Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 38 - છેલ્લો ભાગ

૩૮

ગુજરાતનો વિજયધ્વજ!

કુમારપાલ મહારાજ વિજય કરીને આવી રહ્યા છે એ સાંભળતાં પટ્ટણીઓનો ગર્વ ક્યાંય માતો ન હતો. 

થોડા વખત પહેલાં તો પાટણને કોણ-કોણ પીંખવા દોડશે, ગુજરાતને છિન્નભિન્ન કરવાના કામમાં કયા-કયા શ્રીમંત રાજકર્મચારીઓ હાથા બનશે, કયા સામંતો દોડતા આવશે, કોણ રાજગાદી મેળવી જશે, કોણ જીવશે ને કોણ મરશે – એવી અનેક શંકા, આશંકા, કુશંકાથી પાટણનું વાતાવરણ ભર્યુંભર્યું હતું.

એ તમામ શંકાઓ આજે શનિ ગઈ હતી. પાટણ નગરીએ ફરીને મહારાજ સિદ્ધરાજના ગૌરવને સજીવન થતું જોયું. મહારાજ કુમારપાલે પાટણમા પગ મૂક્યો અને આંતરિક કલહને જડમૂળથી ઉખેડી નાખ્યો. લોકોએ ફરીને ગુજરાતનો અભ્યુદય ચાલુ રહેલો દીઠો, એટલે એમના આનંદની કોઈ સીમા ન રહી. રાજસાશનને સ્થિર ને સમર્થ કરનાર એક મહાન ગુર્જરેશ્વર પાછો સિંહાસન ઉપર આવી ગયો હતો, એ સિદ્ધ થયું. 

મહારાજ કુમારપાલે તમામ આંતરિક દુશ્મનોને આંહીં પાટણમા જ તળ રાખી દીધા હતા. ત્યાગભટ્ટની મંડળી સિવાય બીજો કોઈ બહાર ફરકવા પણ પામ્યો નહિ. કૃષ્ણદેવ જેવા પોતાના બનેવી ને રાજ અપાવનારને પણ મહારાજે જનોઈવઢ કાપી નાખતાં પાછું વાળીને જોયું ન હતું. બહેન-બનેવી ખરા, પણ શાસન જ રાજા માટે પહેલું, એ સત્યને ભયંકરતાથી એમણે પાળી બતાવ્યું; ને સૌનાં મનમાં એક ખાતરી એમણે કરાવી દીધી કે સમર્થ હાથે રાજશાસન કરવા માટે જ આ આવેલ છે, બીજું બધું પછી. એની આડે આવનાર કોઈ હવે જીવશે નહિ એ ખાતરી થઇ એટલે પાટણનો આંતરિક કલહ ત્યાં ને ત્યાં શમી ગયો. મહારાજનો આ પહેલો વિજય. 

પછી તો મહારાજે એક પછી એક બહારના પણ તમામ અરિને માપી લીધા – પરાક્રમથી, કુનેહથી અને પ્રભાવથી.

ચંદ્રાવતીના વિક્રમને પદભ્રષ્ટ કરી દીધો. અર્ણોરાજને પરાજિત કરીને પાછો સંબંધી બનાવી દીધો. નડૂલના કેલ્હણને હંફાવીને એના હરીફને હાથે હરાવ્યો. ત્યાં દંડનાયક મૂકી દીધો. માલવાના બલ્લાલને હણી નાખ્યો. ચંદ્રાવતીના પરમાર ધારાવર્ષદેવને રાજમિત્ર સામંત બનાવી દીધો. ગુજરાતનું ગૌરવ અખંડિત ને અજેય રહેવાનું છે એ સિદ્ધ કરી દેખાડ્યું.

આટલી સિદ્ધિ મેળવીને, ગુજરાતનો વિજયધ્વજ ફરકાવી, પાછા ફરતા મહારાજનો સત્કાર કરવા વહેલા પ્રભાતથી જ સરસ્વતીના કિનારે મેદની જામવા માંડી હતી. આખી નગરી હિલોળે ચડી હતી. ઠેરઠેરથી માણસો મહારાજની સવારી જોવા નીકળી પડ્યા. રસ્તા ઉપર સુગંધી પાણી છંટાયા હતાં લોકોએ આખી બજાર શણગારી દીધી હતી. પાટણની સન્નારીઓએ કંઠ ખુલ્લા મૂક્યા હતા. સરસ્વતીના કિનારાએ અનેક વિજયોત્સવ જોયા હતા, આજે એક વધુ જોયો. 

મહારાજનો ભવ્ય ગજરાજ કલહપંચાનન દેખાયો. એના ઉપર સોનેરી સિંહાસન હતું. રાજરક્ષક ભીમસિંહ મહારાજની પાછળ બેઠો હતો. કીર્તિપાલ ત્યાં મહારાજની પાછળ બેઠા હતા. ચામર ઢોળી રહ્યા હતા. બંને તરફ સેંકડો સૈનિકોની પંક્તિઓ ઊભી હતી. રાણી ભોપલદે ને કુમારપાલ નજરે પડ્યા અને લોકમેદનીએ આકાશ ગજવતી એક પ્રચંડ ઘોષણા ઊપડી: ‘જય સોમનાથ! મહારાજ ગુર્જરેશ્વરનો વિજય હો! મહારાજ કુમારપાલનો વિજય હો!’

મહારાજની પાછળ મંત્રીશ્વર ઉદયનનો, વાગ્ભટ્ટનો, રાણી સુધવાદેવીનો – એમ એક પછી એક ગજરાજ આવતા દેખાયા. 

સેનાપતિ કેશવના સ્થાને સેનાપતિ કાક તેજસ્વી શ્યામ અશ્વ  ઉપર ફરીને પટ્ટણીઓને મહારાજ જયદેવના જમાનાની સ્થિર સબળ સુશાસનપદ્ધતિના પ્રતિક સમો આવી રહેલો દ્રષ્ટિએ પડ્યો. 

દુર્ગપતિ ત્રિલોચન ત્યાં હતો. 

શાકંભરી રાજપુત્ર સોમેશ્વર ચૌહાણ હતો. 

ધારાવર્ષદેવજી આવ્યા હતા. એક ભવ્ય સવારીની અપ્રતિમ વિજયછટા ફરીને હવામાં પ્રગટતી પટ્ટણીઓએ જોઈ. સમર્થ વીરપુરુષોની નવી પરંપરા ઊભી થઇ રહી હતી. 

ગુજરાતમાં વીરપુરુષોની ખોટ નથી એ સિદ્ધ થયું હતું. લોકો એકબીજાને અંગુલિનિર્દેશ કરીને નવી ઓળખાણો આપી રહ્યા હતા.

ઠેરઠેર આકાશમાં પ્રશસ્તિની સૂરાવલિ ગાજતી હતી. આનંદવાજિંત્રો વાગતાં હતાં. ગુજરાતણોના કંઠગાનથી હવામાં અનુપમ મધુરતા ઊભી થતી હતી. ફૂલોનો, ચંદનનો, કુંકુમનો, અબીલ, ગુલાલ ને સુગંધીઓનો વરસાદ વરસી રહ્યો હતો. 

રાજસવારી રતનચોકમાં આવી, ત્યાં તો હિલોળા દેતો માનવમહેરામણ ઊભરાયો હતો. છજાં, ઝરૂખા, ગોખ, માળિયાં, ગવાક્ષ, પ્રાસાદ, સ્તંભ, ચોક, અગાશી, ઓટલા – ચારે તરફ માણસ ને માણસ દેખાતા હતા.

મહારાજની ઉપર પુષ્પની વૃષ્ટિ થઇ રહી હતી.

ગુજરાતના ગૌરવનું પુનઃ સ્થાપન થયાનો આખી પ્રજાએ જાણે મહોત્સવ માંડ્યો હતો. 

ત્યાં સાધુઓ હતા. જોગીંદરો હતા, સન્યાસીઓ હતા, શ્રેષ્ઠીઓ હતા, કવિરાજો હતા, સુભટો સામંતો ને રણજોદ્ધાઓ હતા. ગરીબ, અપંગ, ને આળસુ પણ આવ્યા હતા. આજ કોઈ આ મહોત્સવના આનંદથી વંચિત રહ્યું ન હતું. 

રાજસવારી વચમાં ઘડીભર થોભી. કુબેરરાજ શ્રેષ્ઠીએ સોનારૂપાનાં ફૂલોની ત્યાં ઉછાળ માંડી હતી. એક પૌષધશાળા પાસે હાથી થંભ્યો. મહારાજની દ્રષ્ટિ એક પરમ તેજસ્વી દિવ્ય સાધુમૂર્તિ ઉપર પડી અને તરત એમણે વિનમ્રતાથી બે હાથ જોડીને તેમને વંદના કરી. વાતાવરણમાં જ્યારે કેવળ નિરાશા હતી, ત્યારે ત્રિકાળજ્ઞાની આત્મશ્રદ્ધાથી જેમણે મહારાજને ઉત્સાહ આપ્યો હતો તે મહાન સાધુ હેમચંદ્રાચાર્ય ત્યાં ઊભા હતા. મહારાજની વંદના ઝીલતી એમની મેઘના ગંભીર રવ જેવી આશીર્વચનભરી વાણી વાતાવરણમા ઘૂમી રહી. 

સૌ એ વાણી સાંભળી રહ્યા. હેમચંદ્રાચાર્ય પોતાનો બાહુ ઉર્ધ્વ કરી, મહારાજને આશિર્વાદ આપતાં મોટેથી બોલી રહ્યા હતા:

दष्टस्तेन शरान्किइन्नभिमुख: क्षत्रक्षये भार्गवी,

हस्तस्तेन निशाचरेश्वरवधव्यग्रो रघुग्रामणी: ।

दष्टस्तेन जयद्रथप्रभथनोन्निद्र: सुभद्रापति –

द्रष्टो येन रणाड:गणे सरभसशचौलुक्यचूड़ामणि: ।।

 

************