કુમાઉ યાત્રા - ભાગ- 14 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 14

કુમાઉ યાત્રા - 14 (છેલ્લો એપિસોડ)

અગાઉના એપિસોડમાં અમે નૈનાદેવી મંદિર અને નૈનિલેકની મુલાકાત લઈને કાલાધુની વાળા રસ્તે રામનગર જવા નીકળ્યા. આ રસ્તે જઈએ એટલે સૌથી પહેલા નૈનિતાલ મોલ રોડ ઉપરની તરફ જઈને જવાય છે. નૈનિતાલની બહાર નીકળતા ત્યાંથી ટૉપ વ્યુ ખુબજ સુંદર આવે છે. અમે નીકળ્યા ત્યાં ઘણા બધા ટુરિસ્ટ વ્યુની મજા લેતા હતા . ત્યાંથી ધીરે ધીરે નીચેની તરફ જવાય છે. જેમ જેમ નીચે જતા રહ્યા તેમ તેમ પહાડો ઓછા થવા લાગ્યા. કાલાધુની વટયા પછી તો મેદાની વિસ્તાર આવી જાય છે. હું સ્ફુટીની પાછળની દિશામાં જોતો હતો તો એવું લાગતું હતું કે પહાડ ધીમે ધીમે દૂર જઇ રહ્યા છે. મનમાં એક પ્રકારના ખાલીપાનો એહસાસ થઈ રહ્યો હતો. હજુ આજથી 5-6 દિવસ પહેલા કેટલા ઉત્સાહ અને ઉત્તેજના સાથે ગરજિયા માતાના દર્શન કરીને પહાડોમાં ચઢાણ શરૂ કરેલું, આખું અઠવાડિયું પહાડોમાં રખડયા ભમ્યા અને આ પ્રકૃતિને માણી, પ્રકૃતિને ખોળે રહ્યા. હિમાલય રાજે ખૂબ પ્રેમ આપ્યો અને ખુબજ વહાલ કર્યું હવે કોઈ સ્વજનથી દૂર જતા હોય એવું દુઃખ થઈ રહ્યું હતું.

રામનગર પહોંચીને ત્યાં અમે પહેલી રાતે રોકાયેલા તે KMVNLનાં ટુરિસ્ટ રેસ્ટ હાઉસમાં રોકાયા. આ વખતે પ્રાઇવેટ રૂમ લીધેલો જે બજેટ મુજબ ઘણો સારો હતો. સામાન રાખીને લોકલ માર્કેટમાં ખરીદી કરવા માટે ઉપડ્યા. આજે રજાનો દિવસ હોવાથી ઘણું ખરું માર્કેટ બંધ હતું. લોકલ સ્ટ્રીટ ફૂડ મોમોસ અને ચૌમીનની મજા માણી. ત્યારબાદ રેસ્ટ હાઉસ પર આવીને ડિનર લીધું. ગઈ વખતની જેમજ ટેસ્ટી મિક્સ વેજનું શાક અને રોટીનો ઓર્ડર આપ્યો અને જમ્યા.

4 - 12 - 2021

આજે સવારે વહેલા જાગીને રેસ્ટ હાઉસની બહારની બાજુની એક રેંકડી ઉપર મસ્કા પાવ અને ચા નો નાસ્તો કર્યો. મારા મિત્રને એના સ્કૂટીની સર્વિસ કરવાની હતી તેથી તે મારી સાથે બસ સ્ટેશન આવ્યો મને બસ સ્ટેશન પર ડ્રોપ કરી સર્વિસ સ્ટેશન તરફ ઉપડ્યો અને હું દિલ્હીની બસમાં હું બેસી ગયો અને મારી સફર પાછી દિલ્હી તરફ શરૂ થઈ. મિત્ર સર્વિસ સેન્ટર પર સ્ફુતિની સર્વિસ કરાવીને ત્યાંથી તે પોતાના પહાડી ગામ મુકામે જશે. રિટર્નની મુસાફરી શરૂ કરી એ પહેલાં જ મને કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન વિશે માહિતી મળેલી જેથી બસમાં બેસતા પહેલાજ મેં સર્જીકલ માસ્ક ચહેરા ઉપર લગાવી દીધેલ. બસમાં આ વખતે પણ ફૂલ ભીડ હતી, જેને બેસવા માટે સીટ નતી મળી એના માટે કન્ડક્ટરે પોર્ટેબલ સીટ લગાવીને બેસવાની વ્યવસ્થા કરી આપેલી. બસમાં કદાચ મારા સિવાય એક - બે વ્યક્તિ એ માંડ માસ્ક પહેર્યું હશે. રીટર્નનો રસ્તો આયો એ વખતનો હતો. એકલો હતો ઉપરાંત આ રસ્તો જોયેલ હતો જેથી મેં પણ થોડો સમય સુવામાં કાઢ્યો અને વિતેલ મુસાફરીની યાદો વાગોળતા વાગોળતા ક્યારે દિલ્હી આવી ગયું એની ખબર જ ના પડી. આ વખતે પણ બસ આનંદવિહાર સુધીની હતી. ત્યાંથી મેટ્રો પકડીને ન્યુદિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો. મારી રિટર્ન મુસાફરીની ટ્રેન રાજધાની એક્સપ્રેસ અહીંથી હતી. અહીં એકઝ્યુકેટિવ લોંન્જમાં જઇને માસ્કને વિદાય આપી, ફ્રેશ થયો ત્યારે બાદ બેઠા બેઠા નોવેલ વાંચી સાથે ચા-નાસ્તો પણ કર્યો. આ સુવિધા ખરેખર ખુબજ ઉમદી છે, ખૂબજ ઓછા ચાર્જમાં સારી સુવિધા, સ્વચ્છતા જોવા મળી.

મારી ટ્રેન તેના નિયત સમયે ન્યુ દિલ્હી રેલવે સ્ટેશનથી ઉપડી. મુસાફરીનો થાક હતો અને કાલે આખો દિવસ પણ મુસાફરી કરવાની હતી જેથી મેં પણ ફટાફટ ડિનર કરીને મારી બર્થ ઉપર લંબાવ્યું. સવારે નિયત સમયે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઈ. અહીંથી સોમનાથ જવાનો ટ્રેનને હજુ 1 કલાકનો સમય હોવાથી ત્યાં સ્ટોલ ઉપર સેન્ડવીચ અને બ્રેડ બટરનો નાસ્તો કર્યો. અને નિયત સમયે મારી ટ્રેન પકડી લીધી. સાંજે 7.30 આજુ બાજુ વેરાવળ પહોંચી ગયો ત્યાંથી મારુ ઘર ફક્ત 20 કિલોમીટર દૂર હતુ.

અહીં સાથે મારી આ પ્રવાસ કથા પુરી થાય છે. આ મારી પ્રથમ પ્રવાસ કથા હતી, ધાર્યા કરતાં મને આપ સૌ વાચક મિત્રોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો એ બદલ આપનો આભારી રહીશ. મારી આ 'કુમાઉ યાત્રા" કર્યાને આજે વર્ષ પુરૂ થવા આવશે. એક સંકલ્પ હતો કે એક વર્ષમાં કથા પુરી કરવી જે હું સમયસર કરી શક્યો એનો આનંદ છે.

આપ સૌને મારી પ્રવાસ યાત્રા કેવી લાગી એના વિશે અભિપ્રાય જરુર આપજો, એના માટે મારો નંબર આપેલ છે ઉપરાંત તમે કોમેન્ટ અથવા મેસેન્જરમાં મેસેજ કરી શકો છો.

ટુરને લગતી કોઈપણ માહિતી માટે જાણ કરી શકો છો.

આ સાથે હું "કુમાઉ યાત્રા" ને પુરી થયેલ જાહેર કરું છું.
જુના એપિસોડ વાંચવા માટે તમેં #kumautour2021bydhaval નો ઉપયોગ કરીને શોધી શકશો.

©-ધવલ પટેલ

#કુમાઉયાત્રા

વોટ્સએપ : 09726516505

*** સમાપ્ત *** જય હિંદ *** વંદે માતરમ ***