HUN ANE AME - 24 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 24

રાધિકાના મનમાં શું ચાલે છે તે સમજવું મુશ્કેલ હતું. છતાં મયુરે એમ વિચારીને કે "હવે તેને ખબર તો પડી જ ગઈ છે કે રાકેશ તેનો ફ્રેન્ડ નહિ પણ સી.ઈ.ઓ. છે અને એના માટે હું કામ કરુ છું. તે સર પર વધારે ગુસ્સે નહીં થાય કે કદાચ તેની સાથે વાત પણ કરવા લાગશે." એ મનોમન વિચારતો હતો કે પરિસ્થિતિ સુધરશે.

મોડીરાત્રે બંને બહાર હોટલમાં જમીને ઘેર આવ્યા, આવીને જોયું તો શારદા બેઠક ખંડમાં બેઠેલી.

"શું થયું શારદાકાકી?" રાધિકાએ પૂછ્યું.

"રાકેશ સાહેબ હજુ નથી આવ્યા. તમારી પાસે તો ઘરની બીજી ચાવી છે પણ એની પાસે નથી. આવે એટલે દરવાજો ખોલવો પડશેને!"

"સર હજુ નથી આવ્યા!?" મયુરને આશ્વર્ય થયું અને તેણે તુરંત તેને ફોન લગાવ્યો.

"તમે સુઈ જાવ અમે આવી ગયા છીએ." કહેતી રાધિકા અંદર ચાલી ગઈ.

"હેલ્લો..." રાકેશે ફોન ઉંચકતા કહ્યું.

"સર આપ હજુ આવ્યા નહિ?" ચિંતાપૂર્વક મયુર બોલ્યો.

"હા બસ થોડું કામ પતાવી લઉં. કાલે પાછું વડોદરા માટે નીકળવાનું છે અને આવીને તરત ઓફિસ શિફ્ટ કરવાની છે. એટલે થયું કે જેટલું થાય એટલું કામ પૂરું કરી દઉં."

"મેં તમને કહ્યુંને સર હું કરી લેત તમે શું કામ આખી ઓફિસનો બોજ લઈને ફરો છો?"

"હા પણ એવું કહીને તમે તો બહાર જતા રહ્યાને!"

"ઓહ્હ, સોરી સર. તમને ખબર છેને કે મારે આ બધું રાધિકા માટે કરવું પડે છે."

"સોરી કહેવાની જરૂર નથી મયુર, હું સમજુ છું."

"વહેલા આવતા રહેજો સર. સવારે આપણે સાથે જ નીકળવાનું છે."

તેણે ફોન મુક્યો અને રાધિકા આવી તો એણે મયુરના ચિંતિત ચહેરાને જોઈને પૂછ્યું, "શું થયું?"

મોઢા પર અફસોસ અને સ્મિત બંને સાથે આપતા તે બોલ્યો, "આપણે તો બહાર જતા રહ્યા અને મારા ભાગનું કામ ત્યાં સર અને અહમ બંને કરી રહ્યા છે."

આ સાંભળી રાધિકાએ મોં લટકાવ્યું, મયુરે ફરી કહ્યું, "મને ખબર છે. તું આજે ફરીથી ગુસ્સો કરીશ. મયુર તારા દોસ્તને સમજાવી દેજે સમય સર આવી જાય. આ મોડીરાત સુધી હું તેની રાહ જોવા માટે નથી બેસવાની.' એવું જ વિચારે છેને?"

"ના!" એક ક્ષણભરની જુઠ્ઠી મુસ્કાન આપતા તે બોલી અને મોઢું મરડી પોતાની રૂમમાં જતી રહી. મયુરને આશ્વર્ય થયું કે આજે રાકેશના મોડા આવવા પર રાધિકાને કોઈ ફરિયાદ નથી! તેને લાગ્યુ કે રાકેશની હકીકત જાણીને તેનો ગુસ્સો ગાયબ થયો હશે. તે સુવા માટે જતો રહ્યો. શારદાને મોકલી રાકેશના આવ્યા પર રાધિકાએ દરવાજો ખોલ્યો અને કશું પણ બોલ્યા વગર જતી રહી.

સવારે વહેલા બંને નીકળવાની તૈય્યારી કરી રહ્યા હતા. રોજની જેમ ટેબલ પર બેસી ચા પીધા પછી નીકળીએ એમ વિચારી બંને વાતો કરતા હતા. એટલામાં રાધિકા એક ટ્રેમાં બન્ને માટે ચા લઈને આવી. મયુરને આ જોઈ ખુશી થઈ. તેણે મયુરને ચા આપી અને ટ્રે ટેબલ પર મૂકી દીધી અને આમ તેમ જોવા લાગી. પણ રાકેશે તે કપ લેવાને બદલે શારદાને સાદ કર્યો. "શારદાકાકી, મારી ચા બની ગઈ હોય તો આપી જજો, મોડું થાય છે." આ વાત પર મયુરને થોડું હસવું આવ્યું એટલે રાધિકા તેની સામે જોઈને મોં ફુલાવી રસોડામાં જતી રહી.

રાકેશ અને મયુર બંને વડોદરા જવા નીકળી ગયા. રાધિકાએ મોહનને બોલાવી કહ્યું, "મોહનભાઈ, તમે તમારા ઘેર પારણું બંધાય તે માટે માનતા રાખેલીને?"

મોહન બોલ્યો, "હા બેનબા! તમને ખબર છે, મેં અને મારી બૈરીએ અમારા વઢવાણથી છેક ચોટીલા ચામુંડ માતા સુધી પગપાળા જવાની માનતા રાખેલી અને એ પછી તો માની એવી મ્હેર થઈ કે દૂધના હાંડા જેવું બાળક મારે ઘેર આવ્યું. મારી તો ઈચ્છા છે કે આ વખતે મારે ઘેર વઢવાણ જઉં તઈ આ માનતા પુરી કરીશ."

"એટલું બધું શું લંબાવવાનું? તમે ક્યારે તમારા ઘરે જશો ને ક્યારે તમારી આ માનતા પુરી કરશો."

"ઈ તો હવે જેવી મારી ચામુંડમાની મ્હેર. ઈ કે'શે તઈ આ માનતાય થઈ જાશે."

"હું શું કહું છું, તમે તમારી આ માનતા પુરી કરી જ નાંખોને."

"શું વાત કરો છો? એટલે તમી એમ ક્યો છો કે હું અત્યારે જઈને..."

"હા"

"સાચું, બેનબા!" તેને જાણે વિશ્વાસ ના આવ્યો હોય એમ પૂછ્યું.

"હા હા. સાચું. તમે જઈ આવો."

"અરે, આ તો મારી માતાનો અને તમારો બંનેનો નેહ વરસ્યો છે. હવે તો મોડું ના કરાય. હું હમણાં જ સામાન પેક કરી સ્ટેશને જાઉં છું અને સવા નવ વાળી સુરેન્દ્રનગરની રેલ પકડું છું. તમે અહીં તમારું ધ્યાન રાખજો." કહી તે પોતાના ઘેર જવાના હરખમાં જતો રહ્યો. રાધિકાએ એની જ ભાષામાં એને સમજાવી દીધો અને રાજી-ખુશીથી મોકલી દીધો. એના ગયા પછી તેણે શારદાકાકીને પોતાને ઘેર જવા તૈય્યાર કર્યા. પણ તે થોડી હઠીલી અને સ્વામી આસ્થા વાળી, એટલે પોતાને ઘેર જવા કરતા તેને રાધિકાની ચિંતા વધારે થઈ.

"પણ બેનબા, તમે તો આવડા મોટા ઘરમાં એકલા રહી જશોને! બધું કામ તમારે જાતે કરવું પડશે. આમ સ્ત્રી જાતનું આવા શહેરમાં એકલા રહેવું. ના ના બેનબા. તમને કંઈક થઈ ગયું તો મયૂરભાઈને મારે શું જવાબ આપવો. હું ક્યાંય નથી જવાની." શારદા પોતાના નિર્ણય પર અડી રહી.

"અરે એવું કાં વિચારો? કાકી હું મારું ધ્યાન રાખી લઈશ અને જરૂર પડશે તો અમિતાભાભીને બોલાવી લઈશ."

"તો અત્યારે જ બોલાવી લ્યો ને, મોડું શું કામ કરવું? એના આવ્યા પછી હું જઈશ."

"તમે જ કેદિ'ના કહેતા હતા કે મારે મારા ઘેર વહુ-દીકરા પાસે જવું છે. આજે હું તમને રજા આપું છું તો તમે જીદ્દ કરો છો. એવી શું જીદ્દ કરવાની કાકી?"

"મન તો મારુંય થાય છે કે હું જાઉં. પણ આ મોહનેય આજે જ ગયો અને તમે એકલા... ના ના બેનબા. મારો જીવ નથી ચાલતો."

"શું કાકી તમે પણ."

"તમને યાદ છેને, મયુરસાહેબ ગયા ત્યારે કે'તા તા' કે તેને થોડા દિવસ રોકાવું પડશે અને રાકેશસાહેબને ઓફિસ ફેરવવાની છે એટલે તે કાલે પાછા આવી જશે. તમારી અને સાહેબની કેવી બને છે એ ખબર છે મને. તમી તો એની સામેય નથી જોતા. આવા ઘરમાં તમી એકલા એની સાથે રહેવાના? હે ભગવાન! હું અહી જ રહીશ."

"અરે કાકી! તમને ખબર છેને કે એ સાહેબ હવે આ ઘરના છે એવી રીતે બધામાં પરિચિત થઈ ગયા છે. એ આવશે ત્યારે જોયું જશે અને મેં કહ્યુંને હું મમ્મી અથવા ભાભીને બોલાવી લઈશ. તો પછી ભલેને તમારા રાકેશસાહેબ કાલે પાછા આવતા રહે."

રાધિકાએ તમામ પ્રકારે તેને સમજાવી અને અંતે તેને પણ જવા માટે તૈય્યાર કરી દીધી. ચોકીદારનું તો કોઈ ટેંશન જ નહોતું. તે તો બાજુમાં નવા બની રહેલા મકાન તરફ જોઈને જ બેઠો હોય. આ દરેક વસ્તુ તેણે રાત્રે આમન્ત્રિત કરેલા અહમ અને તેની વાઈફ પલ્લવી માટે કરેલી. ઘર ખાલી હતું અને તેની સિવાય ઘરમાં કોઈ જ નહોતું.

રાત્રે બન્ને આવી પહોંચ્યા. રાધિકાએ પલ્લવી સાથે પરિચય કર્યો અને તે બંનેને સમાચાર પૂછવા લાગી. થોડી વાતો કર્યા પછી ત્રણેયે સાથે રાત્રિભોજન કર્યું. આ સમગ્ર સમય દરમિયાન રાધિકાએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે તેના પર બંને સારી રીતે વિશ્વાસ મૂકે. જમ્યા પછી બેઠક ખંડમાં બેઠા બેઠા તેઓ વાતો કરતા હતા.

પલ્લવીએ રાધિકાને કહ્યું, "બાકી એક વાત તો છે, તમારું ઘર ખુબ સુંદર અને મોટું છે, નહિ?"

"હાસ્તો વળી." અહમે સાથ પૂર્યો.

તે ફરી બોલી, "તમે ખુબ સારી રીતે સજાવટ કરીને રાખી છે. તમે દરેક કામ એટલું સુઘડ રીતે કરો છો કે શું વાત કરવી."

"ના એવું કશું નથી, એ તો બસ એમ જ."

"અરે ના, સારાને સારું તો કહેવું જ પડેને. ખરેખર તમે જમવાનું પણ એટલું જ સરસ બનાવ્યું."

"આભાર તમારો આ વખાણ કરવા બદલ."

"આ વખાણ નથી, તમે હકદાર છો આના. મયુરભાઈ સાચેજ ભાગ્યશાળી છે કે તમારા જેવા વાઈફ તેને મળ્યા છે."

તો અહમ બોલ્યો, "હા ભાભી. ઓફિસમાં પણ તે તમારી બઉ વાતો કરે છે."

"શું તમે પણ! બેસો હું હમણાં જ આવી."

"ક્યાં જાઓ છો ભાભી?" અહમે પૂછ્યું.

"મેં શરબત તૈય્યાર કર્યું છે. થયુ જમ્યા પછી મજા આવશે. હું લઈને આવું છું."

"સો સ્વીટ ઓફ યુ." અહમે કહ્યું. તો પલ્લવી પણ બોલી, "હું તમારી મદદ કરવા આવું છું."

"ના તમ-તમારે બેસો, તૈય્યાર કરેલું જ છે. બસ ગ્લાસ ભરીને લાવું છું." તેણે પલ્લવીને પાછી બેસારી દીધી.

રસોડામાં જઈને તેણે ત્રણ ગ્લાસ તૈય્યાર કર્યા. પોતાના માટે તો તેણે આખો ગ્લાસ ભરી દીધો પણ અહમ અને પલ્લવી માટે તેણે ગ્લાસ અધૂરા રાખ્યા. સામેના બાર-ટેબલ પર રાકેશની અનેકો શરાબની બોટલમાંથી એક તે લઈને આવેલી અને બંનેમાં તેણે દારૂ ભેળવી દીધો. લઈને તે બહાર આવી તો એક જગ પણ સાથે લાવેલી. તે જોતા જ અહમ સમજી ગયો કે ઘરમાંથી નોકરોને કાઢી મુકવા અને મયુરની ગેરહાજરીમાં અમને નિમંત્રણ આપવા પાછળનું કારણ શું છે. તેણે બંનેને શરબતના બહાને શરાબ પીવરાવવાનું ચાલુ કર્યું. ગ્લાસને હોઠે મુકતાની સાથે અહમને શરાબની ગંધ આવી ગઈ. તેણે સામેની બાજુ શરાબખાનામાં નજર નાખી તો તેને જોઈ રાધિકા ચોંકી ઉઠી અને પૂછ્યું, "શું થયું અહમ ભાઈ?"

"કંઈ નહિ, બસ એમ જ જોતો હતો." અહમના આ જવાબે જાણે તેનો શ્વાસ નીચે બેઠો. પરંતુ શરાબની ગંધે અહમના તમામ સવાલોના જવાબ આપી દીધા. એકલા રહીને બોલાવાનું શું કારણ છે તેની જાણ તેને પાક્કી થઈ ગઈ અને તેણે પણ નિર્ણય લઈ લીધો કે રાધિકા તેની પાસે જે કંઈ જાણવા માંગે છે તે નશામાં કે પછી હોંશમાં, જે સાચું છે તે જણાવી દેશે. તેણે વિચાર કરી લીધો કે "આજે રાકેશ સર કે મયુર સરને જે લાગવું હોય તે લાગે. આજ પછી તેનું જે થવું હોય તે થાય. જે હકીકત છે તેનો પુરેપુરો ખુલાસો તો હું કરી નાખવાનો."

હજુ તેઓના ગ્લાસ અડધા થયા હતા કે રાધિકાએ તેઓને માન આપી જગમાંથી વધારે શરબત નાખી દીધું.

આ જોઈ પલ્લવી બોલી, "ભાભી, શું કામ આટલુ માન આપો છો? એક ગ્લાસ તો બઉ થયો."

અહમ બોલ્યો, "અરે પલ્લવી! ભાભી એટલા પ્રેમથી માન આપીને તને શરબત પાય છે તો પીને."

પણ તેની ચાલ સમજનાર અહમે વધારે ના લીધું. તેને ચિંતા થઈ કે જો અહમ નહિ પીવે તો તે એની સામે કોઈ સવાલ નહીં કરી શકે. તેણે પ્રયત્નો શરુ રાખ્યા અને અહમ ઇન્કાર કરતો રહ્યો. તેણે ગ્લાસ નીચે મુકતા કહ્યું, "ના મેડમ, મારે જાતે ડ્રાયવીંગ કરવાનું છે."

રાધિકા અજાણ બનતા બોલી, "શું? હું કંઈ સમજી નહીં."

એટલીવારમાં પલ્લવી લગભગ બે ગ્લાસ પીય ગઈ અને બેભાન જેવી અવસ્થામાં તેને હેડકી ચડવા લાગી. તેની સામે જોઈ અહમ કહેવા લાગ્યો, "મયુર સર અને રાકેશ સર બેમાંથી કોઈ હાજર નથી રહેવાનું એમ જાણી તમે જ્યારે મને તમારે ઘેર જમવા બોલાવ્યો ત્યારે મને થોડી શંકા હતી. પણ જ્યારે તમે આ શરબત લઈને આવ્યા ત્યારે મારી શંકા ખાત્રીમાં ફેરવાઈ ગઈ."

"શું બોલો છો અહમભાઈ?!"

"અજાણ બનવાની જરૂર નથી મેડમ. તમારી જે હાલત થાય છે એને હું સમજુ છું. આમ શરબતના બહાને શરાબ પીવરાવી તમે મારી પાસેથી બધું જાણવા માંગો છોને?"

"આ શું બોલો છો?"

"બસ જે સાચું છે એ મેડમ. કહો મને કે તમારે શું જાણવું છે? આખા ઘરમાં મારી અને તમારી સિવાય હવે કોઈ નથી. મારી વાઈફ પણ બેભાન થઈ ગઈ છે. એટલે મારા પર વિશ્વાસ કરો, હું તમને બધું સાચું કહીશ. જે હકીકત છે એ જ કહીશ."

મનને શાંત કરતાં તે બોલી, "તમારા શબ્દો મને સોનાના લાગે છે. જાણો છો કેમ? કારણ કે એટલા દિવસોથી મારી અંદર જે ડૂમો ભર્યો છે, આજે મને તે ખુલતો દેખાય છે. તમે એસ. એમ. ડિજીટલની આટલા વર્ષોથી સેવા કરો છો અને એ કમ્પનીમાં સૌથી વધારે રાકેશની સાથે તમે રહ્યા છો. મારે તેના વિશે જાણવું છે."

એક ઊંડો શ્વાસ લઈ તેણે બોલવાનું શરૂ કર્યું, " હા, એ સાચું છે કે રાકેશ સરની સૌથી નજીક અને સૌથી વધારે હું જ રહેલો છું. તમને લાગતું હશે કે તમારી પાછળ આ ઘરમાં પોતાની ઓળખ છુપાવીને સર તમને હેરાન કરવા કે જાણી જોઈને આવ્યા છે. સરની એક ખુબ મોટી કુટેવ છે. એ દરેકને માટે સારું કરવા ઈચ્છે છે. હમેશા બોલતા રહે છે કે જેટલી થાય તેટલી મદદ આપણે જરૂરિયાત વાળા વ્યક્તિને કરવી જોઈએ. એના આ વિચારે જ તમને ત્રણેયને એક ઘરમાં ભેગા કરી દીધા છે."

"એટલે?"

"પહેલીવાર હું જ્યારે વડોદરાની ઓફિસમાં તેને મળ્યો ત્યારે મને તેના પર થોડોક પણ વિશ્વાસ ન્હોતો. ધીમે ધીમે હું તેની સાથે કામ કરતા કરતાં તેની બુદ્ધિથી પ્રભાવિત થયો. ધીમે ધીમે મને એ અહેસાસ થયો કે જે તેની બુદ્ધિ છે તેનાથી કૈક ડગલાં આગળ તેનો સ્વભાવ છે. તેના વિચારો અને હૃદયમાં રહેલી ભલમનસાઈ છે."

"એટલે તમે દરેક રીતે તેને જાણો છો?"

"હા મેડમ. સાજીદ પહેલીવાર તેને લઈને આવ્યો ત્યારે સરનો અને મોહનશેઠનો વિરોધ મેં જ કરેલો. પણ તેના સોલ્યુશન એટલા જબરદસ્ત હતા કે હું મારી જાતે જ મારી ભૂલોને સુધારવા લાગ્યો. માત્ર પંદર દિવસમાં તેણે પોતાના નવા અપડેટથી કંપનીનો રેટ ફરી ઉપર ઉછાળ્યો. એ કંપનીમાં તેણે એટલી પ્રગતિ કરી કે તેઓ તેના સી.ઈ.ઓ. બન્યા અને ત્યારબાદ હું તેનો સેક્રેટરી બન્યો. થોડા દિવસોમાં બેંકે એક નવો નિયમ બહાર પડ્યો જે મુજબ દરેક કંપનીએ પોતાનો નાણાકીય હિસાબ આપી લોન રીન્યુ કરાવવી જરૂરી હતી. જો એ ન થાય તો ગેરકાયદેસરની મિલ્કત ગણીને તમામ વસ્તુઓ બેન્ક જપ્ત કરી લેશે. એ દિવસો દરમિયાન અમારી કમ્પનીમાં શ્વેતા મેડમની એક એપ્લીકેશન આવી જેમાં મયુર સરની કંપની વિશે જણાવ્યું હતું કે બેન્કના આવા અવિશ્વસનીય નિયમોને કારણે તેની કંપની ડૂબવા જઈ રહી છે."

યાદ કરતા રાધિકા બોલી, "હા, અમારી જ્યારે સગાઈ થઈ હતી એના થોડા દિવસો પછી એ કોઈ લોનના ચક્કરમાં પરેશાન થઈ ગયેલો."

"અને તે સમયે શ્વેતા મેડમની આ એપ્લિકેશન પર તમામે સાથ આપવામાં વાંધો ઉઠાવેલો પણ સરે એમ વિચારીને કે તેના કેટલાય કર્મચારીઓ બેરોજગાર થઈ જશે, તેણે પોતાનો સહકાર આપી દીધો અને મયુર સરની કંપનીને એસ. એમ. ડિજીટલમાં પાર્ટનર તરીકે જોડી દીધી. એ સમયે તેઓ સુરત આવ્યા અને તેનો સેક્રેટરી હોવાને નાતે હું પણ તેની સાથે આવતો રહ્યો. અહીંની હેડ ઓફિસમાં કામ કરતા સમયે મને તેના એક દોસ્તની જાણ થઈ. એનું નામ હિતેશ છે જે તેને સારી રીતે ઓળખતો. હું અનેક વાર હિતેશ અને સાગરભાઈને મળ્યો. એની પાસેથી તમારી અને રાકેશ સરની વચ્ચે જે થયું તેની મને જાણ મળી. પણ સાચું કહું છું મેડમ, સરને નહોતી ખબર કે જે મયુર સરને તે સાથ આપી રહ્યા છે તેના લગ્ન તમારી જોડે થવાના છે. આટલા સમય પછી પહેલીવાર અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમારી ઓફિસના પહેલા જ દિવસે શ્વેતા મેડમે મયુર સરની કંકોત્રી આપી અને તે સમયે એમને જાણ થઈ કે તમારા અને મયુર સરના લગ્ન થઈ રહ્યા છે."

"તો તેણે કશું કર્યું નહિ કે પછી એ માટે તેણે આટલું ડ્રિન્ક લેવાનું ચાલુ કર્યું?"

"ના મેડમ. એના મનમાંથી તો તમે ક્યારનાય નીકળી ગયેલા. સવાલ ડ્રિન્કનો છે તો એ તો તેણે પોતાની એકલતાને કારણે શરુ કર્યું. દિન-રાત એકલા અને આખી ઓફિસનો ભાર, ઉપર જતા તમારી વખતે પોતાના પરિવારે પણ સાથ ન આપવાનો આઘાત. છતાં મયુર સરની હકીકત જાણીને તેણે પોતાનો સહકાર ઓછો ન કર્યો. કારણ કે તેને લાગતું કે આમ કરવાથી અનેક લોકો રસ્તે આવી જશે. તમારા વિશે જાણવા છતાં તેણે મયુર સરનો સાથ આપ્યો. પણ તમારા લગ્નના થોડા દિવસો પછી જ બેન્કે તમારું ઘર અને ગાડી તમામ વસ્તુ જપ્ત કરી લીધી. કારણ કે તે વખતે સરની પાસે પૈસા ન્હોતા. આવા સમયે રાકેશ સરે તમારા બંનેનો વિચાર કર્યો અને તમને બંનેને પોતાનું ઘર સોંપી દીધું."

આ સાંભળી રાધિકાને બઉ મોટો ઝટકો લાગ્યો, "શું? આ અમારું નવું ઘર અમારું નહિ પણ રાકેશનું છે?"

"કમનસીબે આ જ હકીકત છે મેડમ. તમારી દરેક ગાડી પણ જતી રહી. મુંબઈની મુલાકાતમાં રાકેશ સર પાસે બે ગાડી હતી જેમાંથી એક તેણે મયુર સરને આપી. જો તે ન હોત તો આજે તમારી પાસે કશું ના રહ્યું હોત. પણ આમાં ક્યાંય તમે એકલા એના મનમાં નહોતા. પોતાની સમ્પતિ લૂંટાવી તેણે તમને અને તમારી કંપનીમાં કામ કરતાં સેંકડો કર્મચારીઓના પરિવારને રસ્તે જતા અટકાવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી તે પોતાની બહેન શિવાની અને સાગરભાઈ સાથે રહેતા. તેને વિચાર આવ્યો કે તે ક્યાં સુધી તેઓને હેરાન કરશે. એટલે ત્યાંથી નીકળી ગયા. આ વાતની ખબર પડતા મયુર સર એની પાસે ગયા. પોતાનું ઘર એને આપી તે હોટલમાં રહે એનાથી એ ના જોવાયું અને તમારા ઘેર લાવતા રહ્યા. તેણે પોતાની ઓળખ એટલા માટે જ છુપાવેલી કે જેથી તમને કોઈ તકલીફ ના પડે અને એના લીધે તમારી અને મયુર સરની વચ્ચે કોઈ ઝઘડો ન થાય."

"એટલે અત્યાર સુધી હું એના જ ઘરમાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હતી."

"હા, અને આ હકીકત છે એટલે જ મયુર સરે હંમેશા સરનો પક્ષ લીધો અને તમને સમજાવતા રહ્યા."

"આ પૈસા, ઘર, ગાડીઓ જેના નામ પર અમને અભિમાન થતું હતું તે બધું તેનું છે! જે પર ગુમાન કરીને ભાઈ અને ભાભી લલ્લુકાકાને અને તેના પરિવારને વારંવાર ખરું-ખોટું સંભળાવતા રહ્યા."

"આ બધી જાણ તેને છે, પણ આ વાતોમાં તે વધારે રસ નથી લેતા અથવા તેને તમારા મહેશભાઈની વાતોથી કોઈ ફેર નથી પડતો. હા..! અને એક બીજીવાત, આ ઘર તેઓએ મયુર સરના નામે કરી દીધું છે જેથી તમે બંને અહીં નિશ્ચિત થઈને રહી શકો."

"અને એ ક્યાં જશે?"

"તમારી સામેનું જે નવું ઘર બને છે તે એમનું છે."

"પણ એ તો ઓફિસ મુંબઈ શિફ્ટ કરે છેને?!"

"એના મનમાં શું છે એ તો એ જ જાણે. આ અંગે તો મને પણ કશી ખબર નથી."

અહમના આવા ખુલાસાએ તેની આંખો ખોલી નાખી. શું કામ તે આ ઘરમાં આવ્યો? જે ઘરમાંથી તેને બહાર જવા માટે કહેવામાં આવતું એ એનું જ ઘર હતું અને તેમની સંપત્તિ થકી આજે તેઓ આ પોઝિશન પર હતા. તેને અત્યાર સુધી રાકેશ સાથે કરેલા તોછડાઈ ભરેલા વર્તનનો પસતાવો થયો. મોડીરાત સુધી તેમની વાતો ચાલી અને પછી અહમ પોતાની વાઈફ પલ્લવીને લઈને જતો રહ્યો. રાધિકાને નીંદ ન આવી. હવે તો બસ કાલે રાકેશ પરત આવે એટલે એની સાથે વાત કરી મનને શાંત કરવાની ઈચ્છા થઈ. ફોનમાં મયુરે જણાવ્યું કે સર પોતાનું કામ પતાવી નીકળી ગયા છે. દસ વાગ્યા આજુ-બાજુ રાકેશ સર પહોંચી જશે.

સવારે તે એકલી બેઠી હતી અને દરવાજા તરફ નજર હતી. ડોરબેલ વાગી એટલે તેણે ઘડિયારમાં જોયું. બરાબર દસ વાગેલા. તે ઝડપથી ઉભી થઈ અને ફટાફટ દરવાજો ખોલ્યો. તેને રાકેશની આશ હતી પણ દરવાજો ખોલતાં જોયું તો સામે તેના અમિતાભાભી ઉભેલા. રાકેશના આવવાના સમયે અમિતાભાભીને જોઈ તેના હોંશ ઉડી ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED