ભૂતખાનું - ભાગ 11 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 11

( પ્રકરણ : ૧૧ )

પામેલાએ સ્વીટીને રસોડામાં, સર્વિસ ટેબલ પાછળ જોઈ હતી, પણ પછી સ્વીટી પલકવારમાંજ ગાયબ થઈ ગઈ હતી, ને એ આખાય રસોડામાં કયાંય દેખાતી નહોતી, એટલે પામેલા મૂંઝાઈ ગઈ હતી-ગભરાઈ ઊઠી હતી.

‘સ્વીટી...!’ પામેલા અત્યારે ફરી એક ઝડપી નજર રસોડામાં ફેરવતાં બોલી : ‘તું કયાં છે,  સ્વીટી ?!’

પણ સ્વીટીનો અવાજ સંભળાયો નહિ કે, સ્વીટી દેખાઈ પણ નહિ !

પામેલાએ ફરી ટેબલ પાછળ જોયું.

સ્વીટી નહોતી.

‘સ્વીટી આમ ટેબલ પાછળથી પલકવારમાં ગાયબ થઈ ગઈ હતી, એ કંઈ નાની-સૂની વાત નહોતી !’ પામેલાના મનનો ગભરાટ બેવડાયો. તે ટેબલ અને એની આસપાસની જગ્યા પર ગભરાટભરી નજર ફેરવતાં-પાછા પગલે પાછળ હટી. તેની પીઠ રસોડાના દરવાજા તરફ હતી !

અને અત્યારે, અત્યારે હવે સ્વીટી દરવાજા પાસે ઊભી હતી !

સ્વીટીની આંખોમાં ખૂની ભાવ હતા, અને એના હાથમાં કાચનો મોટો ટુકડો હતો ! એ કાચનો મોટો ટુકડો અણીદાર હતો !! ચપ્પુ જેવો અણીદાર !!

સ્વીટીએ ચપ્પુ જેવા અણીદાર કાચના એ ટુકડાને ચપ્પુની જેમ જ જમણાં હાથની મુઠ્ઠીમાં પકડી રાખ્યો હતો, અને એની ખૂન્નસભરી આંખો પામેલાની પીઠ તરફ તકાયેલી હતી !

અને પામેલા અત્યારે તેની પીઠ પાછળ હાથમાં કાચનો ચપ્પુ જેવો મોટો ટુકડો લઈને સ્વીટી ખૂની ભાવ સાથે ઊભી હતી, એ હકીકતથી બેખબર પાછા પગલે સ્વીટી તરફ આવી રહી હતી.

પામેલા અને સ્વીટી વચ્ચે હવે ત્રણ પગલાંનું અંતર બાકી રહ્યું હતું.

‘સ્વીટી બેટા !’ પામેલા ગભરાટભર્યા અવાજે બોલતાં એક પગલું વધુ પાછળ હટી : ‘તું કયાં છે, સ્વીટી બેટા ?!’

હવે પામેલા અને સ્વીટી વચ્ચે ફકત બે પગલાંનું અંતર હતું.

અને પામેલા એક પગલું પાછળ હટવા ગઈ, ત્યાં જ તેને એવું લાગ્યું કે તેની પાછળ કોઈક ઊભું છે ! તે એકદમથી પાછળની તરફ-દરવાજા તરફ ફરી, અને એ જ પળે દરવાજા પાસે ઊભેલી સ્વીટી હાથમાંના ચપ્પુ જેવા કાચના ટુકડાને પામેલાની પીઠમાં ખૂંપાડી દેવા માંગતી હોય એમ ઊછળી.

સ્વીટીને આમ પોતાની પર ઊછળી આવતી જોઈને પામેલાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, ત્યાં જ કોઈ વાંદરાની બચુડી વાંદરાના હાથમાં આવી જાય એમ સ્વીટી પામેલાના બન્ને હાથમાં આવી ગઈ, અને...,

...અને આ સાથે જ સ્વીટીની આંખોમાંના ખૂની ભાવ આલોપ થઈ ગયા !

પામેલાએ સ્વીટીને પોતાની છાતી સરસી ચાંપેલી રાખતાં જ સ્વીટીની પીઠ પર વહાલથી હાથ પસવાર્યો.

સ્વીટીની મુઠ્ઠી ઢીલી થઈ, અને એમાં પકડાયેલો ચપ્પુ જેવો કાચનો ટુકડો છૂટીને જમીન પર પડયો.

‘મમ્મી !’ સ્વીટી હવે કોઈ સ્ત્રીના અવાજમાં નહિ, પણ પોતાના જ અવાજમાં બોલી.

‘હા, બેટા !’ પામેલાએ આંખના આંસુ ખાળવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં સ્વીટીની પીઠ પર હાથ પસવારતાં કહ્યું : ‘બોલ, બેટા !’

‘મમ્મી ! હું..,’ સ્વીટીએ દર્દભીના અવાજે પૂછયું : ‘..હું કોણ છું, મમ્મી ?! ?’

‘તું મારી દીકરી છે, બેટા ! મારી લાડકી દીકરી !’ પામેલાએ ડુમાયેલા અવાજે સ્વીટીને જવાબ આપી દીધો, અને એ પછી જ જાણે પામેલાને સ્વીટીના સવાલ પાછળનો ખરો અર્થ સમજાયો !

‘‘મમ્મી ! હું કોણ છું ?!’ એવું સ્વીટીએ તેને પૂછયું હતું !

અને ખરેખર જ સ્વીટી કોઈક બીજી સ્ત્રીના અવાજમાં બોલી અને રડી હતી, ને એણે એવું વર્તન કર્યું હતું કે, એ વખતે એવું લાગતું હતું કે, એ સ્વીટી નહિ, પણ કોઈ બીજી જ વ્યક્તિ હતી !

પામેલા હવે કંઈપણ બોલ્યા વિના, સ્વીટીને પોતાના બન્ને હાથમાં ઉઠાવીને જ સ્વીટીના રૂમ તરફ આગળ વધી. અને ત્યારે જ તેને એ ખ્યાલ આવ્યો કે, તેના પગમાં, જમીન પરના કાચનો એક ટુકડો ખૂંપી ગયો હતો.

જોકે, અત્યારે તે સ્વીટીને પોતાના હાથમાંથી ઉતારીને, પગમાંથી કાચનો ટુકડો કાઢવા રોકાઈ નહિ. તે પીડાને ગણકાર્યા વિના જ સ્વીટીને લઈને સ્વીટીના રૂમમાં પહોંચી. તેણે સ્વીટીને પલંગ પર લેટાવી.

‘સ્વીટી બેટા !’ તે સ્વીટી સાથે વાત કરવા ગઈ, પણ સ્વીટી રીતસરની ઘોરવા લાગી હતી.

પામેલા લંગડાતી ચાલે સ્વીટીના બેડરૂમની બહાર નીકળી. તેણે દરવાજો ઓડકાવ્યો અને ડ્રોઈંગરૂમના સોફા પર આવીને બેઠી.

પામેલાના પગમાંની કાચ વાગ્યાની પીડા હવે અસહ્ય થઈ રહી હતી. તેણે પગ તરફ જોયું તો પગમાંથી જાણે લોહીનો રેલો નીકળી રહ્યો હતો.

તેણે ટેબલ પર પડેલો મોબાઈલ ફોન લીધો ને પોતાના પ્રેમી-પાડોશી ડેવિડને બોલાવવા માટે એનો મોબાઈલ નંબર લગાવ્યો.

રાતના સાડા બાર વાગ્યા હતા.

પામેલા તેના બંગલાના, ડ્રોઈંગરૂમના સોફા પર આંસુ સારતી બેઠી હતી. તેનો પ્રેમી ડેવિડ તેના પગ પાસે બેસીને, તેના પગમાંના કાચ વાગ્યાના ‘ઘા’ની પાટાપિંડી કરી રહ્યો હતો.

‘ડેવિડ !’ અત્યારે પામેલાએ ડેવિડ સામે જોતાં કહ્યું : ‘એ વખતે તારે સ્વીટીનો ચહેરો જોવાની જરૂર હતી. હું ખૂબ જ ડરી ગઈ હતી. સ્વીટીએ જિંદગીમાં કયારેય આવું કર્યું નથી, કયારેય નહિ !’

‘પામેલા !’ ડેવિડ પામેલાના પગે પાટાપિંડી થઈ ગઈ, એટલે જમીન પરથી ઊઠીને પામેલાની બાજુમાં સોફા પર બેઠો : ‘મને લાગે છે કે, આપણે સ્વીટીને કોઈ ડૉકટરને બતાવવી જોઈએ. મારી એક ફ્રેન્ડ છે. એ સાયકૉલોજિસ્ટ છે. આપણે કાલ સવારના સ્વીટીને લઈ જઈને એને બતાવી દઈશું. મને વિશ્વાસ છે કે, એ સ્વીટીનો જરૂર ઈલાજ કરી દેશે.’

‘ઓ. કે.’ પામેલાએ આંખના આંસુ લૂંછયા.

‘પામેલા ! તું સ્વીટીને સીધેસીધું કહેતી નહિ કે, આપણે એને ડૉકટર પાસે લઈ જવાના છીએ, નહિંતર એ આવવામાં આનાકાની કરશે !’ ડેવિડે કહ્યું : ‘તું સ્વીટીને એવું કહેજે કે, આપણે પિકનીક મનાવવા જઈ રહ્યા છીએ. પછી રસ્તામાંથી એને સમજાવી - ફોસલાવીને ડૉકટર પાસે લઈ જઈશું.’

‘ભલે !’ પામેલાએ એક નિશ્વાસ નાંખતાં કહ્યું.

સવારના દસ વાગ્યા હતા.

પામેલા સ્વીટીને પિકનીકને બહાને ડૉકટર પાસે લઈ જવા માટે લગભગ તૈયાર થઈ ચૂકી હતી.

મરીના એના બેડરૂમમાં હજુ તૈયાર થઈ રહી હતી.

જ્યારે સ્વીટી તૈયાર થઈ ચૂકી હતી અને બંગલાની બહાર આવેલા લીમડાના ઝાડની ડાળી સાથે બંધાયેલા ઝુલા પર ઝૂલી રહી હતી. ઝુલાનો ‘ચું-ચું’ અવાજ થઈ રહ્યો હતો.

સ્વીટીના વાળ ખુલ્લા હતા અને તેની નજર, તેનાથી પંદરેક પગલાં દૂર પડેલી કાર પરની ધૂળ ખંખેરી રહેલા પામેલાના પ્રેમી ડેવિડ પર જામેલી હતી.

ડેવિડે કાર સાફ કરતાં-કરતાં સ્વીટી તરફ જોયું અને મુસ્કુરાહટ રેલાવી. પણ..., પણ સ્વીટીએ સામી મુસ્કુરાહટ રેલાવી નહિ.

ડેવિડ ફરી કાર સાફ કરવા લાગ્યો, ત્યાં જ એને પીઠ પાછળથી જાણે ‘હુંઉંઉંઉંઉં...!’ એવો વિચિત્ર અવાજ સંભળાયો ! એણે પાછળ ફરીને જોયું.

પાછળ..., પાછળ એની નજીકમાં કોઈ નહોતું, પણ પંદરેક પગલાં દૂર સ્વીટી ઊભી હતી !

સ્વીટી અત્યારે ઝુલા પરથી ઊતરીને ઝુલાની આગળ ઊભી હતી. સ્વીટીના હાથની મુઠ્ઠીઓ વળેલી હતી અને તે ડેવિડને તાકી રહી હતી. ઝૂલો ધીમે-ધીમે ઝુલી રહ્યો હતો અને ‘ચું-ચું !’ અવાજ કરી રહ્યો હતો.

‘સ્વીટી !’ ડેવિડે પૂછયું, ‘તને ‘‘હુંઉંઉંઉંઉં...!’’ એવો વિચિત્ર અવાજ સંભળાયો, સ્વીટી ?! ?’

સ્વીટીએ કોઈ જવાબ આપ્યો નહિ. સ્વીટી એની તરફ એ જ રીતના તાકી રહી !

‘સ્વીટી !’ ડેવિડ સ્વીટી તરફ આગળ વધ્યો : ‘તું જવાબ કેમ નથી આપતી, સ્વીટી ?! ? શું થયું છે, તને ?! ?’

પણ આ વખતેય સ્વીટીએ કોઈ જવાબ આપ્યો નહિ, અને એ જ રીતના ડેવિડને તાકી રહી.

અત્યાર સુધીમાં ડેવિડ સ્વીટી તરફ પાંચ પગલાં આગળ વધી ચૂકયો હતો.

સ્વીટી અને ડેવિડ વચ્ચે હવે દસેક પગલાંનું અંતર બાકી રહ્યું હતું, ત્યાં જ અચાનક-એકદમથી વાવાઝોડું આવ્યું હોય એમ આસપાસમાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, અને આની સાથે જ, સ્વીટીની પીઠ પાછળનો ઝુલો ‘ચું..ચું..’ના અવાજ સાથે ખૂબ જ જોરથી ઝુલવા લાગ્યો, પણ સ્વીટી જેમની તેમ ઊભી હતી. તેના વાળ પવનથી ઊડતાં હતાં, બાકી તેને આ પવનની જરાય અસર ન થતી હોય એમ તે ઊભી હતી.

સ્વીટીની આંખો હજુય ડેવિડ પર જ તકાયેલી હતી, અને સ્વીટીની આંખો જાણે તેની આંખો નહોતી. જાણે એ કોઈક બીજી જ સ્ત્રીની આંખો હતી અને એ આંખોમાં ખૂની ભાવ હતા !

ડેવિડ કંઈ બોલવા ગયો, પણ ત્યાં જ ડેવિડના મોઢામાંથી એકદમથી જ લોહી નીકળ્યું ને એના શર્ટ અને હાથ પર પડયું !

ડેવિડે હાથ તરફ જોયું. એે લોહી જોઈને ચોંકયો, ત્યાં જ ફરીથી એના મોઢામાંથી લોહી નીકળ્યું !

ડેવિડે પોતાના બન્ને હાથ મોઢા પર લીધા, ત્યાં જ એના દાંત ટપોટપ તૂટીને લોહીના રેલા સાથે એના હાથમાં આવી ગયા અને એ જ પળે એવો જોરદાર પવન આવ્યો કે, એ પાછળની તરફ-એની કાર પાસે ફેંકાયો !

ડેવિડે ઊભા થતાં જોયું, તો સ્વીટીની આસપાસ એ જ રીતના પવન ફૂંકાઈ રહ્યો હતો, અને સ્વીટી એની તરફ એ જ રીતના ખૂની ભાવ સાથે તાકી રહી હતી.

ડેવિડ કાર તરફ ફર્યો. એ કારમાં બેઠો.

બરાબર આ પળે જ તૈયાર થઈને મેઈન દરવાજાની બહાર આવેલી પામેલાએ જોયું તો સ્વીટીની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો હતો, અને સ્વીટી પથ્થરની પૂતળીની જેમ ઊભી હતી !

પામેલાએ ડેવિડને જોવા માટે ડાબી તરફ જોયું, તો એક આંચકા સાથે ડેવિડની કાર ચાલુ થઈને દૂર દોડી જતી દેખાઈ.

પામેલાએ ફરી સ્વીટી તરફ જોયું, તો પથ્થરની પૂતળીની જેમ એકદમ સ્થિર ઊભેલી સ્વીટી એકદમથી  ઢીલી થઈને પીઠભેર જમીન પર પડી.

‘સ્વીટી !’ના નામની બૂમ પાડતાં પામેલા સ્વીટી તરફ દોડી.

પામેલાએ સ્વીટી પાસે પહોંચતાં જોયું, તો સ્વીટીની આંખોની કીકીઓ ઉપર ચઢી ગઈ હતી. તેના હાથ-પગ ખેંચાઈ રહ્યા હતા અને તે જમીન પર આમ-તેમ આળોટી રહી હતી !

‘મરીના !’ સ્વીટીએ મરીનાને બૂમ પાડી, ત્યાં જ મરીના હાથમાં પર્સ અને મોબાઈલ ફોન સાથે મેઈન દરવાજાની બહાર આવી. મરીનાની નજર સ્વીટી પર પડી. સ્વીટીને આમ જમીન પર આળોટતી જોઈને મરીના ગભરાઈ. ‘આ સ્વીટીને શું થઈ રહ્યું છે, મમ્મી...?!’ પૂછતાં મરીના સ્વીટી અને પામેલા તરફ દોડી આવવા લાગી.

‘મરીના, જલદી એમ્બ્યુલન્સને ફોન લગાવ !’ પામેલા ચિલ્લાઈ, પણ મરીનાએ સ્વીટીની નજીક આવીને ઊભી રહેતાં, સ્વીટીને તરફડતી જોઈ રહેતાં ગભરાટભર્યા અવાજે એ જ સવાલ દોહરાવ્યો : ‘આ સ્વીટીને શું થઈ ગયું છે, મમ્મી...?’

‘લાવ !’ બોલતાં પામેલા સ્વીટી પાસેથી ઊભી થઈ ગઈ અને મરીનાના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લીધો. તે સ્વીટીથી સહેજ દૂર જતાં ધ્રૂજતાં હાથે એમ્બ્યુલન્સ બોલાવવા માટે નંબર લગાવવી લાગી.

તો મરીના ગભરાટભરી આંખે જમીન પર પડેલી સ્વીટી તરફ જોઈ રહી હતી. સ્વીટીના હાથપગ હવે ઢીલા થઈ ગયા હતા, પણ હજુ પણ તે હાથ-પગ ઊછાળતી, કમર વાંકી-ચૂંકી કરતી જમીન પરથી ઊંચી-નીચી થઈ રહી હતી.

‘મમ્મી ! આ-આ સ્વીટીને શું થઈ રહ્યું છે, મમ્મી ?’ મરીનાની ગભરાટભરી આંખોમાં આંસુઓ આવી જવાની સાથે જ એણે પામેલા તરફ જોયું, તો પામેલા ગભરાટ સાથે મોબાઈલ પર એમ્બ્યુલન્સ બોલાવવા માટેની વાતચીત કરી રહી હતી.

મરીનાએ પાછું સ્વીટી તરફ જોયું.

હવે સ્વીટીની ઉપર ચઢી ગયેલી આંખોની કીકીઓ નીચી આવી ગઈ ને બરાબર દેખાઈ, અને આની સાથે જ સ્વીટીનું મોઢું ખુલ્યું !

મરીના સ્વીટીના ખુલેલા મોઢા તરફ જોઈ રહી !

અને....

.....અને મરીનાને સ્વીટીના મોઢામાં કંઈક હોય એવું દેખાયું.

મરીનાએ આંખો ફાડીને જોયું.

અને....

....અને સ્વીટીના મોઢામાંથી પેલું મોટી પાંખો, ગોળ-મોટી આંખો ને બે લાંબા તીણાં દાંતવાળું વિચિત્ર અને ભયાનક જીવડું નીકળ્યું !!!

મરીનાના મોઢામાંથી ડરભરી ચીસ નીકળી ગઈ, અને...

...અને પેલું સ્વીટીના મોઢામાંથી નીકળેલું વિચિત્ર અને ભયાનક જીવડું આકાશ તરફ ઊડી ગયું !!!

જેકસન કારમાં આરોન સાથે આગળ વધી રહ્યો હતો. તે કાર ચલાવી રહ્યો હતો, જ્યારે આરોન તેની બાજુની સીટ પર બેઠો હતો.

આરોનના ખોળામાં પેલું લાકડાનું મોટું બોકસ, ‘ડિબૂક બોકસ’ પડયું હતું.

‘આ બોકસમાં ડિબૂકનું નામ જરૂર હોવું જોઈએ.’ આરોન બોલ્યો.

‘મેં બોકસ ખોલીને જોયું હતું, ત્યારે મને એમાં એવું કોઈ નામ જોવા-વાંચવા મળ્યું નહોતું !’ જેકસને કહ્યું.

આરોને તેના ખોળામાં પડેલું બોકસ જોતાં, જાણે પોતાની જાત સાથે વાત કરતો હોય એમ બોલ્યો : ‘આ બોકસ પરનું કોતરણીકામ, એક અલગ લિપિમાં લખાયેલી પ્રાર્થના તો સમજાય છે, પણ આ...,’ અને આરોને બોકસનું ઢાંકણું ખોલ્યું, અને બોકસના ઢાંકણાના અંદરના ભાગ પર લાગેલો અરીસો જોતાં આગળ બોલ્યો : ‘...પણ આ અરીસો કેમ લાગેલો છે ?!? આમાં આત્મા હશે તો..,’ આરોન આગળ બોલ્યો : ‘...તો એ આત્મા અરીસામાં પોતાની જાતને જોતી હશે, જેથી હંમેશાં પરમેશ્વરથી દૂર રહેવાની વાત યાદ રહે !’ અને આરોને અરીસા પર મુઠ્ઠી મારી. અરીસો તૂટયો, એના ટુકડા બોકસમાં પડયા.

હવે બોકસનો અરીસા પાછળનો-ઢાંકણાનો અંદરનો ભાગ દેખાયો. એની પર કંઈક કોતરાયેલું હતું.

‘આ...,’ આરોન એ કોતરણી જોતાં બોલ્યો : ‘...આ અમારી ભાષામાં લખાણ લખાયેલું છે !’

‘શું...?!’ જેકસને અધીરાઈ સાથે પૂછયું : ‘...શું લખાણ લખાયેલું છે ?! ?’

‘...આ જે લખાયેલું છે, એનો અર્થ...,’ આરોને સહેજ અટકીને આગળ કહ્યું : ‘...એનો અર્થ થાય છે, બાળકો ચોરનારી !!!’

(ક્રમશઃ)