૩૭
કાક આવ્યો
આનકરાજ ને સુધવા દેવી ગયાં-ન-ગયાં કે મહારાજે કાકને જોયો: ‘કાકભટ્ટ, સિંહ કે શિયાળ? પહેલું એ બોલી દે, વિગત પછી! કુમારપાલે ઉતાવળે જ કહ્યું.
‘સિંહ, મહારાજ! સિંહ!’
‘થયું ત્યારે! હવે માંડીને કહે, ક્યાં છે ધારાવર્ષદેવજી?’
એટલામાં પરમાર ધાર પણ દેખાયો. કુમારપાલ પહેલી જ વખત કાંઈક સ્થિર વાતાવરણમા એણે નિહાળી શક્યો. એની શરીરસમૃદ્ધિ જોઇને એ છક થઇ ગયો. અર્બુદગિરિના આરસમાંથી જાણે કોઈ શિલ્પીએ વજ્જર-દેહ ઘડ્યો હોય!
‘ધાર પરમાર! આવો-આવો આંહીં મારે પાસે આવો!’
મહારાજે એને પ્રેમથી બોલાવ્યો.
ધાર પરમાર આગળ આવ્યો. એણે મહારાજના પગે હાથ મૂક્યો: ‘પ્રભુ! બલ્લાલને તો કાકભટ્ટે હણી જ નાખ્યો! મહારાજનો પ્રતાપ બધે વિજય મેળવી રહ્યો છે!’
‘મહારાજ!’ કાકભટ્ટે હાથ જોડ્યા, ‘પરમારજીની વાત બધી આબુના ગડગડિયા જેવી સમજવી હો! હણનાર પોતે છે અને એ પાપ મારા ઉપર ઢોળવું છે!’
‘તમે બંને પાપી છો!’ મહારાજે વિનોદ ચાલુ રાખ્યો, ‘ને તમને આંહીં પવિત્ર કરવા પડશે, મંત્રીશ્વર! કાકને સેનાપતિપદનો અભિષેક કરો, જેથી એ પવિત્ર થઇ જાય. અને ધાર પરમારને...’
ઉદયન, કાકભટ્ટ, રાણી ભોપલદે મહારાજના વાક્યને અધૂરું મુકાતું જોઈ રહ્યા. કુમારપાલ પણ શબ્દ કાઢતાં પહેલાં જરાક વિચારમાં પડી ગયો લાગ્યો.
‘મહારાજ! ધારાવર્ષદેવજીનું પ્રાયશ્ચિત તો મહારાજે કહ્યું નહી! આવી જ મહારાજની વાણી અમારે ગણવી – અધૂરી ને ગોળગોળ...’
‘કહું છું, રાણી! કહું છું. તમે તો બહુ અધીરાં! દુનિયા મને લોભી માને છે, હવે તમે પણ માનો. આ એક ભાલે ભરાવ્યે તમને નિરાંત નહિ મળે!’
‘ભાલે કોને ભરાવ્યા છે, મહારાજ? હા, પણ કાકભટ્ટ! પરમારજી! તમને ખબર નહિ હોય! મહારાજને હું ગમતી નથી. મહારાજ આંહીં મોહી પડ્યા છે, આનકની પુત્રી જ્લ્હણા ઉપર. તમે આવ્યા ત્યારે જ વાત કરીને શાકંભરી ગયા. હું જરાક જૂની થઇ નાં?? કાલે તો વાગ્દાન વિધિ છે!’
‘દે, સારું છે તમે હાથમાં તલવાર નથી લેતાં એ, હો! તલવાર વિના જ હજાર તલવારનું કામ આની પાસે ઠીક લ્યો છો!’ કુમારપાલે જીભ કાઢીને બતાવી.
રસિક હાસ્યની લહરી જેવી ભોપલદે મહારાજને નિહાળી રહી, ‘મહારાજ આ સૌના દેખતાં તમે મને પાછી પાડી છે, પણ પ્રભુ! એનું વેર તો મેં પહેલેથી જ વસૂલ કરી લીધું છે!’
‘એ બાબતમાં તમારી હોંશિયારી અમારે કબૂલ છે. સૌ એ જાણે છે. પછી કાંઈ?’
‘હમણાં પેલી મારવાડણ આવશે, ચોસર લઈને, ત્યારે પછીની ખબર પડશે!’
‘અરે દે!’
‘જુઓ, મહારાજ! જુદ્ધ હવે પૂરું થયું છે. આ કાકભટ્ટ સમાચાર લાવ્યા. મહારાજ ત્રિભુવનપાલ ચોસર ખેલતા. મહારાજ દેવપ્રસાદની ચોસર-રસિકતા તો આજ પણ પટ્ટણીઓ સંભારે છે. આ જ્લ્હણા છે જરા ચોસરની શોખીન. મેં કહ્યું છે, અલી! હાલી આવજે ને રાત પડ્યે! એટલે હમણાં એને આવી બતાવું!’
‘અરે! પણ દે! આ તમારે તે મારું...’
‘શું કરી નાખવું છે, એમ નાં! કાંઈ કરવું નથી, મહારાજ! દાવ ચલાવવા હું પંડ્યે બેસીશ, પછી છે કાંઈ? મહારાજ હોડમાં કાંઈ ન મૂકતા, બસ? લ્યો હવે વાત ચલાવો ધાર પરમારની, મહારાજ! પછી એ રહી જાશે! ધાર પરમારનું પ્રાયશ્ચિત શું છે? કહી નાખો તો!’
‘મા આરાસુરા! અંબાભવાની, એના દ્વારપાલ પરાપૂર્વથી ચંદ્રાવતીના પરમાર રહ્યા છે એ તો, દે! ખબર છે નાં? ત્યારે આ ધાર પરમાર પણ એ દ્વારપાલપદે બેસવાના. યશોધવલજીનું સિંહાસન યશોધવલજીને પાછું મળશે.’
‘પણ, પ્રભુ! ત્યાં તો...’ મંત્રીશ્વર ઉદયનને લાગ્યું કે ઉત્સાહમાં મહારાજ ભૂલી ગયા. ‘ત્યાં તો વિક્રમ બેઠો જ છે. એને હજી પદભ્રષ્ટ કર્યો છે કોણે? પાછું શું જુદ્ધ આદરવું છે?’
‘ત્યાં આ પળેથી વિક્રમ હવે નથી, મંત્રીશ્વર! કાલે પ્રભાતે મારી પાસે એને લાવજો તમે. અને ધાર પરમાર! આના બદલામાં તમે અમને શું આપશો એ કહો!’
‘મહારાજ! હું શું આપું? ધારે બે હાથ જોડ્યા, ‘મારી પાસે તો આ છે.’ એણે તલવાર બતાવી. ‘બહુ બહુ તો એકાદ કવિતા આપું!’
‘ના, એમ નહિ હું માંગુ તે આપો તો હા, નહિતર ના.’
‘મહારાજને જોઈએ તો ચંદ્રાવતીને ન જોઈએ, બસ? મહારાજ માગે એટલું ભાગ્ય ક્યાંથી? અર્બુદગિરિ જોઈતો હોય મહારાજને તો એ અર્પણ કરીએ. મંત્રીશ્વર વિમલે શણગાર્યો છે, હવે ભલે ઉદયન મહેતા શણગારે!’
‘ના, ગિરિરાજ તો તમે સાચવો, એને તમે સાચવો, તમને એ સાચવે. પણ કાકભટ્ટ! ઠીક સાંભર્યું આપણને. પેલા ત્રિલોચનને તો આંહીં લાવો પહેલાં! એ બિચારાને તો કોઈએ સંભાર્યો જ નથી!’
એક સંદેશો ગયો. થોડી વારમાં ત્રિલોચન આવ્યો. અત્યાર સુધી એને તદ્દન ભૂલી જ ગયા એની મહારાજના દિલ પર અસર થઇ ગઈ હતી.
‘ત્રિલોચન! તને તો અમે ભૂલી ગયા, પણ આ મંત્રીશ્વરે જ્યારે બોલાવો ત્યારે પાટણના દુર્ગપતિ ત્રિલોચનને બોલાવજો એમ કહ્યું હતું. એટલે બોલાવવાનું રહી ગયું હતું હો! આજથી હવે પાટણનો દુર્ગપતિ તું છે. આ મુદ્રા લે! મંત્રીશ્વર! અધિકારપત્ર અપાવી દેજો એને.’
ત્રિલોચને હાથ જોડ્યા: ‘મહારાજ મને મુક્ત કરતા હોય તો મારે કેશવ સેનાપતિને મળવાનું છે. મેં એમને વેણ આપ્યું છે.’
કાકભટ્ટ ને કુમારપાલ સામસામે જોઈ રહ્યા, ત્રિલોચનને કેશવ સેનાપતિની જળસમાધિની ખબર લાગી નહિ. અત્યારે હવે ખબર કરવી પણ નહિ, સંકેત થઇ ગયો.
‘એ પણ થશે, વખત આવ્યે, ત્રિલોચન! પણ અત્યારે તો તું લે! ને તને એક બીજું કામ પણ સોંપવાનું છે! સાંભળ, દૂધશ્વેત આરસ આ અર્બુદપતિ ધારાવર્ષદેવજી આપણને ભેટ મોકલવાના છે. ધારાવર્ષદેવજી! તમારી પાસેથી માંગવાનું આ હતું...!’
સૌ સાંભળી જ રહ્યા. મહારાજ આરસને શું કરવાના હતા? કોઈ મહાન જૈન મંદિર પાટણમાં ઊપડવાની શક્યતાએ મંત્રીશ્વર ઘેલોઘેલો થઇ જતો જણાયો. મહારાણી ભોપલદેને કાંઈ સમજ પડી નહિ. કાક સાંભળી રહ્યો. ત્રિલોચનને કાંઈ સ્પષ્ટ ન થયું. પણ ત્યાં મહારાજ આગળ વધ્યા: ‘દે! મહારાજ સિદ્ધરાજના છેલ્લા વીરપુરુષની એક અશ્વારોહી પ્રતિમા ત્યાં પાટણના સહસ્ત્રલિંગ તળાવે, મહારાજના કીર્તિસ્તભ પાસે, ઊભી કરાવવી છે. ધારાવર્ષદેવજી! તમારી પાસેથી તમારો શિલ્પી પણ અમારે માગવાનો છે, જેણે તમને આબેહૂબ દેખાડ્યા છે ને દૂધશ્વેત સાથે, કાળો આરસ પણ.’
‘પ્રભુ!’ ઉદયને બે હાથ જોડ્યા.
‘સેનાપતિ કેશવની પ્રતિમા, મંત્રીશ્વર! આપણે ઊભી કરીએ છીએ.’ કાકની નજર સમક્ષ એક પળભર પેલું ભવ્ય દ્રશ્ય ખડું થઇ ગયું. બોલીને કુમારપાલ પણ કાક સામે જોઈ રહ્યો હતો. રાજા ને સેનાપતિ કેટલીય પળ એકબીજાની સામે. કેશવ સેનાપતિની જાણે સ્વપ્નપ્રતિમા જોતા હોય તેમ, જોઈ રહ્યા. આજનો વિજય અને જ આભારી ન હતો?
એટલામાં બંનેને જાગ્રત કરનાર સોનેરી-રૂપેરી ઘૂઘરીઓનો મંજૂલ સ્વર હવામાંથી આવી રહ્યો હતો.
‘મહારાજ! જ્લ્હણા આવતી લાગે છે. જોજો, પહેલી જ બાજીમાં મીંડું મૂકો નહિ હોં!’
હાસ્યની એક હળવી લહરીએ આખા ખંડને પ્રસન્ન કરી મૂક્યો.