૬
કાકભટ્ટે વખત કેમ ગાળ્યો?
કોવિદાસ ને ધાર પરમાર કેમ આવ્યા છે એ જાણવાની કાકને તાલાવેલી લાગી હતી. ત્યાગભટ્ટના પ્રેર્યા જો તેઓ આવ્યા હોય તો બંનેને એવી વિદાયગીરી આપવી જોઈએ કે તેઓ જિંદગીભર એ સાંભરે! અને ત્યાગભટ્ટના પ્રેર્યા ન આવ્યા હોય તો બંનેનો અત્યારે આ પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરી લેવો એ વિચારવા જેવો વિષય હતો. કોવિદાસને માલવમોરચે એક વખત એ મળ્યો હતો. કોવિદાસ સાથે ગાઢ મૈત્રી હોય ને બંનેની વાતમાં પોતાને જીવંત રસ હોય તેમ તેણે વાત શરુ કરી: ‘બહુ દહાડે મળ્યા, કોવિદાસજી! તમે ક્યાંથી – ચંદ્રાવતીથી આવો છો?’
કોવિદાસના દિલમાં તો ચંદ્રાવતીની વાત જ રમી રહી હતી. કાકને એનો કંઈક પરિચય તો હતો. એ બોલી ઊઠ્યો: ‘ચંદ્રાવતીથી ગણો તો તેમ ને ન ગણો તો એમ.’
કાકને નવાઈ લાગી. તેની સામે એ જોઈ રહ્યો: ‘કોવિદાસજી! આપણે માલવમોરચે સાથે લડ્યા હતા, યાદ છે?’
‘હા, પહેલા જ ધસારામાં.’
‘ત્યારે કેમ આમ બોલ્યા? છુપાવવા જેવું હોય તો જુદી વાત છે, નહિતર જેઓ એક વખત સાથે લડ્યા તેઓ બીજી વખત પણ સાથે લડે. એમની તો શસ્ત્રમૈત્રી. તમે શું ચંદ્રાવતીથી નથી આવતા? સામંતરાજ યશોધવલજી તો ત્યાં જ હશે નાં?’
‘છે તો ત્યાં જ, પણ એમને સામંતરાજ કહેવાય કે નહિ એ સવાલ થઇ પડ્યો છે.’
‘એટલે? ચંદ્રાવતીમા પણ કાંઈ સળગ્યું છે?’
‘સળગે તો શું? પણ વિક્રમસિંહને તમે ક્યાં નથી જાણતાં? પરમારરાજ રામદેવજીએ ભાઈ જાણીને એને સત્તા સોંપી. એમને એમ કે આપણો ભાઈ છે, રાજ જાળવશે. યશોધવલજીને ટેકો થાશે. હવે એણે તમને, અમને – સૌને માપી કાઢવાની વાત ઉપાડી છે. સગા કાકાએ ઊઠીને ભત્રીજાનું જ ચાંઉ કરવાની જુક્તિ માંડી છે!’
‘હેં? ચાંઉ કરવાની? કર્યા-કર્યા હવે! એનું શું ગજું છે! ચંદ્રાવતી તો પાટણનો રાજદુર્ગ છે. મહારાજની એ રાજનીતિ હજી આંહીં અફર છે. અમે શું તમારી પડખે નથી કે એ ચાંઉ કરી જાશે?’
કાકને વાત વધુ રસ લેવા જેવી લાગી. ત્યાગભટ્ટ આંહીં આવ્યો હતો, એને પાછો જલદી ધકેલવો હોય તો આ બંને એમાં ઉપયોગી થઇ પડે તેવા હતા. જરાક એ રસ્તે વાત લેવી જોઈએ. તેણે આગળ ચલાવ્યું: ‘હજી વિક્રમસિંહને ખબર નહિ હોય. સિંહનાદીકુમારતિલક ત્યાગભટ્ટનું એણે બળ અનુભવ્યું નહિ હોય. આઠ ઘટિકા પણ સામે ટકવું મુશ્કેલ થઇ પડશે, ખર છે! વાત કરજો ને એને, માની જાશે – ડાહ્યો હશે તો. તમે આટલા માટે આવ્યા હશો?’
‘હા, ભૈ! ગણો તો-તો એમ જ છે. પણ આંહીં વાત કરવી કોને? મહારાજ તો છે નહિ. અમને તો મોટી ગડભાંગ એ થઇ પડી છે.’
‘પણ મહારાજ નથી એમ કોને કહ્યું? આ છે ને!’ કાકભટ્ટે મહારાજની પાદુકાનો નિર્દેશ કર્યો, ‘એનું સામર્થ્ય હજી તો અદ્ભુત છે!’
‘કાકભટ્ટજી! મહરાજના એક શબ્દમાં એક સૈન્યનું બળ રહેતું. એ સમો ગયો. હવેનો સમો આકરો છે. આ વિક્રમસિંહે જે કૌભાંડ ગોઠવ્યું છે. એ જ આકરું પડવાનું છે. હું એને જાણું નાં? એણે માલવાને સાધ્યું છે, નડૂલને સાધ્યું છે. એણે તૈયારી તો ત્યાં સુધીની કરી હતી કે કદાચ મહારાજ પોતે આવ્યા હોત, તો એમને પણ એ તળ રાખત!’
‘કોને – જયદેવ મહારાજને?’
‘હા-હા!’
‘રાખ્યા-રાખ્યા હવે! કોવિદાસજી! તમારો ખ્યાલ સાચો હશે, પણ એમ પાટણને કોઈ હંફાવી ન શકે. તમે વાત મૂકો ને, મહાઅમાત્યજી પાસે!’
‘એ તો મૂકવાની જ છે. કુમાર મહારાજ વાત મૂકવા જ ગયા છે. પણ જુઓ કાકભટ્ટજી! તમે વિક્રમસિંહને ત્યારે પૂરો ઓળખ્યો નથી. હું એને ઓળખું છે. મહારાજને પણ એ તળ રાખી દેત!’
‘તમે ખોટો ભય જુઓ છો.’
‘ખોટો કે સાચો, પણ એ સામે મોંએ લડવાવાળો નથી. એની રીત જુદી છે. એની આગતાસ્વાગતા હણી નાખે એ વાત છે. એનો મહાલય છે, એમાં એણે જુક્તિ ગોઠવી છે. ત્યાં રાત રહેનારો બહાર ન નીકળે, બીજું શું? રાતમાં મહેલ જ ખાખ!’
‘હેં? શું કહો છો?’
‘ત્યારે એ વાત છે! અરે! અમને તો થયું – આંહીં પહોંચ્યો લાગે છે. કાલ અમે રાત રહ્યા હતા ત્યાં એક સાધુ જોયો – માધવેશ્વર નામે.’ કોવિદાસજીને વાતમાં ધ્યાન રહ્યું નહિ, બોલાઈ ગયું. પણ એણે વાત તરત બદલી નાખી: ‘તમારે તો આંહીં હમણાં પાદુકાનું રાજ રહેશે, એમ જ સમજવાનું?’
પણ કાકભટ્ટ પેલાં સાધુના ઉલ્લેખે ચમકી ગયો હતો. કદાચ આજવાળા પેલાં બ્રહ્મચારી વિશે જ આ ઉલ્લેખ ન હોય! પણ એણે જાણે આ વાતનું ધ્યાન રહ્યું ન હોય તેમ કહ્યું: ‘હા-હા, આંહીં તો હમણાં મહારાજની પાદુકા જ રાજ કરે છે.’
‘પણ એવું ક્યાં સુધી ચાલશે?’
‘તમે તો આજે જ આવ્યા નાં? કે કાલે રાતે?’
‘આજે જ.’
‘ત્યારે કાલે રાતે આવ્યા હોત... તો એક સાધુડો આવેલો. બસ એવી ભવિષ્યવાણી બોલે કે ન પૂછો વાત! રાત તમારે સરસ્વતીકાંઠે ગાળવી પડી હશે. ત્યાં આવા કૈંક જોયા નહિ હોય?’
‘રાત તો અમે એક વડ નીચે ગાળી.’
‘એમ? તમે પણ કાંઈક સાધુનું કહેતા હતા. શું કહ્યું તમે પેલાં સાધુનું?’
કોવિદાસને હવે વાત ચોરવી ઠીક ન લાગી. તેણે વાત ઉપયોગી ન હોય તેમ ઉપાડી: ‘એ સાધુનું એમ કે – જાણે લાગે કે સાધુ છે. પણ હોય કોણ જાણે કોણ!’
‘અમે ચેતતા તો છીએ, તે છતાં, ભૈ! તમે કહ્યું તેમ, વિક્રમસિંહ જેવા ભૂલથાપ પણ દઈ જાય. તમે જોયો હતો સાધુ, તે સાધુ વિક્રમસિંહનો માણસ હોય એવી તમને શંકા થયેલી? કઈ જગાએ હતો?’
‘આહીંથી ઠીકઠીક દૂર પશ્ચિમમા, વડ નીચે એક પાણીની પરબ છે ત્યાં. પણ એ તો અમને ખોટી શંકા ગયેલી. એ બે તો ભિક્ષાટની સાધુ જ હતા. છતાંય, ભૈ! શંકા સારી!’ કોવિદાસે વાત ટૂંકાવી નાખી. કાકે પણ વાત ફેરવી નાખી, પણ એ સમજી ગયો: ‘ભિક્ષાટની સાધુ તો પેલા મહારાજ જ, એ ચોક્કસ. પણ આણે કહ્યું કે બે હતા – તો બીજો કોણ હોઈ શકે? કુમારપાલ હશે?’ એનું મન ઘોડા ઘડવા માંડ્યું ને પોતે મોટેથી વાત કરવા મંડ્યો: ‘તમારા શબ્દનું કોવિદાસજી! અહીં માન નહિ જળવાય એવું તો બનવાનું નથી. ચંદ્રાવતીની ને યશોધવલજીની સિંહાસનભક્તિ ક્યાં પ્રસિદ્ધ નથી! ને તમે કહ્યું તે સાચું છે. વાતને ઊગતી દાબવી સારી, પછી આકરી પડે. તમે પોતે આવ્યા છો, એટલે મહાઅમાત્યજીને બરાબર સમજાવી શકાશે. પાટણની ગજેન્દ્રસેના જ દોરવાની. પહેલેથી જ આકરી શેહ.’
‘હું પણ એમ જ કહું છું.’
કાકને તો કોવિદાસજીની વાત બરાબર સમયસરના વરસાદ જેવી લાગી હતી. એણે એને બરાબર તૈયાર કર્યો છે. આંહીં બીજા ઘણાય છે, પણ પહેલેથી જ એવી શેહ પાડી દેવી પડશે કે પછી કોઈ બીજું ઊભું જ ન થાય.’ એણે કહ્યું.
‘ખરું પુછાવો તો બધા ઊભા થઈને ત્યાં રાહ જુએ છે. પહેલાં તો આ વિક્રમસિંહ પાટણની આજ્ઞા ઘોળી પીવાનો.’
‘પણ એ ઘોળી પીશે અને અમે આંહીં બેઠા રહીશું, એમ? તમે એમ માનો છો?’
‘માનતો નથી.’
‘ત્યારે? તમને ક્યાં ખબર નથી? તમે ત્યાગભટ્ટજીનું ગજેન્દ્ર-પરાક્રમ માલવમોરચે ક્યાં અનુભવ્યું નથી! એની સામે વિક્રમસિંહ કેટલી વાર ઊભા રહેશે? મહાઅમાત્યને વાત થાશે એટલી વાર. ધારાવર્ષદેવજી એ જ વાત કરવાના છે નાં?’
‘હાસ્તો.’
‘ત્યારે જુઓ, કોવિદાસજી! અત્યારે આંહીં તો મહારાજનું સિંહાસન જ સમર્થ ગણાય છે, એમના શબ્દ પવિત્ર મનાય છે, એમની રાજનીતિ પણ અફર લેખાય છે. એટલે તમારી વાત અત્યારે વજનદાર ગણાશે અને આહીંથી પાટણ એ તરફ દ્રષ્ટિ ફેરવે, એટલે બધું શાંત. તમે તમારી વાત બરાબર રીતે મૂકો અને તમારી વાતમાં અમારું હિત પણ ક્યાં નથી? હા વાત મૂકવી જોઈએ બરાબર!’
‘એ તો અમે મૂકશું જ. પણ મેં કહ્યું તેમ, વિક્રમસિંહની તૈયારી મોટી છે, એટલે ત્યાગભટ્ટજીની પોતાની ગજેન્દ્રસેના વિના કામ પાર પડવાનું નથી. એમણે આવવું પડે એ પહેલી વાત. પણ અત્યારે આહીંથી એ થઇ શકે ખરું? અત્યારે એટલે અત્યારના સંજોગોમાં?
કાકભટ્ટને તો એ – જોઈતું હતું. તે મોટેથી બોલ્યો. ‘હા=હા, અરે કેમ ન થાય? રાજરક્ષા સૌથી પહેલી.’
‘પણ ત્યારે તો આંહીં કાંઈ ખ્યાલ લાગતો નથી.’
‘શેનો?’
‘કેટલા મોરચા સળગે તેમ છે તેનો. મેં કહ્યું તેમ નડૂલ, માલવા, મેદપાટ, શાકંભરી અને ગોધ્રકના ભીલ પણ ખરા. આ બધા મોરચા સળગે તેમ છે. એ તરફ અત્યારે અવિચળ એક જ – ચંદ્રાવતી. કુમાર તિલક ત્યાગભટ્ટજી પણ એ તરફ નીકળે અને ગૌરવ મેળવીને આંહીં આવે તેમાં એમની શોભા!’
‘એ તો છે જ.’ કાક બોલ્યો. એને કોવિદાસજીની વાત સાકર જેવી ગળી લાગતી હતી. ત્યાગભટ્ટ આ રીતે ખસે ને કુમારપાલને લાવી શકાય, તો પછીની વાત પછી. પણ કુમારપાલને શોધી કાઢવા જોઈએ. એની એને ચટપટી થઇ રહી.
કોવિદાસની વાત ઉપર એ ફરીફરીને વિચાર કરી રહ્યો. પેલો ભિક્ષાટની સાધુ એ કુમારપાલનો જ ન હોય? નહિતર મંત્રીશ્વરનું મહાલય શું કામ શોધે? તેને પ્રતીતિ થવા માંડી કે એમ જ હોવું જોઈએ. એણે હવે આ વસ્તુનો તાગ મેળવવા માટે આહીંથી છૂટવાની તાલાવેલી થઇ પડી.
એટલામાં એક અનુચર કોવિદાસને બોલાવતો જણાયો. કાકે છૂટકારાનો દમ ખેંચ્યો.
‘કોવિદાસજી! આપણે સાથે જ રહેવું છે હો! અને બીજી વાત, તમને ત્યાં બોલાવે છે, આ તમારી વાત માટે જ. તો ગજેન્દ્રસેનાનું ભૂલતા નહિ. સામે વિક્રમસિંહ છે. જાઓ, ધ્યાન રાખજો.’ કાકે કોવિદાસના ખભે હાથ મૂક્યો.
કોવિદાસ ત્વરિત ચાલે અંદર ગયો. કાકને લાગ્યું: ઠીક વાત થઇ ગઈ. એણે વખત ઠીક ગાળ્યો એમ એને લાગ્યું.
પણ કુમારપાલના પત્તા વિનાનો એકએક દિવસ અત્યારે કપાતો હતો તે એણે આકરો જણાતો હતો.
એમાં આજે કાંઈક આશાની રેખા પ્રગટી હતી.