Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 10

૧૦

કૃષ્ણદેવની પ્રિયતમા

કેટલીક સ્ત્રીઓમાં ચાતુરી હોય છે. કેટલીકમાં આવડત હોય છે. કોઈકમાં એક અનોખું રૂપ જ મુખ્ય થઇને રહે છે. ક્યાંક આકર્ષણ જડે છે. કોઈ ઠેકાણે સામાન્ય સમજણનો સાગર હોય છે. ક્યાંક રસની ભરતી મળે છે. કોઈમાં કેવળ અદ્ભુત ‘હવા’ વસે છે. એક કવિની કલ્પના, બીજી કુદરતની સર્જકતા પાટણનગરીની નીલમણિમા કુદરતે પોતાની સર્જકતાનો આ અક્સ્માત સર્જ્યો હતો. 

એની ચાતુરી, રૂપથી જુદી નહિ; રૂપ રસથી જુદું નથી; આકર્ષણ હવાથી ભિન્ન નહિ; હવા ને રસ છુટ્ટાં નહિ; એ સઘળાં એનામાં હતાં અને એ બધામાં નીલમણિને મળેલા આ વારસાએ એણે એક સિદ્ધિ પ્રાપ્ત કરાવી. રંગીલો, શોખીન, લાડીલો ગર્વીલો, રણઘેલો – એવો પાટણનો તુરંગાધ્યક્ષ કૃષ્ણદેવ એની નજરે જ દુનિયાને જોતો થયો. એની મોરલીએ એ નાચતો. એના શબ્દમાં પરમ સિદ્ધી અનુભવતો. એની કલ્પનામાં સ્વર્ગ જોતો. 

જયસિંહ મહારાજનું મૃત્યુ હતું, એટલે એક રીતે અદ્વિતીય ગણાય તેવું સ્થાન આ કૃષ્ણદેવને મળ્યું હતું. મહાઅમાત્ય મહાદેવ હતો એ ખરું; મંત્રીશ્વર ઉદયન પણ હતો; એમ તો કેશવ સેનાપતિ હતો; કુલસદગુરૂ ભાવ બૃહસ્પતિ હતા, પણ કૃષ્ણદેવની વાત ન્યારી હતી. એ સામંતોમા ને સામંતોનો શિરોમણી હતો. વિશ્વાસુ પ્રધાનમંડળમા એની મુખ્ય ગણના હતી. સેનાનું સૌથી સબળ અંગ તુરંગસેના એના તાબામાં હતી. સૈનિકો, સામંતો, સરદારો એને પૂછીને પાણી પીવામાં ડહાપણ સમજતા. એનો શબ્દ અફર રહેવા માટે બોલાતો. મહારાજ જયસિંહદેવના, છેક છેલ્લી પળના છેલ્લા શબ્દો સાંભળનારાઓમા એનું સ્થાન હતું. અત્યારની હવામાં એ વારસો પણ જેવોતેવો ન હતો. આ અપ્તરંગી, ગર્વીલો તુરંગાધ્યક્ષ, કુમારપાલની બહેન પ્રેમલ સાથે પરણ્યો હતો. પ્રેમલ સાદી સીધી, મરતાને મેર ન કહેનારી; જ્યારે કૃષ્ણદેવ જુદ્ધનો જીવડો! વાની સાથે વધે એવો! એમની વચ્ચે દેખાઈ આવે એટલું અંતર હતું અને એ અંતર નીલમણિને લીધે વધ્યું હતું. નીલમણિએ તુરંગાધ્યક્ષને પોતાનો જ કરી લીધો હતો. પ્રેમલ શાંતિથી એ સહી રહી. બીજો કોઈ ઉપાય ન હતો. એનું અત્યારે કોણ હતું? એનો ભાઈ તો ચોરના માથાની પેઠે ભટકતો હતો. 

આ નીલમણિને વળી પોતાની અનોખી જ યોજના હતી. એ સમજતી હતી કે તુરંગાધ્યક્ષને આવડે ને જુક્તિ કરતાં જે શાંત ધીરજ રાખવી જોઈએ. એ શાંત ધીરજ જો એ બતાવે, તો પાટણનું સિંહાસન એને પણ મળે. કેમ ન મળે? એ પણ સંભવિત હતું. આડે ઊભું હતું એક એનું અભિમાન. બીજું એનું સિંહાસન પ્રત્યેનું માન. નીલમણિએ એના અભિમાનને મહત્વાકાંક્ષા તરફ દોર્યું. માનને, તાત્કાલિક સમય પૂરતું, કોઈની વરણી કરી લેવા તરફ લીધું. મોઢેરેક-સ્વામી પોતાના ઊભા કરેલા મહારાજનો પોતે જ મહારાજાધિરાજ થઈને રહે, નહિ તો પછી એણે ખસેડીને આઘો મૂકી દે. પહેલું કોઈક આવે – એ અનિવાર્ય રીતે અત્યારે જરૂરી હતું. નીલમણિ એ સમજતી હતી. નીલમણિએ કલ્પનામાં તો પોતાનું સ્થાન આમાં ગોઠવી મૂક્યું હતું – ચૌલાનું હતું તે. ચૌલાનો વરસ રાજગાદી ઉપર આવે એમાં એને રસ હતો. નીલમણિએ સરજેલી આ નવી હવામાં મોઢેરક-સ્વામી અત્યારે જીવતો હતો. ઉદયનને આ વાતની ખબર હતી. એટલા માટે અત્યારે એને મોટો ભા કરી લેવામાં એણે સફળતા દીઠી. એનામાં એણે રસ તો ક્યારનો લેવા માંડ્યો હતો. પોતાની યોજનાને એ વેગ આપે તો ઘણું થઇ શકે. એને માપવાની વાત પછી ભવિષ્યમાં થઇ રહે. 

મંત્રીશ્વર નીલમણિના ‘નીલભવન’મા આવ્યો ત્યારે ત્યાં વરસી રહેલા રંગરાગ, રૂપ, રંજન અને રસ જોઇને એક ઘડીભર તો એ મુગ્ધ થઇ ગયો. આ એક સ્થળ એવું હતું, જ્યાં સમયને અસમય થઇ જવાનું મન થતું. કેવળ ચંદ્રલોકની હોય તેવી અપ્સરાસૃષ્ટિ આંહીં વિલસી રહી હતી. ક્યાંક રાગ અને આલાપ સાથેની છાનીછાની ગીતસુધા વરસી રહી હતી, તો ક્યાંક દુઃખી-માત્રને વિસરાવે તેવો વિનોદ ચલાઈ રહ્યો હતો. 

ત્યાંના મદ્યભવનમા સ્વર્ગની સૃષ્ટિ દેખાતી હતી. ક્યાંક પાસાની રમત ચાલતી હતી. લંકાનાં મોટાં મોતીની માળા પહેરેલી હરિણાક્ષીઓ આમતેમ ઉતાવળે જઈ રહી હતી. પણ એ ઉતાવળી ગતિ ન રહેતાં જાણે કે કવિતા રેલાઈ રહેતી. લાગે કે આંહીં રૂપનો સાગર રેલાઈ રહ્યો છે અને ચેતન અને અચેતન તમામ સૃષ્ટિને પોતાના સ્પર્શથી અદભૂત બનાવી રહ્યો છે. આંહીં એકે વસ્તુ કઢંગી દેખાતી ન હતી. રસ વિનાનું કોઈ સ્થાન ન હતું. પરિમલ વિનાની હવા ન હતી. ધ્વનિ વિનાનો એક શબ્દ ન હતો. મધુર આનંદ વિનાની જાણે કોઈ પળ ન હતી. એને પ્રેમલની દયા આવી. કૃષ્ણદેવની પસંદગી માટે તો કેવળ પ્રશંસા જ થઇ શકે તેમ હતું. ઇન્દ્રભવન જેવું નીલમણિનું આ ભવન હતું. ઉદયન એ જોતો આગળ વધ્યો. વચ્ચેના નીલા ઘાસભર્યા મેદાનમાં મયૂરો નૃત્યકલા શીખી રહ્યા હતા. વારાંગનાઓ ઊભીઊભી એમને તાલ આપી રહી હતી. ઠેકાણે-ઠેકાણે રંગીન જલફૂવારામાંથી ચંદનની સુગંધવર્ષા વરસી રહી હતી. ફુલ્લપ્રફુલ્લ પુષ્પમંડપિકાઓ નીચે પાટણપ્રશસ્તિના સામસામા શ્લોકો બોલાવતી મેનાઓ આમતેમ ઊડી રહી હતી. 

કાકભટ્ટ તો જીવનમાં આ પહેલી વાર જ જોતો હોય તેમ મંત્રમુગ્ધ બનીને મંત્રીશ્વરની પાછળપાછળ ચાલ્યો. પાટણની આવી વારાંગનાઓ? એને ભૃગુકચ્છમાં ગાળી નાખેલા વર્ષોનો અત્યારે પસ્તાવો થઇ રહ્યો. 

મુખ્ય દ્વાર ઉપર એ પહોંચ્યો ને એક રૂપસુંદરીએ એણે નતમસ્તકે પ્રણામ કર્યા. બોલી એક શબ્દ નહિ. આંહીં નતમસ્તક પ્રણામ એ જ જાણે ભાષા હતી. જવાબમાં ઉદયને પોતાની મુદ્રિકા આપી. 

કાકને આશ્ચર્ય થયું. મંત્રીશ્વર જેવાને જ્યાં રોકાવું પડે એવી આ નારી હતી કોણ? કોઈ રાજરાજેશ્વરી હતી? ઇન્દ્રની અપ્સરા હતી કે કોણ હતી? એણે વૌસરિને આંહીં મોકલ્યો ત્યારે આવો કાંઈ જ ખ્યાલ એણે ન હતો. મંત્રીશ્વરે એક વખત વાતવાતમા અત્યારના વાતાવરણ પરત્વે એને જણાવ્યું હતું કે કોઈક વખત અક્સ્માત કાંઈ બની જાય, હું હાજર ન હોઉં, કાંઈક છુપાવી રાખવાની જરૂરિયાત હોય, તો આ કૃષ્ણદેવના મહાલય પાસે રહેતી નીલમણિને મારે નામે એક શબ્દ કહેવરાવવો. બે પળમાં તમામને અદ્રશ્ય કરી દેવાની એ શક્તિ ધરાવે છે. એ વાત ધ્યાનમાં રાખી લઈને કાકે વૌસરિને વિશ્વાસુ અનુચર સાથે આંહીં મોકલ્યો હતો. પણ આંહીં તો આખી હવા જ જુદી હતી. એને લાગ્યું કે એણે જન્મ ધરીને જુદ્ધો જ  જોયા કર્યાં, પણ પાટણની આ અદ્ભુત જુવતીઓ તો જોઈ નહિ. ત્રિલોચનપાલે આ સ્થાન જોયું હશે? – એના મનમાં વિચાર આવી ગયો. 

એટલામાં પેલી રૂપસુંદરી પાછી ફરતી જણાઈ. એણે કેવળ નમીને જ ઉદયનને આવવાની સંજ્ઞા કરી દીધી. ઉદયન આગળ વધ્યો. કાક એની પાછળ જ હતો. 

એક ભૂમિકા, બે ભૂમિકા, સપ્તભૂમિકા પ્રાસાદની છેક છેલ્લી ભૂમિકામા તેઓ આવ્યા. આંહીંના એક ગવાક્ષમાંથી બહાર દ્રષ્ટિ કરતાં કાક ડોલી ગયો. જાણે અમરાવતી એક પળભર નીચે રમવા ઊતરી આવી હોય એવી પાટણનગરી શોભી રહી હતી. સેંકડો, હજારો ને લાખો સોનેરી કળશો સૂર્યના પ્રકાશમાં ચળકી રહ્યા હતા. ઠેરઠેર ફરકતી ધ્જોના ઉત્તુંગ દંડો જાણે ઉન્નત મસ્તકે ઊભેલા પાટણપ્રતિહારીઓ સમાં શોભતા હતા. દૂરદૂર સરસ્વતીના જલપ્રવાહમા સેંકડો નૌકાઓ આમથી તેમ આવતી-જતી નજરે પડતી હતી. રંગબેરંગી પટોળાં પહેરીને પાટણની સુંદરીઓએ સરસ્વતીને શણગારી મૂકી હતી. કાકે ઉદયનને એક પળભર એ દ્રશ્ય બતાવ્યું અને બંને જણાનાં મનમાં એક જ વિચાર આવી ગયો લાગ્યો: ‘આવી આ પાટણનગરીનો વારસો એ જાળવી શકશે ખરો? પછી મહારાજ જયસિંહદેવ “ટોચ” હશે? આ વારસો, કાકદેવ! જાળવવા...’ ઉદયન અધૂરી વાણીને પૂરી કરતો હોય તેમ નગરીને નિહાળી રહ્યો. એટલામાં એમને એમના વિચારમાંથી જગાડતો રૂપેરી રણકા જેવો એક મધુર શબ્દ અંદરના ખંડમાંથી આવ્યો: ‘પધારો, પધારો, મંત્રીશ્વરજી! આજ તો તમે પોતે...’

કાકે ચમકીને ત્યાં જોયું. સામેથી એક સ્ત્રી આવી રહી હતી અને જેને કોઈ નામ જ ન આપી શકાય એવી કોઈક વસ્તુ પણ એની સાથે-સાથે આવી રહી હતી. નારીમાં રૂપ હોય, પણ આંહીં તો રૂપથી પર એવું કાંઈક હતું. રૂપમાંથી થોડી વાર પછી માણસ જાગે, આમાંથી તો ઊઠે જ નહિ. એક પળભર એ પોતાની જાતને ભૂલી ગયો. સામેથી કોઈ નારી નહિ, પણ જાણે કોઈ કવિની સ્વપ્નપ્રતિમા હવામાં ચાલતી આવતી હોય તેમ એ આવી રહી હતી. એની પાસે છટા, રૂપ, રંગ, આકર્ષણ, મધુરતા – કાંઈ જ દેખાતું ન હતું. ને છતાં એ બધાની હવા એનામાંથી ઊભી થતી હતી. એની આંખમાં ત્રિલોકની મોહિની બેઠી હતી. એક વખત એને જોનારો જાણે એના વિના જીવી જ નહિ શકે, એટલું બધું એનામાં જાદુઈ આકર્ષણ હતું. એણે આવીને ઉદયનને પ્રણામ કર્યા, પાસેના આસન તરફ એને દોર્યો: ‘આવો પ્રભુ! આવો. આજ તો તમે પોતે આંહીં આવવાની કાંઈ કૃપા કરી? મારા જેવું કાંઈ કામ... પેલો તમે...’ કાકને જોતાં જ એણે શબ્દ અધૂરો મૂકી દીધો.

‘કેમ, નથી ઓળખતાં એમને? એમ છે? એ અમારા કાકભટ્ટજી! લાટના દંડનાયક છે.’

‘કર્કભટ્ટ કહે છે તે? હા, એમનું નામ તો મેં સાંભળ્યું છે. માલવામાં એઓ હતા, કાં? તુરંગાધ્યક્ષજીએ વાત કરી હતી.’

‘હા, એ. આપણી વાતમાં એમને રસ લેતા કર્યા છે. એમને મેં બધું કહ્યું છે. ક્યાં છે પેલો? તુરંગાધ્યક્ષજીને મળ્યો એ?’

‘ના-ના હવે.’ નીલમણિએ એક તાલી પાડી. જવાબમાં એક દાસી દોડતી આવી: ‘કૃષ્ણદેવજી આવ્યા ન હોય તો બોલાવી લાવ જરા. આ તમારા પેલાં... જુઓ આવ્યા...’ સામેથી એક સાદાં લૂગડાં પહેરેલો માણસ આવી રહ્યો હતો. 

કાકે ત્યાં નજર કરી. એ આશ્ચર્યમાં પડી ગયો. પોતે વૌસરિને જોઈ રહ્યો હતો કે એનું આ કોઈ નવું ભૂત હતું? એની દાઢી-બાઢી વેશ – કાંઈ કહેતાં કાંઈ ત્યાં હતું જ નહિ ને! સફાચટ તાલકા ઉપર તાજું લગાવેલું સ્નિગ્ધ તેલ ચળકી રહ્યું હતું!

‘અમારે જરાક એમને ફેરવી નાખવા પડ્યા, કાકભટ્ટજી! હમણાં-હમણાં ત્રિલોચનપાલજી આંહીં ઠીક કૃપા કરી જાય છે.’

‘આવ્યા’તા?’

‘આવવાના હંમેશાં, મેળવવાના કાંઈ નહિ.’ નીલમણિએ સામાન્ય બનાવ હોય તેમ કહ્યું, ‘કૃષ્ણદેવજી પોતે આંહીં રહ્યા, એટલે વધુ તો શું, પણ તપાસ તો કરે. અમારામાં એમને રસ છે. ને અમારામાં રસ હોય, એમનામાં અમને રસ છે.’ નીલમણિ હસી પડી. 

ઉદયન એ સાંભળી રહ્યો. 

ઉદયને વૌસરિને પાસે આવવા ઈશારત કરી. વૌસરિ ઉપર એટલા સંસ્કાર આ છેલ્લી બે ઘડીમાં થઇ ગયા હતા કે કાંઈ સમજતો ન હોય તેમ તે યંત્રવત આગળ વધ્યો. ઉદયને એણે પોતાની છેક નજીક બેસાર્યો, એનામાં વિશ્વાસ પ્રેરે તેવા શાંત અવાજે કહ્યું: ‘આંહીં બધા આપણે એક જ છીએ, મહારાજજી! રાત થોડી છે, વેશ ઝાઝા છે. તમારે મને મળવું હતું? કાકભટ્ટે મને કહ્યું.’

‘મારે તમને મળવું હતું?’ વૌસરિ હજી સ્પષ્ટ થવામાં ભય જોઈ રહ્યો હતો. 

‘જુઓ, મહારાજજી...! આજે ઉતાવળ ઘણી છે, પળપળની ગણતરી છે. બીક રાખ્યા વિના તમે એકદમ સીધી વાત ઉપર આવી જાઓ તો આપણું કામ સરળ થાય. તમને ઘણી વીતી છે. તમારે અવિશ્વાસ રાખવો જોઈએ. પણ આંહીં તો હવે ઘર છે અને એક પળ ઢીલની કિંમત પછી જિંદગીથી આપવી પડે તેમ છે. તમે હવે પાછા કુમારપાલજી પાસે જાઓ તેમાં સો ટકા જોખમ છે. બોલો કુમારપાલજી ક્યાં રહ્યા?તમે ત્યાંથી આવો છો? અમે આકાશપાતાળ એક કર્યા ત્યારે કુમારપાલજી ન મળ્યા, ને મળ્યા ત્યારે! આટલાં નજીક ને અચાનક વૃક્ષનું પોલાણ કેવું છે? ઠીક છે?’

‘હા.’ વૌસરિએ જવાબ વાળ્યો. ‘એમાં અમે હજી પણ રહી શકીએ. પત્તો ન લાગે. ઝાડનું પોલાણ વિશાળ છે ને ઊંચું છે!’

સામેથી નીલમણિને આકર્ષક રીતે ઊભી થતી ઉદયને જોઈ. એ સમજી ગયો – તુરંગાધ્યક્ષ આવતો હોવો જોઈએ. એટલામાં તો એનો જ અવાજ સંભળાયો. ‘કાં મહેતા! કેમ બોલાવ્યો, ભૈ, મને? શું છે? તમે છો, કાકભટ્ટ છે, આ છે...’ તેણે હેતભર્યા એકાકી શબ્દે નીલમણિને ઉદ્દેશીને કહ્યું.

‘છીએ અમે બધાં...’ નીલમણિએ કહ્યું, ‘પણ, મહારાજ! કીકી વિનાની આંખ જેવાં! ઉદયને આજ પહેલી વખત ભાષામાં આટલું માધુર્ય હોઈ શકે એ અનુભવ્યું. નીલમણિના શબ્દોની મધુરતા જાણે હવામાં તરતી રહી ગઈ હતી. એણે વિચાર્યું કે, ‘કૃષ્ણદેવજી પ્રેમલને છોડી ન દે તો બીજું કરે શું?’

‘કૃષ્ણદેવજી! તમે ક્યાં જાણતાં નથી તે મારે મોંએ કઢાવો છો?’ ઉદયન બોલ્યો, ‘વર વિનાની ક્યાંય જાન દીઠી છે ખરી? અમારે વાણિયાભાઈ કહે તેમ... એકડા વિનાનાં સો મીંડા!’

કૃષ્ણદેવને સારું લાગ્યું હોય તેમ એના ચહેરા ઉપરથી જ જણાયું. ઉદયને એને હાથ ઝાલીને પાસે બેસાર્યો: ‘જુઓ, કૃષ્ણદેવજી! તમે પગલું આગળ નહિ માંડો, તો... આ ગવાક્ષમાંથી જરા નજર કરો. આ નગરી જુઓ. તમારા ઉપર આ નગરીનું ભવિષ્ય અવલંબે છે.

કૃષ્ણદેવ હસી પડ્યો. એના હાસ્યમાં મોંઘો મુરબ્બીવટનો અવાજ હતો.

‘હા, ભૈ, હા! બધા મને મોટો બનાવો. શું છે, બોલો ત્યારે!’

‘જુઓ કૃષ્ણદેવજી! શાસ્ત્રમાં કહ્યું છે કે પહેલાં વિચાર હજાર કરવા, પણ પગલું ભરતી વખતે એક જ વિચાર કર્યો. આ આવ્યા છે...’ ઉદયને વૌસરિ સામે આંગળી ચીંધી.

‘કોણ છે એ ભાઈ? ક્યાંના છે?’

‘એઓ કુમારપાલજી પાસેથી આવે છે. કોણ છે એ તમે એમને પૂછો જુઓ. તમારા નિર્ણય પહેલાં અમે પૂછ્યું જ નથી. શું તમારું નામ, મહારાજજી? બ્રાહ્મણ છો નાં?’

‘હા. મારું નામ વૌસરિ!’

‘ક્યાંના છો?’

‘લાટનો.’

‘કુમારપાલજી ક્યાં છે?’ કૃષ્ણદેવે અચાનક પૂછ્યું.

‘આહીંથી પશ્ચિમ દિશામાં થોડે દૂર એક વડવાળી પ્રપા છે ત્યાં.’

સાંભળતાં જ એક પળભર વાતાવરણ ગંભીર બની ગયું. કૃષ્ણદેવની મુખમુદ્રા ઉપર આવતા-જતા અનેક રંગ ઉદયન જોઈ રહ્યો. માલવજુદ્ધનો કૃષ્ણદેવ હવે ત્યાં ન હતો: આજે આ નીલમણિનો દાસાનુદાસ હતો. એ નીલમણિને લાગે કે રાજગાદી ઉપર કૃષ્ણદેવની પોતાની પહેલી જરૂર છે, તો કૃષ્ણદેવ એમ ડોકું ધુણાવે એવું હતું. ઉદયને એની આ આંતરિક નબળાઈ માપી લીધી હતી. ‘જુઓ કૃષ્ણદેવજી! તમે જે ધારશો તે પાર ઊતરશે. પણ પહેલું પગલું આપણે લેવું, તે સમજીને લેવું. થોડા સમય પછીનું પગલું આજે લેવાઈ જાય ને આજનું પગલું પછી લેવાય, તોપણ વાંધો. આપણે હવે જે પગલું લેવું તે તરત લેવું જોઈએ. કુમારપાલજી ત્યાં છે એ ખબર મલ્હારભટ્ટને પડ્યા લાગે છે. ત્રિલોચનપાલને પણ જાણ હશે જ. કેશવ પણ જાણતો હોય. સૌને માલૂમ હોય. એમાંથી એમને આંહીં લાવવા હોય તો સાંજ પહેલાં લાવવા જોઈએ. સાંજે ત્યાં પ્રપાને ફરતો મલ્હારભટ્ટનો ઘેરો બેઠો હશે. પચાસ માણસો ત્યાં પહોંચી ગયા હશે.’

‘ઘેરો હશે? કોણે કહ્યું? મલ્હારભટ્ટ જવાના છે?’

‘સાંજ પડ્યે પ્રપાને ઘેરી લેવાનો નિર્ણય લેવાઈ ગયો છે. કાકભટ્ટ એ જાણે છે.’

‘તો આપણે પચાસને બદલે સો ઘોડાં લઈને જાઓ, કાકભટ્ટ!’

ઉદયન હસી પડ્યો – દેખીતી રીતે જાણે એની બહાદુરીભરેલી ઉદારતા ઉપર, અંદર મનમાં આ માણસની ઉતાવળી મૂર્ખતા ઉપર. તેણે ધીમેથી કહ્યું. ‘એમ નહિ, કૃષ્ણદેવજી! આપણે ઉઘાડા તો ક્યારેય ઊઠવું જ નથી; એ નીતિ તો અચળ છે. એમાં આંતરિક ઘર્ષણનું જોખમ બહારના દુશ્મનનું જોખમ. લોકમાં અપ્રિય બનવાનું જોખમ. ને પરિણામ શંકાભરેલું. એટલે એ વાત તો ટાળવાની છે. કુમારપાલજી ક્યાં હશે, વૌસરિ?’

‘વડના થડમાં છેક ઊંચે. ઘણું પોલાણ છે પ્રભુ! કુમારપાલજી એમાં આશ્રય લેવાના હતા. સાંજે હું પાછો ફરું ત્યારે બહાર નીકળવાના હતા.’

‘સાંજની તો હવે વાત જ નથી. અત્યારે અબઘડી શી રીતે એમને આંહીં લાવવા એ સવાલ મોટો છે. સાંજ આપણી નથી.

સૌ વિચારમાં પડી ગયા. ઘર્ષણ થાય નહિ, ખબર પડે નહિ, શંકા આવે નહિ, મારામારી કરવા કોઈ પ્રેરાય નહિ એવી રીતે કુમારપાલને લાવવા. પણ લાવવા શી રીતે? બે પળ તો કોઈને કાંઈ સુઝ્યું નહિ.

‘આ વડવાળી જગ્યા ઘટ્ટ છાયાદાર છે, કેમ? પશ્ચિમ દિશા તરફ જતાં આવે છે. એક મોટો ગંભીર વડલો ત્યાં ઊભો છે. એ જ જગ્યા નહિ?’ નીલમણિએ વૌસરિ સામે જોયું. એ મનમાં કાંઈક સંભારી રહી હતી. 

‘હા, એ જ. તમે બરાબર યાદ રાખી લાગે છે.’

‘ઘણી વખત ત્યાં મુસાફરીએ જતાં-આવતાં સમય ગાળ્યો છે. એનાથી થોડે દૂર પાટણ તરફ આવતાં એક ખંડેર જેવું પણ આવતું હશે.’

‘આવે છે, આવે છે.’ વૌસરિ બોલ્યો.

‘એ પણ અમે જોયું છે. તો-તો મંત્રીશ્વરજી! એમ ન થાય –? મલ્હારભટ્ટ આ પ્રપાને સાંજે ઘેરી વળવાનો છે, તે પહેલાં આપણા કોઈક માણસો ખંડેરમાં ખાંખાખોળા કરવા લાગી જાય તો?’

‘આ...હા!’ ઉદયન પ્રશંસાથી નીલમણિની સામે જોઈ રહ્યો. કોઈ સમજ્યું લાગ્યું નહિ. 

‘શું? શું? શું કહ્યું તમે?...’ કૃષ્ણદેવે નીલમણિને પૂછ્યું.

‘કૃષ્ણદેવજી આ યોજના પર ઉતારશે.’ ઉદયન બોલ્યો. 

‘પણ શી રીતે, એ તો કહો!’

‘મંત્રીશ્વરજી કરશે.’ નીલમણિએ જવાબ વાળ્યો અને તે ઉદયન સામે જોઈ રહી. જે વિચાર ઉદયનના મનમાં ચાલી રહ્યો હતો એ જ વિચાર એના મનમાં પણ ઘોળાતો હતો: ‘ભવિષ્યમાં આની મૈત્રી નહિ હોય ત્યારે આ ભારે પડશે!’ તે સમજ – લગભગ અકલ્પ્ય આંખનું સ્મિત કરી રહી: ‘કહો, મંત્રીશ્વરજી! આ ઠીક નથી લાગતું? એમાં શંકા તમામ સૂઈ જાશે.’

કોઈ કાંઈ સમજ્યું નહિ.

‘પણ શું? આમાં સમજવું શું? કૃષ્ણદેવજીએ કહ્યું, ‘કરવાનું શું?’

‘બીજું કાંઈ નહિ, કૃષ્ણદેવજી! પચાસેક ઘોડેસવાર કાકભટ્ટને આપો. ઊપડે. મલ્હારભટ્ટ પ્રપા તરફ જતા દેખાય; ત્યારે એ ખંડેરમાં રખડતા હોય!’

‘હા... તો?’

‘તો થાય એવું કે કાકભટ્ટને ત્યાં ખંડેરમાં ખાંખાખોળા કરતો જોઇને મલ્હાર ત્યાં જ થંભી જાય. એનો નીકળવાનો રસ્તો એ જ નાં? એણે શંકા પડે, એટલે એ ત્યાં જ રોકાઈ જાય. એ વખતે એ તકનો લાભ લઈને વૌસરિ ને બીજો કોઈ – તેજદેવ કે હઠીલો – બે જણા વડવાળી પ્રપાએ પહોંચી જાય. પછી વૌસરિ ત્યાં રહી જાય. હઠીલો ને કુમારપાલજી બીજા માર્ગે થઈને કાકભટ્ટજી તફ ચાલ્યા આવે અને ઘોડેસવારો સાથે ભળી જાય, તો એમનો કોઈ ભાવ પૂછે કે કારવે! મલ્હારભટ્ટને મોડેથી જ્યારે લાગે કે ખંડેરમાં કાંઈ માલ નથી, ખોટી હકીકત જણાય છે, એટલે એ જાય વડવાળી પ્રપા જોવા અને ત્યાં ખાંખાખોળા શરુ કરે. ત્યાંથી જો કાંઈ જ ન મળે તો-તો એની શંકા ન ટળે, એટલે ત્યાંથી પાછું એને કોઈક મળવું જોઈએ. બીજું તો શું મળે? આ વૌસરિ મળે! આટલા બધા ઘોડેસવાર જોઇને એ ભડકીને સંતાઈ ગયો હોય. પણ વૌસરિની આ તૈયારી છે?  બંધન – થોડો વખત તો અગ્નિપરીક્ષા કરશે.’

‘પ્રભુ! અમે આ ખંડેર પણ વેઠ્યું છે ને અગ્નિપરીક્ષા પણ આપી દીધી છે. એના કરતાં તો આ આકરી નથી. હું તૈયાર છું.’

‘ખંડેર, પ્રપા, વડ – બધાંની તપાસ થતી હતી.’ ઉદયન ફરીને યોજનાને મનમાં તપાસી રહ્યો, ‘અને વૌસરિ સિવાય ખરી રીતે ત્યાં કાંઈ ન હતું – એમ શંકા પણ નિર્મૂળ થતી હતી. ધાર પરમારે વાત કહી હતી કૃષ્ણદેવજીને, માટે તપાસ કરી પણ ત્યાં તો કોઈ ન નીકળ્યું.’ આ બરાબર હતું. તેણે મોડેથી જવાનો નિર્ણય આપી દીધો.

નિર્ણય થતાં જ એકદમ કાક ઊભો થઇ ગયો. હઠીલો પણ આવી ગયો. વૌસરિને ઘોડેસવાર જોદ્ધો બનાવી દેવા સાથે ઉપાડ્યો. જતાંજતાં કાકે વૌસરિને કહ્યું: ‘જોજો હો,ભૂદેવ! મેં ગળચી પકડી હતી, એનો બદલો તલવારથી લેતા નહિ!’

‘કુમારપાલજીનું કામ થતું હોય તો મારી તમે હજી એક હજાર વખત ગળચી પકડજો ને!’ વૌસરિ બોલ્યો.

‘તમને ગળચીથી ઝાલીને આજે ઉપડ્યા તો આટલી વાત વહેલી પતી; નહિતર હજી તમે કહેવા-ન-કહેવામાં ગોથાં ખાતા હોત, તેનું શું? ને કામ તો રખડી પડત.’

‘કાકદેવ! આ રાજકુમારે કેવળ ચણા ઉપર દિવસો ગુજાર્યા છે હો! અમને તો પાંદડાની, પંખીની – અરે તણખલાંની પણ શંકા રાખવાની ટેવે જ ઉગાર્યા છે.’

‘અને અમને ઉતાવળ કરવાની ટેવ. પણ તમે મને માફી તો આપી છે નાં?’ કાકે હસતાંહસતાં કહ્યું.

‘હા-હા, અત્યારે તો આપી, આપી. પણ જુઓ તો ખરા, કુમારપાલજી આવશે પછી તમારી વાત છે!’ વૌસરિ હસતાંહસતાં બોલ્યો.