Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 9

તૈયારી

ઉદયન રાજદરબારમાંથી પાછો આવ્યો ત્યારે કાકભટ્ટ એની રાહ જ જોતો હતો. એને મનમાં એક નિરાંત હતી – ત્રિલોચનપાલને સાધુનો કાંઈ પત્તો મળ્યો ન હતો. ઉદયન આવે તો એણે જલદી કોઈ નિર્ણય લેવાનો હતો. એણે મંત્રીશ્વરને આજના જેવો શાંત-સ્થિર ક્યારેય જોયો ન હતો. એણે લાગ્યું કે ચોક્કસ રાજદરબારમાં કંઈક ઊથલપાથલ થાય તેવાં પગલાનો નિર્ણય આજે થયો જણાય છે. 

તેને જાણવા માટે બહુ વાર રાહ જોવી પડી નહિ. બેઠકખંડ તરફ જતાં ઉદયને ચારે તરફના મેદાનમાં એક દ્રષ્ટિ નાખી લીધી. કાક તેની પાછળપાછળ ગયો. મંત્રીશ્વરે ખંડને પણ એક ચકોર દ્રષ્ટિથી માપી લીધો. એની આજની બધી હિલચાલ કાક બારીકીથી જોઈ રહ્યો હતો. 

મંત્રીશ્વરે પાઘડી ઉતારી ખીંટીએ મૂકી, ઉપકરણો પાસે લટકાવ્યો. તકિયાને અઢેલીને ગાદી ઉપર એ બેઠો. પગ જરાક લાંબો કર્યો. એનો એક હાથ ઉભડક કરેલા જમણા પગનાં ગોઠણ ઉપરથી નીચે લટકતો રહી ગયો. એની લાક્ષણિક, કોઈ મહાન પગલું ભરતી વખતની, આ જાણે કે સ્થિર મુદ્રા હતી. કાક શાંત રીતે એની સામે જ બેસી ગયો.

‘કર્કભટ્ટ! શું છે આહીંનું?’ ઉદયને એની સામે જોઇને કહ્યું, ‘ત્યાંના સમાચાર કાંઈ બહુ આશાજનક નથી. સર્વદેવ પાસે મૂહુર્ત મંગાવ્યું. અભિષેક કરવાની વાત થઇ. તમે કોવિદાસજીને તૈયાર કર્યા હશે. એણે ત્યાંની પરિસ્થિતિ તો બરાબર મૂકી.’

‘છતાં પણ અભિષેકની વાત થઇ? પણ અભિષેક કોનો?’

‘તમે તમારો દાવો રજૂ કરો તો તમારો! સામંતમંડળને ઠીક લાગવું જોઈએ.’

‘કોવિદાસજીની વાત સાંભળ્યા પછી પણ આ નિર્ણય થયો?’

‘હા, કોવિદાસજીએ એ તરફના સમાચાર કહ્યા. ચતુરંગી સેના માલવા તરફ જવી તો જોઈએ. બલ્લાલ ને બીજા કાંઈ થોડા સખણા રહેશે? પણ અભિષેક પામેલા મહારાજ પાટણપતિ પોતે એને દોરે, એમ નક્કી થયું. એટલે ત્યાગભટ્ટ – એમ જ સમજો ને!’

‘પણ સૌ એમાં કબૂલ થયા?’

‘નહિ થયા હોય તો હવે થશે. મહાદેવે રાજસભા બોલાવી છે. બે-ચાર દીમાં મળશે. એમાં સામંતો, માંડલિકો, પુરોહિતો, બ્રાહ્મણો, નગરશ્રેષ્ઠીઓ, દંડનાયકો – સૌ આવશે. એમાં નિર્ણય લેવાશે. પણ નિર્ણય આ હશે, સમજો ને!’

‘કે?’

‘અરે! કે શું? જુઓ, કાકભટ્ટજી! દુનિયામાં રાજ બે રીતે ચાલે છે – રાજકીય પુરુષો નીતિ ઘડે. પછી સશસ્ત્ર સેના એણે કાર્યમાં મૂકે. ત્રીજી કોઈ રીત છે નહિ. આ બધાને બોલાવ્યા છે; એઓ આવશે. ઠીક છે. મહાદેવ નાગર વાત મૂકશે. સૌ હા પાડશે. સેનાપતિ કેશવ તૈયાર રહેશે. ત્રિલોચનપાલ પ્રતિસ્પર્ધીને દાબી દેશે. બર્બરક નજર રાખશે. મેં તો આમાંથી આ સાર કાઢ્યો. પણ હવે તમારું આંહીંનું શું થયું તે કહો જોઈએ! સાધુ ક્યાં છે? વાતમાં કાંઈ સાર હતો કે મફતની ઉપાધિ જેવું? પત્તો હવે જો ન મળે – તો આપણે નાહી નાખવાનું છે.’

‘પણ પત્તો લાગ્યો હોય તો?’

‘હેં!’ ઉદયન જરાક બેઠા જેવો થઇ ગયો. ‘મળ્યો છે? આંહીં પાસે આવો કાકભટ્ટજી! ભીંતને પણ કાન છે. શું મળ્યો? કેમ મેળવ્યો?’ ઉદયને અવાજ ધીમો કરી નાખ્યો, ‘ક્યાં છે કુમારપાલજી!’

કાકભટ્ટે ધીમેથી કહ્યું: ‘પશ્ચિમ દિશા તરફ જતાં એક વડવાળી પ્રપા આવે છે ત્યાં.’

‘કોણે – પેલા સાધુએ કહ્યું? પણ ત્રિલોચનપાલને સાધુનો તો પત્તો પાગ્યો નથી નાં!’

‘ના-ના, સાધુનો પત્તો શું લાગે? એ તો સહીસલામત બેઠો છે. પણ હવે જ પળેપળ કિંમતી છે, પ્રભુ! એકએક પળ જાય છે ને કુમારપાલજી સપડાવાનો ભય વધે છે.’

‘ત્યાં કોણ – મલ્હારભટ્ટ જવાનો છે?’

કાક ચમકી ગયો. ઉદયન પાસસે આ વાત ક્યાંથી આવી એની એણે સમજણ પડી નહિ. 

‘હા.’

‘ત્યારે આ સાધુની વાત સાચી છે. પરમાર પણ એવું જ કાંઈક બોલી ગયા. વડવાળી પ્રપાએ રાત રહ્યા હતા. મલ્હારભટ્ટ ત્યાં ત્રિલોચનપાલ પાસે ઊભો રહ્યો, ત્યારે જ મને શંકા પડી હતી.’

‘આપણે માણસ પચાસ તૈયાર કરીએ.’

‘કેમ? લડવા જવું છે? મલ્હારભટ્ટ ક્યાર-સોરો ઊપડશે?’

‘સાંજ પહેલાં. કદાચ રાત પડ્યે એ પ્રપાને ચોક્કસ ઘેરી લેવાનો. આપણે તે પહેલાં કાંઈક તો કરી નાખવું જોઈએ.’

‘સાધુને ક્યાં રાખ્યો છે?’

‘નીલમણિને ત્યાં!’

‘નીલમણિને ત્યાં? હા.... આ....’ ઉદયન જરાક વિચારમાં પડી ગયો. કાકભટ્ટે સ્થાન તો બરાબર ગોઠવ્યું હતું. એમાં ના નહિ. ત્યાં તો કાક બોલ્યો: ‘એ કૃષ્ણદેવજીના મહાલય પાસે; વળી એની પ્રીતિપાત્ર; પ્રેમલદેવી બા આ નીલમણિની સેવા કરે એટલો બધો કાબૂ કૃષ્ણદેવજી ઉપર હમણાંમાં વધ્યો છે, એટલે કીધું, આ ઠીક છે. વાત જાય તો નહિ. આપણે ત્યાં તો ત્રિલોચનપાલજીને ખૂણેખૂણો ફરીફરીને બતાવ્યો.’

‘ચાલો તો, કાકભટ્ટ! તમે આગળ થાઓ – હું તમારી પછવાડે જ આવી રહ્યો છું. વાડાનું બારણું ઉઘડાવો. ત્યાંથી જઈએ તો કોઈની નજર નહિ પડે.’

કાકભટ્ટ આગળ વધ્યો. વિચાર કરતો એની પાછળ મંત્રીશ્વર ચાલ્યો. કૃષ્ણદેવજીની આ પ્રિયતમાને મોટી કર્યા વિના બીજો ઉપાય પણ ન હતો.