ભૂતખાનું - ભાગ 3 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 3

( પ્રકરણ : ૩ )

સ્વીટીને લાગ્યું હતું કે, પલંગ પર પડેલું એ વિચિત્ર જીવડું હજુ પણ જીવતું છે અને પોતાની મોટી-ગોળ આંખોથી તેને જોઈ રહ્યું છે અને આંખો-આંખોમાં જ તેને કંઈક કહી રહ્યું  છે ! અને એટલે તે એ મરેલા જીવડા સામે જોઈ રહી હતી.

‘શું થયું, સ્વીટી ?!’ અત્યારે સ્વીટીના કાને તેના ડેડી જેકસનનો અવાજ પડયો, એટલે સ્વીટીએ પલંગ પર પડેલા જીવડા પરથી નજર હટાવીને સામે ઊભેલા જેકસન સામે જોયું. ‘ડેડી !’ સ્વીટી બોલી : ‘તમે આને મારી નાંખીને ખૂબ જ ખોટું કર્યું છે !’

‘લે, સ્વીટી ?!’ જેકસન બોલ્યો : ‘આ તો એક જીવડું હતું ?! અને આવા વિચિત્ર ને ભયાનક લાગતા જીવડાને મારીને તે વળી મેં શું ખોટું કર્યું છે ?!’

સ્વીટી કંઈ બોલી નહિ. એણે પલંગ પર પડેલા જીવડા તરફ એક નજર નાંખી અને પછી ચાવી દીધેલી પૂતળીની જેમ રૂમની બહારની તરફ આગળ વધી ગઈ.

‘બન્ને જબરી છે, મારી બેટીઓ !’ બબડતાં જેકસને પલંગ પર પડેલા મરેલા પડેલા એ જીવડાને બે આંગળીથી પકડયો અને બારી નજીક પહોંચ્યો.

તેણે બારી ખોલી અને એ મરેલા જીવડાને બારી બહાર ફેંકયું.

જીવડું જમીન પર જઈ પડયું.

જેકસને બારી પાછી બંધ કરી.

બંધ બારી બહાર-જમીન પર મરેલા પડેલા એ જીવડામાં જાણે પાછો જીવ આવ્યો. એ જીવડું સળવળ્યું, એણે પોતાની પાંખો ફફડાવી અને પછી સામેના ઝાડ તરફ ઊડી ગયું !

સવારના દસ વાગ્યા હતા.

મરીનાની કોલેજમાં કલ્ચરલ ફેસ્ટીવલ હતું અને એમાં મરીનાએ ડાન્સમાં ભાગ લીધો હતો. તે અત્યારે મોટા અવાજે વાગી રહેલા મ્યુઝિક પર પોતાના ડાન્સની પ્રેક્ટિસ કરી રહી હતી. નજીકમાં જ સ્વીટી સોફા પર બેઠી હતી.

સ્વીટી જાણે કોઈ બીજી દુનિયામાં હોય, જાણે તેને કાનમાં મ્યુઝિક સંભળાતું ન હોય એમ તે બેઠી હતી. તેની નજર તેણે ગઈકાલે અડધી રાતના પેલા લાકડાના મોટા બોકસમાંથી કાઢેલી અને જમણા હાથની આંગળીમાં પહેરેલી અંગૂઠી તરફ તકાયેલી હતી.

ત્યાં જ અત્યારે હવે ડાન્સ કરી રહેલી મરીનાનું ધ્યાન સ્વીટી પર પડયું. બે પળ શાંત નહિ બેસનારી સ્વીટીને આમ ચુપચાપ બેઠેલી જોઈને મરીનાને કંઈક અજુગતું લાગ્યું.

મરીનાએ મ્યુઝિકનો અવાજ ધીમો કર્યો અને સોફા પર બેઠેલી સ્વીટીની નજીક પહોંચી.

‘સ્વીટી !’ મરીના સ્વીટી પાસે વાંકી વળીને ઊભી રહેતાં બોલી.

સ્વીટી જાણે બીજી દુનિયામાંથી પાછી ખેંચાઈ આવી હોય એવી રીતના ઝબકી અને પછી તેણે નજીકમાં ઊભેલી મરીના સામે જોયું.

‘તને શું થયું છે, સ્વીટી ?!’ મરીનાએ સ્વીટીને પૂછયું : ‘તું આમ ચુપ કેમ બેઠી છે ?!’

‘મને કંઈક વિચિત્ર લાગી રહ્યું છે ?!’ સ્વીટી બોલી.

‘વિચિત્ર એટલે ?!’ મરીનાએ મૂંઝવણ સાથે પૂછયું : ‘વિચિત્ર એટલે કેવું લાગી રહ્યું છે ?!’

‘..મને કંઈ સમજમાં નથી આવતું !’

‘...એટલે ?!’ મરીનાએ સ્વીટીની બાજુમાં સોફા પર બેસતાં પૂછયું : ‘તું કહેવા શું માંગે છે ?’

સ્વીટી પળ બે પળ મરીના સામે જોઈ રહી, પછી તે હળવેકથી બોલી : ‘મરીના ! મને..., મને એવું લાગી રહ્યું છે કે, હું.., હું નથી પણ, હું તે કોઈ બીજી જ વ્યક્તિ છું !!!’

મરીનાને સ્વીટીની આ વાતનો મતલબ સમજાયો નહિ, પણ આ વાત પાછળનો મતલબ એ સમજી ગઈ હોય એમ બોલી : ‘સ્વીટી ! મને ખબર છે કે, આપણાં મમ્મી-ડેડીનું આમ અલગ થઈ જવાનું તને ગમ્યું નથી, પણ...પણ આમાં આપણે કંઈ જ કરી શકીએ એમ નથી.’ મરીનાએ જાણે નિશ્વાસ નાંખ્યો : ‘આપણે બચ્ચા છીએ અને બચ્ચાઓએ મોટાઓની ભૂલોના ભોગ બનવું જ પડે છે.’

‘પણ..,’

‘સ્વીટી !’ મરીના સ્વીટીની વાત કાપતાં બોલી : ‘મારું માનવું છે કે, તું મમ્મી-ડેડીના આમ અલગ થઈ જવા વિશે વિચારવાનું છોડી દઈશ તો એ વધુ સારું રહેશે !’ અને મરીના સોફા પરથી ઊભી થઈ ગઈ.

મરીનાએ મ્યુઝિકનો અવાજ ફરીથી મોટો કર્યો અને એ મ્યુઝિક પર ડાન્સની પ્રેક્ટિસ કરવા લાગી.

સ્વીટી મરીનાને જોઈ રહી !

સ્વીટી મરીનાને એવી રીતના જોઈ રહી જાણે સ્વીટી પોતે નહિ, પણ કોઈ બીજી જ વ્યક્તિ મરીનાને જોઈ રહી હોય !!

અઠવાડિયું પૂરું થયું અને જેકસન પોતાની કારમાં સ્વીટી અને મરીનાને લઈને તેની એકસ વાઈફ પામેલાને ઘરે પહોંચ્યો, ત્યાં જ પામેલા ઘરના મેઈન દરવાજે દોડી આવી.

સ્વટી અને મરીના ઝડપથી કારમાંથી બહાર નીકળી અને પામેલા તરફ દોડી ગઈ.

બન્ને જણીઓ પામેલાની નજીક પહોંચીને પામેલાને ભેટી પડી.

‘કેમ છે, મારી બન્ને રાજકુંવરીઓ !’ પામેલાએ પૂછયું.

‘ફાઈન, પણ મેં તને ખૂબ જ મિસ કરી, મમ્મી !’ સ્વીટી મરીનાથી અળગી થતાં બોલી.

‘અને મેં પણ તને ખૂબ જ યાદ કરી, મમ્મી !’ બોલતાં મરીના પણ પામેલાથી છુટી પડી.

‘..ડેડી સાથે મજા આવી ?!’ જેકસન હાથમાં મરીના અને સ્વીટીની બેગો સાથે નજીક આવીને ઊભો રહ્યો, ત્યાં જ પામેલાએ બન્ને દીકરીઓને પૂછયું.

‘હા, ડેડી સાથે મજા-મજા આવી ગઈ !’ સ્વીટી બોલી.

‘અને મમ્મી !’ મરીના બોલી : ‘ડેડીએ અમને પીઝા ને બર્ગર ખવડાવ્યા !’

‘...એ બહારના પીઝા-બર્ગર નહોતાં !’ જેકસને બન્ને હાથમાં પકડાયેલી બેગો નીચે મૂકી : ‘અસલમાં મારા નવા ઘરમાં પીઝા અને બર્ગરના ઝાડ છે !’

‘જેકસન ! મેં તને...’ પામેલા આગળ બોલે એ પહેલાં જ મરીના અને સ્વીટીએ નીચે પડેલી પોત-પોતાની બેગો ઊઠાવી અને ‘ચાલો, ડેડી ! અમે અંદર જઈએ છીએ, બાય !’ એવું એકસાથે કહેતાં બન્ને જણીઓ મેઈન દરવાજાની અંદર દાખલ થઈ ગઈ.

‘સ્વીટી-મરીના ! હું અંદર આવું છું અને તમને બન્નેને પેટની અને એલર્જીની દવા આપું છું !’ મરીના અને સ્વીટીને કહીને પામેલાએ પાછું જેકસન સામે જોયું : ‘જેકસન ! મેં તને પહેલાં પણ કેટલી વાર કહ્યું- સમજાવ્યું છે કે, મરીના અને સ્વીટી બહારની કોઈ પણ વસ્તુ ખાય છે તો એમના પેટમાં ગરબડ થઈ જાય છે ! એમને બહારની ફાસ્ટ ફૂડની એલર્જી છે, અને....’

‘...એક મિનિટ, પામેલા !’ જેકસન પામેલાની વાતને કાપતાં બોલ્યો : ‘મેં એમને એલર્જીની ટેબલેટ પીવડાવી દીધી છે, એટલે તું જરાય ટેન્શન ન લે !’

અને પામેલાએ મોઢામાંથી એક લાંબો શ્વાસ બહાર કાઢવાની સાથે જ જાણે જીભ પરના બાકીના શબ્દો પણ બહાર કાઢી મૂકયા.

‘પામેલા !’ જેકસને કહ્યું : ‘હું મારો થોડોક સામાન સાથે લેતો જાઉં ?!’

‘હા, શ્યોર !’ પામેલા બોલી.

જેકસન મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો.

તે મેઈન દરવાજામાં દાખલ થયો તો તેને દરવાજા પાસે જ ગંદા શૂઝ અને મેલાં મોજાં પડેલાં દેખાયા, અને એ જ પળે તેને રસોડામાંથી અવાજ પણ સંભળાયો. તે રસોડા તરફ આગળ વધી ગયો. તેણે રસોડાના દરવાજા બહારથી જોયું તો અંદર પામેલાનો નવો પાડોશી અને પ્રેમી ડેવિડ નાસ્તો તૈયાર કરી રહ્યો હતો.

જેકસન પાછો દરવાજા તરફ ફર્યો. ‘પામેલા !’ તેણે નજીક આવીને ઊભેલી પામેલાને પૂછયું : ‘આ ડેવિડ કીચનમાં શું કરી રહ્યો છે ? શું એ અહીં તારી સાથે રહેવા લાગ્યો છે ?!’

‘નહિ તો !’ પામેલા બોલી : ‘અમે ડેટિંગ કરી રહ્યા છીએ !’ કહેતાં પામેલા બાજુના જેકસનના રૂમ તરફ આગળ વધી.

‘ડેટિંગ ?!’ જેકસન પામેલા પાછળ આગળ વધતાં બોલ્યો : ‘કીચનમાં ડેટિંગ ?!’

‘જેકસન !’ જેકસનના રૂમમાં દાખલ થતાં પામેલા બોલી : ‘તારે એનાથી શું, જેકસન ?!’

‘મેં દરવાજા પાસે પડેલા એના શૂઝ અને શોક્સ જોયાં !’ જેકસન બોલ્યો : ‘એના શૂઝ કેટલા ગંદા છે અને શોકસ પણ કેવા મેલાં-વાસ મારે છે ?!’

‘કમસેકમ ડેવિડ શોકસ તો પહેરે છે ? અને...’ પામેલા બોલી, ‘...અને તું ડેવિડથી કેમ જલે છે ?! ડેવિડ પાસે મારી પાસે રહેવાનો સમય છે ! પણ તારી પાસે ?! તારી પાસે કયારેય મારી પાસે, મારી સાથે રહેવાનો સમય જ કયાં હતો ? બસ, તું તો તારા વૉલિબોલ પાછળ જ...’

‘...બસ-બસ-બસ !’ જેકસન ખુણામાં પડેલા તેના સામાન નજીક પહોંચ્યો : ‘હવે ચુપ કર !’

‘તું તારો કોઈ સામાન અહીં છોડીશ નહિ !’ કહીને પામેલા રોષભેર એ રૂમની બહાર નીકળી ગઈ.

જેકસનના ચહેરા પર દુઃખ આવ્યું-દર્દ આવ્યું, પણ બીજી પળે તેણે એ દુઃખ-દર્દ ખંખેરી નાંખ્યા.

જેકસને બે બેગ ઊઠાવી અને બહારની તરફ આગળ વધી ગયો.

તે બે બેગ કારની ડીકીમાં મૂકીને પાછો પોતાના રૂમમાં આવ્યો, અને બે હેન્ડબેગ લઈને પાછો બહારની તરફ આગળ વધ્યો.

અત્યાર સુધીમાં હવે ડાઈનિંગ ટેબલ પર પામેલાની સામે મરીના અને સ્વીટી બેસી ચૂકી હતી, અને ડેવિડ એમને નાસ્તો પીરસી રહ્યો હતો.

‘મમ્મી !’ મરીનાએ તેની મમ્મી પામેલાને ધુંધવાટભેર કહ્યું : ‘તું એક વાતનો પીછો નથી છોડતી ! મેં તને કહ્યું તો ખરું કે, ડેડીએ ભલે અમને પીઝા-બર્ગર ખવડાવ્યાં પણ એમણે અમને એલર્જીની દવા પણ પીવડાવી દીધી છે !’

જેકસને એક નિશ્વાસ નાંખ્યો અને કોઈને પણ ‘બાય !’ કહ્યા વિના જ મેઈન દરવાજાની બહાર નીકળી ગયો.

તેણે કાર પાસે પહોંચીને હાથમાંનો સામાન ડીકીમાં મૂક્યો. તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને કારને પોતાના ઘર તરફ દોડાવી. તેના ચહેરા પર દુઃખ હતું. તેણે હવે એક અઠવાડિયું તેના પોતાના મોટા ઘરમાં સાવ જ એકલા-અટૂલા રહેવાનું હતું.

જેકસનને એક અઠવાડિયું વરસની જેમ વીત્યું હોય એવું લાગ્યું, પણ પછી એ પામેલાના ઘરેથી મરીના અને સ્વીટીને કારમાં લઈને પોતાના ઘર તરફ આવવા નીકળ્યો, ત્યારે ફરી પાછો મૂડમાં અને આનંદમાં આવી ગયો હતો.

તે મરીના અને સ્વીટી સાથે અહીં-તહીંની વાતો અને મજાક-મસ્તી કરતો ઘર નજીક પહોંચ્યો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ વાગી.

તેણે મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું તો તેના ફ્રેન્ડ આશુતોષનો કોલ હતો. ‘એક મિનિટ, બેટા ! આશુતોષઅંકલનો કોલ છે, હું વાત કરી લઉં !’ મરીના અને સ્વીટીને કહેતાં જેકસને મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને મોબાઈલ ફોન કાન પર મૂકીને એમાં વાત કરી : ‘હા બોલ, આશુતોષ ! ઘણાં દિવસે ફોન કર્યો કેમ ?! મજામાં છે ને ?!’

‘હા, મજામાં છું ! કામમાં હતો, એટલે ફોન કરી શક્યો નહિ !’ જેકસનના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં-સામેથી આશુતોષનો અવાજ સંભળાયો : ‘તારું કોચ માટેનું લગભગ ફાઈનલ થવા જ આવ્યું છે, એ કહેવા માટે મેં તને ફોન કર્યો.’

‘...એની ચિંતા નથી.’ જેકસને મોબાઈલમાં આશુતોષને પૂછયું : ‘બીજું બધું સારું છે ને ?!’

‘હા !’

‘મારા કોચ તરીકેનું જે નકકી થવાનું હોય એ થાય, પણ તું મને અમસ્તોય કોલ કરતો રહેજે !’

‘ચોકકસ !’ મોબાઈલ ફોનમાં સામેથી આશુતોષનો અવાજ સંભળાયો : ‘ચાલ ત્યારે, તબિયત સંભાળજે. પછી વાત કરું છું.’ અને સામેથી કોલ કટ્‌ થઈ ગયો.

જેકસને મોબાઈલ ખિસ્સામાં મૂકયો અને તેની કાર તેના ઘર પાસે પહોંચી હતી એટલે તેણે કાર ઊભી રાખી.

મરીના અને સ્વીટી બહાર નીકળી. જેકસન પણ કારની બહાર નીકળ્યો.

‘ડેડી !’ સ્વીટી જેકસન તરફ જોતાં બોલી : ‘કોલેજમાં મરીનાનો ડાન્સનો પ્રોગ્રામ છે ! એ પહેલીવાર સ્ટેજ પર ઢગલાબંધ લોકો સામે ડાન્સ કરવાની છે !’

‘ગુડ !’ જેકસન બોલ્યો : ‘વેરી ગુડ !’

‘તમે મરીનાનો પ્રોગ્રામ જોવા આવશો ને, ડેડી ?’ સ્વીટીએ પૂછયું.

‘હા-હા ! કેમ નહિ ?!’ જેકસન બોલ્યો : ‘મારે મારી દીકરીના પ્રોગ્રામમાં તો હાજર રહેવું જ પડશે ને !’

‘ડેડી !’ મરીના બોલી : ‘મારા પ્રોગ્રામમાં મમ્મી પણ આવવાની છે,’ અને મરીનાએ પૂછ્યું : ‘તમને કંઈ વાંધો તો નથી ને ?’

‘ના, મને શું વાંધો હોઈ શકે, મરીના ?!’ જેકસન બોલ્યો : ‘પણ હા, તારી મમ્મી ભલે ગમે એ ‘રૉ’માં બેસવાની હોય, પણ હું તો પહેલી ‘રૉ’માં બેસીને જ તારો પ્રોગ્રામ જોઈશ !’

સ્વીટી હસીને ઘરના મેઈન દરવાજા તરફ આગળ વધી ગઈ.

તો મરીના પણ ખુશીથી હસી પડી, પણ એણે અધવચ્ચેથી જ પોતાનું હસવું રોકી લીધું-એણે મોઢું બંધ કરી લીધું.

‘તેં આમ મોઢું કેમ બંધ કરી લીધું, મરીના ?!’ જેકસને પૂછયું, ‘તું મોઢું ખોલીને-ખુલીને હસ ! તારા દાંત સુંદર જ લાગે છે !’

‘ડેડી !’ મરીના બોલી : ‘તમે મને કહેલું કે, હવે હું મોટી થઈ ગઈ છું ! હવે હું મારા નિર્ણયોે જાતે જ લઉં ! અને હું મોઢું ખોલીને હસીને બદસૂરત દેખાવા માંગતી નથી !’

‘તું બદસૂરત દેખાય છે, એવું તને કોણે કહ્યું ?!’

‘હું જાણું છું !’ મરીના ધૂંધવાટ સાથે બોલી : ‘મારા દાંત ખૂબ જ ખરાબ છે ! હું બદસૂરત છું.’

‘તું ખરેખર ખૂબસૂરત છે, મરીના !’ જેકસન બોલ્યો,

આ વખતે હવે મરીનાએ આગળ કંઈ કહ્યું નહિ, અને ઘરના મેઈન દરવાજા તરફ આગળ વધી ગઈ.

જેકસન કારની ડીકીમાંથી મરીના અને સ્વીટીની બેગ કાઢવા માટે ડીકી તરફ ચાલ્યો.

તો અત્યારે ઘરની અંદર, સ્વીટી જમણી બાજુ આવેલા તેના રૂમથી પાંચેક પગલાં દૂર ઊભી રહી ગઈ હતી, અને ડરેલી-ગભરાયેલી નજરે તેના રૂમ તરફ જોઈ રહી હતી.

-તે પોતાના હાથે જ મેઈન દરવાજાનું લૉક ખોલીને અંદર આવી હતી અને તેને તેના રૂમમાંથી કંઈક સળવળાટ..., કોઈક અવાજ સંભળાયો હતો !

‘શું થયું ?!’ તેની નજીક આવીને ઊભી રહેતાં મરીના બોલી : ‘તું અહીં કેમ ઊભી રહી ગઈ છે ?!’ અને હજુ તો મરીનાનો આ સવાલ પૂરો થાય ત્યાં જ ‘ખણીણીણીંગ...!’ એવો અવાજ સ્વીટીના રૂમમાંથી સંભળાયો અને બીજી જ પળે રૂમના દરવાજામાંથી પિત્તળની ફૂલદાની જમીન પર રગડતી બહાર નીકળી આવીને રોકાઈ.

આ જોઈને હવે મરીનાના ચહેરા પર પણ ભય આવી ગયો. ‘સ્વીટીના રૂમમાં કોઈક છે !’ મરીનાના મન-મગજમાં આ વાત ફરી, ત્યાં જ મરીનાના કાને સ્વીટીના રૂમમાંથી આવેલો અવાજ પડયો, ‘ઠક્‌ !’ અને...,

...અને આ સાથે જ મરીનાના મોઢામાંથી બૂમ નીકળી ગઈ : ‘ડેડી !’

‘હા, મરીના !’ હાથમાં મરીના અને સ્વીટીની બેગો સાથે તેમની પાસે આવી પહોંચેલા જેકસને પૂછયું : ‘શું થયું ?!’

અને મરીના કે, સ્વીટી કંઈ જવાબ આપે એ પહેલાં જ સ્વીટના રૂમમાંથી પાછો અવાજ-ફડફડાટ સંભળાયો !

જેકસનની નજર સ્વીટીના રૂમ તરફ દોડી ગઈ.

‘ડેડી ! મારા રૂમમાં કોઈ...’ અને સ્વીટી કંપતા અવાજે પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ જેકસને હોઠ પર આંગળી મૂકીને એને ચુપ રહેવા જણાવ્યું.

સ્વીટી ચુપ થઈ ગઈ.

‘તમે બન્ને અહીં જ ઊભી રહો !’ જેકસને સ્વીટી અને મરીનાના કાનમાં ફૂંક મારતો હોય એમ કહ્યું : ‘હું જોઉં છું !’ અને જેકસન સાવચેત ને બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો.

સ્વીટી અને મરીના ભયભર્યા ચહેરે એકબીજીને વળગીને, જેકસનને એ રૂમના દરવાજા તરફ આગળ વધતો જોઈ રહી !

(ક્રમશઃ)