ભૂતખાનું - ભાગ 2 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 2

( પ્રકરણ : ૨ )

‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી!!’ એવો અવાજ જે લાકડાના બોકસમાંથી ગાયત્રીદેવીને સંભળાયો હતો, ને ગાયત્રીદેવી એ બોકસને હથોડીથી તોડી નાંખવા ગઈ હતી, પણ અચાનક કોઈ અદૃશ્ય શક્તિએ એને પકડીને પટકી હતી-લોહીલુહાણ કરી નાંખી હતી, એ જ રહસ્યમય લાકડાનું બોકસ સોળ વરસની સ્વીટીને પસંદ પડયું હતું.

સ્વીટીએ તેના ડેડી જેકસનને એ બોકસ ખરીદી લેવા જણાવ્યું હતું, ત્યાં જ સ્વીટીને બંગલાની કાચની બારીની અંદર ચહેરા પર પાટાપિંડી અને હાથ પર પ્લાસ્ટરવાળી ગાયત્રીદેવી દેખાઈ હતી.

ગાયત્રીદેવીએ સ્વીટી તરફ કંઈક એવી રીતના જોયું હતું અને કાચની બારી પર એવી રીતના હાથ પછાડયો હતો કે, સ્વીટી ડરી-ગભરાઈ ગઈ હતી ને દોડીને કારમાં બેસી ગઈ હતી.

‘ડેડી !’ અત્યારે હવે સ્વીટીએ ગાર્ડનમાં ઊભેલા અને ગાયત્રીદેવીના હસબન્ડ ધરમરાજ સાથે વાત કરી રહેલા તેના ડેડી જેકસન તરફ જોતાં બૂમ પાડી : ‘જલદી ચાલો ને, ડેડી !’

‘હા, સ્વીટી !’ જેકસને સ્વીટીને જવાબ આપ્યો ને ધરમરાજને રૂપિયા ગણી આપતાં કહ્યું : ‘સોફાસેટ અને અરીસો મારા ઘરના એડ્રેસ પર મોકલાવી દેજો. અમે લાકડાનું બોકસ લેતાં જઈએ છીએ.’

‘ઠીક છે !’ ધરમરાજે કહ્યું.

‘તમે તમારા ઘરનો બધો સામાન વેચી રહ્યા છો તો શું તમે આ ઘર છોડીને બીજે કયાંક રહેવા જઈ રહ્યા છો ?!’ જેકસને પૂછયું.

‘ના !’ ધરમરાજે નિશ્વાસ નાંખતાં કહ્યું : ‘દેવું ચૂકવવા માટે મારે આ બધું વેચવું પડી રહ્યું છે !’

‘ઓહ, સૉરી !’ જેકસને કહ્યું, અને તેની મોટી દીકરી મરીનાને લઈને કાર તરફ આગળ વધી ગયો.

તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. ‘બોકસ લઈ લીધું ને, સ્વીટી !’ તેણે પાછલી સીટ પર બેઠેલી સ્વીટી તરફ જોયું.

‘હા !’ કહેતાં સ્વીટીએ પોતાના ખોળામાં મુકાયેલા લાકડાના મોટા બોકસ પર હાથ થપથપાવ્યો.

‘ચાલો, જઈશું.’ બાજુમાં બેસી ચૂકેલી મરીના તરફ જોઈ લેતાં જેકસને ત્યાંથી કાર આગળ વધારી, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

જેકસને ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો અને એના સ્ક્રીન પર જોયું. તેના નાનપણના દોસ્ત અને મુંબઈની એક જાણીતી કલબમાં મેનેજરની નોકરી કરતા આશુતોષનો મોબાઈલ ફોન નંબર ઝળકી રહ્યો હતો.

જેકસને મોબાઈલનું બટન દબાવ્યું ને મોબાઈલ કાન પર મૂકતાં કહ્યું : ‘બોલ, આશુતોષ ! કેમ છે ?!’

‘મજામાં છું,’ સામેથી આશુતોષનો અવાજ સંભળાયો : ‘તું કેમ છે ?!’

‘ઠીક છું !’

‘અત્યારે તું ફકત ઠીક છે, પણ તું એકદમ મજામાં આવી જાય એવા ન્યૂઝ હું તને આજકાલમાં જ આપું છું !’

‘...એવા તો શું ન્યૂઝ છે ?’

‘ફાઈનલ થશે એટલે તને ફોન કરીશ !’ મોબાઈલમાં સામેથી આશુતોષનો અવાજ સંભળાયો.

‘ઠીક છે ! બોલ, બીજું કંઈ કામ નથી ને ? હું કાર ડ્રાઈવ કરી રહ્યો છું.’ જેકસને મોબાઈલ ફોનમાં આશુતોષને કહ્યું : ‘પછી વાત કરીએ છીએ !’

‘ઓ. કે. બાય !’ સામેથી આશુતોષનો અવાજ આવ્યો, એટલે જેકસને ‘બાય !’ કહીને મોબાઈલ ખિસ્સામાં મૂકયો.

સાંજના સાત વાગ્યા હતા. જેકસન ડ્રોઈંગરૂમમાં ગાયત્રીદેવીના ઘરેથી ખરીદેલા ઍન્ટીક સોફા પર બેઠો હતો. તે છાપામાંના વૉલીબોલના ન્યૂઝ વાંચી રહ્યો હતો,

તો તેની સામેના સોફા પર સ્વીટી બેઠી હતી અને ટેબલ પર પડેલા, ગાયત્રદેવીના ઘરેથી ખરીદેલા પેલા લાકડાના મોટા બોકસ પર હાથ ફેરવી રહી હતી. ‘ડેડી !’ સ્વીટીએ કહ્યું : ‘આ બોકસ કેટલું સુંદર લાગી રહ્યું છે ને !’

‘મને તો આ બોકસની ડીઝાઈન ખૂબ જ વિચિત્ર લાગી રહી છે !’ પોતાના ચશ્મામાંથી સ્વીટી તરફ એક નજર નાંખી લેતાં જેકસને કહ્યું.

સ્વીટીએ એ બોકસ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ બોકસ ખુલ્યું નહિ. ‘ડેડી !’ એણે કહ્યું : ‘આ બોકસ કેવી રીતના ખુલે છે, એ જોઈ આપો ને !’

‘હા, લાવ !’ કહેતાં જેકસને છાપું બાજુ પર મૂકયું અને ટેબલ પર મુકાયેલા એ બોકસને હાથમાં લીધું ને બોકસને હેરવી-ફેરવીને જોવા લાગ્યો. ‘આ બોકસને કયાંથી ખોલી શકાય એ જ કંઈ સમજ પડતી નથી !’ જેકસન ફરી એકવાર એ બોકસને ચારેબાજુથી ધ્યાનથી જોતાં બોલ્યો : ‘બોકસ ચારેબાજુથી પેક છે. એનું જોઈન્ટ જ દેખાતું નથી !’

‘...એટલે..?!’ સ્વીટીએ પૂછયું : ‘..એનો મતલબ શું ?!’

‘..એનો મતલબ એ કે, આ બોકસ જેણે પણ બનાવ્યું છે, એ એવું ઈચ્છતું નહોતું કે, કોઈ આ બોકસ ખોલે. અને કદાચને કોઈ ખોલવાનો પ્રયત્ન કરે તો પણ આ સહેલાઈથી ખુલે નહિ !’ અને જેકસને બન્ને હાથમાં બોકસ પકડીને જોરથી હલબલાવ્યું.

ખટ્‌-ખટ્‌-ખટ્‌ !

‘સાંભળ્યું ?!’ જેકસન બોલ્યો : ‘અંદર કોઈ વસ્તુ છે !’

‘એ વસ્તુ શું હશે ?!’ સ્વીટીએ અધીરાઈભેર પૂછયું, અને જેકસન એનો કોઈ જવાબ આપે એ પહેલાં જ જેકસનના મોબાઈલ ફોનની રિંગ વાગી.

જેકસને મોબાઈલ ફોન હાથમાં લીધો, તો સ્વીટી બોલી ઊઠી : ‘નહિ, ડેડી ! હમણાં મોબાઈલમાં વાત કરવાનું રહેવા દો. પહેલાં મને આ બોકસ ખોલીને એમાં શું છે ? એ જોઈ આપો !’

જેકસને મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું, તો તેના ફ્રેન્ડ આશુતોષનો કોલ હતો. ‘એક મિનિટ, સ્વીટી !’ જેકસને કહ્યું : ‘હું આશુતોષઅંકલ સાથે વાત કરીને તને બોકસ ખોલી આપું છું.’

‘નહિ, ડેડી ! પછી વાત કરો ને !’ સ્વીટીએ જિદ્‌ પકડી : ‘પહેલાં બોકસ ખોલી આપો ને !’

‘તને કહ્યું ને, સ્વીટી કે, પછી ખોલી આપું છું !’ કહેતાં જેકસને મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને બારી તરફ આગળ વધી ગયો.

સ્વીટીએ નારાજગીભરી નજર જેકસન તરફ નાંખીને બોકસ તરફ જોયું.

તો બારી પાસે પહોંચેલા જેકસને અમસ્તા જ બારી બહાર જોતાં મોબાઈલ ફોનમાં આશુતોષ સાથે વાત કરી : ‘હા બોલ, આશુતોષ !’

‘મુંબઈ આવવા માટે બોરિયા-બિસ્તર તૈયાર કરી લે, જેકસન !’

‘કેમ ?!’ જેકસને કહ્યું : ‘કંઈ સમજાય એવું બોલ !’

‘અહીં અમારી કલબમાં તારા ખૂબ જ વખાણ થઈ રહ્યા છે ! તને બે નેશનલ એવોર્ડ મળવાને કારણે હવે અમારી કલબ તારા વિશે વિચારી રહી છે.’ સામેથી આશુતોષનો અવાજ આવ્યો : ‘અમારી કલબ તને વૉલીબોલનો કોચ બનાવવા માંગે છે !’

‘પણ..,’ જેકસને પૂછયું : ‘પીટરઅંકલને ખરાબ નહિ  લાગે ?!’

‘ના !’ સામેથી આશુતોષનો અવાજ આવ્યો : ‘પીટરઅંકલ હવે રિટાયર્ડ થવા માંગે છે અને એમણે જ મને તારી સાથે વાત કરવા માટે કહ્યું છે ! પીટરઅંકલ એવું ઈચ્છે છે કે, એમનો એક ખાસ ચેલો જ હવે એમની જગ્યાએ કામ કરે !’

‘ઠીક છે !’ જેકસને કહ્યું : ‘તો હું તૈયાર છું.’

‘ગુડ !’ સામેથી આશુતોષનો અવાજ આવ્યો : ‘તો પછી વાત કરીએ છીએ !’ અને સામેથી આશુતોષે મોબાઈલ કટ્‌ કરી દીધો.

જેકસન ખિસ્સામાં મોબાઈલ મૂકતાં સોફા તરફ ફર્યો.

સ્વીટી પેલું બોકસ લઈને એના રૂમમાં ચાલી ગઈ હતી.

જેકસન સોફા પર બેઠો. તે મુંબઈની કલબમાં વૉલીબોલના કૉચ માટેની તેને મળેલી આ ઑફરના વિચારે ચઢયો.

રાતના બાર વાગ્યા હતાં. સ્વીટી તેના રૂમમાં પલંગ પર સૂતી હતી.

રૂમની બંધ બારી બહાર અચાનક અને એકદમથી જ પવન ફૂંકાવા માંડયો હતો.

ધમ્‌ ! અવાજ સાથે બારી ખુલી ગઈ અને સૂસવાટાભેર પવન અંદર ધસી આવ્યો. પવનની જોરદાર અને એકદમ ઠંડી થપાટે સ્વીટીને ઊંઘમાંથી જગાડી દીધી. તે સફાળી બેઠી થઈ ગઈ.

ધમ્‌ ! ધમ્‌ ! બારી ખુલ-બંધ થવાની સાથે આ અવાજ કરી રહી હતી. સ્વીટી ઊભી થઈ. તેણે બારી બંધ કરી અને સ્ટોપર લગાવી. તે પલંગ તરફ પાછી ફરવા ગઈ, ત્યાં જ તેની નજર બારીની બાજુમાં મુકાયેલા ઊંચા ટેબલ પર પડેલા પેલા લાકડાના મોટા બોકસ પર પડી.

સાંજના ડેડી મોબાઈલ પર આશુતોષઅંકલ સાથે વાત કરવા લાગ્યા, ત્યારે તેણે રૂમમાં આવીને આ બોકસ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બોકસ ખુલ્યું નહોતું. બોકસમાંથી જે રીતના અવાજ આવતો હતો એ જોતાં એમાં કોઈ વસ્તુ હોય એવું લાગતું હતું. સ્વીટીના મનમાં એ વસ્તુ જોવાની અધીરાઈ ભરાયેલી હતી.

સ્વીટીએે અત્યારે ફરી એકવાર બોકસ ખોલવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને બોકસ પોતાના બન્ને હાથમાં ઊઠાવી લીધું.

તે પલંગ પર બેઠી. તે બોકસને હેેરવવા-ફેરવવા લાગી ને એનું ઢાંકણુ શોધવા લાગી.

તેને બોકસનું ઢાંકણું મળ્યું નહિ. તેણે બોકસ પલંગ પર મૂકયું, ત્યાં જ તેને ખ્યાલ આવ્યો કે, તેણે પહેરેલી નાઈટી બોકસના ખુણામાં ફસાઈ ગઈ છે. તે નાઈટી ખેંચી કાઢવા ગઈ, ત્યાં જ બોકસના ખુણામાંથી એક સ્ટોપર જેવી કડી ‘ખટ્‌ !’ના અવાજ સાથે ખેંચાઈ આવી ને બોકસની ઉપરનો-ઢાંકણા જેવો ભાગ સહેજ ઢીલો-અધ્ધર થયો.

સ્વીટીને ખ્યાલ આવી ગયો.

બોકસ સાથે દેખાય નહિ અને સમજાય નહિ એવી રીતના જોડાયેલી બોકસની સ્ટોપર તેની નાઈટીમાં ભેરવાઈને ખુલી ગઈ હતી, જેના કારણે બોકસ-બોકસની ઉપરનું ઢાંકણું ખુલી ગયું હતું.

સ્વીટીએ બન્ને હાથે બોકસની ઉપરનું ઢાંકણું પકડીને ખોલ્યું અને અંદર-બોકસમાં જોયું.

-અંદર એક મોટો અને એક નાનો એમ બે પિત્તળના-કાળા પડી ગયેલા દાબડા-ડબા પડયા હતા.

સ્વીટીએ પહેલાં મોટો દાબડો ઊઠાવ્યો અને એને ખોલ્યો.

-અંદર બે લોખંડના રમકડાં જેવું પડયું હતું.

સ્વીટીએ એક રમકડું ઊઠાવ્યું.

-એ લોખંડનું કાળું પડી ગયેલું-કાટ ખાઈ ગયેલું વિચિત્ર જીવડું હતું.

સ્વીટીએ એ વિચિત્ર જીવડું પાછું દાબડામાં મૂકયું અને બીજું રમકડું ઊઠાવ્યું.

-એ રમકડું ઘોડા જેવું લાગતું હતું, પણ એ ઘોડો તો નહોતો જ. એ વિચિત્ર રમકડું પણ કાળું પડી ગયેલું-કાટ ખાઈ ગયેલું હતું.

સ્વીટીએ એ રમકડું પાછું દાબડામાં મૂકયું અને દાબડો બંધ કરીને પાછો બોકસમાં મૂકયો.

સ્વીટીએ બોકસમાં પડેલો બીજો દાબડો હાથમાં લીધો અને એ ખોલ્યો.

-એમાં લોખંડની-કાળી પડી ગયેલી-કાટ ખાઈ ગયેલી ને કોઈ પુરુષની હોય એવી એક મોટી અંગૂઠી પડી હતી !

સ્વીટીએ એ અંગૂઠી હાથમાં લીધી ને એને જોઈ રહી.

અંગૂઠીનો ઉપરનો ભાગ મોટો ને લંબગોળ હતો અને એની પર કંઈક કોતરાયેલું હતું. પણ એ શું હતું એ સમજાતું નહોતું.

અંગૂઠી મોટી હતી. સ્વીટીની આંગળીમાં ઢીલી પડે એમ હતી, છતાં તેણે એ અંગૂઠી તેના જમણા હાથની આંગળીમાં પહેરી અને તેની નવાઈ વચ્ચે એ અંગૂઠી તેની આંગળીમાં ફીટ થઈ ગઈ ! જાણે એ અંગૂઠી તેની આંગળીના માપથી જ બનાવવામાં આવી ન હોય !

સ્વીટીની આંખોમાં ખુશી ચમકી ઊઠી. તેણે એ અંગૂઠી પાછી ઊતારી નહિ. તેણે એ અંગૂઠી આંગળીમાં જ પહેરાયેલી રહેવા દીધી ને હવે તેણે એ દાબડામાં પડેલી બીજી વસ્તુ ઊઠાવીને જોઈ.

-એ દાઢ હતી !

-કોઈક વ્યક્તિના મોઢાની તૂટેલી દાઢ !!

સ્વીટીએ એ દાઢ પાછી દાબડામાં મૂકી. દાબડો બંધ કર્યો અને પાછો બોકસમાં મૂકયો.

તેણે બોકસ પાછું બંધ કર્યું અને તે બોકસની બાજુમાં જ પલંગ પર લેટી. તેણે બોકસ પર અંગૂઠીવાળો જમણો હાથ મૂકયો અને આંખો મીંચી.

 

‘ડેડી બચાવ, ડેડી બચાવ!’ની ચીસાચીસથી જેકસનના ઘરની દીવાલો ખળભળી ઊઠી ને એની સાથોસાથ જ ઊંઘી રહેલો જેકસન જાગી ઊઠયો અને રૂમની બહારની તરફ દોડયો.

તો પોતાના રૂમમાં પેલા લાકડાના મોટા બોકસ પર હાથ મૂકીને ઊંઘી રહેલી સ્વીટી પણ જાગી જવાની સાથે જ પલંગ પર બેઠી થઈ ગઈ.

‘ડેડી ! જલદી, આવો !’ સ્વીટી પોતાની મોટી બહેન મરીનાની આ બૂમાબૂમ સાંભળીને પલંગ પરથી ઊભી થઈ અને દોડીને દરવાજા પાસે પહોંચી.

‘સ્વીટી ?!’ ત્યાં જ સ્વીટીના રૂમના દરવાજા નજીક આવેલા જેકસને પૂછયું : ‘શું થયું...?!’

‘મને ખબર નથી !’ સ્વીટીએ ગભરાટભેર કહ્યું, એટલે જેકસન મરીનાના રૂમ તરફ દોડયો.

જેકસને મરીનાના રૂમનો દરવાજો ધકેલીને ખોલ્યો. ‘મરીના.’ તેણે એક તરફ ચીસો પાડતી-ઊછળી રહેલી મરીનાની નજીક પહોંચી જતાં પૂછયું : ‘શું થયું, મરીના !’

‘એ મારા આખા શરીર પર ફરી રહ્યું હતું !’ પલંગ તરફ આંગળી ચિંધતાં થર-થર કાંપતાં મરીના બોલી.

‘શું છે, એ ?!’ જેકસને પૂછયું ને પલંગ તરફ આગળ વળ્યો.

રૂમમાં આવેલી સ્વીટી પણ પલંગ તરફ આગળ વધી ગઈ.

‘એ રજાઈની અંદર છે, ડેડી.’ મરીના બોલી, એટલે પલંગ નજીક પહોંચેલી સ્વીટીએ રજાઈ હટાવી અને...,

...અને એ સાથે જ એ પલંગ પર બેઠેલું દેખાયું.

-એ એક મોટું જીવડું હતું !

-એ જીવડાની પાંખો ખૂબ જ મોટી હતી ! એની આંખો પણ મોટી-ગોળ અને જાણે બહાર નીકળી આવી હતી ! એના મોઢામાંથી બે લાંબા-તીણાં દાંત બહાર નીકળી આવેલા હતા. એ ‘હુમ્મ્મ્મ્‌ !’ જેવો ધીમો અવાજ કરવાની સાથે જ જોરથી પોતાની પાંખો ફફડાવી રહ્યું હતું !!!

જેકસને પલંગ નીચે પડેલું મરીનાનું સેન્ડલ લીધું અને પલંગ પર બેઠેલા એ જીવડા પર એકસાથે પાંચ-છ વાર મારી દીધું.

-એ જીવડું શાંત થઈ ગયું.

‘ડેડી ! આ તમે શું કરી નાંખ્યું ?!’ સ્વીટી ચિલ્લાઈ ઊઠી, ‘તમે એને મારી નાંખ્યું ?!’

‘મરીનાએ મને આને મારી નાંખવા માટે કહ્યું હતું !’ જેકસન બોલ્યો.

‘ડેડી ! મેં તમને એને ભગાડવા માટે કહ્યું હતું, એને મારી નાંખવા માટે નહિ !’ મરીના બોલી : ‘તમે તો મારી પથારી ગંદી કરી નાંખી !’ અને મરીના પગ પછાડતી રૂમની બહાર નીકળી ગઈ.

જેકસને સ્વીટી સામે જોયું.

સ્વીટી પલંગ પર પડેલા એ જીવડાને એકીટશે જોઈ રહી હતી.

‘સ્વીટી !’ જેકસન બોલ્યો : ‘મેં મારી જિંદગીમાં આવું વિચિત્ર જીવડું પહેલી વાર જ જોયું !’

‘ડેડી ! આ જીવડાં જેવું જ રમકડું મેં પેલા લાકડાના બોકસમાં પડેલું જોયું છે !’ સ્વીટીના હોઠ સુધી શબ્દો આવ્યા, પણ જાણે કોઈએ એ શબ્દોને બોલાતાં રોકી લીધાં.

સ્વીટી પલંગ પર પડેલા એ મરેલા જીવડા સામે જોઈ રહી.

-સ્વીટીને લાગ્યું કે, એ જીવડું હજુ પણ  જીવતું છે અને પોતાની મોટી-ગોળ આંખોથી તેને જોઈ રહ્યું છે અને આંખો-આંખોમાં જ તેને કંઈક કહી રહ્યું છે !

(ક્રમશઃ)