કુમાઉ યાત્રા - ભાગ- 13 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 13

કુમાઉ યાત્રા - 13
#kumautour2021bydhaval

અગાઉના એપિસોડમાં આપણે સાતતાલની મુલાકાત લીધી, સાતતાલથી અમે નૈનિતાલ આવ્યા અને પાર્કિંગમાં સ્ફુટી પાર્ક કરી સૌ પ્રથમ માઁ નૈના દેવીના દર્શન કરવા માટે ઉપડ્યા. પાર્કિંગની બાજુમાં વિશાળ સ્ટેડિયમ આવેલું છે ત્યાં ક્રિકેટ મેચ રમાતી હોય છે. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે પણ ક્રિકેટ રમાતી હતી. ક્રિકેટની ચાહ આજકાલના યુવાનો માં ખુબજ વધારે પડતી છે. એના કારણે કેટલાય યુવાનોના ભવિષ્ય પણ બરબાદ થતા જોયેલા છે. એ સિવાય હવે ક્રિકેટને કારણે એક નવું દુષણ આવ્યું છે, ક્રિકેટ પર રમાતો જુગાર કે એક પ્રકારનો સટ્ટો. આજ કાલના યુવાનોને કામધંધો કર્યા વગર જલ્દીથી કરોડોપતિ થઈ જવું છે પછી થાય છે રોડપતિ અને કેટલાક ને તો સ્યુસાઇડ કરવાના પણ વારા આવે છે. જોવાની વાત એ છે કે આ બધા દુષણો ઉપર સરકારનો કોઈ કન્ટ્રોલ નથી હવે તો ઘણી મોબાઈલ એપ્લિકેશથી આવો જુગાર રમી શકાય છે, એતો ઠીક સાથે હવે મોબાઈલથી તમે તીનપત્તિ કે રમી જેવો જુગાર પણ રમી શકો છો. આ બધાને કારણે યુવાનોના રોલમોડેલ આર્મીમેન, શિક્ષક કે વૈજ્ઞાનિક હોવાને બદલે ક્રિકેટરો બનતા જાય છે.

ત્યાંથી થોડે આગળ માઁ નૈનાદેવીનું ભવ્ય મંદિર આવેલ છે. નૈનિલેકના કિનારે જ આ પવિત્ર મંદિર આવેલું છે. જે અહીંનું મુખ્ય આકર્ષણ હોવાથી પર્યટકોની સારી એવી ભીડ હતી. મંદિરની શરૂઆત લાલ રંગના ત્રણ સ્તંભથી બનેલ વિશાળ બે દરવાજા વાળા ગેટથી થાય છે. જેમાં વચ્ચેના સ્થંભ પર સોનેરી રંગની સિંહમુખની કલાકૃતિ લગાવેલ છે. જેમાં દાખલ થતાંજ સામે વિશાળ એવી શ્રી બજરંગબલીની મૂર્તિ દ્રશ્યમાન થાય છે. એની પહેલા એક ઊંધા J આકારનો સ્તંભ લાગેલ છે અને એમાં એક ઘંટ લાગેલ છે જેનો નાદ આખાય મંદિરના પટાંગણમાં ગુંજી ઉઠે છે. શ્રી હનુમાનજીના મંદિરની ડાબે બાજુ સામે માઁ નૈનાદેવીનું મુખ્ય મંદિર આવેલું છે જેનું મુખ્ય દ્વાર નૈનિલેક તરફ છે. મંદિરની પહેલા પટાંગણમાં બે સ્તંભ ઉપર બનેલ કલાત્મક ગેટમાં વચ્ચે ત્રણ અને બન્ને છેડે એક - એક એવી રીતે ઘંટ લાગેલ છે. એને ઓળંગીને આગળ પાંચ પગથિયાં ચડતા જ માઁ ના શરણોમાં પહોંચી જવાય છે. અહીં નયનાદેવીની "આંખો" રૂપે પૂજા અને આરાધના થાય છે એટલેજ માતાજીનું નામ નૈના (નયના) દેવી પડ્યું છે. મંદિરની ડાબી બાજુએ શ્રી રાધાકૃષ્ણ મંદિર, ભૈરવનાથ મંદિર અને નવગ્રહ મંદિર આવેલ છે. મંદિરની સામેની તરફ નૈનિલેકના કિનારાની દીવાલની બાજુમાં ચાર સ્તંભ ઉપર બનાવેલ આરસના મંદિરમાં પવિત્ર શિવલિંગ આવેલું છે. એના બેક ગ્રાઉન્ડમાં વિશાળ નૈનિલેક અને પહાડોનો સમનવ્યય સર્જાયેલો દેખાઈ આવે છે.

આ મંદિર દેશની મુખ્ય 51 શક્તિપીઠ માનું એક છે. જેની સાથે એક પૌરાણિક કથા વણાયેલી છે. એ અનુસાર બ્રહ્મહાજીના માનસ પુત્ર દક્ષ પ્રજાપતિની પુત્રી ઉમાએ શિવ આરાધના કરીને ભગવાન શિવ સાથે વિવાહ કરેલા. ભભૂતધારી ભુતનાથ સ્વરૂપે હોવાથી શિવજીને દક્ષ પ્રજાપતિ પસંદ કરતાં નહતા. બ્રહ્મહાજી દ્વારા એક વખત પ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. ત્યાં શિવજી સાથે સર્વે દેવી દેવતાઓને પણ નિમંત્રણ આપવામાં આવેલું. ત્યાં જ્યારે દક્ષ પ્રજાપતિનું આગમન થાય છે ત્યારે સર્વે એમના સન્માનમાં ઉભા થાય છે પરંતુ કોઈ કારણોસર શિવજી ઉભા ના થવાથી દક્ષ પ્રજાપતિ ગુસ્સે થઈ શિવજીનું અપમાન કરે છે જેથી શિવજી યજ્ઞ છોડીને જતા રહે છે. એ વાતનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિ એક વખતે હરિદ્વાર સ્થિત કનરવનમાં એક વિશાળ યજ્ઞનું આયોજન કરે છે. જેમાં શ્રી બ્રહ્મહાજી, ભગવાન વિષ્ણુ તેમની સર્વે પુત્રી અને જમાઈ સમેત સૌ દેવતાઓ અને ઋષિગણને આમંત્રીત કર્યા પરંતુ શિવજીનું અપમાન કરવા માટે શિવજી અને માઁ સતીને આમંત્રણના આપ્યું.

પ્રયાગ યજ્ઞ માં કરેલ અપમાનને હજી માઁ સતી ભૂલ્યા નતા ત્યાં ફરીથી આ યજ્ઞમાં પોતાના પતિને આમંત્રણ ના મળવાને કારણે માઁ સતીને વધુ દુઃખ થયું. તેઓએ નિચ્છય કર્યો કે પિતાશ્રીને પ્રત્યક્ષ જઈને પૂછશે કે શા માટે શિવજીનું આવું આપમાન કર્યું. શિવજીએ જવાની મનાઈ કરતા કહ્યું કે જ્યાં આમંત્રણ ના હોય ત્યાં જવું ઉચિત નથી પરંતુ છતાં માઁ સતી નંદી સહિત શિવગણ સાથે ત્યાં જવા માટે નીકળ્યા. ત્યાં જઈને તેઓએ પોતાના પિતાશ્રી દક્ષ પ્રજાપતિને શિવજીની માફી માંગીને શિવજીને સન્માન સહિત યજ્ઞમાં લઇ આવવા માટે કહ્યું. પરંતુ માફી માંગવાની બદલે દક્ષ પ્રજાપતિએ ફરી શિવજીનું કટુ શબ્દો કહી ફરી અપમાન કર્યું. આ સાંભળી માઁ સતીને પોતાના અહીં આવવા પર પસ્તાવો થયો, પતિને એ રોક્યા છતાં આવ્યા હવે શિવજીને શુ મુખ બતાવશે એ વિચારીને ક્રોધિત અને દુઃખી થઇ આત્મદાહ કરીને પોતાના પ્રાણ ત્યાગીને ભળભળ બળવા લાગ્યા.

નંદી અને શિવગણ દ્વારા શિવજીને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી તો તેઓએ "વિરભદ્ર" ને યજ્ઞના વિનાશ માટેનો આદેશ આપ્યો. જેથી વિરભદ્ર અને દક્ષ પ્રજાપતિ વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં વિરભદ્રએ દક્ષ પ્રજાપતિનો મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. જ્યારે આ સમાચાર રાણી વિરણીને મળ્યા ત્યારે તેઓ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. શ્રી ચંદ્ર દેવ દ્વારા તેમને સમજાવ્યું કે શિવજી દેવાધી દેવ છે,એક વાર સાચા હૃદયથી માફી માંગશો તો અવશ્ય માફ કરી દેશે.જેથી રાણી વિરણીએ શિવજીની માફી માંગી જેથી શિવજીએ દક્ષ પ્રજાપતિને બકરનાંનું મસ્તક આપી અધુરો યજ્ઞ પૂરો કરવા માટે સજીવન કર્યા.

ત્યાર બાદ શિવજી સતીના દેહને પોતાના હાથમાં લઈને આકાશભ્રમણ કરતા કરતા વિલાપ કરે છે. આ જોઈને સર્વે દેવતાગણ, વિષ્ણુ ભગવાન સર્વે ચિંતિત થઈ જાય છે અને આનો સુઝાવ માટે શ્રી બ્રહ્મહાજી પાસે જઇ પહોંચે છે. બ્રહ્મહાજી એ સુઝાવમાં વિષ્ણુ ભગવાનને માઁ સતીના સળગતા દેહ પર સુદર્શન ચક્ર ચલાવવા માટે કહ્યું. વિષ્ણુ ભગવાને શિવજીને પ્રણામ કરી એમની અનુમતી લઈને માઁ સતીના દેહનો વિચ્છેદ કરવા માટે સુદર્શન ચલાવ્યું. જેના થકી સતી માતાજીના દેહના 51 ટુકડા જ્યોતિપુંજ રૂપે આર્યવ્રત ઉપર પડ્યા. જ્યાં જ્યાં જ્યોતિપુંજ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની રચના થઈ.

ઉપરની પૌરાણિક ઘટનાને સંદર્ભે માતાજીની ડાબી આંખ અહીં પડી હતી જેથી નૈનિતાલમાં માતાની આંખોની પૂજા કરવામાં આવે છે. ઉપરની પૌરાણિક ઘટના મેં "ૐ નમઃ શિવાય" સીરિયલના સદર્ભથી લખી છે. આમાં કાઈ ભુલ ચૂક હોય તો આપ સુધાર મોકલી શકો છો. આ કથા ફક્ત જાણકારી હેતુ એ આપેલ છે. એપિસોડની લિંક કોમેન્ટમાં આપેલી છે.

નૈનિતાલમાં નૈનાદેવી મંદિર પછી બીજું મુખ્ય સ્થળ એટલે નૈનિલેક, સાત પર્વત વચ્ચે ઘેરાયેલ આ લેક નૈનિતાલનું મુખ્ય આકર્ષણ છે. નૈનિલેક 1500 મીટર લાંબુ અને 510 મિટર પહોળાઈ ધરાવે છે. એના પાણીની ઊંડાઈ 30 મીટર જેટલી છે. તળાવના બે કિનારા છે જેને તલ્લીતાલ અને મલ્લીતાલ તરીકે ઓળખવામાં આવે છે. તમે એક કિનારે થી બીજા કિનારે રોડની જેમજ બોટમાં પણ સવારી કરી શકો છો. આ ઉપરાંત નૈનિલેકની વચ્ચે બોટિંગ કરવાનો આહલાદક આંનદ પણ જરૂરથી માણવા જેવો છે. આજુ બાજુ પાણીમાં પડતો પર્વતોનો પડછાયો, ઊંચા દેખાતા પર્વતીય શિખરો, મોલ રોડ પર દેખાતી ચહલપહલ અને સામે દેખાતું માઁ નયનાદેવીનું પવિત્ર મંદિર, આવો સુંદર સમનવ્યય તો ક્યાંક જ જોવા મળે. માઁ નયનાદેવીના મંદિરના પટાંગણમાં ઉભા ઉભા નૈનિલેકની ઠંડી ઠંડી લહેરો માણવાની મજા જ કંઈક ઔર છે.

નૈનિતાલ મંદિરની બહાર નીકળતા સામે ઘણા બધા રેસ્ટોરેન્ટની લાઈન દેખાય છે જ્યાં તમે તમને મનગમતું ભોજન લઈ શકો છો. સામેની બાજુ જે માર્કેટ આવેલું છે તેને "ભોટિયા માર્કેટ અથવા તીબેટીયન માર્કેટ" પણ કહેવામાં આવે છે. નામ જોતા એવું લાગે કે અહીં પહેલા મુખ્યત્વે તિબેટના ભોટિયા લોકો ધંધો કરતા હશે. હવેની પરિસ્થિતિ જુદી છે. તીબેટીયન સાથે સાથે અહીં અન્ય વેપારીઓની દુકાનો પણ આવેલી છે. અહીં મુખ્યત્વે ગરમ અને ઉનના કપડાં મળે છે. જેમના કદાચ અમુક જ ખરેખર તિબેટમાં બનેલ અને હેન્ડક્રાફ્ટ હશે. બાકી ખરીદી દરમ્યાન મારો અનુભવ કવતો અમુક આઈટમ તો "મેડ ઇન ચાઇના" હતી ઉપરાંત ભાવ પણ ખુબજ વધારે હતા. મેં અમુક ગરમટોપી અને મોજાની ખરીદી પછીથી રામનગરના માર્કેટમાં જઈને કરેલી. આ ઉપરાંત નયનાદેવી મંદિરથી મોલ રોડ તરફ જતા પણ એક નાનકડું માર્કેટ આવે છે. આમતો તે આ માર્કેટનો ભાગ પણ કહી શકાય, ત્યાં ગરમ ગરમ મકાઈ ખાવાની ખુબજ મજા આવે છે. લગભગ બપોરના 1 વાગ્યા આજુબાજુ અમે ત્યાંથી હોટેલ પર ગયા ત્યાં મેનજરને મળીને નૈનિતાલને બાય બાય કહીને કાલધુની વાળા રસ્તે રામનગર જવા નીકળ્યા.

હવે પછીના એપિસોડમાં "કુમાઉ યાત્રા" પુરી થઈ જશે.
જુના એપિસોડ વાંચવા માટે તમે #kumautour2021bydhaval નો ઉપયોગ કરીને શોધી શકશો. વાર્તા વાંચીને તમારા અભિપ્રાય જરૂર જણાવજો.

©-ધવલ પટેલ

#કુમાઉયાત્રા

વોટ્સએપ : 09726516505

માઁ સતી અને શિવજીની વાર્તાની યૂટ્યૂબ લિંક તેમજ નૈનાદેવી મંદિર અને નૈનિતાલ લેકના યુટ્યુબ વિડીઓની લિંક કોમેન્ટ બોક્સમાં આપેલી છે.

ટુરિઝમને લગતી માહિતી માટે ફેશબુક પેજ અવશ્ય લાઈક કરવા વિનંતી. એની લિંક પણ કોમેન્ટમાં આપેલ છે.