ભૂતખાનું - ભાગ 4 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 4

( પ્રકરણ : ૪ )

સ્વીટી ઘરના મેઈન દરવાજાનું લૉક ખોલીને અંદર દાખલ થઈ અને પોતાના રૂમથી થોડાંક પગલાં દૂર રહી, ત્યાં જ તેને તેના રૂમમાંથી અવાજ સંભળાયો હતો, એટલે તે ડરીને રોકાઈ ગઈ હતી. ત્યાં જ તેની મોટી બહેન મરીના અને તેના ડેડી જેકસન આવી પહોંચ્યાં હતાં. એ જ પળે રૂમમાંથી પિત્તળની ફૂલદાની બહાર ફેંકાઈ આવી હતી, અને એટલે મરીના પણ ‘અંદર રૂમમાં કોણ હશે ?’ એવા સવાલ સાથે ગભરાઈ ઊઠી હતી.

તો જેકસન ‘આખરે સ્વીટીના રૂમમાં કોણ હતું ?!’ એ જોવા માટે સાવચેત ને બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો હતો.

સ્વીટી અને મરીના એકબીજીને વળગીને, ભયભર્યા ચહેરે જેકસનને એ રૂમના દરવાજા તરફ આગળ વધતો જોઈ રહી હતી.

અત્યારે હવે જેકસન સ્વીટીના રૂમથી માંડ બે પગલાં દૂર રહ્યો, એટલે જાણે સ્વીટી અને મરીનાના જીવ ગળે આવી ગયા.

હવે જેકસન એકસાથે બે પગલાં આગળ વધીને સ્વીટીના રૂમના દરવાજા પાસે પહોંચી ગયો, અને તેણે અંદર રૂમમાં નજર નાંખી. બરાબર એ જ પળે સામેની ખુલ્લી બારીના સળિયા વચ્ચેથી કંઈક બહાર નીકળી ગયું. એ એટલી ઝડપે બહાર નીકળી ગયું હતું કે, જેકસન એ બરાબર જોઈ-સમજી શકયો નહિ કે, એ શું હતું ?!

‘ડેડી !’ સ્વીટીએ કંપતા અવાજે પૂછયું : ‘કોણ..., કોણ છે, અંદર ?!’

‘...કદાચ બિલાડી હતી !’ જેકસને સ્વીટી અને મરીના તરફ જોતાં કહ્યું : ‘મને જોતાં જ એ બારી બહાર ચાલી ગઈ.’

સ્વીટી અને મરીના બન્નેએ જેકસનની પાસે આવીને ઊભી રહેતાં અંદર રૂમમાં નજર નાંખી.

અંદર થોડીક વસ્તુઓ વિખરાયેલી પડી હતી, પણ કોઈ હતું નહી. સ્વીટી અને મરીનાના ચહેરા પરનો ગભરાટ ઊડી જવાની સાથે જ બન્ને જણીઓ હસી પડી.

‘સ્વીટી ! તેં તો અમને ડરાવી જ માર્યાં !’ મરીના બોલી.

‘પણ..’ સ્વીટી બોલી : ‘મને જે રીતના રૂમમાંથી અવાજ સંભળાયો હતો અને બિલાડીએ જે રીતના ફૂલદાની ફેંકી હતી, એ જોઈને તો મને એમ જ લાગ્યું હતું કે, અંદર કોઈ માણસ ભરાઈ બેઠું છે !’

‘મને પણ એમ જ લાગ્યું હતું !’ જેકસન બોલ્યો : ‘ચાલો, હવે ! તમે ફ્રેશ થઈ જાવ, ત્યાં સુધી હું તમારા માટે કંઈક ખાવાનું તૈયાર કરી લઉં છું.’

‘ઓ. કે. ડેડી !’ કહેતાં સ્વીટી અને મરીના પોત-પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ.

રાતના બાર વાગ્યા હતા. ગોવાના અરમ્બોલ બીચથી થોડેક દૂર, અલગ-થલગ આવેલા જેકસનના બંગલાની આસપાસ ભયાનક સન્નાટો છવાયેલો હતો.

બંગલાની અંદર જેકસન અને મરીના પોત-પોતાના રૂમમાં ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં.

સ્વીટી પણ તેના રૂમમાં નિરાંતની નીંદરમાં પડી હતી.

સ્વીટીની પીઠ પાછળ, બારી પાસે ટેબલ પડયું હતું. એ ટેબલ પર પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું.

અત્યારે જાણે એ લાકડાના બોકસમાં જીવ આવ્યો હોય એમ એ લાકડાનું બોકસ સહેજ હલ્યું અને પછી એની અંદરથી-જાણે કોઈ ઊંડી ખાઈમાંથી આવતો હોય એવો, પણ ખૂબ જ સ્પષ્ટ ને ભયાનક અવાજ સંભળાયો : ‘સ્વીટી...!’

અને પલંગ પર નીંદરમાં પોઢેલી સ્વીટીના કાનના પડદા સાથે આ અવાજ અથડાયો, પણ સ્વીટીની ઊંઘમાં ખલેલ પડી નહિ. તે એમ જ ઊંઘમાં પડી રહી.

‘સ્વીટી...!’ આ વખતે ફરી પેલા લાકડાના મોટા બોકસમાંથી ભયાનક અવાજ સંભળાવવાની સાથે જ એ બોકસની ઉપરનું ઢાંકણું આપમેળે ધીમે-ધીમે ખૂલવા માંડયું.

સ્વીટીના કાનના પડદા પર, તેના નામનો આ બીજીવારનો અવાજ પણ પડયો હતો, પણ હજુય એની ઊંઘ તૂટી નહોતી.

તો સ્વીટીની પીઠ પાછળની બારી પાસેના ટેબલ પર પડેલા એ બોકસનું આપમેળે ખુલી રહેલું ઢાંકણું પૂરું ખુલી ગયું. હવે એ બોકસમાંથી ફરીથી અવાજ સંભળાયો : ‘સ્વી....ટી......’

અને આ વખતે સ્વીટીના કાનના પડદા પર આ અવાજ પડવાની સાથે જ તેની ઊંઘમાં ખલેલ પડી. તેને અર્ધઊંઘમાં એવું લાગ્યું કે, તેને કોઈ તેનું નામ લઈને તેની તરફ બોલાવી રહ્યું છે.

‘સ્વી..ટી.....!’ આ વખતે પેલા આપમેળે ખુલી ગયેલા બોકસમાંથી નીકળેલો અવાજ સ્વીટીના કાનના પડદા સાથે અફળાયો ને સ્વીટીની ઊંઘ પૂરી ઊડી ગઈ. તેની આંખોની બંધ પાંપણો એકદમથી જ ખુલી ગઈ.

જોકે, તે ‘અત્યારે તેને આમ તેનું નામ લઈને કોણ બોલાવી રહ્યું છે ?!’ એવા સવાલ સાથે તે સફાળી બેઠી થઈ ગઈ, અને તેની આંખોના ભાવ પણ એવા નહોતાં કે, તે હજુ હમણાં જ ભરઊંઘમાંથી જાગી હોય. બલકે તેની આંખોમાં જાણે તે કોઈના વશમાં ચાલી ગઈ હોય એવા ભાવ હતા !!!

તે પડખું ફરી. તેણે બારી પાસે, ટેબલ પર પડેલા ખુલ્લા લાકડાના મોટા બોકસ તરફ જોયું અને તે બેઠી થઈ. તે જાણે ચાવી દીધેલી પૂતળી હોય એમ તે પલંગ પરથી ઊભી થઈ અને ટેબલ પર પડેલા એ મોટા બોકસ તરફ તાકી રહેતાં ટેબલ તરફ આગળ વધી.

તે ટેબલ પાસે પહોંચી અને ટેબલ નજીક પડેલી ખુરશી પર બેઠી.

તે ટેબલ પર પડેલા લાકડાના બોકસના ખુલ્લા ઢાંકણાના અંદરના ભાગ તરફ પળવાર જોઈ રહી. પછી તેણે ઢાંકણાના એ અંદરના ભાગમાં હથેળી ફેરવીને એના પરની ધૂળ સાફ કરી અને એ સાથે જ અરીસો દેખાયો.

કોઈ વેનિટી બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં લાગેલો હોય એવો જ મોટો અરીસો એ લાકડાના બોકસના ઢાંકણાની અંદરના ભાગમાં લાગેલો હતો.

સ્વીટીએ એ અરીસામાં જોયું, અને......?! ?! ?! ?

સવારના સાત વાગ્યા હતા.

જેકસને નાસ્તો બનાવીને ડાઈનિંગ ટેબલ પર મૂકયો અને ખુરશી પર બેસતાં બૂમ પાડી : ‘મરીના ! નાસ્તો તૈયાર છે !’

‘યસ, ડેડી !’ મરીનાના રૂમમાંથી મરીનાનો જવાબ સંભળાયો : ‘બસ બે મિનિટમાં તૈયાર થઈને આવી, ડેડી !’

‘ઓ. કે. બેટા !’ મરીનાને વળતો જવાબ આપીને જેકસને સ્વીટીને બોલાવવા માટે બૂમ પાડી : ‘સ્વીટી બેટા ! નાસ્તો રેડી છે !’

પણ સ્વીટીના રૂમ તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.

સ્વીટી પણ એલાર્મ રાખીને જ ઊંઘતી હતી અને એ તેની પહેલી જ બૂમે મરીનાની જેમ જવાબ આપી દેતી હતી, પણ આજે અત્યારે સ્વીટી તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ એટલે જેકસને ખુરશી પર બેઠા-બેઠા જ ફરીથી બૂમ પાડી : ‘સ્વીટી ! નાસ્તો તૈયાર છે, ડાઈનિંગ ટેબલ પર આવ !’

પણ આ વખતે પણ સ્વીટી તરફથી જવાબ સંભળાયો નહિ.

‘સ્વીટી !’ ફરી બૂમ પાડતાં હવે જેકસન ખુરશી પરથી ઊભો થયો ને સ્વીટીના રૂમ તરફ ચાલ્યો : ‘શું તું હજુ જાગી નથી ?!’

પણ આ વખતેય સ્વીટીના રૂમ તરફથી કોઈ જવાબ-કોઈ અવાજ સંભળાયો નહિ.

જેકસન સહેજ ઉતાવળે પગલે સ્વીટીના રૂમ નજીક પહોંચ્યો.

તેણે રૂમના બંધ દરવાજાને ધકેલ્યો. દરવાજો ખુલી ગયો.

તેની નજર અંદર પડી.

બારી પાસે પડેલા ટેબલ નજીકની ખુરશી પર સ્વીટી બેઠી હતી.

અહીંથી સ્વીટીની પીઠ દેખાતી હતી.

‘સ્વીટી !’ જેકસને દરવાજા પાસે જ ઊભા-ઊભા પૂછયું : ‘તું અહીં જાગીને બેઠી છે અને હું તને કયારનોય બૂમ પાડીને બોલાવી રહ્યો છું, તો તું જવાબ કેમ નથી આપતી ?’

અને સ્વીટીએ જેકસનની આ વાતનો કોઈ જવાબ આપ્યો નહિ, અને ન તો તેણે જેકસન તરફ વળીને જોયું. તે એમ જ બેસી રહી.

જેકસનના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતાના ભેળસેળિયા ભાવ આવી ગયા.

‘સ્વીટી !’ બોલતાં જેકસન સ્વીટી તરફ આગળ વધ્યો, અને તે થોડાંક પગલાં ચાલ્યો, ત્યાં જ તેને સ્વીટીની આગળ-ટેબલ પર પડેલું પેલું લાકડાનું ખુલ્લું બોકસ દેખાયું.

તે એક પગલું ઓર આગળ વધ્યો તો તેનું ધ્યાન એ લાકડાના બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં રહેલા અરીસા પર પડયું.

એમાં સ્વીટીનો ચહેરો તો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો, પણ...પણ સ્વીટીની આંખો કોરીધાકોર હતી ! સ્વીટીની આંખોમાંની કીકીઓ નહોતી !

જેકસનને આંચકો લાગ્યો.

તેને થયું કે, તેની નજર કંઈક ધોકો ખાઈ રહી છે. તેણે આંખોને ઝીણી કરીને-લાકડાના એ બોકસના ઢાંકણામાંના અરીસા તરફ ખૂબ જ ધ્યાનથી જોયું તો ખરેખર જ એમાં દેખાઈ રહેલા સ્વીટીના ચહેરામાંની આંખોની કીકીઓ ગાયબ હતી !

‘સ્વીટી !’ જેકસન ઝડપભેર એકસાથે ત્રણ પગલાં આગળ વધીને સ્વીટીની નજીક પહોંચ્યો અને તેણે સ્વીટીના ખભા પર હાથ મૂકયો. આ સાથે જ સ્વીટીએ એકદમથી જ ચહેરો ફેરવીને જેકસનની સામે જોતાં પૂછયું : ‘શું થયું, ડેડી !’

અને જેકસન સ્વીટીની આંખો તરફ જોઈ રહ્યો.

સ્વીટીની આંખો....,

.....સ્વીટીની આંખો કોરીધાકોર, કીકીઓ વિનાની નહોતી.

સ્વીટીની આંખો બરાબર હતી.

સ્વીટીની આંખોમાંની કીકીઓ જેમની તેમ હતી !

જેકસનને લાકડાના બોકસમાંના અરીસામાં સ્વીટીની જે આંખો દેખાઈ હતી, એમાં સ્વીટીની આંખોની કીકીઓ ગાયબ હતી એ બદલ જેકસન ગડમથલમાં પડયો. ‘શું ખરેખર તેને બોકસમાંના અરીસામાં સ્વીટીની આંખો કીકીઓ વગરની દેખાઈ હતી કે, પછી તેને એવો ભ્રમ થયો હતો ?!’

સ્વીટીએ લાકડાના બોકસ તરફ જોયા વિના જ હાથથી બોકસનું ઢાંકણું બંધ કર્યું ને ઊભી થઈ : ‘ચાલો, ડેડી ! નાસ્તો તૈયાર છે ને !’ અને તેણે જેકસનનો હાથ પકડયો અને જેકસનને ખેંચતી રૂમના દરવાજા તરફ આગળ વધી : ‘મને સખત ભૂખ લાગી છે !’

જેકસન મુંઝવણભર્યા ચહેરે સ્વીટી સાથે ખેંચાયો.

તે સ્વીટી સાથે ડાઈનિંગ ટેબલની નજીક પહોંચ્યો, ત્યારે મરીના પોતાની ખુરશી પર આવીને બેસી ચૂકી હતી અને એણે નાસ્તો કરવાનો શરૂ કરી દીધો હતો.

સ્વીટી મરીનાની સામેની ખુરશી પર ગોઠવાઈ, તો જેકસન એ બન્નેની જમણી બાજુની ખુરશી પર બેઠો.

‘ડેડી !’ મરીના બોલી, ‘મારા ડાન્સ પ્રોગ્રામની તૈયારીઓ લગભગ થઈ ચૂકી છે. હું તમને કહું મારો પ્રોગ્રામ કેવો થશે ?!’

‘હા !’ કહેતાં જેકસને બાજુમાં પડેલું ન્યૂઝ પેપર લઈને એની પર નજર ફેરવવાની સાથે જ નાસ્તો કરવાનું પણ શરૂ કર્યું.

‘સહુ પહેલાં અમારો એનાઉન્સર એનાઉન્સમેન્ટ કરશે.’ મરીના બોલી : ‘એ કહેશે કે, જોરદાર તાળીઓથી સ્વાગત કરો, ડાન્સની એક અનોખી પરી મરીનાનો ! અને આની બીજી જ પળે હું સ્ટેજ પર એન્ટ્રી લઈશ !’

‘હં !’ જેકસને ન્યૂઝ પેપરમાંના ન્યૂઝ વાંચતા બેધ્યાનપણે જ મરીનાની વાતનો હોંકારો આપ્યો, ત્યાં જ તેના કાને ‘ટક્‌ !’ એવો અવાજ સંભળાયો. તેણે ન્યૂઝ પેપરમાંથી નજર ઊઠાવીને સ્વીટી તરફ જોયું.

ટક્‌ !

સ્વીટીએ ફૉર્કને-કાંટાને જાણે તેણે ખંજર પકડયું હોય એમ પકડયું હતું, અને કોઈ વ્યક્તિના પેટમાં એ ખંજર ઘોંપી રહી હોય એમ કાચની પ્લેટમાં પડેલા ઈડલીના ટુકડાઓમાં કાંટો ભોંકી રહી હતી ને કાંટામાં ભરાઈ આવતા ઈડલીના ટુકડાને મોઢામાં મૂકી રહી હતી.

ટક્‌ !

સ્વીટી જાણે કોઈ રૉબોટ-યંત્ર માનવ હોય એમ પ્લેટ તરફ જોયા વિના જ, ‘ટક્‌ !’ના અવાજ સાથે પ્લેટમાંના ઈડલીના ટુકડાંઓને લઈને મોઢામાં ઠુંસી રહી હતી.

ટક્‌ !

‘સ્વીટી !’ જેકસને કહ્યું : ‘બરાબર રીતના ખા !’

પણ સ્વીટી રોકાઈ નહિ ! તેણે જેકસન તરફ જોયું પણ નહિ.

ટક્‌ !

સ્વીટીએ એ જ રીતના ખાવાનું ચાલુ રાખ્યું.

‘આ તું શું કરી રહી છે, સ્વીટી ?!’ જેકસને કહ્યું, પણ આ વખતેય સ્વીટીએ ન તો પોતાની આ હરકત બંધ કરી કે, ન તો જેકસન સામે જોયું.

હવે પોતાના પ્રોગ્રામ વિશે વાત કરી રહેલી મરીનાનું ધ્યાન પણ સ્વીટી તરફ ખેંચાયું.

ટક્‌ !

‘આ સ્વીટી કેવી ખરાબ રીતના ખાઈ રહી છે ?! એ પાગલ થઈ ગઈ છે કે શું ?!’ મરીનાએ આશ્ચર્ય અનુભવ્યું.

તો જેકસનથી હવે સહેવાયું નહિ. ‘સ્વીટી !’ તેણે ચિલ્લાતાં ટેબલ પર હાથ પછાડયો : ‘આ તું શું કરી રહી છે ?! ?’

અને આ સાથે જ સ્વીટીએ તેના હાથમાં ખંજરની જેમ પકડાયેલો કાંટો જેકસને ડાઈનિંગ ટેબલ પર પછાડેલા હાથના પંજામાં ખોંપી દીધો.

જેકસન પીડાભરી ચીસ પાડતાં ટેબલ પરથી ઊભો થઈ ગયો.

સ્વીટી પણ જાણે કોઈ બીજી દુનિયામાંથી એકદમથી જ આ દુનિયામાં પાછી ખેંચાઈ આવી હોય એમ જેકસન તરફ જોતાં ઊભી થઈ ગઈ.

‘તું પાગલ થઈ ગઈ છે શું ?!’ મરીના ચિલ્લાઈ ઊઠી : ‘ડેડીને આ રીતના મરાતું હશે ?’

‘સોરી, ડેડી !’ સ્વીટીએ હાથમાંનો કાંટો કાઢીને દૂર ફેંકી રહેલા જેકસન સામે જોતાં કહ્યું : ‘મને માફ કરી દો, ડેડી !’ અને સ્વીટી પોતાના રૂમ તરફ દોડી ગઈ.

જેકસને ઈજાવાળો જમણો હાથ ડાબા હાથે દબાવતાં મરીના સામે જોયું.

મરીના જેકસન તરફ જ જોઈ રહી હતી.

જેકસન અને મરીના, બન્ને બાપ-દીકરી માટે સ્વીટીની આ હરકત આશ્ચર્ય-આંચકા અને આઘાતભરી હતી ! બન્ને બાપ-દીકરી માટે સ્વીટીની આ હરકત સમજની બિલકુલ બહાર હતી !

રાતના બાર વાગ્યા હતા.

જેકસન તેના રૂમમાં સૂતો હતો. મરીના હજુ તેના રૂમમાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહી હતી.

તો સ્વીટી તેના રૂમમાં ઊંઘી રહી હતી. સ્વીટીની પીઠ પાછળ, બારી પાસે પડેલા ટેબલ પર પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું.

અત્યારે એ બોકસનું ઢાંકણું આપમેળે ધીમે ધીમે ખુલવા લાગ્યું.

એ ઢાંકણું પૂરું ખુલી ગયું અને એમાંથી પેલું મોટી-ગોળ આંખો, મોટી પાંખો અને મોઢામાંથી નીકળી આવેલા બે લાંબા તીણા દાંતવાળું વિચિત્ર અને ભયાનક જીવડું બહાર નીકળ્યું, અને એ સાથે જ પલંગ પર ભરઊંઘમાં પડેલી સ્વીટીની આંખો એકદમથી જ ખુલી ગઈ !

તો અત્યારે મરીના એના રૂમના બાથરૂમમાં હતી, અને વૉશબેસિનના નળના પાણીથી મોઢું ધોઈ રહી હતી.

વૉશબેસિનની બાજુમાં પડેલા ટૂથબ્રશ પાસે પેલું વિચિત્ર-ભયાનક જીવડું પોતાની મોટી પાંખો ફફડાવતાં, ‘હુમ્મ્મ્મ્‌ !’ જેવો ધીમો અવાજ કરતા ફરી રહ્યું હતું.

મરીનાએ મોઢું ધોઈને, વૉશબેસિનની ઊપરની દીવાલ પર લાગેલા કેબિનેટવાળા અરીસામાં જોઈ રહેતાં નેપ્કીનથી મોઢું લુંછયું.

બાજુમાં ટૂથબ્રશની આસપાસ ફરી રહેલું પેલું ભયાનક જીવડું ઊડીને મરીનાની પાછળ ગયું.

મરીનાએ હાથ લંબાવીને એ ટૂથબ્રશ ઊઠાવીને દાંત પર ઘસવા માંડયું. ત્યાં જ તેને એવું લાગ્યું કે, તેની પીઠ પાછળ કોઈ છે.

તેણે પાછળ ફરીને જોયું.

-પાછળ કોઈ નહોતું.

તેણે ફરી અરીસામાં જોઈ રહેતાં બ્રશ કરવા માંડયું, ત્યારે તેને એ ખ્યાલ આવ્યો નહિ કે, એક ભયાનક જીવડું તેના માથાના પાછળના ભાગમાં-તેના વાળ પર બેઠું છે !

મરીનાએ ટૂથબ્રશ બાજુ પર મુક્યું ને કોગળા કર્યા. પછી તેણે સામેના અરીસાની પાછળના ખાનામાંથી લોશન લેવા માટે અરીસાવાળો દરવાજો ખોલ્યો. તેની નજર અંદર પડી અને એ સાથે જ તેના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ ને તે બાથરૂમની બહારની તરફ દોડી !

(ક્રમશઃ)