Oral - Review books and stories free download online pdf in Gujarati

આંગળિયાત - સમીક્ષા

પુસ્તકનું નામ:- આંગળિયાત

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ ખેડાના તરણોલ ‍‍(હાલમાં આણંદ તાલુકો) ગામમાં થયો હતો. જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે. આંગળિયાત, લક્ષ્મણની, અગ્નિપરીક્ષા, મારી પરણેતર, મનખાની મિરાત, બીજ ત્રીજનાં તેજ, આજન્મ અપરાધી, દાદાનો દેશ, માવતર, અમર ચાંદલો, દરિયા,ભીની માટી કોરાં મન, સંગવટો વગેરે તેમની નવલકથાઓ છે. વ્યથાનાં વિતક,વ્હાલનાં વલખાં, મારી ભિલ્લું, જીવતરનાં નટારંગ, જનમ જલાં, માણસ હોવાની યંત્રણા, न ये चांद होगा,રામનાં રખોપાં, લખ્યા લલાટે લેખ વગેરે તેમના લખેલા રેખાચિત્રો છે. સાધનાની આરાધના, પન્નાભાભી, આગળો, ફરી આંબા મ્હોરે, આર્કિડનાં ફૂલ, ભવાન ભગત વગેરે તેમની ટૂંકી વાર્તાઓ છે. તેમની ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તેમને સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧), સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪), અભિવાદન ટ્રોફી ‌(૧૯૮૭), મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯), ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦), કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક (૧૯૯૫) પ્રાપ્ત થયા છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : આંગળિયાત

લેખક : જોસેફ મેકવાન

પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન અમદાવાદ

કિંમત : 250 ₹.

પૃષ્ઠ સંખ્યા : 310

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. સ્ત્રીની આંગળી પકડેલો બાળકનો નાજુકડો હાથ પુસ્તકના કવરપેજ પર દર્શાવાયો છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

આંગળિયાત જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રકાશિત એક જાનપદી નવલકથા છે, જે ચરોતરના પદદલિત-વણકરોના જીવનની સમસ્યાઓનું વર્ણન કરે છે. નવલકથા સમાજમાં દલિતોના શોષણની સાથે સાથે સામાજિક સંદર્ભમાં ન્યાય, સમાનતા, માનવતા જેવા મુદ્દાઓને ઉજાગર કરે છે. વાલજી અને ટીહો બંને સ્વમાની દલિત યુવકો મોદ-માદરપાટ-પછેડી જેવાં કાપડ વણી-વેચીને જીવે છે, પણ સવર્ણોની પજવણી એમનાથી વેઠાતી નથી. એ માટેના સંઘર્ષમાં વાલજીનું કમોત થાય છે. એ પછી એની વિધવા કંકુ અને ટીહાને ચાહવા છતાં નહિ પામી શકતી મેઠીના જીવનની વ્યથાવેદનાઓમાં કથા આગળ ચાલે છે. ગંદા રાજકારણની સાથે આઝાદી પછીય કાયદો હાથમાં લઈ શોષણ કરતા સવર્ણો સાથેનો સંઘર્ષ છે. વળી દલિત નારીઓને તો એમની જ્ઞાતિના આગેવાનો તથા કુટુંબીજનો વડે થતો અન્યાય પણ વેઠવો પડે છે. આ બધું વેઠતી અને સ્વજનોને પ્રેમ આપતી, જાતને ઘસી નાખીને પ્રિયજનોને સુખી કરવા મથતી પ્રજાનો સંઘર્ષ અહીં સુપેરે આલેખાયો છે. ભવાન ભગત જેવા આ પ્રજાના મોભી વૈદું કરીને એમનાં તન દુરસ્ત રાખે છે તો સચ્ચાઈ, કર્મઠતા, નિર્ભીકતા અને ભાવનાભક્તિ દ્વારા એમનાં મન પણ દુરસ્ત રાખે છે. ચરિત્રચિત્રણની રીતેય આ કથા હૃદયંગમ છે. ઉપેક્ષિત સમાજનું આવું બળવાન ચિત્રણ ભારતીય ગ્રામજીવનની અવદશાને ચીંધે છે. આ નવલકથામાં શોષક-શોષિત વર્ગના સંઘર્ષોનું યથાર્થ ચિત્રણ લેખકે એવી ભાવભાવનાથી કર્યું છે કે સંવેદનશીલ ભાવક વ્યથિત બની જાય.

 

શીર્ષક:-

‘આંગળિયાત’ જે મુખ્ય શીર્ષક છે તેનો અર્થ એ છે કે જયારે કોઈ એક સ્ત્રી છૂટાછેડા લઇ ને બીજા લગ્ન કરે, ત્યારે જે બાળક તેની સાથે હોય છે, તેને આંગળિયાત કહેવાય છે. ‘વાલજી’ના છોકરાને બધાં આંગળિયાત કહે છે. આમ, આ શીર્ષક બંધબેસતું જણાય છે.

 

પાત્રરચના:-

વાલજી, ટીહો, દાનો, જીવણ તથા કંકુ અને મેઠી જેવાં નારી પાત્રો આ નવલકથાનું હાર્દ છે. વાર્તાનાં પાત્રો ભીની માટીની સોડમવાળાં છે. તેની જીવંતતા ભાવકને સ્પર્શી જાય તેવાં સાચુકલા પાત્રોની છે. આ પાત્રો શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રસંગે તેમનાં પાત્રો આગવી ઓળખ ઊભી કરે છે. તેથી પાત્ર વિકસતું-ઘડાતું આવે છે. આ નવલકથાનું અસ્તિત્વ એના પાત્રોને કારણે કાયમ ટકી રહે છે.

 

સંવાદો/વર્ણન:-

વસ્તુ-સંકલનાની દ્રષ્ટિએ ‘આંગળિયાત’ ધ્યાનાર્હ છે. નાનાવિધ પ્રસંગોની ફૂલગૂંથણીમાં ક્યાંય સાંધો જોવા મળતો નથી. કૃતિમાં વિધ-વિધ ઘટનાઓને કારણે લેખક સળંગ કથાસૂત્રતા જાળવી શક્યા છે. કૃતિ અનેક ઘટનાઓથી ભરચક છે. આ ભરચક કથાપ્રવાહ કૃતિત્વને અહર્નિશ ગતિમાં રાખે છે. શીલાપુરમાં કાપડનું વેચાણ કે મેઠીની છેડતી, પટેલો સાથે નાયકનું ધીંગાણુ, મેઠીનું અપહરણ, વાલજીનું મૃત્યુ, કંકુનું દિયરવટુ, ટીહા-વાલીના લગ્ન, મેઠીનું એકલા રહેવું, ટીહાનું મૃત્યુ થતાં મેઠીનો અઢારમાં દિવસે પ્રાણત્યાગ...વગેરે મુખ્યકથા પ્રવાહો ‘આંગળિયાત’ નવલકથાને જાન બક્ષે છે. અહીં સર્જકનો મુખ્ય ઉદેશ્ય દલિત સમાજની વાતને અભિવ્યક્ત કરવાનો રહેલો છે. જોસેફ પોતે કહે છે તેમ- “એક આથમી ગયેલી સંસ્કૃતિ અને આયાસપણે વિસારે પાડવામાં આવી રહેલ સામાજિકતાની વાત છે. ‘આંગળિયાત’ એ સમાજ વ્યવસ્થાની પુન:પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્યશીલતાનાં પુરસ્કારનો ઉદેશ છે. ઈ.સ. ૧૯૩૫ થી માંડીને ૧૯૬૦ સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉલ્લેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે.”

લેખનશૈલી:-

પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે. નવલકથાની ભાષાશૈલી પ્રભાવકની સાથે-સાથે પ્રવાહી, વેગવંતી, અર્થસભર અને સક્ષમ છે. નવલકથામાં મુખ્યત્વે દલિત લોકબોલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આંગળિયાત રસાત્મક દ્રષ્ટિએ પણ સીમાચિન્હરૂપ નવલકથા છે. 'આંગળિયાત' નવલકથા સવર્ણ અને વણકર જાતિ વચ્ચે થતાં સંઘર્ષની કથા તો છે જ પરંતુ તેની સાથે-સાથે વણકર સમાજનાં પ્રતિનિધિ ટીહો અને મેઠીની પ્રણયની કથા પણ બની રહે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

'આંગળિયાત'નો ડૉ. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથા છે.

ડૉ . મંજુ ઝવેરી કહે છે: 'આંગળિયાત' નવલકથા વાંચતાં જાણે કે હું એક જુદી જ સૃષ્ટિમાં પ્રવેશ પામી, જેનું પ્રવેશદ્વાર આજ સુધી મારે માટે બંધ હતું. દલિત સાહિત્યના આક્રોશ અને આત્મીયતાથી ઊંચેરી ઊઠતી આ નવલકથામાં પહેલીવાર આત્મવિશ્વાસ અને સંકુલ ભાવન – પરિસ્થિતિનાં દર્શન થાય છે, અફાટ અનુભવ - વિશ્વ લેખક પાસે પડ્યો છે અને એમાં ભળી છે માણસના આંતર મનને પામવાની લેખકની સદૈવ જાગૃત કુતૂહલતા; અને એની સામાજિક ચેતનાને લાગ્યો છે સર્જકત્વનો પાશ. અહીં કોઈક વિરલ સંયોગ સધાયો છે. પ્રથમવાર જ કહેવાતી પછાત અસ્પૃશ્ય કોમના જીવતા જાગતા માણસ એમનું સમસ્ત ભાવવિશ્વ લઈને આપણી સમક્ષ ખડા થઈ જાય છે. આ વિશિષ્ટ કથા હોવા છતાં અનેક સ્તરીય બૃહદ્ માનવની કથા બની રહે છે. લેખક અહીં એક પ્રતિબદ્ધ વ્યક્તિ કરતાં સર્જક તરીકે વધુ પુરવાર થયા છે. (‘ ફાર્બસ ત્રૈમાસિક ' - ૧૯૮૬ )

ડૉ. ધવલ મહેતા કહે છે કે ગુજરાતી ગ્રામકથામાં એ ચોથું મોજું છે . ઝવેરચંદ મેઘાણી – કૃત ‘સોરઠ , તારાં વહેતાં પાણી', પન્નાલાલ પટેલ – કૃત 'માનવીની ભવાઈ' અને રઘુવીર ચૌધરીની ‘ઉપરવાસ - કથાત્રયી' પછી ૧૯૮૬ માં પ્રગટ થયેલી આ આંગળિયાત  એક સીમાસ્તંભ છે. અલબત્ત, એ 'માનવીની ભવાઈ' જેવી મહાનવલ નથી કે 'ઉપરવાસ કથાત્રયી' જેવી સંક્રાન્તિકથા નથી, પણ દલિત સમાજની વેદનાના નિર્દંભ નિરૂપણની કથા તરીકે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.

ડૉ. મોહન પરમાર નોંધે છે કે જે સમાજમાં જન્મીને એમને અસહ્ય અપમાનો સહન કરવા પડ્યાં તે સમાજનું દસ્તાવેજી ચિત્રણ આ કૃતિમાં જે રીતે ઉપસ્યું છે તે જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે ભલે આ કૃતિ કલાનાં માપદંડોમાં ઊણી ઉતરતી હોય પણ પોતાની ભીતરમાં સળવળતી વેદનાનું વિશ્વ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. હરીન્દ્ર દવે 'આંગળિયાત' નવલકથા અંગે કહે છે.."આ નવલકથા આપણી વણ ખેડાયેલી ભોમને ફલક બનાવે છે, એ માટે જ નહી, એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમે છે." તો સ્વયં લેખકે 'આંગળિયાત'ને "મારી ધરતીની મહેક" તરીકે ઓળખાવી છે.

કવિશ્રી ઉમાશંકર જોષી ‘આંગળિયાત’ ને આ રીતે નવાજે છે- “તમે ‘આંગળિયાત’ ને ઉજાગર કરતા નથી, ‘આંગળિયાત’ તમને ઉજાગર કરે છે. ગુજરાતી કલા સાહિત્યમાં એક વિશિષ્ટ રચના આપે છે, એટલું જ નહી ગુજરાતને મળ્યું છે એમ નહી એક વિશાળ સહાનુકંપાવાળો સમજદાર માનવી આ ભાષા બોલનારાઓની વચમાં હરતો ફરતો જોવાનું ભાગ્ય સાંપડે છે ને હૈયાધારણા મળે છે.”

છેલ્લાં વીસ-પચ્ચીસ પાનામાં લેખકે કરેલી ઉતાવળ આ નવલકથાની મોટી મર્યાદા બની રહે છે. જે ચુસ્તતા પૂર્વ ભાગમાં છે, તે ઉતરાર્ધમાં ખંડિત થતી ભળાય છે. સામાજિક સંદર્ભોને પીડિતની નજરે જોવાની વૃતિને લીધે એક પ્રબળ સંઘર્ષની ભૂમિકા ‘આંગળિયાત’ માં જોઈ શકાય છે, પરંતુ વસ્તુસંયોજન ક્યારેક કથળતું માલુમ પડ્યું છે.

 

મુખવાસ:- દલિતો ને સવર્ણોના સંઘર્ષમાં પીસાતા બાળકની કથા એટલે 'આંગળિયાત'.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED