fighter books and stories free download online pdf in Gujarati

ફાઇટર

ફાઇટર

- રાકેશ ઠક્કર

નિર્દેશક સિધ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઇટર ને વાયુસેના પરની એક ખાસ ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે. બોલિવૂડે પહેલી વખત વાયુસેના પર એક અસલ ફિલ્મ બનાવી છે. એમાં હીરો-હીરોઇનનો જબરદસ્તી રોમાન્સ નથી. કોઈને પઠાન કરતાં સારી તો કોઈને પઠાન થી ખરાબ લાગી છે. પસંદ અપની અપની તો રહેવાની જ છે. પઠાન ની વાર્તામાં વધારે સ્વતંત્રતા લીધી હતી. ફાઇટર માં લૉજીક વાપર્યું છે. આકાશમાં વિમાનોની લડાઈ નકલી લાગતી નથી.

આ વિષય પર કંગનાની તેજસ આવી ચૂકી છે. એ ઉપરાંત ફિલ્મની સરખામણી હોલિવૂડની ટોપ ગન વગેરે સાથે થઈ રહી હોવા છતાં રિતિક અને દીપિકાની પહેલી વખત દેખાયેલી જોડીને કારણે અલગ લાગી શકી છે. અત્યારે આખી દુનિયામાં એક્શનની શ્રેણીમાં આવતી ફિલ્મો સૌથી વધુ કમાણી કરે છે. ભારતમાં એક્શન સાથે દેશભક્તિની ભાવના જોડી દઈ કેટલાક મસાલા સાથે ફિલ્મ બનાવવામાં સિધ્ધાર્થની માસ્ટરી છે. આ એમની આઠમી મસાલા ફિલ્મ કરતાં વાયુસેનાની વાત કરતી વધુ છે.

ભારત પર આતંકવાદી હુમલો થાય છે એનો બદલો લેવા વાયુસેનાના એક વિભાગને જવાબદારી સોંપવામાં આવે છે. આ મિશનમાં રિતિક, દીપિકા, અનિલ કપૂર વગેરે જોડાય છે. વાર્તા જૂની અને જાણીતી છે પણ એમાં એરિયલ એક્શનનો વઘાર નાખવામાં આવ્યો છે. હેલિકોપ્ટરના હવાઈ કરતબના દ્રશ્યો રોમાંચક બન્યા છે. પહેલી વખત ફાઇટર પ્લેનમાં પાયલટના હાવભાવ સાથે વિમાનના એક્શન દ્રશ્ય જોવા મળ્યા છે. આ દ્રશ્યો પૈસા વસૂલ કરે એવા છે. છતાં દ્રશ્યો ઘણી જગ્યાએ ખેંચાતા હોય એવું લાગે છે.

લેખકોએ સંવાદ જેટલી જ મહેનત વાર્તા પર કરી હોત તો પાંચ વર્ષ પછી પણ એ રસપ્રદ લાગી શકી હોત. પુલવામાની ઘટનાને બદલે પાકિસ્તાન પ્રાયોજિત ઘટના તરીકે સ્થાપિત કરવામાં વિષય ચવાયેલો બની જાય છે. આર્મી પરની ફિલ્મમાં કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવાને બદલે છૂટ લીધી છે.

સિધ્ધાર્થ એમાં જમાને ભર મેં મિલતે હૈ આશિક કઈ, મગર વતન સે ખૂબસૂરત કોઈ સનમ નહીં હોતા જેવા અનેક સંવાદ સાથે દેશભક્તિની ભાવના રાખી દર્શકને જોડી રાખવાનો પ્રયત્ન જરૂર કરે છે. જંગ મેં સિર્ફ હાર યા જીત હોતી હૈ, કોઈ મેન ઓફ ધ મેચ નહીં હોતા અને જો અકેલા ખેલ રહા હોતા હૈ વો ટીમ કે ખિલાફ ખેલ રહા હોતા હૈ જેવા બીજા ઘણા દમદાર સંવાદ છે. કલાકારોએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. રિતિક પોતાની ભૂમિકામાં જામે છે. જેવું પાત્ર લખાયું એવું જ ભજવી બતાવ્યું છે.

સિધ્ધાર્થે રિતિકની સ્ટાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો છે. દીપિકાના રોમાન્સના દ્રશ્યો અગાઉની ફિલ્મો જેવા લાગતાં હોવા છતાં રિતિક સાથે સારી લાગે છે. બંનેની કેમેસ્ટ્રી સારી છે ત્યારે એમનું ગીત ઈશ્ક જૈસા કુછ કેમ રાખવામાં આવ્યું નહીં હોય એની નવાઈ લાગશે. દીપિકાના પાત્રમાં એક્શનનો સ્કોપ નથી.

અનિલ કપૂર પાસે અભિનય ક્ષમતા એટલી છે કે આવી ભૂમિકાઓમાં હંમેશા સહજ રહે છે. કરણસિંહ ગ્રોવર પ્રભાવિત કરે છે. વિલનની પસંદગીમાં નિર્દેશક થાપ ખાઈ ગયા છે. દુશ્મન જેટલો વધારે મજબૂત હોય એટલો હીરો વધારે ઊભરી આવે છે. પણ ઋષભ સાહની લાંબા વાળ અને એક લાલ આંખથી ડર ઊભો કરી શક્યો નથી. એમ લાગે છે કે હિન્દી ફિલ્મોમાં વિલન બનવા જે પ્રકારનું વ્યક્તિત્વ જોઈએ એ એની પાસે પૂરતું નથી. એણે એવી મહેનત કરી હોય એવું લાગતું નથી. તેથી એને જેટલો ખતરનાક કહેવામાં આવ્યો છે એટલો પડદા પર લાગતો નથી. ઋતિક તો પોતાની દરેક ફિલ્મ માટે મહેનત કરે છે. ફાઇટર માટે એણે બૉડી બનાવવા ખાસ તાલીમ લીધી હતી.

પોણા ત્રણ કલાકની ફાઇટર રિતિકના એક્શન અને દીપિકાના ઇમોશનને કારણે પણ એક વખત જોવા બની જેવી છે. દીપિકાને એના પિતા આશુતોષ મળવા આવે છે અને નીચી નજરે વાત કરી પોતાની ભૂલનો સ્વીકાર કર્યા પછી માથું ઉઠાવી જ્યારે કહે છે કે,‘આજ તુઝે દેખને કે લિયે મુઝે અપના સિર ઉઠાના પડતા હૈ ત્યારે દર્શકની આંખ ભીની થાય છે. દીપિકાનું પાત્ર વાર્તાને ઈમોશનલ રીતે મજબૂત બનાવે છે. તકનીકી રીતે ફિલ્મને સમૃધ્ધ બનાવવામાં નિર્દેશકે કોઈ કસર છોડી નથી.

બેકગ્રાઉન્ડ સંગીત સામાન્ય છે. મિટ્ટી સિવાયના ગીતો ઠીકઠાક છે. ફિલ્મમાં ખામીઓ છે પણ એને જોવા માટેના કારણો વધુ છે. ધમાકેદાર એરિયલ એક્શન, દરેક કલાકારનો ઉમદા અભિનય, દેશભક્તિના સંવાદ અને વાસ્તવિક લાગે એવી વાર્તા છે. ફાઇટર માં પણ ભારત- પાકિસ્તાન લડાઈનો ઓવરડોઝ થયો હોવાનું સમીક્ષકોએ કહ્યું છે. અને હવે એને બંધ કરવા અપીલ કરી છે. જોકે, દરેક ફિલ્મ જુદા કલાકારો સાથે માત્ર એ મુદ્દા પર જ ચાલી હોવાનું કહેવામાં આવતું રહેશે ત્યાં સુધી નિર્માતા- નિર્દેશકો એ અપીલને સ્વીકારી શકે એમ નથી!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED