Kumaon Travel - Part 2 books and stories free download online pdf in Gujarati

કુમાઉ યાત્રા - ભાગ- 2

કુમાઉ ટુર ભાગ - 2

આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે બીજો એપિસોડ શરૂ કરીએ. પ્રથમ એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.
આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

તારીખ : 28.11.2021

આજે સવારે 7:45 સમયે રાજધાની એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઊભી રહી. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 થી 16 છે. એક નંબર પ્લેટફોર્મ પહાડગંજ બાજુ છે અને 16 નંબર પ્લેટ ફોર્મ જે મુખ્ય ગેટ છે જેને અજમેરીગેટ પણ કહે છે.

દિલ્હીમાં અજમેરીગેટની જેમ ઘણા બધા નામ મુગલ વખતથી ચાલ્યા આવે છે. અંદર થી કોઈ વાર થાય કે ભારતની રાજધાનીમાં ફરીએ છીએ કે કોઈ મુગલ રાષ્ટ્રની ? બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે આ વિચારધારા ના હોવી જોઈએ પરંતુ દરેક રાષ્ટ્ર કે પ્રાંતને પોતાની એક સંસ્કૃતિ હોય છે મારા માટે એ અખંડ રહેવી જોઈએ અને એના માટે પ્રયત્ન થવા જોઈએ. કારણકે આપણે શું હતા એ કહેવા વારુ કોઈ રહે કે ના રહે પરંતુ આપણી સંસ્કૃતિ અને આપડો વારસો એ વાતની હમેશા સાક્ષી પુરશે કે આપડો ભૂતકાળ કેવો ભવ્ય હતો. અને ભવિષ્યની પેઢી મટે એને જાળવવો અને સત્ય છે તે સામે લાવી સુધારવો એ આપણી નૈતિક ફરજ છે. એટલીસ્ટ જે મૂળ હતું ત્યાં તો આવવું જરૂરી જ છે.

હવે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ...
મુખ્ય દ્વાર અજમેરી ગેટજ છે. ત્યાં ટેક્સી અને ઓટો પાર્કિંગ છે. ત્યાં તમને ઓટો અને ટેક્સી માટે વધુ ઓપશન પણ મળી જશે. ઉપરાંત ન્યુ દિલ્હી મેટ્રો સ્ટેશન સામેજ છે ત્યાંથી તમે દિલ્હીના કોઈ પણ ખૂણે જઈ શકો અને ત્યાંથી એરપોર્ટ જવા માટે એકપ્રેસ લાઇન પણ ત્યાંથી જ છે. જેથી તમારે મેટ્રોમાં જવાનું હોય કે મેટ્રો માંથી અવાનું હોય તો તમારા માટે અજમેરી ગેટ બાજુ સરળ રહે છે ઉપરાંત ઓન એરાઈવલ ટેક્સી હાયર કરવાની હોય તો પણ આ બાજુ સહેલું પડશે. પરંતુ જો તમારી ટેક્સી પહેલીથી બુક હોય અને તમે રાજધાનીમાં આવતા હોય તો ટેક્સીને પહાડગંજ બાજુ પણ બોલાવી શકો. જો કે દર વખતે જરૂરી નથી કે ટ્રેન 1 નંબર પ્લેટફોર્મ ઉપર જ આવે, અમુક વાર વહેલી મોડી થાય અથવા તો રેલવે તરફથી કોઈ ચેન્જ આવે તો બદલાઈ શકે. જોકે હવે તો સ્વંય સંચાલિત પગથિયા (એસ્કેલેટર) આવતા એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર સમાન સાથે પણ જવું-આવવું ઘણું સહેલું થઈ ગયું છે.

મારે બસ આનંદ વિહારથી પકડવાની હતી. મારી સાથેના સહ મુસાફર એ બાજુ જવાના હતા તેથી હું એમની સાથેજ ઓટોમાં ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશનથી આનંદવિહાર પહોંચી ગયો. આ સિવાય તમે મેટ્રોમાં પણ જઈ શકો છો. તમારી નવી દિલ્હીથી યલો લાઈનમાં રાજીવ ચોક અને ત્યાંથી બ્લુલાઈનમાં આંનદવિહાર મેટ્રો સુધી જઇ શકો. આ ઉપરાંત રેલવે સ્ટેશનની બહાર તમને DTC (સીટી બસ) ની ડાયરેક્ટ બસ પણ આનંદવિહાર માટે મળી જશે. હું 8:30 એ આનંદવિહાર બસ ડેપો પર પહોંચી ગયો. ત્યાંથી પ્લેટફોર્મ નંબર 136 ઉપરથી અમારી રામનગર જવાની બસ ઉપડવાની હતી. મારી સાથે ફરવા આવનાર મિત્ર એવા ગોવિંદ ભટ્ટ મારી પહેલાજ ત્યાં પહોંચી ગયેલા. ત્યાંની આજુબાજુના પ્લેટફોર્મ પરથી કુમાઉ તરફ જતી બસો ઉપડતી હતી. આમતો વિસ્તાર ઉત્તરાખંડનો કેવાય પણ ત્યાંથી ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ અને ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટની એમ બેય બસો ઉપડતી હતી. મારા પહોંચ્યા પહેલા એક સારી સુવિધા વાળી AC બસ જતી રહેલી એટલે અમે ઉત્તરપ્રદેશ ટ્રાન્સપોર્ટની જે સૌથી પહેલા મળી એ બસ પકડી. બસમાં કોઈ બુકીંગ જેવી સિસ્ટમ ન હતી. જેવી બસ લાગી તુરંત મેં ખાલી સીટમાં બારીમાંથી મારી બેગ મૂકી જગ્યા રોકી લીધી. હવે તે બેગ કોઈ હટાવે નહિ એના માટે ત્યાંજ નીચે ચોકી કરવા ઉભો રહી ગયો. મારા મિત્ર આવતા તેને ઉપર બસમાં જવા કહ્યું. આ મારી જૂની ટેક્નિક છે ભીડમાં બસમાં જગ્યા રોકવા માટે આવો કંઈક જુગાડ કરવો પડે બાકી ઉભા ઉભા મુસાફરી કરવાની તૈયારી રાખવાની.

બસની પરિસ્થિતિ ગુજરાતની બસ કરતા ઘણી દયનીય હતી. (Image 1: બસની અંદરની વ્યવસ્થા) એકતો સાઈઝમાં નાની હતી, ઉપરાંત એક દમ જૂની અને ખખડધજ કહી શકાય એવી. સીટની ઊંચાઈ ઓછી ઉપરાંત બે સીટ વચ્ચે જગ્યા પણ ઓછી જેથી લેગરૂમ ઘણો ઓછો મળે. મારા જેવા લાંબા અને થોડા જાડા માણસને તો ખુબજ તકલીફ પડે. ઉપરાંત સીટના અટેકણ દેવાનો ભાગ પણ ઓછો જેથી લાંબા વ્યક્તિનું માથું તો બહાર જ રહે એટલે પીઠ અને ગરદનને પણ જોઈએ એવો આરામ ના મળે. પરંતુ સ્વભાવ અનુસાર આપડે આવી બધી નાનીમોટી મુસીબતોથી ટેવાયેલા જેથી કોઈ ફરક પડવાનો ના હતો. અને આમેય ગુજરાતીમાં કહેવત છે ને કે "પ્રવાસ એટલે મુસીબતો વેઠવાનો બાદશાહી ઠાઠ", આમતો અમે જ્યારે કોઈનું ટુર પેકેજ બનાવતા હોય ત્યારે કમ્ફર્ટ અને સર્વિસનું ખુબજ કાળજી રાખતા હોઈએ છીએ પરંતુ અમારા કેસમાં અમે જાણી જોઈએ આ વસ્તુ દૂર રાખેલી. ખરેખર અમે ફરવા નહિ રખડવા નીકળેલા હતા. આમેય કોઈ વાર આવી રીતે અલગારીની જેમ ફરવાની પણ કંઈક અલગ મજા છે. હા એના માટે થોડો કમ્ફર્ટ છોડવો પડે અને નાનીમોટી તકલીફો વેઠવાની તૈયારી પણ રાખવી પડે ઉપરની કહેવત મુજબ.

ફાઇનલી 8.45 ની બસ દ્વારા અમે રામનગર જવા માટે નીકળ્યા. ધીમે ધીમે દિલ્હીની સડકો અને ધુધળું વાતાવરણ ક્રોસ કરી અમે ઉત્તર પ્રદેશની હદમાં પ્રવેશ્યા. ઉત્તર પ્રદેશમાં રોડ પર ઠેર ઠેર અલગ-અલગ પક્ષોના પોસ્ટર લાગેલા હતા. જે જોતા દેખાઈ રહ્યું હતું કે ચૂંટણીનો માહોલ ખુબજ જોશમાં છે. જોઈએ હવે કોણ જીતે છે. મારા માટે હવે મતદાતા એ સમજદાર થવું જોઈએ અને વોટ એવા પક્ષકે નેતાને આપવો જોઈએ કે જે જનતા માટે અને રાષ્ટ્ર માટે કંઈક કરતા હોય. આમતો પહેલા ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જે હતા એના કરતાં ઘણી સારી પરિસ્થિતિ દેખાઈ રહી છે. જે યોગીજી ને આભારી છે.

લગભગ બે કલાકના ટ્રાવેલિંગ પછી અમે ગજરોલા નામની જગ્યા પાસે બ્રેક લીધો. ગજરોલા અહીં આજુ બાજુના ઢાબા અને રેસ્ટોરેન્ટ માટે ખુબજ પ્રખ્યાત છે. અહીં તમને બજેટ ઢાબા થી માંડીને સારામાં સારા રેસ્ટોરેન્ટ મળી જાય. બસ એની કેટેગરી મુજબના ઢાબા ઉપર બ્રેક લેતી હોય છે. અમારી બસ સાદી અને નોન એસી હતી જેથી બજેટ કક્ષાના ઢાબા ઉપર બ્રેક લીધો. આ 30 મિનિટનો બ્રેક હતો. અમારે સવારનો બ્રેકફાસ્ટ બાકી હતો અહીજ અમે તંદુરી પરાઠા અને આલુ પરાઠાની મિજબાની કરી. અહીં પરાઠાની સાથે દાળ અથવા સોલે (ત્યાં ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ માં દેશી ચણાના શાકને કહે) આપે. અમારી ડીશમાં મસૂરની દાળ હતી. મને એમાં થોડું ઓછું જામ્યું એટલે આપણી એવરગ્રીન ચા મંગાવી અને ચા સાથે નાસ્તો કર્યો. ઢાબો આમતો સામાન્ય કક્ષાનો હતો પણ ફૂડની ક્વોલિટી સારી હતી. અમને ખૂબ મજા આવી. આમેય ઉત્તરભારતમાં તમને ખાવાના ઘણા બધા વિકલ્પ મળી રહે ઉપરાંત તમેં ગમે ત્યાંથી જમવાનું લ્યો તમને ટેસ્ટમાં લગભગ વાંધો ના આવે. ટૂંકમાં ઉત્તરભારતમાં ફૂડ વિશેનો મારો અનુભવ અત્યારસુધી સારો રહ્યો છે. હા તમારે ત્યાંનું જેતે લોકલ ફૂડ સ્વીકારવુ રહ્યું. જો તમે ઘરની બહાર નીકળી અને ત્યાંનું લોકલ ફૂડ કે સ્ટ્રીટફૂડ ના જમો તો તમારી મુસાફરી અધૂરી રહી કહેવાય. બાકી ઘણા હોય છે કે ઘરથી દૂર નીકળી પોતાનું લોકલ ફૂડ ત્યાં શોધતા હોય છે.

જેવી 30 મિનિટ થવા આવી તરત બસનો હોર્ન વાગવા લાગ્યો અને જાણે કહેતો હોય કે ચાલો...ચાલો આપણે હજુ ખુબજ દૂર જવાનું છે. આમારી બસ ત્યાંથી રામનગર જવા નીકળી. ઉત્તર પ્રદેશમાં રોડ ઉપર ઘણા બધા શેરડીના ખેતરમાં આવતા હતા. (Image 2 : શેરડીના ખેતર) કેટલીક જગ્યાએ શેરડી ખેતરમાં ઊભેલી હતી અને કેટલીક જગ્યાએ એને કાઢી અને ટ્રેકટર દ્વારા વિવિધ જગ્યાએ લઈ જતા હતા, કદાચ એને સુગરમિલ અથવા તો મંડીમાં લઈ જતા હતા. અમુક ટ્રેકટર ઉભા હતા તો એમાંથી નાના છોકરા શેરડીના સાંઠા કાપીને ખાતા પણ જોવા મળ્યા. મને પણ મન થઇ ગયું પણ બસમાં હોવાથી શક્ય ન હતું. રસ્તામાં એક મોટી એવી સુગર મીલ પણ જોઈ.

લગભગ મુરાદાબાદમાં આજુ બાજુના વિસ્તારમાં એક સિંગલ પુલ હોવાના કારણે ખુબજ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો જેથી કરીને લગભગ દોઢેક કલાક બગડ્યો. ત્યાં શેકેલી મગફળી વેચવા આવતી હતી જેને ફેરિયા "કરારી મુગફલી" કહીને વેંચતા હતા. મારી સમજણ મુજબ એ શેકેલી મગફળીને કેતા હશે કારણકે આગળ બસ જતા એક દુકાન આવી જ્યાં દુકાનવાળો ભાઈ મગફળી શેકતો હતો. આજે એ ભાઈને ટ્રાફિકજામના લીધે સારી એવી આવક થઈ ગઈ હતી. ત્યાંથી મગફળી ઉપરાંત પાણી, વેફર એવું બધું લોકો ખરીદતા હતા. મેં પણ થોડીક મગફળી લઈને ખાતા ખાતા ટાઈમપાસ કર્યો. અમુક વાર કોઈકનું નુકશાન કોઈકનો ફાયદો પણ બની જતું હોય છે. દુનિયાનો આજ નિયમ છે બધું પોતાની રીતે નિર્ધારિત હોય એ મુજબ ચાલ્યા કરે. ધીમે ધીમે ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક દુર કરવામાં આવ્યું અને અમે કાશીપુર રામપુર તરફ જવા સફર કરી.

ટ્રાફીકજામને કારણે અમને ઘણું નુકશાન થઈ જવાનું હતું. કારણકે અમારી રામનગરથી મિત્રના ઘરે મનીલા જવાની છેલ્લી બસ 3 વાગ્યા આજુ બાજુની હતી કારણે કે ત્યાંથી ઉપરનો રસ્તો પહાડી હતો જેથી મોડા જતા સાધનને પહોંચતા અંધારું થઈ જાય એટલે બીજી કોઈ બસ ન હતી. હવે અન્ય કોઈ ઓપસન ના હોવાને કારણે અમારે રામનગરમાં રોકાવુ એવું નક્કી કર્યું. અમે સાંજે 4.30 વાગે રામનગર બસડેપો માં પહોંચ્યા.

રામનગર ઉત્તરાખંડનું નાનકડું સીટી છે. અને ત્યાં હોલસેલ માર્કેટ પણ છે ત્યાં નજીકના એરિયાવાળા ખરીદી માટે આવે. રામનગરને આ છેડાનું દ્વાર પણ કહી શકાય કારણકે રામનગર પછી પર્વતીય વિસ્તારની શરૂઆત થઈ જાય. રામનગર થી પણ તમને પર્વતો દેખાય. રામનગરની બાજુમાં ભારતીય વાઘ માટે પ્રખ્યાત "જિમ કોરબેટ નેશનલ પાર્ક" આવેલો છે. જેથી રામનગર જંગલ અને પર્વતીય વિસ્તારની બાજુ માં છે.

હવે અમે ક્યાં રોકાવું એના વિશે વિચારતા હતા, ડેપોની સામે મુખ્ય રોડ પર "કુમાઉ મંડળ વિકાસ નિગમનું" રેસ્ટ હાઉસ આવેલ હતું, (Image 4 : ટુરિસ્ટ રેસ્ટ હાઉસ, રામનગનર) અમારો પસંદગીનો કળશ એના પર ઢોળાયો. એને TRC એટલે કે ટુરિસ્ટ રેસ્ટ હાઉસ પણ કહેવાય છે. અમે ત્યાં પહોંચી ને તપાસ કરી તો ત્યાં ડોરમેટ્રી, સ્ટાન્ડર્ડ રૂમ, ડીલક્ષ રૂમ અને સુપર ડીલક્ષ એવી કેટેગરીમાં રૂમ હતા. ડોરમેટ્રી જોતા અમને સારી લાગી, સુંદર બેડ, રજાઈ, ઓશીકું, અને બ્લેન્કેટ ઉપબ્લધ હતું. (Image 3: ડોરમેટ્રી બેડની વ્યવસ્થા), ઉપરાંત એટેચ બાથરૂમ અને ગીઝરની વ્યવસ્થા પણ હતી. ઉપરાંત સમાન રાખવા માટે કપબોર્ડ પણ હતા. આમતો ટોટલ 14 બેડ હતા પણ અમારા સિવાય કોઈ હતું નહીં. (ડોરમેટ્રીના વિડિઓની યુટ્યુબ લિંક છેલ્લે આપેલ છે) અમે આજની રાત અહીંજ રોકાવાનું નક્કી કર્યું. ફક્ત રહેવાનું ભાડું 200 પ્રતિ વ્યક્તિ હતું. અમે રિસેપ્સનમાં સામાન રાખી નાનીમોટી વસ્તુની ખરીદી માટે નીકળી પડ્યા. ખરીદી કરી ગેસ્ટ હાઉસ આવીને ફ્રેશ થઈ ગયા. હવે બહાર માર્કેટમાં લટાર મારવા જવાનું પ્લાન હતું. અમારો સામાન કપબોર્ડમાં રાખી એમાં લોક કરી દીધું કારણકે આ સાર્વજનિક જગ્યા હતી તો સામાન ચોરી થવાનો ભય હતો. કોઈપણ યાત્રામાં નીકળીએ ત્યારે સામાન કેટલો લેવો એ ખુબજ મહત્વનો વિષય છે. હંમેશા ખપપુરતો અને સચવાઈ શકે, સરળતાથી એને ઉપાડી શકીએ એટલોજ સામાન લેવો જોઈએ બાકી ફરવા કરતા વધારે ધ્યાન સામાનનું રાખવું પડે. ઉપરાંત ટ્રેન, બસ, ટેક્સીમાં પણ સામાન સમાય એ જરૂરી છે. જો તમે વિમાનદ્વારા યાત્રા કરતા હોય તો એમાં તો લગેજની અમુક લિમિટ હોય છે એનાથી વધુ લગેજ માટે એક્સ્ટ્રા ચાર્જ લાગતો હોય છે જે લગેજ કરતા એનો ચાર્જ ઘણીવાર વધી જતો હોય છે. ત્યારે વધારાનો સામાન એરપોર્ટ પર મુકવાની નોબત આવે. ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો લગેજ લોક કરવા માટે ચેઇન અને લોક અવશ્ય રાખવા કારણકે રાત્રી દરમ્યાન ઘણાનો સામાન ચોરાયેલ હોવાના દાખલા મળી આવતા હોય છે. હવે સામાનપુરાણ બવ થયું નઈ....

અમે રામનગર મેઈનરોડની વિઝીટ કરવા નીકળી પડ્યા. માર્કેટ વિડિઓની યુટ્યુબ લિંક છેલ્લે આપેલ છે. મુખ્ય રોડ ઉપર ખાસો એવો ટ્રાફિક અને ચહલપહલ હતી. ત્યાંનો મુખ્ય રોડ ઢોળાવ વારો હતો. નીચે જતા માર્કેટ અને કોરબેટ પાર્ક આવતો. ઉપરની બાજુ જતો રસ્તો પહાડો તરફ જતો હતો. ધીમે ધીમે સૂર્યનારાયણ ભગવાન ઘર તરફ પ્રયાણ કરતા હોય એવું લાગી રહ્યું હતું. ઠંડીના દિવસો અને પહાડી વિસ્તાર નજીક હોવાથી થોડી ટાઢ પણ અનુભવાઈ રહી હતી. જોકે અમે જેતે વિસ્તારની વેશભૂષામાં સજ રહેવું પડે એ નિયમ અનુસાર પહેલેથી જ ગરમ સ્વેટર, ટોપી અને મફલર સાથે સજ્જ હતા. સૌ પ્રથમ કુલ્હડની ચા પીવાનું મન હતું તો એ ઈચ્છા પૂર્ણ કરી. કુલ્હડની ચા પીવાની મજા જ કંઈક ઓર આવે છે. ચા ની સાથે માટીની મસ્ત સોડમની સુગંધ દિલને ખુશ કરી દે છે. હવે વારો હતો કંઈક પહાડી ફાસ્ટફૂડ ખાવાનો, એટલે અમે એક રેસ્ટોરેન્ટમાં ગયા ત્યાં વેજ મોમોસ અને ચટણી ની મજા લીધી. વેજ મોમોસમાં મેંદાના લોટના લેયરમાં વેજ અને નુડલ્સ બધું રાખીને એને બાફવામાં આવે અને એને લાલ ચટણી સાથે પીરસવામાં આવે. મોમોસ પછી એક ડીસ ચાઉમીન ઓર્ડર કર્યું. તે હક્કા નુડલ્સ જેવુજ હોય છે. અલગ અલગ એરિયા પ્રમાણે ચાઉમીનનો ટેસ્ટ બદલાતો હોય છે. અહીં નું ટેસ્ટી હોય છે. ત્યારબાદ લોકલ માર્કેટમાં ફર્યા.

અમારું ડિનર ગેસ્ટ હાઉસમાં જ હતું. ત્યાં પહેલાથી ઓર્ડર આપવાની સિસ્ટમ હતી, એ લોકો ઓર્ડર મુજબ રસોઈ બનાવી આપે. અમે મિક્સ વેજ, યલો દાળ અને રોટીનો ઓર્ડર આપેલો. માર્કેટ માંથી પતંજલિની બે છાસના પેકેટ ખરીધી લીધા. અહીં ગુજરાતમાં જેમ અમૂલની છાસ મળે એવી રીતે ત્યાં પતંજલિની ગાયની છાસ મળતી હતી. સમય મુજબ અમે ડાઇનિંગ હોલમાં પહોંચી ગયા. ત્યાં અમારી જમવાનું તૈયાર હતું, ગરમ ગરમ તવા રોટી, ટેસ્ટી મિક્સ વેજનું શાક અને દાળ. રાઇસની આદત ન હતી એટલે ઓર્ડર કરેલા નહીં. શાક ખરેખર ખુબજ ટેસ્ટી બનાવેલું. અમે પૂછેલું કે એક્સટ્રા હોય તો આપી દો પણ હતું નહીં. જમીને રૂમ પર જઈ આરામ કર્યો. અમારા સિવાય ત્રીજો કોઈ મુસાફર પણ ડોરમેટ્રી આવી ગયેલો. રાત્રે એક બે વાર વીજળી ગુલ થયેલી ત્યારે જાણવા મળ્યું કે અહીં જનરેટરની સુવિધા પણ છે. આવી સુવિધા તો અમુક હોટેલ પણ નથી હોતી. હવે વહેલા સુઈ જવું જરૂરી હતું કારણકે કાલે સવારે પહાડો તરફ મુસાફરી પણ કરવાની હતી.

હવે મુસાફરી ત્રીજા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન અથવા ફેઅબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

આપનો કિંમતી સમય વાંચનને આપવા માટે આપનો દિલથી આભાર.
- ધવલ પટેલ

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval ફોલો કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને અપડેટ માટે વોટ્સએપમાં અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યુટ્યુબ માટે : https://youtu.be/gCT9uUka6s8
રામનગર લોકલ માર્કેટ વિડિઓ: https://youtu.be/a4vpZqxjByc

KMVNL રેસ્ટ હાઉસ ડોર્મેન્ટ્રી વિડિઓ :https://youtu.be/mSXDZUUxfzk

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED