં બેસવાનું કહી દીધું. અવની એક પણ શબ્દ ન્હોતી બોલી પણ એની આંખોમાં એના પરિવારને ખોવાનું જે દુઃખ હતું તે સ્પષ્ટ દેખાય રહ્યું હતું. બધા સામે જોયુ. પણ કોઈને કશો ફેર ન્હોતો પડતો અને વિનાયકભાઈ તો અવળું ફરીને જ ઉભા રહી ગયા. નમસ્કાર કરી રડતી આંખે તેણે શિવાભાઉ સામે જોયું. તે એની પાસે ગયો અને કહેવા લાગ્યો.

"જો મુલગી! તને જે લાગે તે પણ તું તારી જગ્યાએ સાચી છે અને તારો પરિવાર પણ પોતાની જગ્યાએ સાચો છે. હું તમને બંનેમાંથી કોઈને પણ કહી શકું એમ નથી. તારી સાથે આ જે માણસ આવ્યો છેને , એ બહુ સારો વ્યક્તિ છે. એણે બહેન માની છેને તને?"

"હા કાકા."

"એ તને બહેન કરતા પણ વિશેષ રાખશે. તું પણ એનું ધ્યાન રાખજે."

અવની તેને પગે લાગી.

"આનંદી રાહા." (ખુશ રહેજે)ના તેની પાસેથી આશીર્વાદ લઈ તે પોતાના પિતાને પગે લાગવા ચાલી પણ તે બે ડગલાં આગળ ચાલ્યા ગયા. અંતે તેણે સૌને નમસ્કાર કર્યા અને રાકેશ સાથે ગાડીમાં બેસી ગઈ. રાકેશ આ બધું બસ મૌન મૂક જોતો હતો. ગાડી ચાલી નીકળી અને એના ગયા પછી વિનાયકભાઈ ચોધાર આંસુડે રડી પડ્યા. કૃણાલ નિર્દોષ સ્વાભાવે પોતાની માને પૂછવા લાગ્યો, "મા, દીદી ક્યાં ગઈ છે? તે કેમ ઘરમાં ન આવી અને ક્યારે પાછી આવશે?" વિનાયકની નજર પોતાના દીકરા કૃણાલ પર પડી તો સોનાલિકા તેને લઈને અંદર જતી રહી અને દરવાજો બંધ કરી દીધો.

વરસાદ ધીમે ધીમે બંધ થઈ ગયો હતો અને રસ્તાના પહાડોને ચીરી ગાડી આગળ ચાલતી હતી. વરસાદ બંધ થઈ ગયો છે એમ જાણી રાકેશે એક જગ્યાએ ગાડી રોકી દેવા કહ્યું. બહાર નીકળી રસ્તાના પહાડોને જોતી અવની શાંત ઉભી રહી. રાકેશે બાજુમાં નાનકડી હોટેલમાંથી એક કપ ડ્રાઈવરને આપ્યો અને બીજા બે કપ પોતે લઈ અવની પાસે ગયો. હાથ આગળ ધરતા તે બોલ્યો:

"લે ગરમા ગરમ ચા. પીય લે."

અવનીએ ચાનો કપ હાથમાં લીધો અને બંને હાથેથી તેને દબાવી એક શાલ ઓઢીને એક પથ્થર પર બેસી ગઈ. રાકેશ પણ તેની બાજુમાં બેસી ગયો. ચાના ઘૂંટ ભરતા-ભરતાં તે અવની સામે જોઈ રહ્યો. અવની ચા ન પીયને બસ શાંત થઈને બેઠી હતી. રાકેશે તેને કહ્યું, "અવની! ક્યા વિચારોમાં ખોવાય ગઈ?"

"કંઈ નહીં, બસ એમજ."

"હા હા, મને ખબર છે અવની. એક સમય હતો. આજે તારી જે હાલત છે એક દિવસ મારી પણ હતી. તને કેવું લાગતું હશે એ હું સમજી શકું છું. પણ ચિંતા નૈ કર. હું છુંને તારી સાથે. કોઈ જાતની તકલીફ હું તારા પર નહિ આવવા દઉં."

તેણે પોતાના ભાઈના ચેહરા પર જે આશા જોઈ તેને શિવાકાકાએ કહેલા વહેણ યાદ આવ્યા. એને એ વિશ્વાસ બેઠો કે હું એટલું જ કરીશ જેટલું મારો આ ભાઈ કહેશે. મારો ભાઈ મને કોઈ દિવસ દુઃખી નહિ કરે કે કોઈ દિવસ મારું અહિત થતું હશે એવું નહિ થવા દે. રાકેશ તેની તકલીફ સારી રીતે જાણતો હતો કારણ કે એ પણ પોતાના પરિવારથી કંઈક આ રીતે જ અલગ થયેલો. અવનીને પોતાનો ભાઈ એકલો છે એ તો ખબર હતી પરંતુ તેની પાછળનું કારણ ખબર ન્હોતી.

તેણે અવનીને ચા પીવરાવી અને બનેં ફરીથી ભીંજાયેલી હાલતમાં ગાડીમાં પાછા બેસી ગયા. રસ્તામાં તે અવની સાથે જાત-જાતની વાતો કરે અને અવની પણ તેની વાતોને ધ્યાનથી સાંભળે અને એના જીવન વિશે પૂછે. રાકેશે અવનીને પોતાના ભૂતકાળની તમામ વાતો કરેલી. અવનીને રાકેશ અને રાધિકા વિશે તેમજ આજ સુધી એના જીવનમાં જેટલા પાત્રો આવ્યા એ દરેક વિષે ખબર હતી. એણે પણ પોતાના જીવનની ચોપડી રાકેશ સામે ખોલી નાંખેલી. મુંબઈ પાછા આવ્યા બાદ અવનીએ રાકેશના ભરોસે પોલીસ ફરિયાદ કરી અને રાકેશે પોતાની બહેનના ગુનેહગારના ગુનાહને સાબિત કરી બરોબરની સજા અપાવી.

અહમના ગયા પછી છેલ્લા ત્રણ માસમાં આ દરેક ઘટનાઓ બની ગઈ જેની જાણ કોઈને ન પડી. એટલે જ જયારે તે રાકેશ સાથે આવી તો તેની ઓફિસનો સ્ટાફ પણ એને ઓળખી ન શક્યો. અવનીનું મન લાગ્યું રહે તે માટે તેણે ભાઈને કહી રસોઈનો ક્લાસ જોઈન કર્યો. અંતે રાકેશનું મિટિંગ માટે આવવાનું થયું ત્યારે અવનીએ જીદ્દ કરી કે તે એની સાથે આવશે અને બીજી જગ્યાઓમાં ભટકવા કરતા સુરતમાં પોતાનું જે ઘર છ ત્યાં જ રહીએ. પોતાની બહેન માટે રાકેશે પોતની ઓફિસ અને સ્ટુડીઓનું કામ મેનેજ કરી સુરત પાછા આવવું પડ્યું. અવનીની ઈચ્છા પણ એવી જ કૈંક હતી કે "મારો આ ભાઈ મારા માટે લડ્યો. પણ એની સાથે જે ખોટું કરવા વાળા છે એને મારે જોવા છે. એ કોણ છે જેના લીધે આટલો મોટો માણસ હોવા છતાં મારો ભાઈ શાંતિથી કોઈ એક ઠેકાણે રહી ના શક્યો."

હકીકતમાં ઓળખની કોઈ જરૂર જ નહોતી. કારણ કે અવની દરેકને જાણતી હતી. એને બધાની માહિતી હતી. બાકી તો એટલું જ હતું કે બધાને તેણે નજરો નજર જોવાના હતા. એ પણ પોતાની બહેનને સારી રીતે જાણતો હતો અને કોઈ તકલીફ ન પડે તે માટે રાકેશે પોતાની બહેનને પહેલા જ સમજાવી દીધી કે કોઈ સાથે તકરાર ના કરતી. આજે અવનીએ રાકેશના જીવન સાથે સંકળાયેલા અનેક લોકો સાથે પોતાનો પરિચય કરાવ્યો.