ફરેબ - ભાગ 8 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 8

( પ્રકરણ : 8 )

સામેથી-કલબમાંથી અભિનવે કશીશને જોડેલા ફોન પર, ‘હૅલ્લો ! કોણ છે ? હૅલ્લો !’ કરી રહેલી કશીશને કોઈ તેની પાછળ આવતું હોવાનો અણસાર આવ્યો અને તે ચોંકીને પાછળ ફરવા ગઈ, ત્યાં જ મહોરાવાળો માણસ તેની પર ત્રાટકયો. મહોરાવાળા માણસે પોતાના ડાબા હાથે કશીશને કમર પાસેથી પકડી લીધી ને જોરથી પ્લટફોર્મ તરફ ધકેલી. કશીશના હાથમાંથી ફોનનું રિસીવર છટકી જવાની સાથે જ તે ચીસ પાડતી પ્લેટફોર્મ પર પડેલી ગેસની સગડી પર પડી. તે મહોરાવાળા માણસ તરફ ફરીને જોવા ગઈ પણ એ પહેલાં જ પાછળથી મહોરાવાળા માણસે તેના લાંબા વાળ પકડીને જોરથી ખેંચ્યા અને પછી તેને એક આંચકા સાથે જમણી બાજુ ફેંકી. કશીશ પીડાભરી ચીસ સાથે એ તરફ પડેલા સર્વિસ ટેબલ સાથે અથડાઈ અને સર્વિસ ટેબલ તેમજ એની પર પડેલી વસ્તુઓ સાથે જમીન પર પટકાઈ. તે ઊભી થવા ગઈ, ત્યાં જ મહોરાવાળો માણસ તેની પર સવાર થઈ ગયો.

‘છોડી દે, મને !’ બોલતી, ચીસો પાડતી કશીશ મહોરાવાળા માણસની મજબૂત પકડમાંથી છુટવાના ધમપછાડા કરવા માંડી.

કશીશની આ ચીસો-તેના આ ધમપછાડાના અવાજો પ્લેટફોર્મ પાસેની દીવાલ પર લટકી રહેલા ફોનના રિસીવર સુધી પહોંચી રહી હતી ! ફોનની લાઈન હજુ ચાલુ હતી ને એટલે સામે છેડે, કલબમાં મોબાઈલ ફોન કાને લગાવીને બેઠેલા અભિનવને કશીશની ચીસો સંભળાઈ રહી હતી. ‘આ...હ ! છોડી દે..., છોડી દે મને..!’ અને આની સાથે જ રસોડાની વસ્તુઓ-વાસણો વગેરે પડવાના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા.

ત્યારે ત્યાં, રસોડામાં કશીશે પોતાની પર સવાર થયેલા મહોરાવાળા માણસના હાથમાંથી છટકવા માટે જોરથી પોતાનું માથું મહોરાવાળાના ચહેરા પર માર્યું, મહોરાવાળાની તેના પરની પકડ ઢીલી થઈ. તેણે જોર કરીને મહોરાવાળાને પોતાનાથી દૂર ધકેલ્યો ને ઊભી થઈને રસોડાના દરવાજા તરફ બે પગલાં દોડી. પણ ત્યાં જ મહોરાવાળો માણસ સ્પ્રિંગની જેમ ઊછળીને ઉભો થયો ને લાંબીં ફર્લાંગ ભરીને કશીશને પકડી લીધી અને તેને ખેંચીને રસોડાની અંદરની તરફ ધકેલી. તે પાછા પગલે પાછળની તરફ ધકેલાઈ અને પ્લેટફોર્મ સાથે અથડાઈ. મહોરાવાળા માણસે તેનું ગળું દબાવતાં તેનું માથું પાછળની તરફ-સિન્ક તરફ દબાવ્યું. કશીશની કમર વળી ગઈ. કશીશની આંખે પાણીની સાથે પીડા પણ ઉભરાઈ આવી. મહોરાવાળાએ તેને પગ પાસેથી પ્લેટફોર્મ તરફ દબાવી રાખી હતી એટલે તે પગ હલાવી શકતી નહોતી, પણ તેના હાથ બન્ને તરફ ઊછળી રહ્યા હતા અને પ્લેટફોર્મ પર પટકાઈ રહ્યા હતા.

મહોરાવાળાએ કશીશને આ રીતના જ ભીંસમાં દબાવેલી રાખતાં, સામે પાળી પર પડેલું ટોસ્ટર મશીન હાથમાં લીધું.

એ જ પળે મહોરાવાળાની ભીંસમાંથી છુટવા માટે આમતેમ હાથ ઊછાળી રહેલી કશીશના જમણા હાથમાં પ્લેટફોર્મ પર પડેલું ચપ્પુ આવ્યું.

મહોરાવાળાએ કશીશના માથા પર ટૉસ્ટર ફટકારવા માટે હાથ અધ્ધર કર્યો, એ જ પળે કશીશે પોતાના હાથમાં આવી ગયેલા ચપ્પુનો મહોરાવાળા તરફ વાર કર્યો. ખચ ! ચપ્પુની અણી મહોરાવાળા માણસની ગરદનમાં ખુંપી ગઈ. એની ધોરી નસ ફાટી ગઈ, લોહીનો ફુવારો છુટયો અને કશીશ પર પડવા માંડયો. એનો જીવ નીકળી ગયો, એના હાથમાંથી ટોસ્ટર છટકી ગયું અને એ જમીન પર ઢગલો થઈ ગયો.

કશીશે કમર સીધી કરવાનો-ઊભી થવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊભી થઈ શકી નહિ. તેની આંખ આગળ અંધારા છવાયાં અને તે ત્યાં જ ઢળી પડી.

રસોડામાં શાંતિ છવાઈ ગઈ.

કશીશ પડી હતી, એની નજીકમાં જ ફોનનું રીસિવર લટકી રહ્યું હતું. ફોનની લાઈન ચાલુ હતી. હજુ પણ સામે છેડે, કલબમાં બેઠેલો અભિનવ કાન પર મોબાઈલ ફોન મૂકીને બેઠો હતો.

‘આ બાજી પણ હું જ જીત્યો છું.’ અભિનવની સામે બેઠેલા જયનીલે કહ્યું, એટલે અભિનવે જોયું તો બાજી પૂરી થઈ હતી.

અભિનવ કાન પરથી મોબાઈલ ફોન હટાવતાં મનોમન મરકયો. ‘તેણે ગોઠવેલી કશીશને ખતમ કરવા માટેની બાજી પણ પૂરી થઈ હતી. આ બાજીમાં તેની જીત થઈ હતી, તેણે કશીશના પ્રેમી નિશાંતના હાથે જ કશીશને ખતમ કરાવી હતી. હવે તેણે અહીંથી સાડા અગિયાર વાગ્યે ઘરે જવા માટે નીકળવાનું હતું.’ વિચારતાં અભિનવે નવી બાજીમાં મન પરોવ્યું.

ત્યારે તેના બંગલાના રસોડામાં ખૂની-મહોરાવાળો માણસ મરેલી હાલતમાં, લોહીના ખાબોચિયામાં પડયો હતો. નજીકમાં કશીશ પણ મડદાંની જેમ પડી હતી !

૦ ૦ ૦

સાડા અગિયાર વાગ્યા અને બાજી પુરી થઈ, એટલે અભિનવ બોલ્યો : ‘ચાલો ! હું રજા લઉં.’

‘કેમ વહેલો ?’ ઉદિતેે પૂછયું.

‘આજે સહેજ માથું ચઢયું છે.’ અને અભિનવ ઊભો થયો : ‘કાલે મળીએ છીએ.’ કહેતાં અભિનવ દરવાજા તરફ આગળ વધી ગયો.

અભિનવે કારમાં બેસીને કારને ઘર તરફ આગળ વધારી. કાર થોડેક આગળ પહોંચી એટલે તેણે જે ડમી મોબાઈલ ફોન પરથી ઘરે કશીશને ફોન કર્યો હતો, એ મોબાઈલને રસ્તાની એક બાજુ પડેલી કચરાપેટીમાં ફેંકી દીધો !

જાડા શરીર, ઠીંગણા કદ અને ગોળ-મટોળ ચહેરાવાળો સબ ઇન્સ્પૅકટર રાવત પોતાની ઑફિસમાં પહોંચ્યો, ત્યારે ઊંચો-પાતળો, લાંબા ચહેરાવાળો હૅડ કૉન્સ્ટેબલ નિગમ હાથમાં ફોનનું રીસિવર લઈને ઊભો હતો.

‘સાહેબ !’ ફોનના માઉથપીસ પર હાથ દબાવેલો રાખતાં હૅડ કૉન્સ્ટેબલ નિગમે ધીરા અવાજે કહ્યું : ‘ભાભીજીનો ફોન છે.’

રાવતે નિગમના હાથમાંથી ફોન લઈને કાન પર મૂકતાં કહ્યું : ‘હા, બોલ જાનૂ ! શું હુકમ છે !’

અનેે સામેથી પોતાની પત્નીની વાત સાંભળીને તે હો-હો-હો કરતાં હસી પડયો : ‘અરે, એવું હોય, જાનૂ ! હું આ દિવસ કેવી રીતે ભૂલી શકું ?’ અને તે પાછો ‘હો-હો-હો !’ કરતાં હસી પડયો, ને પાછી સામેથી પત્નીની વાત સાંભળીને તે બોલ્યો : ‘ના-ના ! આજે તો હું બાર વાગ્યે તારી સેવામાં હાજર થઈ જ જાઉં છું.’ અને તેણે ફોનનું રિસીવર મૂકયું.

‘સાહેબ, અભિનંદન.’ બાજુમાં ઊભેલા હૅડ કૉન્સ્ટેબલ નિગમે કહ્યું : ‘આખરે આજે પહેલી વાર તમે સમયસર ભાભીજીની સેવામાં હાજર થઈ શકશો.’

‘હા, નિગમ !’ રાવત બોલ્યો ‘તને ખબર છે, મારા લગ્નને નવ વરસ થયા, પણ એ એક રેકોર્ડ છે કે, જ્યારે પણ મારી મૅરેજ એનિવર્સરી હોય છે એ વખતે હું ઘરે પહોંચી જ નથી શકતો. એ દિવસે કોઈને કોઈ કેસ આવી જ જાય છે. પણ આજે...,’ અને રાવતે કહ્યું, ‘..આજે મારું માઈન્ડ કહે છે કે, આજે હું ઈતિહાસ બદલી નાંખીશ. આજે મારા લગ્નની નવમી એનિવર્સરીના દિવસે હું મારી પત્નીની સેવામાં સમયસર હાજર થઈ જઈશ.’ અને રાવત ખુરશી પરથી ઊભો થયો : ‘આજે મને કોઈ નહિ રોકી શકે.’ અને તે દરવાજા તરફ આગળ વધવા ગયો, ત્યાં જ ટેબલ પર પડેલા ફોનની ઘંટડી રણકી ઊઠી. રાવતે ફોનનું રીસિવર ઉઠાવ્યું અને સામેવાળાની વાત સાંભળીને કહ્યું : ‘હા-હા ! હું સબ ઈન્સ્પૅકટર રાવત જ બોલી રહ્યો છું.’ અને સામેવાળાની વાત સાંભળતાં જ રાવતનો ચહેરો રડું-રડું થઈ ગયો. ‘કયારે ?’ રાવતે ફોનમાં પૂછયું.

સામેથી જવાબ મળ્યો.

‘કયાં ? !’ રાવતે પૂછયું.

સામેથી જવાબ મળ્યો.

‘એડ્રેસ ? !’ રાવતે પૂછયું અને સામેથી બોલાયેલા એડ્રેસને કાગળ પર ટપકાવતાં કહ્યું : ‘બસ, હું તુરત જ ઘટનાસ્થળે પહોંચું છું.’ અને તે ફોન મૂકીને રડતા અવાજે બોલ્યો : ‘નિગમ ! હું ઈતિહાસ ન બદલી શકયો ! હું નવમી મેરેજ એનિવર્સરીમાં પણ મારી જાનૂની સેવામાં હાજર નહિ થઈ શકું !’

‘કેમ શું થયું, સાહેબ ? !’

‘એક ખૂન થઈ ગયું છે !’ રાવતે કહ્યું : ‘હવે મારે મારી જાનૂ પાસે જવાને બદલે ઘટનાસ્થળે પહોંચવું પડશે !’

‘ભાભીજી નારાજ થશે ને !’

‘હા. ગયા વખતે તો એણે મને એક મહિના સુધી રસોડામાં સુવડાવેલો.’ રાવત બોલ્યો : ‘આ વખતે સ્ટોર રૂમમાં સુવડાવે તો કહેવાય નહિ !’ અને તેણે એક નિસાસો નાંખ્યો : ‘ચાલ ! ડયૂટી તો બજવવી જ પડશે.’ અને તે દરવાજા તરફ આગળ વધ્યો. સાથે નિગમ પણ ચાલ્યો. બે મિનિટ પછી રાવત હેેડ કૉન્સ્ટેબલ નિગમ અને કૉન્સ્ટેબલ રૂપાજી તેમ જ ભુવન સાથે જીપમાં અભિનવના ઘર તરફ આગળ વધ્યો.

બરાબર એ જ વખતે, ત્યાં પોતાના બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચેલા અભિનવે પોતાની ચાવીથી મુખ્ય દરવાજાનું લૅચ-કીવાળું તાળું ખોલ્યું. તેણે દરવાજો ધકેલીને ખોલ્યો. અંદર સન્નાટો હતો. રસોડાના ખુલ્લા દરવાજા તરફ જોઈ રહેતાં તેણે પાછા હાથે દરવાજો બંધ કર્યો, અને કશીશની લાશ જોવાની આશા સાથે તે રસોડા તરફ આગળ વધ્યો.

ધમ્‌ ! સ્ટડી રૂમમાંથી અવાજ આવ્યો અને અભિનવ છળી ઊઠયો. તેણે સ્ટડી રૂમ તરફ જોયું, તો જમીન પર લોહીભીના પગલાં પડેલાં દેખાયાં. તેના ચહેરાની રેખા તંગ થઈ. તે સ્ટડી રૂમ તરફ ચાલ્યોે. તે સ્ટડી રૂમના દરવાજા પાસે પહોંચ્યો, ત્યાં જ અંદર લોહીભીના કપડાંમાં ટેબલનો ટેકો લઈને ઊભેલી કશીશ ચીસ પાડતાં ટેબલ પાછળ બેસી ગઈ.

અભિનવ દોડીને ટેબલના પાછળના ભાગમાં પહોંચ્યો તો કશીશે ભયથી પોતાની જાતને સંકોરી લેતાં ચીસાચીસ કરી મુકી.

‘ડર નહિ, હું છું, કશીશ !’ કહેતાં અભિનવ કશીશ પાસે ઘુંટણિયે બેસી ગયો. કશીશ અભિનવને વળગી પડી.

‘શું થયું, કશીશ ?’ અભિનવે કશીશને પૂછયું.

‘ત્યાં...ત્યાં રસોડામાં પેલો મહોરાવાળો માણસ...’ અને કશીશ પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ અભિનવ ઊભો થયો અને પાગલની જેમ દોડતો રસોડાના દરવાજા પાસે પહોંચીને અંદર નજર નાંખી.

-અંદર લોહીના ખાબોચિયામાં મહોરાવાળા માણસની લાશ પડી હતી !

‘ઓહ ! આ શું થઈ ગયું ! કશીશને ખતમ કરવા આવેલો નિશાંત જ મોતના મોઢામાં પહોંચી ગયો !’ અભિનવનુ મગજ બહેર મારી ગયું : ‘હવે ? !’

અને બે-પાંચ પળો સુધી તે એમ જ ઊભો રહ્યો, પણ પછી તે જાણે હોશમાં આવ્યો. તે પ્લેટફોર્મ પાસેના ડ્રોઅર નજીક પહોંચ્યો. તેણે એમાંથી હાથમોજાં કાઢયા ને નજીકમાં જ પડેલી મહોરાવાળાની લાશ પાસે બેઠો. તેણે મહોરાવાળા માણસના કાળા જાકિટનું ખિસ્સું ફંફોસ્યું. તેના હાથમાં બે ચાવીઓ આવી. એમાંથી એક ચાવી લઈને તે ઊભો થયો અને દોડતા પગલે મુખ્ય દરવાજા પાસેના ઊંચા ટેબલ નજીક પહોંચ્યો. ટેબલ પર કશીશનું કી-ચેઈન પડયું હતું.

અભિનવે મહોરાવાળાના ખિસ્સામાંથી કાઢેલી ચાવી પાછી એ કી-ચેઈનમાં ભેરવી, ત્યાં જ તેના કાનના પડદા સાથે ડૉરબેલનો અવાજ અફળાયો. તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેણે કી-ચેઈન પાછું ટેબલ પર મૂકયું અને મુખ્ય દરવાજાના આઈ-હોલમાંથી બહાર જોયું. બહાર પોલીસ સબ ઈન્સ્પેકટર રાવત ઊભેલો દેખાયો.

અભિનવ સમજી ગયો. કશીશે સ્ટડી રૂમમાંથી ફોન લગાવીને પોલીસને બોલાવી હતી.

અભિનવે હાથમોજાં ઉતાર્યાર્ અને કોટના ખિસ્સામાં મૂકયા. તેણે દરવાજો ખોલ્યો.

‘હું સબ ઈન્સ્પૅકટર રાવત !’ રાવતે અંદર દાખલ થતાં કહીને પૂછયું : ‘તમે ? !’

‘હું ઘરનો માલિક અભિનવ !’

‘તમારી પત્નીએ ફોન...’

‘હા. ઘટના મારી પત્ની કશીશ સાથે બની છે !’

‘તો ઘટના બની ત્યારે તમે..’

‘...ત્યારે હું કલબમાં હતો.’

‘તમારી પત્ની કયાં છે ?’

‘સ્ટડી રૂમમાં છે !’

‘પહેલાં મને એની પાસે લઈ ચાલો.’ રાવતે કહ્યું.

અભિનવ સ્ટડી રૂમ તરફ આગળ વધ્યોે, એટલે રાવત તેની પાછળ ચાલ્યો. હૅડ કૉન્સ્ટેબલ નિગમ તેની સાથે ચાલ્યો. કૉન્સ્ટેબલ રૂપાજી અને ભુવન ત્યાં દરવાજા પાસે જ ઊભા રહ્યા.

રાવતે અભિનવ સાથે સ્ટડી રૂમના દરવાજે પહોંચીને અંદર નજર નાંખી તો કશીશ જમીન પર બેઠી હતી અને હાથ વચ્ચે ચહેરો છુપાવીને ધ્રુસકાં ભરી રહી હતી.

‘કશીશ સાથે હું પછી વાત કરું છું.’ રાવતે ધીમેથી કહ્યું : ‘મને મરનાર પાસે લઈ ચાલો.’

અભિનવ રસોડાના દરવાજા પાસે પહોંચીને ઊભો રહ્યો.

રાવતે રસોડાના દરવાજા પાસે પહોંચીને અંદર નજર નાંખી. મહોરાવાળા માણસને લોહીના ખાબોચિયામાં પડેલો જોઈને તે કંઈક વિચારી રહ્યો, ત્યાં જ પોલીસ ફોટોગ્રાફર અને ફૉરેન્સિક વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા. રાવતે અહીં આવતી વખતે રસ્તામાંથી જ તેમના અહીં પહોંચવાની વ્યવસ્થા કરી હતી.

પોલીસ ફોટોગ્રાફર અને ફૉરેન્સિક વિભાગના અધિકારી-ઓએ પોતાની કામગીરી શરૂ કરી એટલે રાવતે પોતાની સ્ટાઈલમાં પૂછપરછ શરૂ કરી : ‘આજે મારા લગ્નને નવ વરસ થયા. તમારા લગ્નને કેટલા વરસ થયા ?’

‘એક વરસ.’ અભિનવ કહ્યું.

‘એટલે જ તમે આટલા ફ્રેશ લાગો છો, બાકી નવ વરસમાં મારી કેવી હાલત થઈ ગઈ છે, એ જુઓ !’ કહેતાં રાવત હો-હો-હો કરતાં હસી પડયો.

અભિનવ રાવત તરફ જોઈ રહ્યો.

‘તમને મારી વાત સાંભળીને થતું હશે કે આ કોઈ પોલીસવાળો છે કે નાટકવાળો ! હો-હો-હો !’ રાવત બોલ્યો : ‘પણ આ દુનિયા જ એક નાટક છે, એમાં માનવામાં ન આવે એવી ઘટનાઓ બને છે. જુઓ ને, આ ઘટના જ કેવી બની ગઈ ?’ અને રાવતે આગળ કહ્યું, ‘અને ઘટના બને એટલે મારા જેવા પોલીસવાળાએ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ઘટનાની આસપાસના પાત્રોની પૂછપરછ કરવી પડે છે.’ રાવતે કહીને અભિનવને સીધું જ પૂછયું : ‘અહીં તમારા પગલાંના નિશાન દેખાય છે, શું તમે આ ઘટના બની એ પછી રસોડામાં આવ્યા હતા ?’

‘હા.’ અભિનવે કહ્યું.

‘કેમ ? !’

‘...એ જોવા માટે કે એ જીવે છે કે મરી ગયો છે ?’

‘...એ જીવતો હતો ?’

‘ના !’

‘શું તમે એની નાડ તપાસી હતી ? !’

‘ના !’ અભિનવે કહ્યું .

‘પણ તમે કોઈ કારણસર એની પાસે ઝૂકયા હોય એવું લાગે છે.’

‘હા, હું એના શ્વાસ ચાલે છે કે નહિ ? એ જોવા માટે એની પાસે ઝૂકયો હતો.’ અભિનવે પોતાના બચાવમાં કહ્યું : ‘મેં એની પાસે ઝૂકીને એના હૃદયના ધબકારાં જોયા હતાં !’

‘તમને શું લાગ્યું હતું ?’

‘એ વખતે તો એના ધબકારાં બંધ હોય એવું લાગ્યું હતું.’

‘હં,’ રાવતે પોલીસ ફોટોગ્રાફર ને ફૉરેન્સિક વિભાગના અધિકારી સામે જોયું, તેમણે લાશના ફોટા લઈ લીધા હતા, તેમ જ લાશ પાસેના ફિંગરપ્રિન્ટ વગેરે લેવાની કામગીરી પતાવી દીધી હતી.

‘નિગમ,’ રાવતે હૅડ કૉન્સ્ટેબલ નિગમને કહ્યું : ‘આનું મહોરું ઉતાર !’

નિગમ આગળ વધીને મહોરાવાળા માણસની લાશના માથા પાસે બેઠો અને એના ચહેરા પરથી મહોરું કાઢવા માંડયો.

રાવતે અભિનવના મનનો ભેદ પામવા માટે અભિનવના ચહેરાના હાવભાવ વાંચવા માંડયા.

તો અભિનવ મહોરાવાળા માણસની લાશ તરફ જોઈ રહેતાં વિચારી રહ્યો : ‘તેણે નિશાંતને કશીશને ખતમ કરવા મોકલ્યો હતો અને ખુદ નિશાંત જ ખતમ થઈ ગયો હતો ! તેનો પ્લાન ઊંધો થઈ ગયો...’ અને તેનો આ વિચાર પૂરો થાય, ત્યાં તો નિગમે મહોરાવાળા માણસના ચહેરા પરનું આખું મહોરું ઉતારી નાંખ્યું.

-અને...અને એનો ચહેરો જોતાં જ અભિનવ ચોંકી ઊઠયો-ખળભળી ઊઠયો !

-તેની સામે લોહીના ખાબોચિયામાં પડેલો માણસ નિશાંત નહોતો !

-એ...એ કોઈક બીજા જ માણસની લાશ હતી ! !

(ક્રમશઃ)