ફરેબ - ભાગ 5 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 5

( પ્રકરણ : 5 )

‘મને જેલની હવા માફક નથી આવતી ! હું કશીશનું ખૂન કરીશ અને એક કરોડ રૂપિયાથી એશ કરીશ ! !’ નિશાંત સ્મિત રમાડતાં બોલ્યો.

એટલે અભિનવ હસ્યો : ‘મને ખાતરી હતી જ કે તું પ્રેમનો નહિ, પૈસાનો જ ભુખ્યો છે.’

‘પ્રેમથી પેટ થોડું ભરાય છે, મારા દોસ્ત ? ! પેટ તો રૂપિયાથી ભરાય છે.’ નિશાંત હસ્યો : ‘બોલ, મને તું કયારે રૂપિયા આપીશ ?’

‘તું કાલ બપોરના એક વાગ્યે મારા ઘરે આવજે, ત્યાં હું તને વીસ લાખ રૂપિયા આપવાની સાથે જ કશીશના ખૂનનો ફૂલપ્રુફ પ્લાન પણ સમજાવી દઈશ.’ અભિનવે કહ્યું : ‘કશીશનું ખૂન થઈ જશે એટલે હું તને બાકીના એંસી લાખ રૂપિયા આપી દઈશ.’ અને અભિનવે પલંગ પર પડેલી પોતાની બ્રિફકેસ ઉઠાવી : ‘ચાલ, ત્યારે, કાલ બપોરે મળીએ છીએ.’ કહેતાં અભિનવ મુખ્ય દરવાજાની બહાર નીકળી ગયો.

નિશાંતે દરવાજો બંધ કર્યો અને પલંગ પર સુતો. તેની બંધ આંખો સામે ઘડીકમાં કશીશનો ચહેરો તો ઘડીકમાં એક કરોડ રૂપિયાની નોટો દેખાવા માંડી !

૦ ૦ ૦

અભિનવ ઑફિસેથી ઘરે પહોંચ્યો, ત્યારે રાતના નવ વાગ્યા હતા. તેે ડૉરબેલ વગાડવા ગયો ત્યાં જ કશીશે દરવાજો ખોલ્યો.

અભિનવ અંદર દાખલ થયો.

‘મને એમ કે આજે તું મોડો..’

‘ઓફિસમાં કામ તો હતું પણ છોડીને આવી ગયો.’ અભિનવે કશીશના ચહેરા સામે જોતાં કહ્યું : ‘આજે આપણી જિંદગીનો સ્પેશિયલ દિવસ છે ને ?’

‘તો તને યાદ છે કે, આજે આપણી મેરેજ એનિવર્સરી છે ?’

‘હા, તું મારી બની એ દિવસને તો હું કેવી રીતના ભુલી શકું ?’ કહેતાં અભિનવે કોટના ખિસ્સા-માંથી એક નાનકડું બૉકસ કાઢયું અને એને ખોલ્યું. હીરાની અંગૂઠી ઝગારા મારવા માંડી.

અભિનવે કશીશનો હાથ પોતાના હાથમાં લીધો ને એની કોમળ આંગળીમાં હીરાની અંગૂઠી પહેરાવીને એને પોતાની તરફ ખેંચવા ગયો, ત્યાં જ ‘નો-નો, સ્ટોપ-સ્ટોપ !’નો એકસાથે ત્રણચાર જણાંનો અવાજ આવ્યો.

અભિનવે ચોંકી જતાં જોયું, તો બાજુના રૂમમાંથી તેમના દોસ્તો ઈશાન, અનુરાધા, તરૂણ અને સ્વાતિ દોડી આવ્યા.

‘તમારો પ્રેમ પછી, પહેલાં અમારી પાર્ટી !’ ઈશાને કહ્યું : ‘પહેલાં કૅક કાપીએ, પછી જમીએ અને પછી મજાક-મસ્તી કરીએ.’ અને ઈશાન અભિનવ તેમ જ કશીશનો હાથ પકડીને ડાઈનિંગ ટેબલ તરફ ખેંચી ગયો.

અનુરાધા, તરૂણ અને સ્વાતિ પણ આગળ વધી ગયા.

અભિનવ અને કશીશે તેમની પહેલી મેરેજ એનિવર્સરીનું કૅક કાપ્યું અને પછી બધાં જમ્યા.

ઈશાન, અનુરાધા, તરૂણ અને સ્વાતિ મજાક-મસ્તી કરીને રવાના થયા, ત્યારે રાતના સવા બાર વાગવા આવ્યા હતા.

મુખ્ય દરવાજો બંધ કરીને અભિનવ કશીશને પકડવા ગયો, ત્યાં જ કશીશ સીડી તરફ દોડી ગઈ. ‘થોડીક વાર પછી તને બોલાવું છું !’ કહેતાં કશીશ સડસડાટ સીડી ચઢીને બેડરૂમ તરફ આગળ વધી ગઈ.

અભિનવ સોફા પર બેસી ગયો. તે નિશાંતના હાથે કશીશ મોતને ઘાટ ઉતરી જાય એવી બાજી ગોઠવી રહ્યો હતો, એની ગંધ કશીશને જાય નહિ એટલા માટે તેણે કશીશ સાથે પ્રેમનો ખેલ ચાલુ રાખવાનો હતો !

‘બસ, અભિનવ ! હવે તું આવી શકે છે !’ બેડરૂમમાંથી કશીશનો અવાજ આવ્યો, એટલે અભિનવ વિચારોમાંથી બહાર આવતાં બેડરૂમના દરવાજા પાસે પહોંચ્યો. તે બેડરૂમનો દરવાજો ધકેલીને બેડરૂમની અંદર આવ્યો.

કશીશ એક વરસ પહેલાંની તેમની સુહાગરાતની જેમ જ, દુલ્હનનો સાજ-શણગાર સજીને, પોતાના ચહેરા આગળ ઘૂંઘટ નાંખીને, નવી-નવેલી દુલ્હનની જેમ સંકોરાઈ-સંકોચાઈને સામે પલંગ પર બેઠી હતી.

અભિનવ તેની તરફ આગળ વધ્યો,

બરાબર એજ વખતે, બંગલાની બહાર એક મોટરસાઈકલ આવીને ઉભી રહી. મોટરસાઈકલને સ્ટેન્ડ પર ચઢાવતાં મોટરસાઈકલવાળા માણસે આસપાસમાં જોયું, અને માથા પર હૅલ્મેટ પહેરેલી હાલતમાં જ કમ્પાઉન્ડના ઝાંપાની અંદર પ્રવેશ્યો. તેણે ઝાંપાની બાજુમાં આવેલી ચોકીદારની ઓરડી તરફ જોયું. અંદર ખાટલા પર સુતેલા ચોકીદારના પગ દેખાતા હતા. હવે તે ઝડપથી મુખ્ય દરવાજા તરફ સરકયો,

ત્યારે બંગલાની અંદર, ઉપર બેડરૂમમાં અભિનવે દુલ્હનના શણગારમાં બેઠેલી કશીશના ચહેરા આગળનો ઘૂંઘટ અધ્ધર કર્યો.

કશીશની નજર ઝૂકેલી હતી.

અભિનવે પણ સુહાગરાતની જ પોતાની એકશન દોહરાવી. તેણે કશીશનો ચહેરો પોતાના બન્ને હાથમાં લીધો અને ડાળી પર ખિલેલા ગુલાબના ફૂલને ખૂબ જ પ્યારથી પોતાની તરફ ખેંચતો હોય એમ કશીશનો ચહેરો પોતાની તરફ ખેંચ્યો, અને.., અને એજ પળે ખણીંગ....નો કાચ ફૂટવાનો જોરદાર અવાજ સંભળાયો. કશીશની સાથે જ અભિનવે પણ ચોંકી ઊઠતાં જોયું, તો જમણી બાજુની બારીના કાચના ભુકકા બોલાવીને અંદર આવેલો મોટો પથ્થર દીવાલ સાથે ટકરાઈને જમીન પર પડયો.

‘....કોણે આ રીતના પથ્થર માર્યો ?’ ફફડાટ સાથે બોલી જતાં કશીશ પલંગ પરથી ઊતરી. અભિનવ બારી તરફ દોડયો, તો કશીશ પણ બારી તરફ ધસી.

કશીશે બારી પાસે પહોંચીને અભિનવ સાથે જ બારી બહાર નજર દોડાવી, તો નીચે, કમ્પાઉન્ડના ઝાંપાની બહાર ઊભેલી મોટરસાઈકલ પર સવાર થઈ ગયેલા હૅલ્મેટવાળા માણસે ત્યાંથી મોટરસાઈકલ દોડાવી મૂકી. એ મોટરસાઈકલવાળો પળવારમાં આંખ સામેથી ઓઝલ થઈ ગયો.

‘અભિનવ, આ..આ મોટરસાઈકલવાળો કોણ હશે ?’ કશીશે અભિનવ તરફ જોતાં પૂછયું, તો અભિનવના ચહેરા પર ગુસ્સો આવી ગયો હતો. ‘આ ચોકીદાર રાઘવન કયાં મરી ગયો ? !’ ધૂંધવાટભેર બોલતા અભિનવ બેડરૂમના દરવાજા તરફ ધસ્યો. કશીશ પણ તેની પાછળ ઝડપી પગલે ચાલી.

કશીશ અભિનવની પાછળ-પાછળ સડસડાટ સીડી ઉતરીને, ડ્રોઈંગરૂમ વટાવીને મુખ્ય દરવાજા પાસે પહોંચી.

અભિનવે મુખ્ય દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો એની પાછળ કશીશ પણ બહાર નીકળી.

‘રાઘવન !’ અભિનવે ચોકીદારની ઓરડી તરફ જોતાં બૂમ પાડી, ત્યાં જ કશીશની નજર ઓટલાના પહેલા પગથિયા પર પડી ને તે પગથી માથા સુધી કાંપી ઊઠી. ‘અ...અ...અભિનવ...!’ કશીશે અભિનવનો ખભો પકડયો અને કંપતા અવાજે કહ્યું : ‘આ...આ જો તો...!’ અને તેણે એ તરફ આંગળી ચિંધી.

અભિનવે ઓટલાના પહેલા પગથિયા તરફ જોયું.

પહેલા પગથિયા પર, જાણે લોહીથી લખ્યું હોય એવા લાલ-મોટા અક્ષરે લખાણ લખાયેલું હતું.

અભિનવે મોટેથી લખાણ વાંચ્યું, ‘તમારી આ પહેલી વેડિંગ એનીવર્સરી, તમારી જિંદગીની આખરી વેડિંગ એનીવર્સરી સાબિત થશે !’

અભિનવે કશીશ તરફ જોયું. કશીશના ચહેરા પર ભય હતો.

‘રાઘવન ! રાઘવન !’ ચિલ્લાતાં અભિનવ પગથિયાં ઊતર્યો, ત્યાં જ ઓરડીમાંથી ચોકીદાર રાઘવન હાંફળો-ફાંફળો બહાર નીકળ્યો અને ‘જી, સાહેબ !’ કહેતાં દોડીને અભિનવ પાસે આવીને ઊભો રહ્યો.

‘હમણાં અહીં કોઈ આવ્યું હતું ?’ અભિનવે પૂછયું.

‘નહિ તો સાહેબ ? !’

‘ના, શું ? !’ અભિનવ ચિલ્લાયો : ‘ઓરડીમાં તું શું કરતો હતો ? ઊંઘી ગયો હતો ?’

‘હું...હું...!’

‘..ઊંઘી ગયો હતો ને તું..?’

રાઘવને માથું નીચું કરી દીધું.

‘મેં તને અહીં રાતના ચોકી-પહેરા માટે રાખ્યો છે કે ઊંઘી જવા માટે ? !’

‘માફ કરજો, સાહેબ.’ રાઘવન હાથ જોડતાં બોલ્યો : ‘આજે મારી આંખ લાગી...’

‘ગેટ આઉટ...!’

‘સાહેબ ! મારી ભૂલ...’

‘કહું છું ચાલ્યો જા.’ અભિનવે ગરજવાની સાથે જ રાઘવનને ધકકો માર્યો : ‘મારે તારી કોઈ જરૂર નથી, જા !’

અભિનવનો ગુસ્સો જોતાં રાઘવન ચુપચાપ કમ્પાઉન્ડના ઝાંપા તરફ આગળ વધી ગયો અને બહાર નીકળી ગયો.

અભિનવે બાજુમાં નળ સાથે લાગેલી પાઈપ હાથમાં લીધી, નળ ચાલુ કર્યો ને ઓટલાના પગથિયા પર લખાયેલા લખાણને પાણીથી ધોઈ નાંખવા માંડયો.

‘અભિનવ !’ કશીશે ભયભર્યા અવાજે પૂછયું : ‘આવું કોણે લખ્યું હશે ? !’

‘આપણા પ્રેમના દુશ્મને !’ અભિનવે પૂછયું : ‘બીજું કોણ હોઈ શકે ? !’

‘પણ આપણાં પ્રેમનું દુશ્મન તે વળી કોણ હોય ? !’

‘એવી કોઈ યુવતી જે મને પ્રેમ કરે છે, અને અથવા તો.., ’

‘..અથવા તો શું અભિનવ ?’ કશીશે અધીરાઈ સાથે પુછયું.

‘અથવા તો...’ અભિનવે કશીશની આંખોમાં જોતાં કહ્યું : ‘...એવો કોઈ યુવાન જે તને પ્રેમ કરે છે, તારી પાછળ પાગલ છે.’

કશીશની નજરો ઢળી ગઈ. તેણે શું કહેવું ? શું કરવું ? એ સમજ પડી નહિ.

‘બન્નેમાંથી જે કોઈ પણ હોય, તું ચિંતા ન કર.’ અભિનવ બોલ્યો : ‘જે આપણાં પ્રેમથી જલે છે, એમને જલવા દે, આપણે તો પ્રેમ કરતા રહીશું !’ અને પાઈપ મૂકીને, નળ બંધ કરીને અભિનવ કશીશ પાસે આવ્યો. તેણે કશીશને પોતાના બન્ને હાથોમાં ઊંચકી લીધી અને બેડરૂમ તરફ આગળ વધ્યો,

અને ત્યારે કશીશના મન-મગજમાં સવાલ જાગ્યો, ‘એવું તો કોણ હશે જે તેમને પ્રેમ કરતાં જોઈ નથી શકતું ? ! અને...અને શું આ એ જ વ્યકિત છે, જે તેને મારી નાંખવાની બાજી ગોઠવી રહી છે ?’

૦ ૦ ૦

બીજા દિવસે સવારના નવ વાગ્યે અભિનવ ઑફિસે જવા રવાના થયો એની પંદર મિનિટ પછી કશીશ ઑફિસે જવા માટે તૈયાર થઈ, ત્યારે તેના મગજમાં ગઈકાલ રાતના કોઈ મોટરસાઈકલવાળો પથ્થરથી કાચની બારી તોડી ગયો અને ઓટલાના પગથિયા પર ‘‘તેમની આ પહેલી એનિવર્સરી એ છેલ્લી મેરેજ એનિવર્સરી’’ હોવાની ધમકી લખી ગયો એ વાત ઘુમરાતી હતી.

તે મુખ્ય દરવાજા તરફ આગળ વધવા ગઈ, ત્યાં જ ટેબલ પરના ફોનની ઘંટડી રણકી ઊઠી. તેણે ફોનનું રીસિવર ઊઠાવ્યું અને કાને ધર્યું : ‘હેલ્લો !’ તે બોલી, ત્યાં જ સામેથી કોઈ પુરુષનો ભારે-ભરખમ અવાજ સંભળાયો : ‘તારા નસીબ સારા છે કે, હજુ તું જીવતી છે, પણ....’

‘ક..કોણ બોલે છે ?’ કશીશે પૂછયું.

‘તારો દોસ્ત !’ એ પુરુષનો અવાજ આવ્યો : ‘તને મારી નાંખવાની બાજી ગોઠવાઈ ચૂકી છે.’

‘તું...તું નાહકના મને પરેશાન કરી રહ્યો છે.’ કશીશ બોલી.

‘હું તને પરેશાન નથી કરી રહ્યો, પણ તને સાવચેત કરી રહ્યો છું.’ સામેથી એ પુરુષનો અવાજ આવ્યો : ‘તારી નજીકની વ્યકિત તને મારી નાંખવા....’

‘જો-જો તું ખરેખર મારો દોસ્ત છે અને જો તને ખબર પડી ગઈ છે કે, મારી નજીકની વ્યકિત જ મને મારી નાંખવા તૈયાર થઈ છે, તો પછી તું એ વ્યકિતનું નામ કેમ નથી બોલતો ? !’

સામેથી એ પુરુષ હસ્યો : ‘તો.., હું એનું નામ બોલું ?’

‘હા-હા.’ કશીશ અધીરાઈભેર બોલી ઊઠી : ‘...બોલ ને !’

‘એનું નામ છે..,’ સામેથી એ પુરુષનો અવાજ સંભળાયો : ‘...એનું નામ છે, અભિનવ !’

સાંભળીને કશીશ જાણે પથ્થરનું પૂતળું બની ગઈ.

‘હા, તારી સાથે લગ્નના ફેરા ફરતી વખતે તારી સાથે જન્મો-જન્મનો સાથ નિભાવવાના સોગંધ લેનારો તારો પતિ અભિનવ જ તારું ખૂન કરી નાંખવા માંગે છે.’

‘તમને...’ કશીશે કંપતાં અવાજે પૂછયું : ‘..તમને આ વાતની કયાંથી ખબર પડી ? !’

પણ સામેથી એ પુરુષે જવાબ આપવાને બદલે ફોન કટ કરી દીધો.

કશીશ રીસિવર ક્રેડલ પર મૂકતાં સોફા પર બેસી પડી. તેને આ વાતનો આંચકો પચાવતાં થોડીક વાર લાગી, પછી તેણે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો. અને પોતાના મોબાઈલ પરથી એક નંબર લગાવ્યો. મોબાઈલમાં સામેથી અવાજ સંભળાયો એટલે ઘરમાં કોઈ નહોતું, છતાંય જાણે કોઈ સાંભળી ન જાય એની તકેદારી અને સાવચેતી સાથે તે એકદમ ધીમા અવાજે સામેની વ્યકિત સાથે વાત કરવા માંડી.

વાત પતાવીને તેણે મોબાઈલ ફોન કટ કર્યો, અને નિશાંતને મોબાઈલ લગાવ્યો. સામેથી નિશાંતનો અવાજ સંભળાયો એટલે તેણે પૂછયું : ‘નિશાંત ! તું કયાં, ઘરે છે ?’

‘હા !’ સામેથી નિશાંતનો અવાજ સંભળાયો, એટલે તેણે કહ્યું : ‘અત્યારે ઘરેથી નીકળીને હું સીધી તારી પાસે જ પહોંચું છું.’ અને મોબાઈલ કટ કરતાં તે ઊભી થઈ અને મુખ્ય દરવાજા તરફ આગળ વધી ગઈ.

૦ ૦ ૦

સવારના અગિયાર વાગ્યા હતા. મુંબઈની એ સન્નાટાભરી ગલીમાં આવેલી જૂની બિલ્ડીંગમાંના ત્રીજા માળ પરના નિશાંતના ઘરમાં અત્યારે નિશાંત અને કશીશ પ્રેમના રોમાંચક સ્વર્ગમાં ફરી આવીને ચુપચાપ પડયા હતા. નિશાંત કશીશના ખુલ્લા, વિખરાયેલા સોનેરી વાળમાં હાથ ફેરવી રહ્યો હતો.

જ્યારે કશીશ મનોમન વિચારી રહી હતી, ‘હા, હવે આ જ ખરો સમય હતો, નિશાંતને એ કામ કરવા માટે તૈયાર કરવાનો.’ અને કશીશે નિશાંત તરફ જોઈ રહેતાં, પ્રેમના રસમાં ઝબોળાયેલા અવાજે કહ્યું : ‘નિશાંત !’

‘હં...!’ નિશાંત બોલ્યો.

‘હું તને અહીં મળવા આવું છું, એટલી વાર હું આનંદમાં રહું છું, પણ પછી તારા વિના મારાથી નથી રહેવાતું. તારા વિનાની એક-એક પળ વરસની જેમ વીતે છે. મારું કોઈ વાતમાં મન નથી લાગતું, મને કોઈ વાતમાં રસ નથી પડતો.’

‘મારી પણ એવી હાલત છે.’ નિશાંત બોલ્યો : ‘હું પણ દિવસ-રાત તારી સાથે રહેવા માંગું છું.’

‘હા, પણ આના માટે આપણે કંઈક કરવું પડશે ને !’

‘હા !’ નિશાંતે કહ્યું : ‘આ માટે તારે પહેલાં અભિનવથી છુટા પડવું પડશે. તારે અભિનવથી છુટાછેડા લેવા પડશે, એ પછી આપણે લગ્ન....’

‘નિશાંત...!’ કશીશ બોલી : ‘મને નથી લાગતું કે, અભિનવ મને છોડે, મને છુટાછેડા આપે !’

‘પણ તો ?’ નિશાંત બોલ્યો : ‘આપણે કેવી રીતના એક થઈશું ? કેવી રીતના એકસાથે રહી શકીશું ? આપણે...આપણે અભિનવથી તારો છેડો તો ફાડવો જ પડશે ને ! એનાથી તારો પીછોે તો છોડાવવો પડશે ને ? !’

‘હા !’ કશીશ બોલી : ‘આ માટે તારે જ કંઈક કરવું પડશે !’

‘હું શું કરી શકું ?’ નિશાંત બોલ્યો : ‘અભિનવના ભય વિના હું તારી સાથે જીવી શકું એ માટે હું શું કરું, તું જ કહે.’

‘તું અભિનવને આપણી વચ્ચેથી ખસેડી નાંખ !’

‘એટલે...? !’

‘એટલે....!’ કશીશ બોલી : ‘તું...તું એને મારી નાંખ ! એનું ખૂન કરી નાંખ !’

સાંભળતાં જ કશીશના વાળ પર ફરી રહેલો નિશાંતનો હાથ થંભી ગયો. તે તેની સામે અધીરાઈભરી નજરે જોઈ રહેલી કશીશ સામે તાકી રહ્યો. મનોમન વિચારી રહ્યો, ‘ગઈકાલે સાંજના અભિનવ આવ્યો હતો અને તેને કશીશનું ખૂન કરી નાંખવા માટે કહેતો હતો ! અત્યારે હવે કશીશ તેને અભિનવનું ખૂન કરી દેવાનું કહી રહી છે ! હવે..., હવે તેણે વિચારવાનું છે. ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવાનો છે.’ તેણે ફરી કશીશના સોનેરી વાળમાં હાથ ફેરવવા માંડયો : ‘આખરે તેને કોને મારી નાંખવામાં વધારે ફાયદો છે ? ! અભિનવના કહેવાથી કશીશને ખતમ કરવામાં તેને વધુ ફાયદો છે કે, પછી કશીશના કહેવાથી અભિનવનું ખૂન કરી નાંખવામાં તેને વધારે ફાયદો છે ? !’

(ક્રમશઃ)