ભૂતખાનું - ભાગ 7 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 7

( પ્રકરણ : ૭ )

‘આ બારી તો બંધ હતી, પછી આટલો જોરદાર પવન કયાંથી આવી રહ્યો હતો ?!’ રાજિકા ટીચરના મનમાં સવાલ જાગવાની સાથે જ તે રૂમમાંથી બહાર નીકળી જવા માટે રૂમના દરવાજા તરફ ફરવા ગઈ હતી, પણ ફરી શકી નહોતી. તેના પગ જમીન સાથે ચોંટી ગયાં હતાં ને પગની નસો આપમેળે ફાટી રહી હતી ને એમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી.

આ જોઈને રાજિકા ટીચરની આંખો ભયથી ફાટી ગઈ હતી અને તેની ફાટેલી આંખોમાંથી પણ લોહીની ધાર વહેવા લાગી હતી.

અત્યારે તેની સાથે આ જે કંઈ બની રહ્યું હતું એ સ્વીટીના લાકડાના બોકસને કારણે બની રહ્યું હતું એ સમજમાં આવતાં જ રાજિકા ટીચરે લોહીભીની આંખે બાજુના ટેબલ પર પડેલા લાકડાના બોકસ તરફ જોયું.

તેને ઝાંખુ-ઝાંખું જે કંઈ દેખાયું એ જોઈને તે મોટેથી ચીસ પાડવા ગઈ, પણ ત્યાં જ કોઈ અદૃશ્ય શક્તિએ તેને જોરથી ધક્કો માર્યો. તે જોશભેર પાછળની દીવાલ સાથે ટકરાઈને જમીન પર પટકાઈ. તેની આંખમાં છવાયેલા અંધારાં દૂર થાય એ પહેલાં જ અદૃશ્ય શક્તિએ તેને અધ્ધર ઊઠાવી અને બારી તરફ ફેંકી. બંધ બારી અને એનો કાચ તોડીને તે ત્રણ માળ નીચે આવેલી જમીન પર પટકાઈ. તે પળ-બે-પળ તરફડીને શાંત થઈ. તેના ફૂટેલા માથા અને તૂટેલા હાથ-પગમાંથી નીકળવા માંડેલું લોહી તેની આસપાસ ફેલાવા લાગ્યું.

જેકસન રેસ્ટોરન્ટમાં બેઠો હતો. તેની સામે તેની દીકરી સ્વીટી બેઠી હતી. સ્વીટી ખૂબ જ ઝડપે ખાવાનું ખાઈ રહી હતી.

‘સ્વીટી !’ જેકસને સ્વીટીને પૂછયું : ‘તને ખબર છે, આજે તારી સ્કૂલની રજા કેમ જાહેર કરવામાં આવી છે ?!’

‘હા !’ સ્વીટી એજ રીતના ખાવાનું ખાતાં બોલી : ‘રાજિકા ટીચર મરી ગઈ છે !’

‘ગઈકાલે રાતના રાજિકા ટીચર એના ત્રીજા માળ પરના રૂમની બારીમાંથી બહાર પડી ગઈ અને...’

‘ડેડી !’ જેકસન પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ સ્વીટી બોલી : ‘ગઈકાલે રાજિકા ટીચરે મારું પેલું બોકસ લઈને એમના રૂમમાં મુકાવી દીધું હતું. મારું એ બોકસ હજુ પણ એમના રૂમમાં જ છે. તમે મારું એ બોકસ લાવી આપશો, પ્લીઝ !’

જેકસન સ્વીટી સામે જોઈ રહ્યો, તો સ્વીટી પણ પળવાર જેકસન સામે તાકી રહી અને પછી પાછી જમવા લાગી.

‘સ્વીટી !’ જેકસને પૂછયું : ‘તું મારી એક વાતનો જવાબ આપીશ, બેટા ?!’

સ્વીટી જમતાં-જમતાં જેકસન સામે જોઈ રહી.

‘સ્વીટી !’ જેકસને પૂછયું : ‘એ બોકસ તને આટલું બધું ગમે છે, કેમ ?!’

‘મને ખબર નથી !’ સ્વીટીએ જવાબ આપ્યો : ‘બસ, એ મને એમ જ ગમે છે !’

‘એમ ?!’ અને જેકસને સહેજ અચકાતા અવાજે કહ્યું : ‘શી ખબર કેમ પણ મને એવું લાગે છે કે, તું એ બોકસ સાથે વાત કરે છે !’

‘ના ! હું એ બોકસ સાથે વાત નથી કરતી, પણ...’ સ્વીટીએ  એ જ રીતના જમવાનું ચાલુ રાખતાં કહ્યું : ‘...હું મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું !’

જેકસનના કપાળે કરચલીઓ પડી : ‘તું તારી ફ્રેન્ડ સાથે વાત કરે છે ?!’

‘હા !’

‘તેં એમ કહ્યું કે, તું તારી ફ્રેન્ડ સાથે વાત કરે છે ?!’ જેકસને સ્વીટી સામે તાકી રહેતાં સવાલ દોહરાવ્યો.

‘હા-હા ! હું મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું, જે...,’ સ્વીટીએ જવાબ આપ્યો : ‘...જે એ બોકસમાં રહે છે.’

‘તારી ફ્રેન્ડ.., તારી ફ્રેન્ડ એ બોકસમાં રહે છે ?!’ જેકસનની આંખોમાં આશ્ચર્ય અને મૂંઝવણના ભેળસેળિયા ભાવ આવ્યા.

‘હા !’

જેકસનને જાણે પોતાના કાન પર વિશ્વાસ બેસતો નહોતો : ‘એટલે કે.., એટલે કે, તારું શું એમ કહેવું છે કે, તારી ફ્રેન્ડ-એ છોકરી એ બોકસની અંદર રહે છે ?!’

‘હા, પણ એ નાની છોકરી નથી,’ સ્વીટીએ કોળિયો મોઢામાં મૂકયો : ‘એ એક સ્ત્રી છે.’

‘અચ્છા તો..,’ જેકસને સ્વીટીને તાકી રહેતાં પૂછયું : ‘...એ તારી સાથે શું વાત કરે છે ?!’

‘એ મને કહે છે કે, હું એકદમ અલગ ટાઈપની છોકરી છું !’ સ્વીટીએ કહ્યું : ‘હું એક સ્પેશિયલ છોકરી છું !’

‘હા !’ જેકસને સ્વીટી સામે જોઈ રહેતાં કહ્યું : ‘એ વાત સાચી છે, તું સ્પેશિયલ છે !’ અને જેકસને ધીમેથી પૂછયું : ‘શું તું મને તારી એ ફ્રેન્ડ-એ સ્ત્રી સાથે મેળવી શકે ?!’

‘ના !’ સ્વીટીએ ઘસીને ના પાડી : ‘ના મેળવી શકું !’

‘કેમ ?!’

‘એને કોઈ જોઈ શકતું નથી !’ સ્વીટી બોલી : ‘હું પણ તો એને જોઈ શકતી નથી.’

જેકસન સ્વીટી સામે જોઈ રહ્યો. સ્વીટીની વાતો તેને વિચિત્ર અને ભયાનક લાગી રહી હતી.

‘ડેડી !’ સ્વીટી બોલી : ‘પહેલાં જે બધું મંગાવ્યું એટલું જ ફરી મંગાવી લઉં છું.’ અને સ્વીટીએ વેઈટરને બૂમ પાડી.

જેકસને સ્વીટીની સામે મુકાયેલી પ્લેટો સામે જોયું. બધી પ્લેટો સફાચટ્‌ થઈ ચૂકી હતી. સ્વીટી આમ તો પ્રમાણસર અને અમુક વસ્તુ જ ખાતી હતી, પણ આજે તે બે વ્યક્તિઓનું જમવાનું પેટમાં પધરાવી ગઈ હતી, અને એટલું જ બીજું ખાવાનું ઓર્ડર કરી રહી હતી. સ્વીટીના આવા વર્તન, સ્વીટીની આવી વાતો જેકસનને મૂંઝવણ અને ચિંતાના દરિયામાં ગોતા ખવડાવી રહી હતી.

જેકસને મન સાથે નક્કી કર્યું.

સ્વીટીના તન-મનની તંદુરસ્તી અને સલામતિ માટે તેણે સ્વીટીથી એ લાકડાના મોટા બોકસને હંમેશ માટે દૂર કરવું પડશે. તેણે એ બોકસથી હંમેશ માટે છુટકારો મેળવવો પડશે.

સાંજના સવા સાત વાગ્યા હતા. રાતનું અંધારું જમીન પર ઊતરી આવ્યું હતું. જેકસન કારમાં પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો હતો.

તે સાંજના છ વાગ્યે સ્વીટીની સ્કૂલના પ્રિન્સીપાલ વરગીઝને મળ્યો હતો. તેણે રાજિકા ટીચરના મોત બદલ દુઃખ ને દિલસોજી વ્યકત કરી હતી અને પછી સ્વીટીનું લાકડાનું બોકસ માંગ્યું હતું.

વરગીઝે પિયૂનને મોકલીને રાજિકાના રૂમમાંથી એ લાકડાનું બોકસ મંગાવી આપ્યું હતું.

જેકસન બોકસ લઈને સ્કૂલની બહાર નીકળ્યો હતો. તેણે કારની પાછલી સીટ પર બોકસ મૂકયું હતું ને કાર ઘર આગળ વધારી હતી.

સ્વીટીએ તેને બોકસ લાવીને આપવા માટે કહ્યું હતું, પણ જેકસન હવે બોકસ સ્વીટીના હાથમાં જવા દેવા માંગતો નહોતો. તે રસ્તામાં જ બોકસ ફેંકી દેવા માંગતો હતો.

તેને રસ્તામાં-ડાબી બાજુ કચરાપટ્ટી દેખાઈ. તેણે કચરાપટ્ટી પાસે કાર ઊભી રાખી.

તે કારની બહાર નીકળ્યો. ચંદ્રનું ઝાંખું અજવાળું ફેલાયેલું હતું. તેણે આસપાસમાં જોયું. કોઈ આવતું-જતું દેખાતું નહોતું. તેણે કારની પાછલી સીટનો દરવાજો ખોલ્યો ને સીટ પર પડેલું લાકડાનું બોકસ ઊઠાવ્યું. તે લાકડાનું બોકસ લઈને કચરાપટ્ટીની પાસે પહોંચ્યો ને બોકસને કચરાપટ્ટીમાં ફેંકી દીધું.

તેના મન-મગજ પરથી જાણે કોઈ મોટો ભાર હટી ગયો હોય એવું તેને લાગ્યું. તે પાછો કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો ને કાર ઘર તરફ આગળ વધારી.

તેને ખબર હતી કે, ઘરે સ્વીટી બોકસની વાટ જોઈને જ બેઠી હશે. જોકે, તેને ભરોસો હતો કે, તે સ્વીટીને એ બોકસ ફેંકી દેવા બદલ સમજાવી-મનાવી લેશે.

જેકસન ઘરે પહોંચીને સીધો જ સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો.

સ્વીટીના રૂમનો દરવાજો ખુલ્લો હતો. સ્વીટી રૂમમાં પલંગ પર બેઠી હતી. તેનો શ્વાસ જાણે કંઈક વધુ જ ઝડપે ચાલી રહ્યો હતો.

જેકસન ધીમી ચાલ ચાલતો સ્વીટીના રૂમના દરવાજા પાસે પહોંચ્યો.

‘મારું બોકસ કયાં છે ?!’ સ્વીટીએ જેકસન તરફ તાકી રહેતાં સીધો જ સવાલ કર્યો. સ્વીટીનો અવાજ કંઈક ભારે થઈ ગયો હતો.

‘સ્વીટી !’ જેકસને હળવેકથી કહ્યું : ‘એ બોકસને મેં ફેકી દીધું !’

‘કયાં ફેંકી દીધું એ મને કહો ?!’ સ્વીટીએ એ જ રીતના જેકસન સામે તાકી રહેતાં ભારે અવાજે પૂછયું.

‘એ અહીં આટલામાં નથી.’

‘તો તમે એને જ્યાં ફેંકયું છે ત્યાંથી મને પાછું લાવીને આપો !’

‘હું બોકસ નહિ લાવી આપું !’ જેકસન બોલ્યો : ‘એ બોકસને કારણે આપણે ખૂબ જ પરેશાની ભોગવવી પડી છે.’

‘હું..,’ કહેતાં સ્વીટી પલંગ પરથી ઊતરી અને જેકસન તરફ આગળ વધી : ‘...હું મમ્મીને બોલાવીશ !’

‘તું એને શું કહીશ ?!’

સ્વીટી જેકસનની બાજુમાંથી પસાર થઈને રૂમની બહાર નીકળી : ‘હું એને તમારી ફરિયાદ કરીશ.’

‘હું એને સંભાળી લઈશ !’ કહેતાં જેકસન સ્વીટીની પાછળ આગળ વધ્યો : ‘જો તારું વર્તન આવું જ રહ્યું, તો પછી કોઈ તારી સાથે વાત નહિ કરે.’

સ્વીટી જેકસન તરફ ફરી. તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો હતો : ‘આઈ હેટ યુ !’ તે ગુસ્સાભેર બોલી.

‘સ્વીટી !’ જેકસન બોલ્યો : ‘તું તારા રૂમમાં જા.’

‘નહિ જાઉં !’ સ્વીટી બેધડક બોલી.

‘મેં તને કહ્યું ને,’ જેકસન ગુસ્સે થઈ ગયો : ‘તારા રૂમમાં જા !’

‘મારે તમારી સાથે નથી રહેવું. હું મમ્મીને કહીશ કે, એ મને એની સાથે લઈ જાય !’

‘તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર,’ જેકસને ગુસ્સો ઠારતાં કહ્યું : ‘હું તારા ભલા માટે...’

‘...મને તમે જરાય ગમતા નથી !’ સ્વીટી જેકસન તરફ નફરતભરી નજરે જોઈ રહેતાં બોલી : ‘તમે ખૂબ જ ખરાબ છો, અને એટલે જ મમ્મી પણ તમને પસંદ કરતી નથી !’

‘તું આ બધી શું બકવાસ કરી રહી છે, સ્વીટી ?!’

‘તમારા કરતાં તો ડેવિડઅંકલ સારા !’ સ્વીટી જેકસનની નજીક આવીને ઊભી રહી : ‘ડેવિડઅંકલ મમ્મીને ખરા દિલથી પ્રેમ કરે છે. મમ્મી જે કહે છે, એ ડેવિડઅંકલ લાવી આપે છે. અને...’

‘બસ, ચૂપ કર, સ્વીટી !’

‘...અને અમે પણ જે કહીએ એ ડેવિડઅંકલ લાવી આપે છે, અને તમે...’ અને જાણે સ્વીટીના ચહેરા પર જેકસને તમાચો ઝીંકી દીધો હોય એવો ‘સટાક્‌ !’ અવાજ થયો ને સ્વીટીનો ચહેરો જોરથી બીજી તરફ ફરી જવાની સાથે જ સ્વીટી ચિલ્લાઈ ઊઠી : ‘તમે-તમે મને લાફો માર્યો, ડેડી ?!’

અને એ જ પળે મરીના એના રૂમના દરવાજે આવી પહોંચી. મરીનાને એના રૂમના દરવાજા પાસેથી જેકસનની પીઠ દેખાતી હતી અને સ્વીટીનો અડધો ચહેરો દેખાતો હતો.

‘સટાક્‌ !’ અને સ્વીટીના ચહેરા પર ફરી જાણે તમાચો ઝીંકાયો હોય એવો અવાજ આવવાની સાથે જ સ્વીટીએ ગાલ પર હાથ દબાવતાં રડવા માંડયું : ‘તમે મને ફરી મારી...?!’

‘આ...આ...’ જેકસન છક્કડ ખાઈ ગયો હતો. તેણે સ્વીટીને હાથ સુધ્ધાં લગાવ્યો નહોતો, પણ તે સ્વીટીના ગાલે તમાચા મારી રહ્યો હોય એવી રીતના સ્વીટી વર્તી રહી હતી. ‘...આ તું શું કહી-કરી રહી છે, સ્વીટી ?!’ જેકસને મૂંઝવણભેર પૂછયું.

‘સટાક્‌ !’ એવો અવાજ આવવાની સાથે જ જાણે ફરી સ્વીટીના ગાલે તમાચો ઝીંકાયો હોય એમ તેનો ચહેરો બાજુમાં ફરી જવાની સાથે તે ચિલ્લાઈ : ‘આ તમે શું કરી રહ્યા છો, ડેડી ?!’

‘સ્વીટી ?! આ તું શું કરી રહી છે, સ્વીટી ?!’ જેકસને આશ્ચર્ય અને અઘાતભેર સ્વીટી સામે જોતાં પૂછયું,

તો સ્વીટી ‘તમે મને મારી ડેડી, મને મારી !’ રડતાં-ચિલ્લાતાં મેઈન દરવાજા તરફ ફરી,

ત્યાં જ જેકસનની પાછળ, પોતાના રૂમના દરવાજા પાસે ઊભેલી મરીનાએ જેકસનને પૂછયું, ‘આ તમે શું કર્યું, ડેડી ?!’

‘મરીના !’ જેકસન મરીના તરફ ફર્યો : ‘મેં કંઈ નથી કર્યું !’

‘તમે સ્વીટીને તમાચા માર્યા, ડેડી ?!’

‘ના, મરીના ! મેં સ્વીટીને હાથ સુધ્ધાં લગાવ્યો નથી.’

‘તમે જુઠ્ઠું બોલી રહ્યા છો !’ મરીના ગુસ્સાભેર બોલી : ‘તમે એને મારી !’

‘મેં કહ્યું ને, મેં એને નથી મારી ! હું એને મારી રહ્યો હોઉં એવો એ દેખાવ કરી રહી હતી !’ અને જેકસન પાછો ફર્યો, પણ હવે સ્વીટી તેની નજીકમાં કે, આસપાસમાં પણ નહોતી.

-સામે મેઈન દરવાજો ખુલ્લો હતો. સ્વીટી મેઈન દરવાજામાંથી બહાર ભાગી નીકળી હતી.

‘સ્વીટી !’ બૂમ પાડતાં જેકસન મેઈન દરવાજા તરફ દોડયો.

તે મેઈન દરવાજાની બહાર નીકળ્યો. તેણે કમ્પાઉન્ડમાં નજર દોડાવી. સ્વીટી દેખાઈ નહિ, પણ કમ્પાઉન્ડનો ઝાંપો ખુલ્લો હતો.

‘સ્વીટી !’ જેકસન સ્વીટીના નામની બૂમ પાડતો કમ્પાઉન્ડના ઝાંપાની બહાર નીકળ્યો અને ડાબી બાજુ દૂર-દૂર સુધી પથરાયેલા રસ્તા પર નજર દોડાવી.

કમ્પાઉન્ડની લાઈટનું અજવાળું થોડેક દૂર સુધી જતું હતું, પણ એ અજવાળામાં સ્વીટી દેખાઈ નહિ.

‘સ્વીટી !’ બૂમ પાડતાં જેકસન એ રસ્તા પર દોડયો : ‘સ્વીટી !’

એ રસ્તા પર, થોડેક આગળ સ્વીટી ચંદ્રના ઝાંખા અજવાળામાં આગળ વધી રહી હતી. તે ઝાંખા અજવાળામાં પણ જાણે દિવસના અજવાળા જેવું ચોખ્ખેચોખ્ખું જોઈ શકતી હોય એમ દોડી જઈ રહી હતી.

તો જેકસન આંખો ઝીણી કરીને જોતો-સ્વીટીને શોધતો આગળ વધી રહ્યો હતો, અને સાથોસાથ બૂમો પાડી રહ્યો હતો : ‘સ્વીટી ! તું કયાં છે, સ્વીટી !’

આટલી વારમાં સ્વીટી જેકસનથી ખાસ્સે આગળ નીકળી ગઈ હતી. એ એટલી ઝડપે દોડી રહી હતી કે, કોઈ દોડવીરનેય પાછળ મૂકી દે.

સ્વીટી દોડતી-દોડતી જેકસને જે કચરાપટ્ટીમાં પેલું લાકડાનું મોટું બોકસ ફેંકી દીધું હતું, એ કચરાપટ્ટી પાસે પહોંચી. તેને જાણે ખબર હોય કે, ‘પેલું લાકડાનું મોટું બોકસ આ કચરાપટ્ટીમાં જ પડયું છે,’ એમ તે એ કચરાપટ્ટીમાં ઘૂસી અને સીધી જ કચરાપટ્ટીમાં પડેલા બોકસ પાસે પહોંચી.

‘મળી ગયું, મારું બોકસ !’ તે ખુશીથી બોલી ઊઠી, અને તેણે બન્ને હાથે એ મોટું બોકસ ઊઠાવ્યું.

બોકસ લઈને તે કચરાપટ્ટીમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી.

તેણે રસ્તા પર બોકસ મૂકયું અને બોકસ તરફ જોઈ રહી.

બોકસની ઉપરનું ઢાંકણું-બોકસ ધીમે-ધીમે આપમેળે ખુલવા લાગ્યું.

સ્વીટી એક-બે પગલાં પાછળ હટીને ઊભી રહી, અને આપમેળે ખુલી રહેલા બોકસ તરફ જોઈ રહી.

બોકસમાંથી એક પછી એક મોટી-મોટી પાંખો, મોટી-ગોળ આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા વિચિત્ર અને ભયાનક જીવડાં નીકળવા માંડયાં અને આસપાસમાં ઊડવા માંડયાં.

સ્વીટી બોકસ તરફ જોઈ રહી.

બોકસમાંથી એક સ્ત્રીનો ભારે અવાજ સંભળાયો : ‘સ્વીટી ?! શું તું મને સાંભળી શકે છે ?!’

સ્વીટીએ હકારમાં ચહેરો હલાવવાની સાથે જ કહ્યું : ‘હા !’ અને પછી તેણે બોકસ તરફ જોઈ રહેતાં પૂછયું : ‘શું તું મારી બોકસવાળી ફ્રેન્ડ છે ?!’

‘હા !’ બોકસમાંથી એ સ્ત્રીનો અવાજ સંભળાયો : ‘તને મારાથી બીક તો નથી લાગતી ને ?!’

‘ના !’ સ્વીટી બોકસ તરફ જોઈ રહેતાં બોલી.

‘તો પછી તું આટલી ઉદાસ કેમ છે ?!’

‘મારા ડેડી..,’ સ્વીટી બોલી : ‘મારા ડેડી મને પ્રેમ નથી કરતા-મને વહાલ નથી કરતા !’

‘તો કંઈ નહિ..,’ બોકસ તરફથી સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘...તું મારી સાથે ચાલ !’

‘ના !’ સ્વીટી બોલી.

‘સ્વીટી ! તું મારી સાથે ચાલ.’

‘ના !’ અને સ્વીટી હવે ડરીને બે-ત્રણ પગલાં પાછળ હટી : ‘મારે તારી સાથે નથી આવવું.’

‘તારે મારી સાથે આવવું જ પડશે, સ્વીટી !’ બોકસ તરફથી સ્ત્રીનો ધૂંધવાટભર્યો અવાજ સંભળાયો : ‘હું તને મારી સાથે લઈને જ જઈશ !’

‘ના, નહિ...!’ સ્વીટી ગભરાટથી બોલી ને તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું, અને...

...અને બોકસની આસપાસ ફરી રહેલાં મોટી પાંખો, ગોળ-મોટી આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા વિચિત્ર અને ભયાનક જીવડાંં એક પછી એક સ્વીટીના ખુલ્લા મોઢામાં દાખલ થવા લાગ્યા !

(ક્રમશઃ)