Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 7

ઉદયનની શાંતિ

કોવિદાસને અંદર ગયે થોડી જ વાર થઇ, ત્યાં કાકભટ્ટે મંત્રીશ્વર ઉદયનને બહાર આવતો જોયો. મંત્રીશ્વરની મુશ્કેલીના વખતની ને અપમાનના પ્રસંગોની મુખમુદ્રા કાકભટ્ટે ઘણી વખત જોઈ હતી. તે વખતે એમાં અજબ શાંતિ દેખાતી. આજની એની મુખમુદ્રા પણ એવી અજબ શાંતિ દાખવતી હતી. કાકને વિચાર આવી ગયો કે ચોક્કસ કાંઈક બન્યું હોવું જોઈએ. એ એને આવતો જોઈ રહ્યો. એનાં પગલાં સ્થિર હતાં. દ્રષ્ટિ અચળ હતી. મુખમુદ્રા સ્વસ્થ હતી. કેવળ આંખમાં એક પ્રકારની ક્રૂર ગણાય તેવી નિશ્ચયાત્મક દ્રઢતા આવી ગઈ હતી. આંખ વંચાતી હોય તો વાંચનારો ચમકી જાય. ‘હવે તો ત્યારે આમ થશે જ થશે, ગમે તે થાય.’ એવી દ્રઢ વાણી જાણે એમાં બેઠી હતી. 

તે કાકની તરફ જ આવી રહ્યો હતો. એની પાછળ તરત દુર્ગપાલ ત્રિલોચનપાલ દેખાયો. આખો કોયડો કાકને સ્પષ્ટ થઇ જતો લાગ્યો. એને એકદમ જ સ્ફૂર્યું કે પેલા સાધુમહારાજ વિશે એણે ઉદયનને વાત તો કરી હતી, પણ આંહીં આવવાની ઉતાવળ હતી એટલે ‘એણે હમણાં ભોંયરામાં બેસાડી રાખ પછી જોઈ લઈશું; પણ હવે જવા દેતો નહિ. ક્યાંક પકડાઈ જશે. એ લાગે છે તો કુમારપાલજી તરફનો.’ – ઉદયને એટલો જ જવાબ આપ્યો હતો. કાકભટ્ટે એ પ્રમાણે એને બેસાર્યો હતો. એ અત્યારે ત્યાં હોવો જોઈએ. પણ એ ભેદ ગમે તેમ ત્રિલોચનપાલને મળી ગયો હોય કે પછી આ પરમારે જ બાફ્યું હોય, જે હોય તે, પણ મંત્રણાખંડમાંથી મંત્રીશ્વર જેવાને બહાર આવવું પડે એ વસ્તુ જ એની ગંભીરતા સૂચવવા માટે બસ હતી. ઉદયનની મુખમુદ્રાની શાંતિ એટલા માટે હતી. કાકભટ્ટ સાવધ થઇ ગયો. એટલામાં ઉદયનની નજર એના ઉપર પડી, એણે એને બોલાવ્યો: ‘કાકભટ્ટજી! આમ આવો, આમ. આ ત્રિલોચનપાલજી સાથે તમે આપણી હવેલીએ જાઓ, સ્તંભતીર્થથી આજે કોઈ નવું માણસ આવ્યું છે? ધ્યાનમાં છે તમને?’

‘સ્તંભતીર્થથી?...’ કાકે સંભારવાનો ડોળ કર્યો. ‘નવું માણસ? ના, કેમ?’

‘જુઓ, મંત્રીશ્વરજી!’ ત્રિલોચનપાલને આ નાટક આકરું પડી ગયું લાગ્યું. તે ઉતાવળો થઇ ગયો. ‘સાધુડો એક તમારે ત્યાં આવ્યો છે, એ ચોક્કસ!’

‘અરે! હાં-હાં!’ કાકે સાંભર્યું હોય તેમ તરત કહ્યું. ‘પેલો કોઈક આવ્યો હતો ભિક્ષુક એ? એનું શું છે?’

‘આ ત્રિલોચનપાલજી એને શોધે છે.’

‘એ તો ગામમાં ભિક્ષાટન કરતો હશે. કેમ?’

‘તમે ભિક્ષાટન કરતો જોયો?’

‘ના. પણ ભટકનાર ભિક્ષુ તો ભટકે જ નાં? એનું શું છે, ત્રિલોચનપાલજી? કાંઈ શંકા જેવું લાગે છે?’

‘જુઓ, મંત્રીશ્વર! ખોટું ન લગાડતા. અમારે એને હાથ કરવો જ છે.’ કાકને જવાબ ન આપતાં ત્રિલોચનપાલે મંત્રીશ્વરને જ કહેવાનું ચાલુ રાખ્યું.

‘પણ તે કરો ને, અમને એમાં શો વાંધો છે? એ ક્યાં અમારો સગો છે કે જૈન સાધુ છે? હું સાથે આવું, એમ તો તમે નહિ ઈચ્છતા હો!’

‘એ માણસ છે કુમારપાલનો!’ ત્રિલોચનપાલે શરૂઆત કરી. 

શાંતિથી મંત્રી બોલ્યો: ‘તમારી માહિતી વિશે શંકા ઉઠાવવાનો પ્રશ્ન જ ન હોય. કાકભટ્ટજી! આ નોંધી લ્યો, એ માણસ છે કુમારપાલજીનો.’

‘એક વડવાળી પ્રપામાં રહે છે.’

‘એમ? આ પણ નોંધ લ્યો, કાકભટ્ટજી! એક વડવાળી પ્રપામાં એ રહે છે! ત્રિલોચનપાલજી! ત્યારે તો તમે એણે હાથ કરો. એમાં અમારે કાંઈ નાહવા-નિચોવવાનું નથી હો! વડવાળી પ્રપામાં કોઈ સાધુ વિશે પરમારજીએ પણ વાત વાતમાં હમણાં કહ્યું. ક્યાંક કોઈ દુશ્મન ત્યાં બેઠો હોય નહિ! ત્રિલોચનપાલજી! એની પૂરેપૂરી તપાસ આજે જ થઇ જાય એ જોજો. આપણને કોઈ થાપ આપી જાય નહિ.’ ઉદયને વાતને સાધારણ રંગ આપી દીધો. પણ એણે કાકભટ્ટ સામે જોયું. બોલ્યા વિનાના બોલ એમાં બેઠા હતા. કુમારપાલ ક્યાંક નજીકમાં હોવાની ભયભરેલી આશંકા એમાં સ્પષ્ટરીતે કાકભટ્ટે વાંચી કાઢી. એણે પોતાને પણ હવે એજ ભય સતાવી રહ્યો હતો. 

‘અને કાકભટ્ટજી!’ ઉદયને શાંત રીતે કહ્યું, ‘ત્રિલોચનપાલજી આપણા છે. એમને તમે આપણી હવેલીનો ખૂણેખૂણો બતાવજો. શંકાથી પર થઇ જજો. અત્યારે કોક બીજા દુશ્મન ઘા મારી જશે. હવેલીએ તમે પહોંચો. દરવાજો ઉઘડાવી નાખો. ત્રિલોચનપાલજી તમને આમ આંબી લેશે.’ 

કાક સમજી ગયો. 

‘હા, પ્રભુ! હું આ ઊપડ્યો. ત્રિલોચનપાલજી! હું ત્યાં જ મળીશ તમને. પછી આપણે બંને નગરમાં પણ ફરીએ. કોવિદાસજીએ હમણાં જ વિક્રમસિંહની એવી વાતો મને કરી છે, એટલે હવે અસાવધ રહેવાય તેવું નથી. એ સાધુડો ક્યાંક મારો બેટો વિક્રમસિંહનો માણસ નીકળે નહિ!’

ઉદયને એક અર્થભરી દ્રષ્ટિએ કાક તરફ જોયું, પછી એ ધીમાં શાંત પગલે પાછો મંત્રણાખંડમા ગયો.

કાકભટ્ટે વાતની રેખાએ રેખા પકડી લીધી હતી. એણે તો મનમાં ખાતરી જ થઇ ગઈ કે મંત્રીશ્વરને શોધનારો સાધુ કુમારપાલ તરફથી જ આવ્યો હોવો જોઈએ. કુમારપાલ પણ ત્યાં પ્રપામા જ અત્યારે હોય. એનું હ્રદય ધડકવા લાગ્યું. પળેપળ કિંમતી હતી. 

એ જતો હતો એટલામાં જ ત્રિલોચનપાલને એણે કોઈ સાથે વાતમાં રોકાયેલો દીઠો. કોણ છે એ જોવા એણે ડોકું ફેરવ્યું ને એ ચમકી ગયો. દિવસો થયાં દેખાતો ન હતો તે મલ્હારભટ્ટ ત્યાં ઊભોઊભો એને કાંઈક વાત કરી રહ્યો હતો, લગભગ કાન કરડી રહ્યો હતો. કાકભટ્ટનું લોહી વેગમાં વહી રહ્યું. મલ્હારભટ્ટ પાસે કુમારપાલની જ માહિતી હોવી જોઈએ. અત્યારે વડવાળી પ્રપા વિશે જ આ વાત થતી હોવી જોઈએ. એને એવી કલ્પના થઇ આવી. એટલે વાતનો એક જેટલો શબ્દ પણ પકડી શકાય એવી જુક્તિ એ ખોળવા મંડ્યો. અચાનક જાણે કાંઈ પૂછવાનું હોય તેમ એ ત્વરિત પગલે ત્રિલોચનપાલની પછવાડે જઈને ઊભો રહ્યો. મલ્હારભટ્ટની દ્રષ્ટિ તેના ઉપર પડે તે પહેલાં કાકે એક શબ્દ પકડી લીધો: ‘પચાસેક – રાતે જ!’

‘ત્રિલોચનપાલજી! હું ઊપડું છું. તમે આવી પહોંચો. ઓહોહો! મલ્હારભટ્ટજી, તમે ક્યારે આવ્યા? હમણાં તો કાંઈ દેખાતા નથી?’

‘આ તમે દેખો ત્યારે...’ મલ્હારભટ્ટે કહ્યું, પણ આના કને કાંઈ આવ્યું તો નથી એ વિશે એ વિચાર કરતો હતો. 

‘એમ?’ સહજ કહેતો હોય તેમ બોલીને કાક ત્વરિત ગતિથી ચાલતો જ થઇ ગયો. એને પેલાં શબ્દોએ વધુ વિચારતો કરી મૂક્યો હતો – ‘પચાસેક.... રાતે... જ... એટલે શું?’

પચાસ માણસો પ્રપાને ઘેરવા માટે આજ રાતે મોકલવાની ગોઠવણ તો ન હોય? તેને પળેપળે કુમારપાલનું નાવ ડૂબતું લાગ્યું. પચાસેક... રાતે....જ – બસ એ જ હોઈ શકે! તે એકદમ હવેલી તરફ દોડ્યો ગયો. રાત પડે તે પહેલાં જ એણે પ્રપાને રક્ષવી જોઈએ. એકદમ જ પ્રપાની સાચી વાત પેલા સાધુમહારાજ  પાસેથી જ મેળવી લેવી જોઈએ. જો કુમારપાલ ત્યાં હોય – અરે! હોય શું? હશે જ – તો? તો-તો થઇ રહ્યું! – કાકનું મન વેગમાં વિચાર કરી રહ્યું. આનું શું કરવું એ વિચાર એને ઘેરી વળ્યો. તેણે પાલખી ઉપાડનાર ભોઈઓને કહ્યું: ‘અલ્યા! ઊપડજો ઝપાટામાં હો! મંત્રીશ્વરને ત્યાં ધાર્મિક ઉત્સવ જેવું લાગે છે. પૂરો થઇ જાય તે પહેલાં જ આપણે પહોંચી જવું જોઈએ. 

ભોઈઓના પગમાં ઘોડાનો વેગ આવ્યો.