ભૂતખાનું - ભાગ 1 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 1

HN Golibar

( પ્રકરણ : ૧ )

બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે સામે-એનાથી ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી !

-એ વસ્તુ ઝેરી સાપ કે, એવું કોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું !

-એ હતું એક બોકસ !

-હા ! એક બોકસ !!

-એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું !

બસ, આ સિવાય એવું બીજું કંઈ જ દેખાતું નહોતું કે, જેનાથી ગાયત્રીદેવી એ બોકસને આ રીતના ડરભરી આંખે જોઈ રહે !

પણ ગાયત્રીદેવી કંઈ એવી ડરપોક અને પાગલ પણ નહોતી કે, એક લાકડાના બોકસને જોઈને આમ ડરે ! અને એટલે જરૂર એ બોકસમાં ડરવા જેવું કંઈક હતું, પણ..., પણ શું ?! ?!

અને....,

....અને અત્યારે એ બોકસ એકદમથી હલ્યું !

-એ બોકસમાં..., એ બોકસમાં કંઈક પુરાયેલું હોય અને એ બહાર નીકળવા માટે જોર અજમાવતું હોય ને એના કારણે એ બોકસ હલ્યું હોય એમ એ બોકસ હલ્યું !

ગાયત્રીદેવી એકસાથે એક-બે પગલાં પાછળ હટી, ત્યાં જ જાણે બોકસની અંદરનું ખાનું ખુલ્યું હોય એવો અવાજ સંભળાયો. -ખટ્‌ !

ગાયત્રીદેવીના ચહેરા પરની આંખોમાંનો ડર બેવડાયો, પણ પછી ત્રીજી જ પળે એની આંખોમાંનો એ ડર દબાયો અને હિંમત ને મક્કમતા ડોકાઈ ! તેણે હિંમતનો એક શ્વાસ ભર્યો ને ડાબી બાજુ, કબાટ તરફ વળી.

તેણે કબાટ ખોલ્યું. કબાટમાં નીચેના ખાનામાં પક્કડ, ડિસમિસ અને એક મોટી હથોડી પડી હતી.

તેણે હથોડી હાથમાં લીધી અને પાછી જે ટેબલ પર એ બોકસ પડયું હતું, એ ટેબલ તરફ આગળ વધી.

તે એ ટેબલ નજીક પહોંચી, ત્યાં જ એ બોકસમાંથી અવાજ સંભળાયો !

હા ! એ બોકસમાંથી જ અવાજ સંભળાયો હતો ! કાચા-પોચા હૃદયના માણસને ડરાવી દે ને ત્યાંથી ભગાવી દે એવો અવાજ સંભળાયો હતો : ‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી !!’

ગાયત્રીદેવીને લાગ્યું કે, તેની હિંમત વિખરાઈ રહી છે, પણ તેણે પરાણે હિંમત જાળવી. તેણે હાથમાંની હથોડી એ બોકસ પર મારવા માટે હાથ અધ્ધર કર્યો અને જોશભેર હાથમાંની હથોડી એ બોકસ પર મારવા ગઈ, પણ ત્યાં જ જાણે અધ્ધર હવામાં જ કોઈએ તેનો હાથ પકડી લીધો. તેણે અધ્ધર, હાથ તરફ જોયું.

-કોઈ અદૃશ્ય શક્તિએ અધ્ધર જ તેનો હાથ પકડી લીધો હતો !

તેણે એ અદૃશ્ય શક્તિની પકડમાંથી પોતાનો હાથ છોડાવવા માટે જોર લગાવ્યું, પણ તે હાથ છોડાવી શકી નહિ. અદૃશ્ય શક્તિએ તેનો હાથ મચકોડાયો.

કટ્‌ ! તેના હાથનું હાડકું તૂટી જવાની સાથે જ તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી. આની બીજી જ પળે અદૃશ્ય શક્તિએ તેને હવામાં ઊંચકી અને દીવાલ તરફ ફેંકી.

ધમ્‌ ! તે પીઠભેર દીવાલ સાથે ટકરાઈને પાછી જમીન પર ઘુંટણિયે આવીને પડી. અદૃશ્ય શક્તિએ તેના વાળ પકડ્યા અને તેનું માથું નજીકમાં પડેલા કાચના ટેબલ પર અફળાવ્યું.

ખન્‌નન્‌ન્‌‌...! કાચ ફૂટયો ! કાચના ટુકડાં આસપાસમાં વેરાવાની સાથે જ કાચના અમુક ટુકડા તેના ચહેરા પર ખૂંપ્યા. તેના ચહેરામાંથી લોહી નીકળીને જમીન પર ફેલાવા લાગ્યું.

તે કાચના તૂટેલા ટેબલ પર એમ જ પડી રહી. તે બેહોશ થઈ ગઈ.

આની પાંચ મિનિટ પછી ગાયત્રીદેવીનો હસબન્ડ ધરમરાજ અંદર આવ્યો.

‘ગાયત્રી !’ તેણે બૂમ પાડી, ત્યાં જ તેની નજર થોડેક દૂર, લોહી નીંગળતી હાલતમાં પડેલી ગાયત્રીદેવી પર પડી.

‘ગાયત્રી !’ બૂમ પાડતાં તે ગાયત્રીદેવી તરફ દોડયો. તેણે ગાયત્રીદેવીને જોઈ-તપાસી. ગાયત્રીદેવીની ગંભીર હાલતને જોતાં તે ડૉકટરને બોલાવવા માટે મોબાઈલ ફોન લગાવવા લાગ્યો.

 

જેકસને એ નાનકડા બંગલા સામે કાર લાવીને ઊભી રાખી. તે એ બંગલાને નીરખતો કારની બહાર નીકળ્યો. આ બંગલો તેનો પોતાનો જ હતો, પણ હવે એ પામેલાનો થઈ ગયો હતો. પામેલા તેની એક્સ વાઈફ હતી. ત્રણ મહિના પહેલાં જ તેના અને પામેલાના છૂટાછેડા થઈ ગયાં હતાં.

જેકસન અને પામેલા વચ્ચે સમજૂતિ થયા પ્રમાણે તેમની બન્ને દીકરીઓ વારાફરતી એક-એક અઠવાડિયું બન્ને સાથે રહેતી હતી.

જેકસન બંગલાના મેઈન દરવાજા પાસે પહોંચ્યો, ત્યાં જ તેની અઢાર વરસની ખૂબસૂરત દીકરી મરીના હાથમાં પર્સ સાથે બહાર નીકળી : ‘ડેડી ! આવી ગયા ! કેમ છો ?!’

‘સરસ !’ જેકસને કહ્યું, ત્યાં તો મરીના કાર તરફ દોડી ગઈ.

જેકસન મેઈન દરવાજા તરફ પગ આગળ વધારવા ગયો, ત્યાં જ હાથમાં બે બેગ સાથે તેની એક્સ વાઈફ પામેલા આવી પહોંચી. એણે દરવાજા પાસે જ બન્ને બેગ મૂકી દેતાં જેકસનને પૂછયું : ‘કેમ મોડું થયું ?!’

‘છોકરાઓને પ્રેકટિસ કરાવવામાં થોડુંક મોડું થઈ ગયું.’ અને જેકસન દરવાજાની અંદર દાખલ થવા ગયો, ત્યાં જ પામેલાએ તેને રોકયો-ટોકયો : ‘એક મિનિટ, શૂઝ બહાર ઊતાર.’

‘ઓહ ! સોરી !’ કહેતાં જેકસને શૂઝ બહાર ઊતાર્યા અને અંદર દાખલ થયો. તે બાજુના રૂમના દરવાજા પાસે પહોંચીને ઊભો રહ્યો : ‘મારો બધો સામાન કયાં ગયો ?!’

‘પેક કરીને મૂકી દીધો છે !’ પામેલા બોલી : ‘ડેવિડને થોડીક મોટી જગ્યાની જરૂર હતી. મેં તને કહેલું ને કે, અમે બન્ને મળીને જ્વેલરી ડિઝાઈનિંગનું કામ કરવાના છીએ !’

‘હં !’ જેકસને કહ્યું.

‘હું સ્વીટીને બોલાવી લાવું છું !’ કહેતાં પામેલા સ્વીટીના રૂમ તરફ આગળ વધી ગઈ.

જેકસને નિશ્વાસ નાંખ્યો. તેણે અહીં જ પામેલા સાથે વીસ વરસનું લગ્નજીવન વિતાવ્યું હતું. અહીં જ એમની બે દીકરીઓ જન્મી હતી અને મોટી થઈ હતી. અને હવે તે અને પામેલા અલગ થઈ ગયાં હતાં. અને હવે પામેલા તેમના નવા-કુંવારા પાડોશી ડેવિડ સાથે સંબંધ બનાવી રહી હતી.

મેઈન દરવાજા તરફથી અવાજ સંભળાયો, એટલે જેકસને એ તરફ જોયું.

તેનાથી પાંચ વરસ અને પામેલાથી બે વરસ નાનો, ચાળીસ વરસનો ડેવિડ શૂઝ સાથે અંદર દાખલ થયો, એટલે જેકસન બોલી ઊઠયો : ‘શૂઝ બહાર ! પામેલાને આ પસંદ નથી !’

‘હા ! મને પામેલાની પસંદ-નાપસંદનો પૂરો ખ્યાલ છે !’ અને ડેવિડે દરવાજા પાસે શૂઝ ઊતાર્યા.

ત્યાં જ જેકસનની સોળ વરસની દીકરી સ્વીટી દોડી આવી ને જેકસનને વળગી પડી. ‘આવી ગયા, ડેડી !’

‘હા !’

‘ચાલો, જલદી !’ અને સ્વીટી બહાર-કાર તરફ દોડી ગઈ.

જેકસને શૂઝ પહેર્યા.

‘આવી ગયો, ડેવિડ ?!’ અંદરથી આવેલી પામેલાએ પૂછયું.

‘હા !’ કહેતાં ડેવિડ બાજુના રૂમમાં ચાલ્યો ગયો.

જેકસન દરવાજા પાસે પડેલી મરીના અને સ્વીટીની બન્ને બેગો ઊઠાવી અને કાર તરફ આગળ વધ્યો.

‘આવતા શનિવારે બન્નેને વહેલી પાછી મૂકી જજે !’ કહેતાં પામેલા જેકસન સાથે ચાલી : ‘બન્નેની તબિયતનું ધ્યાન રાખજે. અને સ્વીટી જરાપણ ઠંડું ખાય-પીએ છે તો તુરત જ એને શરદી થઈ જાય છે. બન્નેને વેજિટેબલ અને ફ્રૂટ જ ખવડાવજે. બહારની વસ્તુઓ અને એમાંય ખાસ કરીને એમને બર્ગર-પીઝા તો હરગિઝ ખવડાવીશ નહિ !’

‘...બોલાઈ ગયું,  બધું !’ ડીકીમાં બન્ને બેગો મૂકીને કારની ડ્રાઈવિંગ સીટના દરવાજા પાસે પહોંચીને જેકસન મલકયો : ‘પામેલા ! આ બન્ને મારી જ દીકરીઓ છે !’

‘હા !’ પામેલા બોલી.

‘હું જાઉં !’ અને જેકસન પોતાની બન્ને દીકરીઓને કારમાં લઈને ત્યાંથી આગળ વધી ગયો.

જેકસને થોડીક મિનિટો પછી તેના ભાડાના ઘર પાસેથી કાર આગળ વધારી એટલે સ્વીટી બોલી ઊઠી : ‘ડેડી ! આપણું ઘર તો પાછળ ગયું ? આપણે કયાં જઈ રહ્યા છીએ ?!’

‘આપણાં નવા ઘરે !’ જેકસને કહ્યું : ‘આપણે ભાડાનું ઘર છોડીને આપણું પોતાનું નવું ઘર ખરીદી લીધું છે !’

સાંભળીને સ્વીટી અને મરીના બન્ને ખુશ થઈ ઊઠી. પણ ગોવાના અરમ્બોલ બીચથી થોડેક દૂર, અલગ-થલગ આવેલા બંગલા પાસે પહોંચતાં જ બન્નેના ચહેરા પરની ખુશી ઝાંખી પડી ગઈ : ‘ડેડી ! આ ઘર તો દૂર ને એકલવાયું છે.’

‘પણ કેટલું સુંદર છે ! અહીં રોજ સવારે બે પોપટ આવે છે અને મોર પણ આવે છે !’

‘એમ...?!’ મરીના અને સ્વીટી બન્ને એકસાથે જ બોલી.

‘હા !’ જેકસન કારમાંથી બહાર નીકળતાં બોલ્યો : ‘વળી તમે અંદર જુઓ તો ખરા ! તમે ખુશ થઈ જશો !’

અને અંદરથી બંગલો જોતાં જ મરીના અને સ્વીટી પાછી ખુશ થઈ ઊઠી-ઝૂમી ઊઠી.

રાતના જેકસન પોતાની બન્ને દીકરીઓ મરીના અને સ્વીટી સાથે ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠો હતો, ત્યાં જ સ્વીટી બોલી :  ‘ડેડી ! મમ્મી આ બંગલો જોશે તો ખુશ-ખુશ થઈ જશે !’

‘સ્વીટી !’ મરીના બોલી : ‘મમ્મી અને ડેડીના ત્રણ મહિના પહેલાં ડિવૉર્સ થઈ ગયા છે.’

‘મરીના !’ જેકસને કહ્યું : ‘જવા દે, વાત !’

‘ડેડી !’ મરીના બોલી : ‘સ્વીટી હવે મોટી થઈ ગઈ છે. એને એ સમજાવવું જોઈએ કે, તમે અને મમ્મી હવે કયારેય એકસાથે નહિ રહી શકો !’

જેકસને સ્વીટી સામે જોયું : ‘સ્વીટી ! મેં અને તારી મમ્મીએ એ નક્કી કર્યું છે કે, અમે જૂની વાતો યાદ નહિ કરીએ, અને આપણે પણ મમ્મી સાથેની જૂની વાતો યાદ નહિ કરીએ !’ જેકસને કહ્યું : ‘ચાલો, ખાવાનું ખાઈએ !’

‘હા !’ સ્વીટી બોલી : ‘પીત્ઝા ખાઈએ !’ અને સ્વીટીએ પીત્ઝાનું બોકસ ખોલ્યું.

‘હા, પણ મમ્મીને જઈને કહેતી નહિ કે, મેં તમને પીત્ઝા ખવડાવેલા !’

‘મમ્મીને નહિ કહેવાના પાંચસો રૂપિયા થશે !’ સ્વીટી બોલી.

‘અને આ માટે તમારે મને પૂરા એક હજાર રૂપિયા આપવા પડશે !’ મરીના પણ બોલી અને ત્રણેય બાપ-દીકરીઓ હસી પડયાં.

જેકસને ગાયત્રીદેવીના બંગલાની બહાર કાર લાવીને ઊભી રાખી.

ગાયત્રીદેવીના બંગલાની બહારના મોટા ગાર્ડનમાં એની એન્ટીક ઘરવખરી-અરીસો, સોફા, ખુરશીઓ, વગેરે સેલ-વેચાણ માટે મૂકવામાં આવી હતી.

જેકસન પોતાના નવા ઘર માટે થોડીક વસ્તુઓ ખરીદવા માટે અહીં આવ્યો હતો. તે કારમાંથી ઊતર્યો એટલી વારમાં તો મરીના અને સ્વીટી બન્ને જણીઓ કારમાંથી ઉતરીને ગાર્ડનમાં પડેલી વસ્તુઓ તરફ દોડી ગઈ.

જેકસન પણ ગાર્ડનમાં મુકાયેલી વસ્તુઓ તરફ આગળ વધ્યો. તેને સોફા ખરીદવામાં રસ હતો.

ગાયત્રીદેવીનો હસબન્ડ ધરમરાજ કબાટ પાસે ઊભો હતો અને ગ્રાહક સાથે કબાટની કિંમત માટે રકઝક કરી રહ્યો હતો.

જેકસન લાકડાના કોતરણી-વાળા સુંદર સોફા જોવા લાગ્યો.

તો ડાબી તરફ મરીના કોતરણીવાળી લાકડાની ફ્રેમમાં મઢાયેલો અરીસો જોઈ રહી હતી,

તો સ્વીટી જમણી બાજુ પડેલા એક ઊંચા ટેબલ તરફ આગળ વધી રહી હતી. એની નજર એ ટેબલ પર પડેલા લાકડાના બોકસ પર હતી.

હા ! એ એ જ બોકસ હતું, જેમાંથી ગઈકાલે સવારના ગાયત્રીદેવીને અંદરથી ખાનું ખુલવાનો અવાજ સંભળાવાની સાથે જ ‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી !’ એવો અવાજ સંભળાયો હતો !

સ્વીટી એ ટેબલ પાસે પહોંચી અને ટેબલ પર પડેલા એ લાકડાના બોકસને જોઈ રહી.

સ્વીટીને એ બોકસ તરફ જાણે કોઈ જાદુઈ ખેંચાણ થઈ રહ્યું  હતું ! એ બોકસ એના મનને ગમી રહ્યું હતું !!

તો થોડેક દૂર પડેલા સોફા પાસે ઊભેલા જેકસનને સોફા ગમી ગયા હતા. તે સોફાની કિંમત માટે ધરમરાજ સાથે વાત કરવા માટે આગળ વધ્યો, ત્યાં જ ત્યાં જ તેના કાને સ્વીટીની બૂમ સંભળાઈ : ‘ડેડી !’

જેકસને જોયું તો સ્વીટી હાથમાં પેલું લાકડાનું બોકસ લઈને તેની તરફ આવી રહી હતી.

સ્વીટી તેની નજીક આવીને ઊભી રહી. ‘ડેડી !’ સ્વીટી પોતાના હાથમાં પકડાયેલું બોકસ સહેજ અધ્ધર કરતાં બોલી : ‘મારે આ બોકસ લેવું છે !’

‘ભલે, લઈ લે !’ જેકસને કહ્યું, ત્યાં જ મરીનાની બૂમ સંભળાઈ : ‘ડેડી ! મને આ મીરર ગમે છે.’

‘ઓ. કે.’ જેકસને કહ્યું : ‘એ પણ લઈ લઈએ છીએ !’ અને જેકસને ધરમરાજ સામે જોયું.

ધરમરાજ પેલા ગ્રાહકથી પરવારી ગયો હતો અને તેની તરફ જ આવી રહ્યો હતો.

‘મારે આ બોકસ તેમજ પેલું મીરર જોઈએ છે !’ જેકસને ધરમરાજ નજીક આવીને ઊભો રહ્યો એટલે કહ્યું.

ધરમરાજે કીંમત જણાવી.

જેકસનને કીંમત વાજબી લાગી, એટલે મંજૂર રાખી અને સોફાની કીંમત પૂછી.

ધરમરાજે એની કીંમત કહી.

જેકસનને એની કીંમત વધારે લાગી એટલે તે કીંમત ઓછી કરાવવા લાગ્યો, ત્યાં જ બાજુમાં હાથમાં બોકસ સાથે ઊભેલી સ્વીટીની નજર કારમાંથી ઊતરીને બંગલાની અંદરની તરફ આગળ વધી જઈ રહેલી પીસ્તાળીસેક વરસની સ્ત્રી પર પડી.

એ સ્ત્રી સ્વીટી તરફ જ જોઈ રહેતાં બંગલાના મેઈન દરવાજા તરફ આગળ વધી રહી હતી.

એ સ્ત્રી બંગલાના મેઈન દરવાજામાં દાખલ થઈ, ત્યાં સુધી સ્વીટી તરફ જોઈ રહી અને પછી અંદર ચાલી ગઈ ને દેખાતી બંધ થઈ ગઈ.

સ્વીટીની નજર મેઈન દરવાજાથી થોડેક દૂર આવેલી મોટી બારી તરફ વળી.

એ બારીની અંદર-બારી પાસેના પલંગ પર ગાયત્રીદેવી લેટેલી પડી હતી. એના ચહેરા પર પાટાપીંડી થયેલી હતી.

ગાયત્રીદેવીની નજર અચાનક હાથમાં પેલું લાકડાનું બોકસ લઈને ઊભેલી સ્વીટી પર પડી અને એેની આંખોમાં ભય આવવાની સાથે જ એ બેઠી થઈ.

બારીથી થોડેક દૂર, હાથમાં પેલું બોકસ લઈને ઊભેલી સ્વીટીને હવે ગાયત્રીદેવી દેખાઈ. ગાયત્રીદેવીનો પાટાપિંડીવાળો દેખાવ જોઈને સ્વીટી ગભરાઈ, ત્યાં જ ગાયત્રીદેવીએ જાણે કંઈ કહેવા માંગતી હોય એમ પોતાનું મોઢું ખોલાવાનો પ્રયત્ન કરવાની સાથે જ જોરથી બારીના કાચ પર પોતાનો પટા-પ્લાસ્ટરવાળો હાથ પછાડયો. એ જ પળે હજુ હમણાં જ અંદર ગયેલી પેલી સ્ત્રીએ દોડી આવીને સ્વીટી તરફ કંઈક વિચિત્ર નજરે જોયું અને બારી પર પડદો પાડી દીધો.

સ્વીટી હાથમાંના પેલા બોકસ સાથે કાર તરફ દોડી અને બોકસ સાથે કારની પાછલી સીટ પર બેસી ગઈ !

(ક્રમશઃ)