Kumau Yatra - 6 books and stories free download online pdf in Gujarati

કુમાઉ યાત્રા - ભાગ- 6

કુમાઉ ટુર ભાગ - 6

જરૂર કરતાં વધુ સમય લાગ્યો એના માટે માફી ચાહું છે અને દિલગીર છું. હવે આપણે છઠ્ઠો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.
આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે વહેલી સવારે લગભગ આઠ વાગ્યા આજુ બાજુ રાનીખેત TRC થી ફક્ત મસાલેદાર ચા ની ચુસ્કી લઈને કૌસાની તરફ નીકળી પડ્યા. સવારનો નાસ્તો રસ્તામાં ક્યાંક લેવાનું પ્લાન કરેલ. ગઈ કાલે સ્ફુટીમાં થોડો હાથ બેસી ગયેલ હોવાથી સુકાન મેં સંભાળ્યું. મને વાહન ચલાવાનો શોખ ખરો અને કંટાળો પણ ના આવે. અને પહાડોમાં વાહન ચલાવામાં તકેદારી જરૂરી છે પણ રોમાંચ પણ ખરો. પહાડોના સુંદર નજારો અને નયનરમ્ય વનરાજી જોવાનો લ્હાવો પણ ખરો. આજે સવારે વહેલા નીકળેલા હતા એટલે વાતાવરણ કંઈક અલગ હતું. ઉપરના ભાગે હજુ ધૂમમ્સ ભાસતું હતું. સૂર્યનારાયણ ભગવાનના દર્શન હજુ સરખા થયા નહતા. વાતાવરણ આમતો પ્યારું હતું. પરંતુ વહેલી સવાર અને સૂર્યના દેખાવાને લીધે થોડી ઠંડીની અસર જણાઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટી શીલા રોડના વળાંક પર આવી, (Image-18) જોતાજ ગમી ગઈ એટલે ત્યાં બ્રેક લગાવી ને એક બે ફોટોગ્રાફ પણ લઈ લીધા. થોડાક ઢોળાવ વાળી અને બે સ્ટેપ માં વહેંચાઇલ પથ્થર હતો. એના એક સ્ટેપ પર ફક્ત એકજ ઝાડ અડગ ઉભું હતું અને કંઈક અલગ લાગતું હતું. ઉપર ટોપ પર ઘણી બધી ઝાડી હતી.

લગભગ 10 કિલોમીટર જેટલી મુસાફરી થઈ ગઈ હતી. રસ્તો એકદમ સુમસામ હતો. એક પણ વાહન અમમે રસ્તામાં મળ્યું ન હતું. ફક્ત પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. મને "રાજ" મુવીનું સોન્ગ યાદ આવી ગયું "યહાંપે સબ શાંતિ શાંતિ હૈ" પરંતુ જો આપણે કાયમી ટ્રાફિક, ભીડ-ભાડ વાળી જગ્યાએ રહેતા હોય અને જો આવા સ્થળે અવીયે તો કદાચ ભય કરતા સુકુન વધારે મળતો હોય છે. સુંદર આહલાદક વાતાવરણ, લીલા ઘાસની ચાદર ઓઢેલ પર્વતો અને ગીચ વનરાજી આટલી કુદરતી સમૃદ્ધિ અવરણીય અહેસાસ કરાવે છે. મનને પ્રસન્નતાની અનુભૂતિ કરાવે છે. મારા મતે વર્ષમાં એકવાર તો આવી સફર જરૂર કરવી જોઈએ કે જે તમને નેચરની નજીક લઇ જાય.

વરસાદને લીધે ઘણી જગ્યાએ તૂટેલ રોડ, ભુસ્ખલનને કારણે નીચે ધસી આવેલ માટી, ઝાડના અવશેષ પણ જોવા મળી રહ્યા હતા. રોડનું કામ પ્રગતિ પર હતું પણ કદાચ હજુ આ લોકેશન ઉપર પહોંચાયું નહતું. આમેય પર્વતીય વિસ્તારમાં રિસોર્સ ઓછા હોય છે અને રીપેરીંગની સામગ્રી પહોંચાડવી પણ એટલી સહેલી નથી હોતી જેથી સરખામણીમાં સમય વધુ લાગતો હોય છે. હોટેલથી નીકળ્યા એને કલાક થવા આવી ગયો હતો પરંતુ હજુ રસ્તામાં કોઈ ગામ આવ્યું નહતું, સવારનો નાસ્તો ન કર્યો હોવાથી ભૂખ પણ લાગી રહી હતી. હવે કોઈ નાનકડો ઢાબો કે રેસ્ટોરન્ટ આવે એની રાહ જોવાઇ રહી હતી. હવે મનાન નામનું ગામ આવ્યું જે જોતા થોડું મોટું પણ લાગ્યું. અહીં અમને નાસ્તો મળી રહેછે એવી આશા બંધાણી. અહીં એક જગ્યાએ અમે બ્રેક લીધી. અહીં સમોસા, ભાંગજીરાની ચટણી અને છોલે (કાળા ચણા) નો નાસ્તો કર્યો. નાસ્તો કરી ત્યાં તાપણું ચાલતું હતું તો ત્યાં થોડો ગરમાવો લીધો. પહાડોમાં સાંજે અને સવારે તાપણું અચૂક જોવા મળે.

મનાનમાં ભરપેટ નાસ્તો કર્યા બાદ અમે નીકળી પડ્યા સોમેશ્વર તરફ. મનાન ગામની બહાર નીકળતા એક પહાડની બારાત જોવા મળી. પહાડી જાનમાં માર્શલ, સુમો અને મીની બસ વધુ જોવા મળે.

રાનીખેતથી અમે ધીમે ધીમે ચડાણ કર્યું હતું. હવે ધીમે ધીમે ઉતરાણ કરવાનું હતું અને એ ઉતરાણ સોમેશ્વરમાં પૂરું થવાનું હતું. સોમેશ્વર પહાડોમાં એક નીચે આવેલ જગ્યા છે. તે એકદમ નીચે આવેલ હોવાથી પહાડોની વચ્ચે મેદાનની અનુભતિ કરાવે છે. સોમેશ્વર જેમ જેમ નજીક આવી રહ્યું તેમ તેમ કોશી નદી અને સ્ટેપમાં આવેલ ખેતરો દેખાઈ રહ્યા હતા. (Image-19) સોમેશ્વર આમતો એક ગામ છે પરંતુ એની ફરતે પહાડો આવેલ છે જેના લીધે વ્યુ ખુબજ સુંદર આવે છે. અહીંથી કોશી નદી ખળખળ વહેતી જાય છે. નદીમાં અત્યારે શિયાળો હોવાથી પાણી ખુબજ ઓછું હતું પણ એક દમ પારદર્શક પાણી અને એમા પથ્થરના નાના-મોટા ટુકડા ખુબજ સુંદર લાગી રહ્યા હતા. નદીની આજુ બાજુ અને ઉપરના ભાગે સુંદર સ્ટેપમાં ગોઠવેલ હોય એવી રીતે ખેતર આવેલા છે, જે અહીં સોમેશ્વર અને કૌસાનીની પોતાની આગવી ઓળખ છે. થોડો સમય નદીનો નજારો જોયા બાદ અમે આગળ અમારી સફર તરફ નીકળી પડ્યા. અહીંથી કૌસાની ફક્ત 15 કિલોમીટરને અંતરે આવેલ છે. હવે ધીમે ધીમે ચડાણ શરૂ થઈ રહ્યું હતું. અમારી હોટેલ કૌસાનીથી બહારની બાજુએ આવેલ છે. અમે કૌસાની લોકલ માર્કેટ ક્રોસ કરીને હોટેલ તરફ જવા નીકળી પડ્યા. ત્યાંથી હોટેલ 3-4 કિલોમીટર દૂર આવેલ છે. કૌસાનીથી બહાર નિકળતા જ આવેલ રોડ ખુબજ બિસ્માર હાલત માં છે. જે આમતો વધુ દૂર ના કેવાય, પરંતુ રસ્તો ખરાબ હોવાને લીધે ૫-૧૦ મિનિટ વધુ લાગે એમ હતી. રસ્તામાં રોડ રીપેરીંગના ટ્રક જોવા મળતા હતા, એ જોતા લાગતું હતું કે રીપેરીંગ કામ અહીં એટલામાં ક્યાંક નજીક માં જ પ્રગતિ પર છે. અહીંની માટી થોડીક લાલાશ પડતી છે. હવે મનીલા વિસ્તારની જેમજ અહીંથી પણ હિમાલયના સુંદર બર્ફીલા શિખરો નજરે પડતા હતા. જેની જોઈ આંખોને તૃપ્તિનો અનુભવ થતો હતો. કૌસાની પોતાના સુંદર હિમાલયના વ્યુ માટે જાણીતું છે.

થોડા સમય બાદ અમે રિસોર્ટ પર પહોંચી ગયા. રિસોર્ટ મુખ્ય રસ્તાથી જરા નીચે આવેલ છે. પહાડોમાં આ વસ્તુ કોમન હોય છે. ત્યાં ઉપરના ભાગે પાર્કિંગ આવેલું છે જેથી કરીને ટુરીસ્ટના વાહનો સચવાઈ જાય. ત્યાંથી નીચે ઉતરવા માટે પાકો સિમેન્ટનો ઢાળ છે ત્યાં પણ નાનકડું પાર્કિંગ અને જનરેટર રાખેલ છે. જનરેટર હોવું આ રેસોર્ટનો એક પલ્સ પોઇન્ટ છે કારણકે પહાડોમાં ઘણી વાર વીજળી ગુલ થતી હોય છે. અમે જનરેટરની બાજુમાં અમારી સ્કૂટીને પાર્ક કરી. અને બેગ લઈ નીચે ઉતર્યા મુખ્ય દરવાજા પર ત્યાંના મેનજર અમને વેલકમ કરવા માટે ઉભા હતા. અમારે સારા એવા બિઝનેસ રિલેશન હોવાથી તેઓ અમને સારી રીતે ઓળખતા હતા. મુખ્ય ગેટની બાજુમાં જ રિસેપ્સન આવેલું છે. ત્યાં ગેસ્ટ માટે બેસવાની વ્યવસ્થા અને વાંચન માટે ન્યુઝપેપર મેગેઝીન વગેરે રાખેલ છે. બાજુમાં જ કિચન અને ડાઇનિંગ હોલ આવેલ છે. રિસેપ્સનની સામેના ભાગે મેનેજરની ઓફિસ આવેલ છે. એની પાછળની બાજુએ મેહમાન માટે ટોટલ ત્રણ ફ્લોરમાં અલગ અલગ કેટરગરી મુજબ રૂમ આવેલ છે. રૂમની પાછળના ભાગે બાલ્કની અથવા કોમન બાલ્કની આવેલ છે. અમારો રૂમ મુખ્ય ફ્લોર ઉપર જ આપવામાં આવેલ હતો. એની નીચે બીજા બે ફ્લોર હતા.

રુમ પર જઈને ફ્રેશ થયા બાદ હોટેલમાંથી વેલકમ ડ્રિન્કમાં સર્વ કરેલ ગરમા-ગરમ ચા પીધી. વાદળછાયું વાતાવરણ હોવાથી દિવસના પણ સરખામણીમાં વધારે ઠંડીનો અહેસાસ થતો હતો. થોડા સમય બાદ અમે કૌસાની થી ૧૭ કિલોમીટર દૂર આવેલ બૈજનાથ નામના સ્થળે જવા માટે નીકળ્યા.

બૈજનાથને પહેલા "કાર્તકિયપુરમ" નામથી ઓળખવામાં આવતું હતું. બારમી તેમજ તેરમી સદી દરમ્યાન બૈજનાથ કત્યુરી રાજાઓની રાજધાની તરીકે સ્થાપિત હતું. ઉત્તરાંખડનના અન્ય પ્રાચીન બાંધકામની જેમ આ પ્રાચીન મંદિર સમૂહનું બાંધકામ કત્યુરી રાજાઓ દ્વારા ઇસ. ૧૧૫૦ આજુબાજુ માં કરવામાં આવ્યું છે. આ મંદિર સમૂહ સમુદ્ર તટથી ૧૧૨૬ મીટર ઊંચાઈ ઉપર ગોમતી નદીના કિનારે આવેલ છે. આ મંદિર સમૂહમાં મુખ્ય મંદિરમાં શિવજી, પાર્વતીજી, ચંડિકા દેવી, કુબેરજી અને સૂર્યમંદિર આવેલું છે. અહીં મુખ્ય મંદિર શિવ મંદિર છે તેમાં શ્રી વૈદ્યનાથ શિવલિંગ રૂપે વિરાજમાન છે અને એમની સાથે માતા પાર્વતી વિરાજમાન છે. પાર્વતી માતાની સુંદર પૌરાણિક મૂર્તિ અહીં સ્થાપિત છે. અહીંની અન્નન્ય વાત એ છે કે શિવલિંગ સાથે માતા પાર્વતીની મૂર્તિ પમ વિરાજમાન છે. અહીંના મંદિર વિષે અમુક પૌરાણિક કથા પણ પ્રચલિત છે કહેવાય છે કે આ મંદિર એકજ રાતમાં બનાવી દેવામાં આવ્યું છે. એક કથા અનુસાર ગરુડગંગા અને ગોમતી નદીના સંગમ સ્થાન પર ભગવાન શિવજીએ એ માં પાર્વતી જી સાથે લગ્ન કરેલા અને એ જગ્યા ઉપર આ મંદિર સમૂહ આવેલો છે. (Image - 20,21)

મંદિરના કિનારે સુંદર ગોમતી નદી આવેલ છે. નદીની સામેની બાજુ પગથિયાં આકારમાં આવેલ સુંદર ખેતરો દેખાય છે. ખેતરની પાછળની બાજુ મકાનો આવેલ છે અને એના પછી સુંદર પર્વત અને ગાઢ જંગલ દ્રશ્યમાન થાય છે. નદીનું જન મંદ મંદ વહે છે અને એક દમ પારદર્શક દેખાય છે. નદીનો સુંદર વિડિઓ બનાવેલ છે એની લિંક નીચે આપેલ છે.

આ પવિત્ર અને પૌરાણીક મંદિર સમૂહની સામેં એક સુંદર તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને "બૈજનાથ લેક" કહેવામાં આવે છે. (Image-22) આ તળાવ કુદરતી નથી પરંતુ કુત્રિમ લેક છે. જેમાં ઉત્તરાખંડ સિંચાઈ વિભાગનો ફાળો છે. જો તમે મુખ્ય રોડ પરથી આવો તો સૌ પ્રથમ આ તળાવ આવે અને પછી મંદિર સમૂહ દ્રશ્યમાન થાય. તળાવને કિનારે પાર્કિંગની વ્યવસ્થા આવેલી છે. અમે અમારી સ્ફુટી ત્યાંજ પાર્ક કરેલી. પાર્કિંગથી નિચે તળાવ તરફ રસ્તો જાય છે. જેમાં બ્લોક પાથરેલા છે. આ રસ્તો લેકને કિનારે બનાવવામાં આવ્યો છે. તળાવની કિનારે કિનારે ચાલવાની મજા કંઈક ઔર જ છે. ચાલતા ચાલતા જઈએ એટલે ડાબી બાજુ સુંદર તળાવ આવેલ છે. સામે પર્વતનો સુંદર વ્યુ જોવા મળે છે. અને પહાડો અને વૃક્ષોનું સુંદર પ્રતિબિંબ તળાવમાં પડે છે. તળાવના સામે કિનારે બૈજનાથ મંદિર સમૂહ આવેલો છે. લગભગ એકાદ કિલોમીટર જેટલું અંતર છે મંદિર સુધીનું. તળાવમાં એક તરતો બ્રિજ છે અને બોટિંગ અને વોટર ઝોરબિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ થાય છે. અહીં હજુ નાના-મોટુ સિવિલ કામ પ્રગતિ પર હતું.
સુંદર લેકના કિનારે વોક કર્યા બાદ મંદિર પર પહોંચીને ત્યાં શિવજીના દર્શન કર્યા. ત્યાં સુંદર મંદિર સમૂહનું અવલોકન કર્યું. મંદિરનું સ્થાપત્ય અને બાંધકામ જોઈ લાગતું હતું કે આજથી હજારો વર્ષ પહેલાં પણ આપણા પૂર્વજોએ કેટલું સુંદર બાંધકામ કર્યું છે. એ વખતના કારીગર કેવા ઉત્કૃષ્ઠ હશે એ કહેવાની જરૂર નથી. ત્યાર બાદ બહારની બાજુએ આવેલ ગોમતી નદીના દર્શન કર્યા. ખરેખર મંદિરનું મુખ્ય દ્વાર આ બાજુ જ છે. અહીંથી નદી કિનારે ચાલવાથી મુખ્ય સડક આવી જાય છે. હું 2018 માં જ્યારે આવેલો ત્યારે આ રસ્તે આવેલા. ત્યારે કદાચ લેક વાળો રાસ્તો નહતો.

હવે સાંજ પડવા આવી હતી અમારે પાછું હોટેલ પણ પહોંચવાનું હતું. બેજનાથ ગામમાં આવેલ એક કાફેમાં થોડોક મેગી, ચૌમીન અને છોલે ચાવલનો નાસ્તો કર્યો (Image-23) અને હોટેલ તરફ જવા નીકળી પડ્યા.

- © ધવલ પટેલ
હવે પછીની મુસાફરી સાતમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval ફોલો કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

રાનીખેત થી સોમેશ્વર સુધી : https://youtu.be/wbtyxtm3-Zs

સોમેશ્વર થી કૌસાની હોટેલ સુધી : https://youtu.be/zWho6jyc8NA

બૈજનાથ મંદિર, લેક અને ગોમતી નદી : https://youtu.be/o1a3uSXfKxs

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED