લીલુડી ધરતી - સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લીલુડી ધરતી - સમીક્ષા

પુસ્તકનું નામ:- લીલુડી ધરતી

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'લીલુડી ધરતી'ના લેખક ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ના રોજ ધોરાજી ખાતે થયો હતો. તેમના ઉપનામો અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચિ વગેરે છે. તેઓ ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. ૧૯૩૯ માં તેમણે મૅટ્રિક પાસ કર્યું અને ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ની પદવી મેળવી. ૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં તેમણે કાર્ય કર્યું. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ કર્યો. ૧૯૬૨માં 'યુસીસ' થી નિવૃત્ત થયા. ૧૯૬૬ થી 'રુચિ' સાહિત્યિક સામયિકનું પ્રકાશન શરૂ કર્યું. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. 'પાવકજવાળા', 'વ્યાજનો વારસ', 'ઈંધણ ઓછાં પડ્યાં', 'વેળા વેળાની છાંયડી', 'લીલુડી ધરતી'- ભા. ૧-૨, 'પ્રીતવછોયાં', 'શેવાળનાં શતદલ', 'કુમકુમ અને આશકા', 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨, 'ગ્રહાષ્ટક વત્તા એક', 'ઇન્દ્રધનુનો આઠમો રંગ', 'ધધરાના સાળાનો સાળો', 'આલા ધાધલનું ઝીંઝાવદર' વગેરે એમની નવલકથાઓ છે. 'ઘૂઘવતાં પૂર', 'શરણાઈના સૂર', 'ગામડું બોલે છે', 'પદ્મજા', 'ચંપો અને કેળ', 'તેજ અને તિમિર', 'રૂપ-અરૂપ', 'અંતઃસ્ત્રોતા', 'જેકબ સર્કલ સાત રસ્તા', 'ક્ષણાર્ધ', 'ક્ષત-વિક્ષત' એ એમના નવલિકાસંગ્રહો છે. 'હું અને મારી વહુ', 'રંગદા', 'વિષયવિમોચન', 'રક્તતિલક', 'શૂન્યશેષ', 'રામલો રોબિહનહૂડ' વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. 'સૉનેટ' એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. એમનાં સંપાદનોમાં 'મડિયાની હાસ્યકથાઓ', 'મડિયાની ગ્રામકથાઓ', 'મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ', 'શ્રેષ્ઠ એકાંકીઓ', 'નટીશૂન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને 'ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં' એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો 'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ' અને 'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે. પત્રકારત્વની નીપજ રૂપે તેમજ ટૂંકી વાર્તા, નાટક અને અન્ય સાહિત્યિક મુદ્દાઓને અનુલક્ષીને મડિયાએ ‘નાટક ભજવતાં પહેલાં’ , ‘વાર્તાવિમર્શ’, ‘ગ્રંથગરિમા’, ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’, ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’, ‘કથાલોક’ જેવા વિવેચનગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃતિ’ સામયિકમાં પ્રગટ થયેલા નિબંધોનો સંગ્રહ ‘ચોપાટીને બાંકડેથી’ (1959) મળે છે. એમના ચૂંટેલા નિબંધો 1999માં ‘મડિયાના પ્રતિનિધિ નિબંધો’નામે પ્રકાશિત થયા છે. 2001માં અમિતાભ મડિયાએ મડિયાના અગ્રંથસ્થ વિવેચનાત્મક લેખો અને નિબંધોને ‘ચંદ અલ્ફાઝ’ અને ‘છીંડું ખોળતાં’ પુસ્તકો દ્વારા સંપાદિત કર્યા છે. મડિયા પાસેથી ‘ગાંધીજીના ગુરુઓ’ અને ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ જેવી પુસ્તિકાઓ ઉપરાંત ‘જય ગિરનાર’ જેવી પ્રવાસકથા પણ મળી છે. તેમણે અનુવાદ તથા સંપાદન-ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. મડિયાની કેટલીક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના મરાઠી, તમિળ, હિંદી, અંગ્રેજી, ઇટાલિયન અને મલયાલમ ભાષાઓમાં અનુવાદ થયા છે. મડિયાના કથાસાહિત્ય પરથી ફિલ્મો બનાવવામાં આવી છે. ‘વેળાવેળાની છાંયડી’, ‘અંત:સ્રોતા’, ‘લીલુડી ધરતી’, ‘અભુ મકરાણી’ અને ‘પાવક જ્વાળા’ પરથી અનુક્રમે ‘સમય બડા બલવાન’, ‘મારી હેલ ઉતારો રાજ’, ‘લીલુડી ધરતી’, ‘મિર્ચ મસાલા’ અને ‘પાવક જ્વાળા’ ફિલ્મો બનાવવામાં આવી છે. 1951માં  મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા. 1957માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : લીલુડી ધરતી (ભાગ ૧-૨)

લેખક : ચુનીલાલ મડિયા

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 450 ₹.

પૃષ્ઠ સંખ્યા : 524

 

બાહ્ય મૂલ્યાંકન:-

આ પુસ્તકના મુખપૃષ્ઠ પર ત્રણ સ્ત્રી આકૃતિઓ અને કાંખમાં બાળકોના ચિત્ર મુદ્રિત છે. બેક કવર પર ચુનીલાલ મડિયાનો ફોટો અંકિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. દરેક ભાગનું કદ મધ્યમ છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

આ નવલકથા વિચિત્ર સંજોગોમાં ફસાયેલી અને મૂંઝાયેલી સંતુ નામની સ્ત્રીનું જીવન અને તેની દયનીય સ્થિતિનું વર્ણન કરે છે. વાર્તા ગિરનાર પર્વત નજીક ગુંદાસર નજીકના અંતરિયાળ ગામમાં ગોઠવવામાં આવી છે. મુખ્ય વાર્તા હાદા પટેલના ખેડૂત પરિવારની આસપાસ ફરતી હોવા છતાં, તેમાં અન્ય સહાયક પાત્રોની નાના વાર્તાઓ શામેલ છે, જેમાં ખાસ કરીને ગામડાના જીવનનું ચિત્રણ આપવામાં આવ્યું છે. વિસ્તૃત નકારાત્મક પાત્રો અને તેમની નકારાત્મકતા નવલકથાનું એક પાસું છે. હાદા પટેલને ત્રણ પુત્રો છે. મોટો પુત્ર ગામ છોડીને સાધુ બન્યો છે, બીજો અમુક રોગને કારણે મૃત્યુ પામ્યો છે અને છેલ્લો પુત્ર ગોબર અને તેની પરણેતર સંતુ સાથે વાર્તા શરૂ થાય છે. આ વાર્તા સગર્ભા સંતુના સંઘર્ષને દર્શાવતી આગળ વધે છે જેને તેના પતિની હત્યા માટે દોષી માનવામાં આવે છે.

 

શીર્ષક:-

નવકથાનું શીર્ષક તેના મુખ્ય પાત્ર સંતુની પ્રકૃતિ પર આધારિત છે. તેથી યોગ્ય જણાય છે.

 

પાત્રરચના:-

અહીં મુખ્ય પાત્ર ગોબર અને સંતુ છે. ગૌણ પાત્રો તરીકે માંડણ, રઘો, ઝમકુ, સમજુબા, ગિરિજાપ્રસાદ, શાદુળભા, દલસુખ, ગિધો, હાદા પટેલ વગેરે દર્શાવાયા છે. દરેક પાત્રોનું ચરિત્ર ચિત્રણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.

 

સંવાદો/વર્ણન:-

આ નવલકથામાં સૌરાષ્ટ્ર ક્ષેત્રની સ્થાનિક બોલીઓને સાહિત્યિક રૂપે લેખકે સમાવિષ્ટ કરી છે કારણ કે તેઓ જે ક્ષેત્રના વતની હતા તેવા જ ભોગોલિક ક્ષેત્રમાં આ નવલકથા નિર્ધારિત કરેલી છે. તેમના વર્ણનો સ્વદેશી અને જોશથી ભરેલા લાગે છે. નવલકથામાં ભીમ અગીયારસનો પ્રદેશ વિશિષ્ટ ઉત્સવ અને નાળિયેર ફેંકવાની રમત વર્ણવવામાં આવી છે.

કેટલાક સંવાદો એ સમયની સ્થિતિ સાથે કરૂણતા ઉપજાવી જાય છે.

‘મેં તો પારકાને પંડ્યનો કર્યો, પણ હું તો નસીબની જ આગળિયાત, તી દીકરો અરઘ્યો જ નંઈ !’

‘હું તો બાળોતિયાંની બળેલ... હવે લાકડામાં ય નંઈ ઠરું !’

‘મેં તો સોનું ભણીને સાટવ્યું પણ કરમે, નીકળ્યું કથીર...’

‘આવી તો હવે વધાવો. કળશો કરો. ને થવા દિયો પનોતીનાં પોંખણાં. છૂટકો છે કાંઈ ?’

 

 

લેખનશૈલી:-

પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

લીલુડી ધરતીને સૌ પ્રથમવાર ૧૫ નવેમ્બર ૧૯૫૬ થી ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી ગુજરાતી વર્તમાનપત્ર જન્મભૂમિમાં સાપ્તાહિક ધારાવાહિક તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જન્મભૂમિના સંપાદક સોપનના આગ્રહ પર ચુનીલાલ મડિયાએ આ નવલકથા લખી હતી. પુસ્તકની પ્રસ્તાવનામાં, લેખકે ઉલ્લેખ કર્યો છે કે તેઓ ચાર કે પાંચ મહિનામાં આ ધારાવાહિક પૂર્ણ કરશે તેવી અપેક્ષા રાખતા હતા, પરંતુ આ ધારાવાહિક વધુ સમય ચાલી.

ભગવાનભાઈ એચ ચૌધરી તેમના લેખ - "ચુનિલાલ મડિયાની લીલુડી ધરતી: સૌરાષ્ટ્ર ક્ષેત્રનું જીવન વર્ણન"માં ઉલ્લેખ કરે છે કે: "ચુનીલાલ મડિયા વિવિધ ભાગો ધરાવતી નવલકથાઓ ધરાવતી શ્રેણી (ક્રોનિકલ) રચવા માંગતા હતા પણ તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા કેમકે આ નવલકથાના પાત્રો સાર્વત્રિક જીવનની પરિવર્તનશીલ પ્રકૃતિના બદલાવને સ્પષ્ટ પણે દર્શાવતા નથી. જો કે સમાજ અથવા ભાગ્યને કેન્દ્રિય તત્વો બતાવવામાં આવ્યા છે જે આખા માનવ જીવનનું સંચાલન કરે છે, તેથી નવલકથાને ક્રોનિકલ તરીકે ઓળખાતા પ્રકારનું અસ્પષ્ટ સ્વરૂપ દર્શાવે છે. વિવેચક નલિન રાવલ તેને સમય-પ્રભુત્વ ધારાવતી અથવા કાલખંડની નવલકથા માને છે."

વિવેચક દિલાવરસિંહ જાડેજાના મતે "ગ્રામીણ જીવનની એકદમ વાસ્તવિકતાનું સાચું ચિત્ર અને તેના તરફ આપવામાં આવત ભારને ગુજરાતી નવલકથાકારોમાં મડિયાની વિશેષતા માનવી જોઈએ."

 

મુખવાસ:-

પ્રેમ, ક્રોધ, આવેશ, રહસ્યથી ભરેલી સ્ત્રી સંઘર્ષની કથા એટલે 'લીલુડી ધરતી'.