HUN ANE AME - 20 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 20

મુંબઈમાં રાકેશના પ્રેઝન્ટેશન પર આવી રહેલી લોકોની અભિવ્યક્તિથી સ્પષ્ટ થતું હતું કે રાકેશના કમ્પની પ્રતિના વિચાર સ્પષ્ટ છે. મિટિંગ પત્યા પછી રાકેશ પોતાની કેબીન તરફ જઈ રહ્યો હતો. તેવામાં મયુર પાછળથી દોડતો આવ્યો અને તેને સાદ કરવા લાગ્યો, "સર... સર! એક્સ્ક્યુઝમી સર. પ્લીઝ..."

તેણે પાછળ ફરીને જોયું, "મિસ્ટર મયુર, શું વાત છે?"

"સર થોડી પર્સનલ વાત કરવી છે, મંજૂરી મળશે?"

"હા, બોલોને."

"ગઈ વખતે તમે જે સજેશન આપ્યું તે ખરેખર કામ કરી ગયું. એક્ચ્યુલી, હું ઘણા સમયથી વિચારતો હતો કે રાધિકા મારા પર વધારે ધ્યાન આપે પણ એવું ન્હોતું થતું. ગઈ વખતે આ જ ઓફિસમાં આપણે જ્યારે મળ્યા ત્યારે તમે મને સજેસ્ટ કર્યું કે હું એને 'રાધુ' કહીને બોલવું. પણ તમે આ અંદાજો કેમ લગાડી દીધો કે એને આ ગમશે?"

"લૂક મયુર! ઘણી એવી વસ્તુ હોય છે જેને સમજવી મુશ્કેલ છે. મારો આ અંદાજો તમને સમજતા વાર લાગશે."

"વેલ, ટ્રાય કરીશ જો સમજાય જાય તો. તમે મારી સાથે આવશો કે મારે એકલા જવાનું છે?"

રાકેશે કહ્યું, "ના તમારે એકલા જ જવાનું છે. મારે મારું બીજું કામ પતાવતા સમય લાગશે. હું પછી આવીશ."

"ઠીક છે સર. થેન્કયુ અગેઇન, અત્યાર સુધી મારા માટે તમે જે કંઈ કર્યું છે તે બદલ."

"ઓહ ઈટ ડજન્ત મેટર. યુ મે લિવ નાવ."

આટલું કહી રાકેશે મયુરને જવા માટે રજા આપી દીધી અને તે ચાલ્યો ગયો. આ સમય દરમિયાન રાકેશે પોતાના સ્ટુડીઓનું કામ સંભાળ્યું અને સામે પક્ષે જે પ્રમાણે અહમને જે કામ સોંપાયું તે તેણે શરૂ કર્યું. આ છેલ્લી વાર હતું જ્યારે રાકેશ પોતાના સ્ટુડીઓને શરૂ કરવાની નજીક હતો. તેણે દરેક પેપર વર્ક પાર પાડ્યું અને પોતાના સ્વભાવ અને શબ્દોથી તેણે દરેકને જીતી લીધા. પોતાના કામને શરુ કરવા જ્યારે તારીખ લેવા તે ગવર્મેન્ટની ઓફિસમાં ગયો તો એક અધિકારીએ તેના કામ બદલ ખુશ થઈ શુભકામના આપતા કહ્યું, "મી. રાકેશ. અમને આનંદ થાય છે કે તમારી કંપની દરેક ટેસ્ટમાં સફળ થઈ. તમારો સ્ટુડિયો 'ગીતા સ્ક્રિન વર્ક ' તમે હવે થોડા દિવસો પછી શરૂ કરી શકો છો."

"કેમ સર? વધારે સમય લાગે તેવું છે?"

"જુઓ ઓફિશિયલી થોડા દિવસના અંતે તમે આ પ્રોપર્ટીના માલિક બનશો. તે પહેલા તમે તેના પર અધિકાર ના લઈ શકો. અમને ખબર છે કોઈ બાધ નથી. પણ પ્રોપર્ટી રૂલ મુજબ તમારે ચાલવું પડશે. જો કે અન્ય કામ તો સમજો થઈ જ ગયા છે. હવે તમે તમારી સિસ્ટમ તૈય્યર થાય પછી અહીં શિફ્ટ થઈ જાઓ. આ બધા કરતા સારું છે અને એક અધિકારી તરીકે નહિ પણ એક સલાહકાર તરીકે તમને કહું તો આ તમારા માટે સૌથી યોગ્ય નિર્ણય રહેશે કે તમે બધું પહેલા ક્લિયર કરી લ્યો. એક વાર તમારા સ્ટુડીઓની સિસ્ટમ શરૂ થાય પછી તમારી ઓફિસ શિફ્ટ કરો."

એક ઊંડો શ્વાસ લઈ તેણે કહ્યું, "થેન્ક્સ. આ સલાહ બદલ." આટલું કહી તે ત્યાંથી નીકળી ગયો.

આ બાજુ મયુર ત્યાંની મિટિંગ પતાવી સુરત પરત આવી ગયો. હવે જ્યાં સુધી રાકેશ પાછો ન આવે ત્યાં સુધી ઓફિસમાં કોઈ ખાસ કામ ન્હોતું. તેને ખબર હતી કે જેવો રાકેશ પોતાની ઓફિસ શિફ્ટ કરશે પછી એટલું કામ આવશે કે તેને કોઈ જાતનો સમય નહિ મળે. એટલે જ્યાં સુધી તે પાછો નથી આવતો ત્યાં સુધી તેની પાસે જે સમય છે તેને રાધિકા સાથે શેર કરે. આવતાની સાથે જ તેણે કહ્યું, "આજે ક્યાંક બહાર જઈએ."

"કેમ આજે તમે ગાડી ચલાવીને નથી થાક્યા?"

"ના, આજે તારા માટે નથી થાક્યો. શું પ્લાન છે બોલ."

"તમે જ કહો."

"ફિલ્મ જોવા જઈએ?"

"કેટલી વાર જવું છે? હમણાં તો ગયેલા."

"તો વોટર પાર્ક?"

"એના માટે ફૂલ ડે જોઈએ. બપોરના બે વાગવા આવ્યા છે. હવે વોટર પાર્કમાં જઈને શું કરીશું?"

"અં... અં... ઠીક છે. ચાલ સરથાણા જઈએ, ઝૂ જોવા. ત્યાંથી બહાર હોટલમાં જમીને પાછા."

વિચાર કરી તેણે હા કહી. તેણે કદાચ વિચાર્યું જ નહિ હોય કે આ સમય તેના માટે કેવો યાદગાર થવા જઈ રહ્યો હતો. મન ભરીને બંને હર્યા ફર્યા. મયુરને અહેસાસ થવા લાગ્યો કે તેણે જે વિચાર કર્યો તે સફળ થયો. ઝૂ જોવામાં અને તેના કરતા આખે રસ્તે એકબીજાના હાથમાં હાથ નાખી ફરવાની તેઓની યાદ અદકેરી બની ગઈ. એક બીજા સાથે મજા મસ્તી કરતા અને ખુબ વાતો કરતા. તેવું જ રાત્રિનું ભોજન. રાધિકાના મનમાં જે આવ્યું તે હોટલમાં ઓર્ડર પડી જતો. પેટભરીને જમ્યા પછીનું હલન ચલન પણ જહેમત થઈ પડે.

મયુરના આ એક વિચારે જાણે કમાલ કરી દીધી. રાધિકાના મને મયુર માટે આંધળી દોટ મૂકી. પાણીનો જગ ભરી પોતાના રૂમ તરફ જતા તે વિચાર કરતી હતી કે પોતાના પ્રેમના તરસ્યા મયુરને તે આજે પોતાનું સર્વસ્વ સોંપી ન્યાલ કરી દે. થાકેલો મયુર સુઈ ગયો હતો અને દરવાજો ખોલી રાધિકા અંદર આવી તો તેને રાધિકામાં એક પત્ની દેખાઈ. તેને અણસાર મળી ગયો કે તેના મનની લાગણી શું છે. રાધિકા જઈ સીધી તેની બાજુમાં બેસી ગઈ અને બન્નેએ એક બીજામાં પતિ પત્નીનું રૂપ જોયું.

આજે રાધિકા વહેલા ઉઠી ગયેલી. તેનું ચિત્ત જાણે એક ખીલતા ફૂલ જેવું પ્રસન્ન હતું. તેના આ ભાવને જોઈ શારદાને નવાય લાગી. "શું વાત છે બેનીબા? બઉ ખુશ દેખાઓ છો."

"બસ એમ જ." કહી તેણે શારદાની વાતને ત્યાંજ રોકી અને ગઈ કાલને યાદ કરી મનમાં હરખાવા લાગી. સાથે તેને યાદ આવ્યું કે મયુરે આજે વહેલા જગાડવા માટે કહેલું. રસોડામાંથી મયુરને જગાડવા પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે ડોરબેલ વાગી. "અરે આટલી વહેલી સવારમાં કોણ આવ્યું છે?" આવે વિચારે તેણે નોકરાણીને કહ્યું કે, "રે શારદાકાકી..., કોઈ આવ્યું છે. દરવાજો ખોલોજો જરા." કોણ છે? એ જોવા માટે તે ત્યાંજ ઉભી રહી. શારદાકાકી દરવાજો ખોલી દૂર હટ્યા તો તેના શબ્દો ગળામાં જ અટકી ગયા.

"આ કોઈક છે." કહી શારદા દૂર હટી ગઈ. મયુર જાગી ગયેલો અને ડોરબેલ સાંભળી તે દોડતો બહાર આવ્યો. આવતાની સાથે સ્તબ્ધ બની ઉભેલી રાધિકા સામે તેનું ધ્યાન ગયું અને તેને પૂછવા લાગ્યો, "શું થયું રાધુ?"

રાધિકાએ દરવાજા તરફ ઈશારો કર્યો, "આ...?" તેને કશું સૂઝતું ન હતું કે શું બોલવું. પરંતુ તેના અધૂરા વાક્યને પૂરું કરતા મયુરે કહ્યું, "અરે આ... મીટ હિમ, મારો ફ્રેન્ડ છે. મુંબઈ જતા પહેલા હું જેનો સામાન લઈને આવેલોને! તે જ." તે એની પાસે જઈ ગળે મળ્યો, "વેલકમ માય ફ્રેન્ડ. મારા ઘરમાં આપનું સ્વાગત છે. આ મારી વાઈફ છે, રાધિકા."

મયુર એ વાતથી અજાણ હતો કે રાકેશ અને રાધિકા તો પહેલેથી એકબીજાને ઓળખે છે અને એવી રીતે કે તેણે કલ્પના પણ નહિ  કરી હોય. રાકેશે એવું વર્તન કર્યું કે તે એને ઓળખતો જ ના હોય. અંદર આવી તેણે રાધિકાને નમસ્કારની મુદ્રા કરતાં કહ્યું, "જી, નમસ્તે. મારું નામ રાકેશ છે."

તે એ રીતે જ ઉભેલો જે રીતે પહેલી વાર તે રામનનંદનમાં આવેલો. ખભા પર લટકાવેલી સાઈડ-બેગ અને બીજી બાજુમાં રાખેલ કપડાંની બેગ. રાધિકાને અંદેશો આવી ગયો કે રાકેશ પહેલા કરતાં ઘણો બદલાયેલો છે. તેને નિઃશબ્દ જોઈ રાકેશે ફરી કહ્યું, "અજી! ગુડ મૉર્નીંગ." રાધિકાને જોઈ મયુર તેને કહેવા લાગ્યો, "રાધિકા, ક્યાં ખોવાય ગઈ? રાકેશ તને કંઈક કહે છે."

તેને આ રીતે જોઈ રાકેશે મયુરને કહ્યું, "મને લાગે છે તારી વાઈફ તારી સાથે વાત કરવા માંગે છે."

"શું વાત છે રાધુ, શું થયું? કાંઈ ક્હેવું છે તારે?"  આ સાંભળી તેણે જવાબ આપ્યો, "મારે તમારી સાથે વાત કરવી છે."

આટલું કહી તે સામેના એક રૂમ તરફ ચાલતી થઈ. આશ્વર્યચકિત મયુર તેની પાછળ રૂમમાં ગયો અને રાકેશ ત્યાંજ ઊભા રહીને ઘરને ચારેય તરફ ચકાસવા લાગ્યો.

ફટાફટ રૂમમાં આવી તે ઉભી રહી ગઈ અને પાછળથી મયુરે આવીને પૂછ્યું, "શું થયું? શું વાત છે?"

"તમે અત્યાર સુધી આ માણસની વાત કરતા 'તા?"

"હા. આ જ તો મારો ફ્રેન્ડ છે."

"મને તે બરાબર નથી લાગતો. તમે એને કહી દો કે તે અહીંયા નહિ રહી શકે."

"આ શું બોલે છે તું?"

"એ મને બરાબર નથી લાગતો તમે એને ના કહો બસ."

"હજુ તો પહેલીવાર તે એને જોયો છે. એના વિશે અત્યારથી... શું તું પણ!"

"પહેલીવાર જોયો, એટલે જ કહું છું. સ્ત્રીની નજર બૌ પારખું હોય છે. સામેવાળાને જોતા જ સમજી જાય છે."

"તો રાકેશને જોઈને તને શું સમજાયું?"

"એ જ કે એ માણસ યોગ્ય નથી."

"આવું નકારાત્મક ના વિચાર. હું એને સારી રીતે ઓળખું છું."

"તમે આખો દિવસ મારી સાથે રહેવાના છો? તમે બહાર જશો અને એ જો મને... મને..."

"તું પણ નકામી ચિંતા કરે છે. આવા વિચાર શું કામ કરે છે? ને તું એકલી ક્યાં હોવાની? માન્યું કે હું ઓફિસના કામે જાવ છું, પણ ઘરમાં શારદાકાકી અને મોહનભાઈ તો છેને. સામે વૉચમેન ચોવીસ કલાક હોય છે અને આમેય હું મારા દોસ્તને ઓળખું છું. આ નોબત નય આવે વિશ્વાસ કર મારા પર."

"વૉચમૅન તો આખો દિવસ બાજુમાં જે મકાન ચણાય છે ત્યાં પડ્યો હોય છે અને મોહન અને શારદાકાકી કાં તો રસોડામાં અને કાં બગીચામાં. ઘરમાં હું એની સાથે એકલા નઈ રહી શકું."

"શું માંડ્યું છે તે?" બહાર રાકેશ જાણતો હતો કે રાધિકા તેને રાખવાનો ઇન્કાર કરી રહી છે. શારદા ઘરમાં આવેલા મહેમાન માટે ચા બનાવીને લાવી તો તે ચા પીતા પીતા તેઓના બહાર આવવાની રાહ જોઈ રહ્યો હતો. મયુર આ પરિસ્થિતિને રાધિકાની દ્રષ્ટિએ સમજી જ નહોતો શક્યો અને તેને સમજાવાની મથામણ કરતો હતો, "હું તેનો સામાન લાવ્યો ત્યારે મેં તને કહેલું અને તે હા પણ પાડી દીધેલી. હવે અત્યારે પાછું તને શું થયું એ નથી સમજાતું."

"ત્યારે મેં તમારી ખાતર હા પાડેલી. પણ અત્યારે આ માણસને જોઈ મને તેના પર વિશ્વાસ નથી આવતો."

"લ્યો બસ. પાછું ત્યાંનું ત્યાં જ. હું તને કહું છુંને અને હું જઈશ ત્યારે તે પણ ઓફિસે જતો રહેશે. આખો દિવસ ઘરમાં નહીં બેસે. તો પછી આવા વિચાર કરવાનો સવાલ જ ક્યાં આવ્યો? મેં તને કહેલુંને, એ થોડો જ સમય રોકાશે. પછી જતો રહેશે."

"મને તો એ નથી સમજાતું કે તમને એમાં શું દેખાય છે?"

"મને જે દેખાય છે, એ કદાચ જો તને પણ દેખાતું હોત તો તું આ માથાફોડ ના કરેત."

"દેખાય છે. હું જોઉં છું કે તમે એમાં કશુંક જરૂર દેખી ગયા છો. મને તમે એકવાર પણ ના પૂછ્યું અને સીધો એનો સામાન લઈને આવતા રહ્યા એટલે મેં ના ન કહી. પણ તમે એને નીચેનો સૌથી મોટો રૂમ આપી દીધો. કેમ એટલું વ્હાલ?"

"અરે એ તો ખાલી પડ્યો તો એટલે મેં આપ્યો."

"અચ્છા! તો અત્યાર સુધી હું તમને કહેતી રહી કે મારે ઉપરના રૂમમાં નથી રહેવું. આપણે નીચેના મોટા રૂમમાં શિફ્ટ થઈ જઈએ ત્યારે તમને એ ખાલી રૂમ ના દેખાયો? એટલું બધું માન તેને શું કામ આપો છો? એવું ક્યું કારણ છે કે એના આવતાની સાથે જ એને માટે થઈને તમે કોઈ દિવસ નહીં અને આજે પહેલીવાર મારી સાથે ઝગડો કરી લીધો."

રાધિકા ગુસ્સે થઈ કારણ કે તેને ગમે તેમ કરીને રાકેશને રાખવાનો ઇન્કાર કરવો હતો. પરંતુ મયુરે તેના દરેક સવાલ માટે શાંતિથી વાત કરી અને તેને સમજાવી.

"અરે યાર.. રાધુ! તું પણ નાના છોકરાની જેમ જિદ્દે ચઢી છો. એ અહીં એના કામથી આવ્યો છે અને રોકાણ થાય એમ હતું એટલે મેં એને કહ્યું કે ક્યાં સુધી હોટેલમાં રહેશે. મારા કહેવાથી તે અહીં આવ્યો છે અને હું હવે ના પાડું તો એ શું વિચારશે? તું ઉલ્ટા-સીધા વિચાર ના કર. થોડા દિવસમાં એનું કામ પતે એટલે એ જતો રહેશે."

"ઠીક છે, માત્ર તમે કહો છો એટલે તમારા ભરોસે. પણ પાક્કું કે થોડા દિવસોમાં ચાલ્યો જશે?"

"હા ભૈ! પાક્કું પાક્કું, બસ. હવે હું જાઉં?"

રાધિકાએ હા ભણી અને તે બહાર રાકેશ પાસે ગયો. બહાર ચા પીતા રાકેશે આવતાની સાથે જ મયુરને સવાલ કર્યો, "શું થયું ભાઈ? બધું બરાબર તો છેને?"

"શું છે, પહેલીવાર બન્ને વચ્ચે થોડી તકરાર થઈ એટલે જરા એને વસમું લાગ્યું છે."

"મારા આવવાથી કોઈ તકલીફ તો નથીને?"

"અરે ના ના હોતું હશે."

"જો એવું હોય તો કહી દે હું બીજે મેનેજ કરી લઈશ."

"અરે ના ના. એવું નથી અને તમારે બીજે જવાની જરૂર નથી. રાધિકા માની ગઈ છે. ચાલો હું તમારી આ બેગ લઈ લઉં છું, સામેના મોટા રૂમમાં જઈ ફ્રેશ થઈ જાઓ. પછી નાસ્તો કરી નિરાંતે ઓફિસ જઈએ."

તેઓ બંને અંદર જઈ રહ્યા હતા તો સામેના રૂમમાંથી રાધિકા બહાર આવી. તેણે આવીને જોયું કે મયુર રાકેશની બેગ ઉપાડી આગળ ચાલતો હતો અને રાકેશ કોઈ મોટા માણસની જેમ તેની પાછળ. રાકેશની અને તેની નજર એક થઈ તો રાકેશના ચેહરા પર સ્મિત હતું અને રાધિકાના ચહેરા પર કટુતા. મોઢું બગાડી તે તેની સામે તાકી રહી તો રાકેશે પણ પોતાના સ્મિત સાથે તેની તરફ. રાધિકાના જોતા તેની સામે તેણે જોરથી ચાની ચુસ્કી લીધી. તે તેના સ્મિતને ખમી ના શકી અને એક બાજુ જોઈ ગઈ. તેને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે રાકેશ પહેલા કરતા બદલાયેલો છે. જે માણસ પહેલા તેની સાથે બોલતા પણ ખચકાટ અનુભવતો હતો તે આજે અચાનક આવીને તેને સામેથી નમસ્કાર કરે છે.

 એટલે જ તેને મનમાં ડર બેસી ગયો, કે "જો રાકેશ એના વિશે મયુરને કશુંક કહી દેશે તો શું થશે? કે પછી મયુરની ગેરહાજરીમાં જો બંને એકલા પડશે તો એ પરિસ્થિતિને કઈ રીતે સંભાળવી?" આવાં કેટલાય જાત જાતના વિચાર તેના મનમાં ઘર કરી ગયા. મયુરે તેને સમજાવી અને તેણે મયુર માટે થઈને તેને રહેવાની મંજૂરી તો આપી દીધી. પણ તેના મનમાં આવેલા આવા વિચારો શાંત નહોતા થયા. એને ખબર હતી કે રકેશનું પુનરાગમન તેના માટે યોગ્ય નથી. છતાં પરિણામને ભવિષ્ય પર છોડી તેણે મયુર સાથે સહમતી ભરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED