પેરેલિસિસ - સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 79

    (સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અ...

  • ટચૂકડી ક્ષણ છે જીંદગી

    થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવા...

  • ભીતરમન - 27

    હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હ...

  • ખજાનો - 15

    ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા...

  • ભાગવત રહસ્ય - 47

    ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હ...

શ્રેણી
શેયર કરો

પેરેલિસિસ - સમીક્ષા

પુસ્તકનું નામ:- પેરેલિસિસ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (20 ઓગસ્ટ, 1932 – 25 માર્ચ, 2006) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા. ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍(હવે બનાસકાંઠા જિલ્લા) ખાતે 20 ઓગસ્ટ, 1932ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા.

કલકત્તામાં તેમણે 12 વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો , ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા 1957માં પ્રકાશિત થયું. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. 25 માર્ચ, 2006 ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. 1968માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

1984 માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ. ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો.

તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી, 1951 દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા નહોતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું.[૬] તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતહાસિક નવલકથાઓ અતીતવન અને અયનવૃત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાર્શ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે. જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.  જેમકે, નાટક – જયુથિકા, પરાજય, નવલકથા –  પડઘા ડૂબી ગયા, રોમા, એકલતાના કિનારા, આકાર,એક અને એક, જાતકકથા, હનીમૂન, અયનવૃત, અતીતવન, ઝિન્દાની,  લગ્નની આગલી રાત્રે, સુરખાબ‌ વગેરે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : પેરેલિસિસ

લેખક : ચંદ્રકાંત બક્ષી

પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ

કિંમત : 175 ₹.

પૃષ્ઠ સંખ્યા : 128

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. મુખપૃષ્ઠ પર નાયક અને‌ નર્સનો ફોટો અંકિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

'પેરેલિસિસ' એકલતા, હાર, અનાસક્તિ અને થાક જેવા વિષયોનો સમાવેશ કરે છે. નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના વિધુર પ્રોફેસર અરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતાં તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે. અરામ શાહની પત્ની બીજા બાળકના જન્મ સમયે મૃત્યુ પામી છે અને તેમણે તેમની પુત્રી મારિશાને એકલા ઉછેરી છે. નવલકથાના પ્રારંભે તે પર્વતીય સ્થળની મુલાકાતે છે અને તેમને આવેલા ત્રણ સ્વપ્નોનો વિચાર કરતા જાગે છે: ઘરડો સિંહ; જંતુનાશક દવાનો છંટકાવ કરેલો એક મહેલ; અને બરણીમાં બાળગર્ભ રાખેલું એક સંગ્રહાલય. તેમની લાગણીની તીવ્રતાઓ તેમને પક્ષાઘાતનો હુમલો આપે છે અને તેઓ લકવો પામેલા સ્વરૂપે નાની હોસ્પિટલમાં જાગે છે જ્યાં તેમની સારસંભાળ આશિકા લે છે. ત્યાં તેઓ તેમની પુત્રીના મૃત્યુને યાદ કરે છે, જે જ્યોર્જ વર્ગીસ નામના એક ખ્રિસ્તીને પરણી હતી અને પછી પુત્રીએ આત્મહત્યા કરી હતી. આ દુ:ખ તેમને પર્વતીય સ્થળ તરફ દોરે છે, જ્યાં નવલકથાની શરૂઆત થાય છે. આશિકા પણ તેના ભૂતકાળની યાદો હેઠળ દબાયેલી છે અને વિધવા છે. તે પણ અરામની સમકક્ષ વયની છે અને બંને એકબીજાના દુ:ખમાં નવુ જીવન શોધવાનું પ્રયત્ન કરે છે. અરામને ટૂંક સમયમાં જ રજા મળે છે, અને તે આશિકાને મળી શકતો નથી. તે ઘરે પાછો ફરવાની જગ્યાએ જ્યાં તેને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો તે સ્થળે પાછો આવે છે અને ત્યાં ફરે છે.

 

શીર્ષક:-

સમગ્ર કથા કથાનાયકને થયેલા પેરેલિસિસ કે પક્ષાઘાતના હુમલાની આસપાસ જ ફરતી રહે છે. આમ, કથાના મધ્યબિંદુ સમાન હોવાથી આ શીર્ષક સર્વથા યોગ્ય છે.

 

પાત્રરચના:-

નવલકથાના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:

અરામ શાહ – વિધૂર પ્રોફેસર

મારિશા – અરામની પુત્રી

આશિકા દીપ – મિશનરી હોસ્પિટલમાંની નર્સ

આ સિવાય ગૌણ પાત્રોમાં અરામની પત્ની, ડૉક્ટર અને જમાઈ જ્યોર્જ છે.

 

સંવાદો/વર્ણન:-

સંવાદો અને વર્ણન પર બક્ષીબાબુની ગજબની પકડ છે. જેમકે,

"ડેડી,

મને હાથની રેખાઓમાં રસ નથી, કપાળની રેખાઓમાં રસ છે, કારણ કે એ માણસે પોતે જીવીને બનાવેલી હોય છે.

ભગવાનની આપેલી નથી હોતી."

આ વાક્ય મારિશા, પ્રોફેસર શાહને કહે છે. મારિશાની આ વાતનો જવાબ પ્રોફેસર શાહ પાસે બક્ષી કંઈક આમ અપાવે છે.

"સરસ. પુરુષાર્થમાં માનવું સારું છે. પણ, હારનો સ્વાદ ચાખ્યા પછી, પુરુષાર્થ બહુ બેસ્વાદ લાગે છે."

"કોઈ કોઈની સાથે અપંગ થતું નથી. સાથે રહેતાં બે શરીરોને પણ પોતપોતાના શ્વાસ, પોતપોતાના દુઃખ અને પોતપોતાના સુખ હોય છે, જુદાં જુદાં."

"મેઘધનુષ્યના સાતે રંગો ઓગળીને ભૂતકાળની સફેદીમાં વિલીન થઈ ગયાં."

અંતિમ પૃષ્ઠોમાં લખેલો અંતિમ સમયે સમજવા જેવો સંવાદ,

"બધું પસાર થઈ જાય છે. જીવનમાંથી સબંધો સળગી જાય છે. ચિતાઓ પર ધુમાડો રહી જાય છે. પછી વાસ રહી જાય છે , પછી વાસ પણ ચાલી જાય છે. પછી સ્મૃતિ રહી જાય છે . પછી સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે. યાદદાસ્તની એકાદ મૌસમ આવે છે, એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય – એમાં તણખલા, આગ, ગરમાહટ કંઇ જ હોતું નથી. વરસાદ પછી રડતા એકાદ ખૂબસુરત શહેરની

શૂન્યતા હોય છે એમાં."

 

 

લેખનશૈલી:-

બક્ષીનું ઉર્દૂ મિશ્રિત ગદ્ય અહીં ખૂબ આસ્વાદ્ય બન્યું છે તો ક્યાંક તે કઢંગુ પણ લાગે છે. જેમકે, "આખી રાતમાં એને ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ પ્રકાશમાં ધૂંધ‌ થઈ ગયેલા રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડ્યું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં." અહીં ધૂંધ, ખૌફનાક, રોશનદાનો - અનેરી અસર ઉપજાવે છે. આમ, અહીં બક્ષીબાબુની શૈલી સરળ છતાં વિશિષ્ટતા સભર જણાઈ આવે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ હતી. ચંદ્રકાંત બક્ષીએ જાતે જ આ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું અને તેનું પ્રકાશન ૧૯૮૧માં થયું હતું. ૧૯૬૮માં આ નવલકથા માટે તેમને ગુજરાત સરકાર તરફથી ત્રીજા ઈનામનો અડધો ભાગ એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો. પેરેલિસિસનું ભાષાંતર મરાઠી, રશિયન અને અંગ્રેજી ભાષાઓમાં થયું હતું. તે બોમ્બે યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવાઇ હતી. તેની મરાઠી આવૃત્તિ એસ.એન.ડી.ટી.ના બી.એ.ના અભ્યાસક્રમમાં પુસ્તક તરીકે હતી. બોમ્બે ટી.વી.એ આ નવલકથા પરથી નાટ્ય રૂપાંતરણ કર્યું હતું. ગુજરાતી વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાએ નવલકથાને તેની "કથનપદ્ધતિ" માટે વખાણી છે. વિવેચક સુમન શાહ નોંધે છે કે નવલકથાનું કેન્દ્રબિંદુ પ્રોફેસર અરામ શાહની 'જીવનગત વેદના' છે. આમ, અહીં કથા કરૂણાંતિકા બની રહે છે.

 

મુખવાસ:-

જીવન જ્યારે પેરેલિસિસ જેવું લાગવા માંડે ત્યારે જીવતા શીખવાડે એ એટલે 'પેરેલિસિસ'.