ફરેબ - ભાગ 12 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 12

( પ્રકરણ : 12 )

સાંજના સવા છ વાગ્યા હતા. અભિનવ પોતાની ઑફિસમાં બેઠો હતો. તેની સામે તેના બિઝનેસ પાર્ટનર જયનીલ અને ઉદિત બેઠા હતા. જયનીલ અને ઉદિતના ચહેરા પર ચિંતાના વાદળાંઓ ઘેરાયેલાં હતાં.

‘અભિનવ !’ ઉદિત ધૂંધવાટભર્યા અવાજે બોલ્યો : ‘અમે તારી ગણતરી પર ભરોસો મૂકયો અને તને સાથ આપ્યો. અમને એમ કે આપણે માલામાલ થઈ જઈશું, પણ તારી ગણતરી તદ્દન ખોટી પડી અને આપણે રસ્તા પર આવી જઈએ એવી હાલત થઈ ગઈ.’

‘તું ભૂલે છે, ઉદિત !’ જયનીલ રડું-રડું થતા અવાજે બોલ્યો : ‘આપણે રસ્તા પર જ નહિ, પણ જેલભેગા થઈ જઈએ એવી આપણી હાલત થઈ ગઈ છે.’

‘તમે લોકો આમ ગભરાઈ જશો તો આપણે જેલભેગા નહિ થતા હોઈએ તો પણ થઈ જઈશું.’ અભિનવ ગુસ્સાભેર બોલ્યો : ‘આપણે ખૂબ જ શાંતિ અને સિફતથી આ મુસીબતમાંથી બહાર નીકળવાનું છે.’ અભિનવની આ વાત પૂરી થઈ, ત્યાં જ ઑફિસનો દરવાજો ખૂલ્યો ને સબ ઈન્સ્પેકટર રાવત ડોકાયો. અભિનવ રાવતને કંઈ કહે-પૂછે એ પહેલાં જ રાવતે કહ્યું : ‘તમારી હમણાં કમનસીબી ચાલી રહી છે, અભિનવ !’ ં અને રાવત અભિનવની નજીક આવીને ઊભો રહ્યો : ‘તમે હજુ એક મુસીબતમાંથી બહાર નીકળો, ત્યાં તો બીજી મુસીબત તમારા માથે આવી પડે છે.’

‘તેણે બેન્કના ડિરેકટર તરીકે કરેલા લાખ્ખો રૂપિયાના કૌભાંડને લગતી વાત તો રાવત કરી રહ્યો નથી ને ?’ અભિનવના મગજમાં વિચાર જાગ્યો, પણ તેણે મોઢું સીવેલું રાખ્યું.

‘અભિનવ !’ રાવત અભિનવનો ચહેરો વાંચતાં બોલ્યો : ‘તમારા ઘરનું ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયું છે !’

‘શું ? !’ અભિનવ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

જયનીલ અને ઉદિતના જીવ પણ ઊંચા થઈ ગયા.

‘...ગેસનું સિલીન્ડર બ્લાસ્ટ થઈ ગયું છે ? ! ઓહ, માય ગૉડ ! અને...’ અભિનવ પૂછી ઊઠયો : ‘...અને કશીશ ? ! કશીશ તો ઠીક છે ને ? !’

‘હા.’ રાવતે અભિનવના ચહેરાના હાવભાવ વાંચવાનું ચાલુ રાખતાં કહ્યું : ‘કશીશ બચી ગઈ છે, પણ કશીશની જગ્યાએ એની બેનપણી અનુરાધા સળગી ગઈ છે. મારું માઈન્ડ કહે છે કે, અનુરાધા નહિ બચી શકે !’

‘અત્યારે એ કયાં છે ? !’

‘હૉસ્પિટલમાં !’ રાવતે કહ્યું.

‘કઈ હૉસ્પિટલમાં !’ અભિનવે પૂછયું.

‘વી-કેર હૉસ્પિટલમાં ! ચાલો, આપણે સાથે જ ત્યાં જઈએ છીએ.’ અને રાવત દરવાજા તરફ વળીને આગળ વધ્યો.

અભિનવ ઉતાવળે પગલે તેની સાથે ચાલ્યો. જયનીલ અને ઉદિત પણ તેની સાથે ચાલ્યા. અભિનવે ઑફિસની બહાર નીકળીને બિલ્ડીંગની બહારની તરફ આગળ વધતાં પોતાના દોસ્ત ઈશાનને મોબાઈલ લગાવ્યો અને એને આ સમાચાર આપીને પછી પોતાના દોસ્ત તરૂણને પણ મોબાઈલ કર્યો.

અભિનવની વાતચીત અને તેના હાવભાવને રાવત મન-મગજમાં નોંધી રહ્યો.

૦ ૦ ૦

અભિનવ સબ ઈન્સ્પૅકટર રાવત, જયનીલ અને ઉદિત સાથે હૉસ્પિટલના ‘બર્ન્સ વૉર્ડ’માં અનુરાધાના પલંગ પાસે પહોંચ્યો, ત્યારે અનુરાધા જિંદગીનો છેલ્લો શ્વાસ લઈ ચૂકી હતી. નજીકમાં જ હૅડ કૉન્સ્ટેબલ નિગમ ઊભો હતો. જ્યારે પલંગની બાજુમાં સ્ટુલ પર બેઠેલી કશીશ ચોધાર આંસુએ રડી રહી હતી. બધાંને જોતાં જ કશીશ ઊભી થઈ અને આંસુભીની આંખે અભિનવ તરફ જોઈ રહી. ત્યાં જ ઈશાન, તરૂણ અને તરૂણની પત્ની સ્વાતિ આવી પહોંચ્યા.

ઈશાન સ્ટૂલ પર બેસી પડયો. ‘અભિનવ !’ ઈશાન બોલી ઊઠયો : ‘અનુરાધા ચાલી ગઈ. મારા દિલની દિલમાં રહી ગઈ. હું એને ચાહવા લાગ્યો હતો. હું એની સાથે લગ્ન કરવાનું વિચારતો હતો અને આ શું બની ગયું ? ! પણ..પણ આ કેવી રીતના બની ગયું ? !’

‘કશીશ !’ અભિનવે કશીશ તરફ જોતાં પૂછયું : ‘આ દુર્ઘટના બની કેવી રીતના ? !’

‘દુર્ઘટના અકસ્માતે બને છે, અભિનવ !’ કશીશ કંઈ જવાબ આપે એ પહેલાં જ રાવત બોલ્યો : ‘પણ આ દુર્ઘટના એ કંઈ અકસ્માત નહોતો. એટલા માટે કે, ગેસના સિલીન્ડરની પાઈપ રીતસરની કાપી નાંખવામાં આવી હતી. અને મારું માઈન્ડ કહે છે કે, કદાચને ગેસ તો આપમેળે લીક થઈ શકે, પણ કંઈ ગેસની પાઈપ આપમેળે કપાઈ શકતી નથી.’

અભિનવ ચુપચાપ રાવત સામે જોઈ રહ્યો.

રાવતે હવે કશીશ તરફ જોયું : ‘હવે તો એ કશીશ જ બતાવી શકે એમ છે કે, અનુરાધા રસોડામાં ગઈ એ પહેલાં રસોડામાં કોણ ગયું હતું ? !’

આ સાંભળતાં જ કશીશે અભિનવ તરફ જોયું.

‘કશીશ !’ કશીશ કંઈ બોલે એ પહેલાં જ અભિનવે કહ્યું : ‘તું જે વિચારી રહી છે, એ સાચું છે. તારી ગેરહાજરીમાં હું જ છેલ્લે રસોડામાં કૉફી બનાવવા માટે ગયો હતો. પણ તું જે સમજી રહી છે એવું નથી. મેં પાઈપ કાપી નથી. તું ખોટું સમજી....’

‘હું કંઈ ખોટું સમજી રહી નથી.’ કશીશ બોલી ઊઠી : ‘કમનસીબે અનુરાધા મને મળવા આવી, રસોડામાં ચા-નાસ્તો બનાવવા ગઈ અને સળગી મરી. એ ન આવી હોત અને હું સળગી મરી હોત તો સારું હતું ! શું તું પણ એમ નથી ઈચ્છતો અભિનવ કે, હું મરી જાઉં !’

‘કશીશ.’ અભિનવ ચિલ્લાયો.

‘બસ, અભિનવ !’ કશીશ રોષભેર બોલી : ‘હું સારી રીતના સમજી ગઈ છું કે, અનુરાધાના મોત માટે કોણ જવાબદાર છે, અને હું આખરે કોના રસ્તા વચ્ચે આવી રહી છું ? !’ અને આટલું બોલતાં જ કશીશ એક ધ્રુસકું મૂકતાં વૉર્ડની બહાર દોડી ગઈ.

‘કશીશ ! ઊભી રહે, કશીશ.’ કહેતાં અભિનવ કશીશ પાછળ દોડયો, પણ રાવતેે તેને શબ્દોથી રોકયો, ‘એક મિનિટ, અભિનવ.’

અભિનવે રોકાઈ જતાં, પાછું વળીને રાવત તરફ જોયું.

‘તમારો કોઈ વકીલ છે ? !’ રાવતે કહ્યું : ‘ન હોય તો કરી લેજો. મારું માઈન્ડ કહે છે કે, ટૂંક સમયમાં જ તમને વકીલની જરૂર પડશે.’

રાવતની આ વાતનો કોઈ જવાબ આપ્યા વિના જ અભિનવ વૉર્ડની બહાર નીકળી ગયો. તે હૉસ્પિટલની બહાર નીકળ્યો, ત્યારે કશીશ કારમાં કમ્પાઉન્ડની બહાર નીકળી જતી દેખાઈ. અભિનવ કશીશની કારને જતી જોઈ રહેતાં કંઈક વિચારી રહ્યો.

૦ ૦ ૦

બીજા દિવસની સવારના સવા અગિયાર વાગ્યા હતા. અભિનવ પોતાની ઑફિસમાં બેઠો હતો.

કશીશ ગઈકાલે હૉસ્પિટલેથી નીકળી ગઈ એ પછી અભિનવે તેની સાથે મોબાઈલ ફોન પર વાત કરવા માટે આઠ-દસ વખત મોબાઈલ લગાવ્યો હતો, પણ કશીશે મોબાઈલ લીધો નહોતો.

તેણે કશીશની મા નિરૂપમા-બેનના ઘરે જવાનું ટાળ્યું હતું.

તે ટૅન્શનમાં હતો. તેનું ધાર્યું થતું નહોતું, એટલે તેની આસપાસ વંટળાયેલો મુસીબતનો અજગર તેને વધુ ને વધુ ભીંસમાં લેતો જઈ રહ્યો હતો. તેનું નામ, તેની ઈજ્જત અને તેની જિંદગી પણ જોખમમાં મુકાઈ હતી. તેણે આ ત્રણેય વસ્તુઓ જાળવવાની હતી. નામ અને ઈજ્જત વિનાની જિંદગી પણ તે જીવવા માંગતો નહોતો. તે પોતાની રીતે જીવવા માંગતો હતો અને એ માટે એ સારા-ખોટાની દરેક હદોને પાર કરી જવા માંગતો હતો.

ઈન્ટરકૉમનું બઝર વાગ્યું એટલે અભિનવ વિચારોમાંથી બહાર આવ્યો. રીસિવર ઊઠાવીને તેણે કાને ધર્યું અને ‘બોલ !’ એવું કહ્યું એટલે સામેથી સેક્રેટરી જેસ્મીનનો અવાજ આવ્યો : ‘સર ! કોઈ સાહેબ તમારી સાથે જરૂરી વાત કરવા માંગે છે ? !’

‘કોણ છે એ ?’ તેણે પૂછયું.

‘સાહેબ પોતાનું નામ જણાવતાં નથી.’ સામેથી સેક્રેટરી જેસ્મીનનો જવાબ સંભળાયો : ‘તેમનું કહેવું છે કે તેઓ કશીશ મેડમ પર થયેલા હુમલા વિશે વાત કરવા માંગે છે.’

અભિનવની ભ્રમરો તણાઈ : ‘..લાઈન આપ.’

‘ઓ કે. સર !’ સામેથી જેસ્મીનનો અવાજ સંભળાયો અને પછી ચુપકીદી છવાઈ ગઈ.

અભિનવે કાન સરવા કર્યા.

સામેથી ફોન કરનારને લાઈન અપાયાનો અવાજ સંભળાયો અને પછી રિસીવરમાંથી અવાજ ગુંજવા માંડયો ને તેના કાનના પડદા સાથે અફળાવા માંડયો : ‘...કશીશના ખૂનની ઘટના આકસ્મિક લાગવી જોઈએ. એવું લાગવું જોઈએ કે કોઈ ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો હશે, ચોર પર કશીશની નજર પડી હશે, મુંઝાયેલા ચોરે કશીશ પર હુમલો કર્યો હશે અને બચાવમાં કશીશે પણ સામે વાર કર્યો હશે. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હશે અને એમાં ચોરથી કશીશનું ખૂન થઈ ગયું હશે.’ અને આ સાથે જ સામેથી અવાજ સંભળાવાનો બંધ થઈ ગયો.

અભિનવ પૂતળાની જેમ બેસી રહ્યો. સામેથી સંભળાયેલો અવાજ તેનો પોતાનો જ હતો. તેણે આ વાત કશીશના પ્રેમી નિશાંતને કશીશને ખતમ કરવા માટેનો પ્લાન સમજાવતી વખતે કરી હતી.

અભિનવ હવે સામેથી શું સંભળાય છે ? એ જાણવા માટે એ જ રીતના કાન પર રીસિવર ધરેલું રાખીને બેસી રહ્યો,

તો સામા છેડેથી પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયેલો અભિનવનો અવાજ પબ્લિક ફોન બુથમાંથી અભિનવને સંભળાવી રહેલા નિશાંતે રીસિવરના માઉથપીસ નજીકથી મોબાઈલ હટાવ્યો અને પછી રીસિવરમાં બોલ્યો : ‘અભિનવ ! હું નિશાંત બોલું છું એ કહેવાની જરૂર લાગે છે, ખરી ?’ નિશાંત આગળ બોલ્યો : ‘તેં સાંભળી લીધી ને તારા પોતાના મોઢે બોલાયેલી વાત ! હવે મારા મોઢે થોડીક વાત સાંભળવા માટે અડધો કલાકમાં, બરાબર બાર વાગ્યે ગોલ્ડન સર્કલ પાસેની કાટેકર સ્ટ્રીટમાં આવેલી ‘એ-વન રેસ્ટોરન્ટ’ પર આવી પહોંચ.’ અને આટલું કહેતાં જ નિશાંત ફોન મૂકીને ટેલિફોન બુથની બહાર નીકળી ગયો.

ત્યારે ઑફિસમાં પોતાની ખુરશી પર બેઠેલા અભિનવે કાન પરથી ફોનનું રીસિવર હટાવ્યું અને ક્રેડલ પર મૂકયું. તે ઊભો થયો અને નિશાંતને મળવા જવા માટે ઑફિસની બહાર નીકળી ગયો.

૦ ૦ ૦

નિશાંતે જણાવેલી ગોલ્ડન સર્કલ પાસે આવેલી કાટેકર સ્ટ્રીટ સાંકડી હતી અને અંદર કાર જઈ શકે એમ નહોતી એટલે અભિનવ ગલીના નુકકડ પાસે કાર પાર્ક કરીને આગળ વધ્યો. ગલીમાં ઘૂસતાં જ અભિનવને ખ્યાલ આવી ગયો કે અહીં થર્ડ ગ્રેડની દુકાનો હતી અને અહીં થર્ડ ગ્રેડના લોકોની જ અવર-જવર હતી. તે ગલીની અધવચમાં આવેલી ‘એ-વન રેસ્ટોરન્ટ’માં દાખલ થયો, તો ખૂણાના ટેબલ પર નિશાંત બેઠો-બેઠો ચાની ચુસ્કી લેતો દેખાયો.

તે નિશાંતની નજીક પહોંચ્યો. ‘બોલ !’ તેણે સીધું જ કહ્યું, એટલે નિશાંત મલકયો : ‘બેસ તો ખરો.’

અભિનવ બેઠો.

‘અહીં ચાલીને આવતાં તારા કીંમતી બૂટ ગંદા થઈ ગયા હશે ને ? !’ નિશાંતે કહ્યું.

‘બકવાસ બંધ કર.’ અભિનવ બોલ્યો : ‘સીધો મતલબની વાત પર આવ.’

‘બે-ત્રણ દિવસે મુલાકાત થઈ એટલે મને થયું કે, થોડીક...’

‘તું શું ઈચ્છે છે ? !’ અભિનવે તેની વાત કાપતાં પૂછયું.

‘સોદો થયા પ્રમાણેના મારા બાકીના એંસી લાખ રૂપિયા !’

‘તેં હજુ તારો સોદો પૂરો કર્યો નથી.’ અભિનવે સામું કહ્યું.

‘...તો શું ? !’

‘તો મને શું ફાયદો થયો ?’ અભિનવે પૂછયું.

‘ફાયદો ન થયો, પણ તો મોટા નુકશાનથી પણ બચી ગયો ને ?’

‘કેવા નુકશાનથી ? !’

‘જેલમાં જવાના નુકશાનથી.’ નિશાંત બોલ્યો : ‘કશીશ મરતાં-મરતાં બચી ગઈ, એટલે તું જેલમાં જતાં-જતાં બચી ગયો છે. તારા જેવા શરીફ માણસ માટે શું જેલમાં જવું એ જિંદગીનું સહુથી મોટામાં મોટું નુકશાન ન કહેવાય ? !’’

અભિનવ કંઈક વિચારીને બોલ્યો : ‘ઠીક છે. તું મને એ કહેે, બાકીના રૂપિયા આપી દઉં પછી તું મને પરેશાન નહિ કરે ને !’

‘...કરીશ, પણ તું પરેશાન હોઈશ ત્યારે નહિ !’ નિશાંત હસ્યો : ‘જ્યારે-જયારે તારા ધંધામાં, શેરબજારમાં ઊછાળો આવશે ને તું તગડો નફો કમાઈશ ત્યારે-ત્યારે હું તારી પાસેથી સાવ પાતળી રકમ લઈ જઈશ.’

અભિનવ નિશાંતને જોઈ રહ્યો.

‘તું ભવિષ્યની ચિંતા છોડ. નિશાંત હસ્યો : ‘અત્યારની ફીકર કર.’

‘મારે બાકીના રૂપિયા આપવા માટે થોડોક સમય જોઈશે.’

‘ચાર કલાક આપું છું.’ નિશાંત બોલ્યો : ‘સાંજના ચાર વાગ્યા સુધીમાં તારે મને રૂપિયા પહોંચાડી દેવા પડશે.’

‘આ શકય નથી.’ અભિનવ બોલી ઊઠયો : ‘તું જાણે છે કે..’

‘તુંય શું, અભિનવ !’ નિશાંત બોલ્યો : ‘તારા જેવા માણસ માટે આટલા રૂપિયા ભેગા કરવામાં સમય થોડો લાગે ? !’

અભિનવે પોતાના ચહેરા પરની તાણ ખંખેરી નાંખી. તે મુસ્કુરાયો : ‘ચલ, બોલ ! મારે રૂપિયા કયાં પહોંચાડવાના છે ?’

‘મારા ઘરે !’ નિશાંત બોલ્યો, ‘જો તું સમયસર રૂપિયા લઈને નહિ પહોંચે તો હું તારી અસલિયત જણાવતી સી. ડી. પોલીસ અને પબ્લિકના હાથમાં પહોંચાડી દઈશ.’

‘ઠીક છે.’

‘ઠીક છે, નહિ દોસ્ત !’ નિશાંત બોલ્યો : ‘જો રૂપિયા લઈને પહોંચવામાં મોડો પડીશ તો ખરેખર જ હું સી. ડી. બધાંના હાથમાં પહોંચતી કરી દઈશ.’ નિશાંતે કાંડા ઘડિયાળમાં જોયું : ‘સવા બાર વાગ્યા. હવે નીકળ.’

અભિનવ ઊભો થયો અને બહાર નીકળીને ગલીમાં ચાલતો પોતાની કાર તરફ આગળ વધ્યો.

અને ત્યારે અહીંથી ખાસ્સે દૂર આવેલી આવી જ એક સાંકડી ગલી, પણ આનાથી વધુ ગંદી ગલીમાં કશીશ તેની પર હુમલો કરનાર બાદલનું ઘર શોધતી આગળ વધી રહી હતી.

સબ ઈન્સ્પેકટર રાવત પાસેની બાદલ વિશેની ફાઈલમાંથી, મગજમાં નોંધી લીધેલી બિલ્ડીંગ પાસે પહોંચીને કશીશ ઊભી રહી.

તેણે બિલ્ડીંગના કમ્પાઉન્ડની દીવાલ પર બેઠેલા લાલ ટી-શર્ટ પહેરેલા યુવાનને પૂછયું : ‘મારે બાદલના ઘરે જવું છે. એ આ બિલ્ડીંગમાં જ રહે છે ને ? !’

‘હા !’ એ યુવાને તેને પગથી માથા સુધી જોઈ લેતાં કહ્યું : ‘બીજા માળ પર. ર૦ર નંબરનું ઘર એનું છે.’

‘થૅન્કયુ !’ કહેતાં કશીશ સીડી તરફ આગળ વધી, એટલે એ યુવાને સીટી વગાડી. સીડી પાસે સ્ટુલ પર બેઠેલો તગડો માણસ ઊભો થયો.

‘એને જવા દે.’ પેલા યુવાને તગડા માણસને કહ્યું : ‘એ બાદલને મળવા આવી છે.’

તગડો માણસ બેસી ગયો.

કશીશ એ તગડા માણસ પાસેથી પસાર થઈને સીડીના પગથિયાં ચઢવા માંડી.

તે બીજા માળે પહોંચી. બીજા માળ પર નાનકડી લૉબી હતી અને બન્ને બાજુ રૂમોના દરવાજા હતા. તે બાદલના ર૦ર નંબરના રૂમ પાસે પહોંચી. રૂમનો દરવાજો બંધ હતો. કશીશે આસપાસમાં જોયું. લૉબીમાં કોઈ નહોતું.

કશીશે પોતાના પર્સમાંથી કી-ચેઈન કાઢી અને એમાંથી પેલી વધારાની, તેના બંગલાના મુખ્ય દરવાજાના લૉકમાં નહિ લાગેલી ચાવી સામેના દરવાજાના લૅચ-કીવાળા લૉકમાં નાંખી. તેણે એ ચાવી ફેરવી. ખટ્‌ના અવાજ સાથે ચાવી ફરી ગઈ, લૉક ખૂલી ગયું.

કશીશના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ.

તેની પર જીવલેણ હુમલો કરનાર બાદલના આ ઘરની ચાવી તેની કી-ચેઈનમાં હતી એનો મતલબ સાફ હતો. જેણે તેની ચાવી બાદલને તેના ઘરમાં દાખલ થવા માટે આપી હતી એણે જ, બાદલે તેની પર હુમલો કર્યો એ પછી, તેના ઘરની એ ચાવી પાછી તેની કી-ચેઈનમાં ભેરવવાને બદલે ભૂલથી બાદલના ઘરની આ ચાવી ભેરવી દીધી હતી !

અને આવું અભિનવ સિવાય, હા, અભિનવ સિવાય બીજું કોણ કરી શકે ? !

(ક્રમશઃ)